સંશય, અનિર્ણાયકતા, અવઢવ...ટુ બી ઑર નૉટ ટુ બી

30 August, 2020 07:42 PM IST  |  Mumbai | Kana Bantwa

સંશય, અનિર્ણાયકતા, અવઢવ...ટુ બી ઑર નૉટ ટુ બી

પ્રતીકાત્મક તસવીર

સોરેન કીર્કગાર્ડ નામનો એક અદ્ભુત વિચારક ડેન્માર્કમાં થઈ ગયો. ફિલોસૉફીમાં કીર્કગાર્ડને હજી પણ મા‍ઇલસ્ટોન માનવો પડે એવું ગજબનું દર્શન તેણે આપ્યું છે. અસ્તિત્વવાદનો પિતા કહેવાય છે કીકગાર્ડ. એક વાર્તા છે. તેને એક યુવતી ગમતી. તેના પ્રત્યે પ્રેમ હતો. યુવતીને પણ તે પસંદ તો હતો જ, પણ કીર્કગાર્ડ નક્કી નહોતો કરી શકતો કે આ યુવતી સાથે જિંદગી વિતાવી શકાશે કે નહીં. ક્યારેક તેને લાગતું કે આ યુવતી મારા માટે સર્વથા લાયક છે. ક્યારેક તેને લાગતું કે આની સાથે જીવન આનંદથી વીતશે ખરું? તેનું મન સંશયથી સદા ભરેલું રહેતું.
જો યુવતીને પરણવાનું નક્કી કરતો ત્યારે તો એ યુવતી તરફ તેનું મન તેની વિરુદ્ધ ખેંચતું. જો છોડી દેવાનું નક્કી કરે તો યુવતી તરફ તેનું મન તેને ખેંચતું. વર્ષો સુધી તે નક્કી ન કરી શક્યો કે એ યુવતી સાથે લગ્ન કરવાં કે નહીં. એ યુવતીને મળવાનું પણ તે ક્યારેક ટાળતો, કારણ કે લગ્નનો પ્રશ્ન કરે તો શું જવાબ આપવો? રેજીન ઓલ્સેન નામની યુવતીને કીર્કગાર્ડ ખરેખર ચાહતો હતો, પણ નિર્ણય કરી શકતો નહોતો. તેણે પોતાના પિતાની સલાહ પણ લીધી. પિતા ઊનના મોટા વેપારી હતા. જમાનો જોયો હતો. તેમણે પોતાની રીતે સલાહ આપી. રેજીન સાથે કીર્કગાર્ડની સગાઈ પણ થઈ ગઈ છતાં હજી તેના મનમાંથી એ સંશય જતો નહોતો કે તે સારો પતિ બની શકશે કે નહીં? રેજીન સારી પત્ની બની શકશે કે નહીં? અંતે કીર્કગાર્ડે સગાઈ તોડી નાખી. તેને થયું કે મારી એટલીબધી કાળજી કોઈ રાખી શકે કે નહીં એની મને ખાતરી નથી. મારું તો જીવન બગડશે જ, રેજીનનું પણ જીવન મારે લીધે બગડશે. ખ્રિસ્તી ફિલોસૉફીથી ઓતપ્રોત કીર્કગાર્ડનો કેડો સંશયે ક્યારેય ન મૂક્યો. આગળ વાર્તા એવી જોડી દેવામાં આવી છે કે સગાઈ તૂટ્યા પછી પણ કીર્કગાર્ડ નક્કી નહોતો કરી શકતો કે પોતે લીધેલો નિર્ણય સાચો છે કે ખોટો. એટલે એક દિવસ તે દોડતો-દોડતો રેજીનના ઘરે પહોંચ્યો ત્યારે જાણ થઈ કે રેજીનનાં તો અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન થઈ ગયાં છે. આ જોડી દેવાયેલી વધારાની વાર્તામાં પ્રમાણભૂતતા કેટલી છે એ તપાસનો વિષય છે, પણ કીર્કગાર્ડની જે ફિલોસૉફી ડેવલપ થઈ એમાં રેજીન સાથેના તેના સંબંધવિચ્છેદનો મોટો ફાળો છે.
સોરેન કીર્કગાર્ડે એક પુસ્તક લખ્યું છે એટન-એલેર.’ એનો અંગ્રેજી અનુવાદ થયો છે આઇધર-ઑર. આ બાજુ જવું કે પેલી બાજુ જવું. કરવું કે ન કરવું. ટુ બી ઑર નૉટ ટુ બી જેવો દ્વંદ્વ. અર્જુન જેવા દ્વંદ્વમાં હતો એવો ડાઇલિમા. અવઢવ. કઈ તરફ જવું, કયો માર્ગ અપનાવવો એ વિમાસણ માનવીને હંમેશાં નડતી રહે છે. સંશય હંમેશાં ઘડીક આ બાજુ અને ઘડીક પેલી બાજુ ખેંચતો રહે છે. જ્યારે નક્કી કરવાનો સમય આવે, નિર્ણાયક બનવાનો સમય આવે ત્યારે ભલભલાનું પાણી મપાઈ જાય છે. ભગવદ્ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું છે...
અજ્ઞ ચ અશ્રદ્ધાન ચ સંશયાત્મા વિનશ્યતિ
નાયં લોકો અસ્તિ ન પરો ન સુખં સંશયાત્મન્
અજ્ઞાની, અશ્રદ્ધાળુ અને સંશયયુક્ત માણસનો નાશ થાય છે. સંશયાત્માને તો આ લોક, પરલોક કે સુખ પણ મળતું નથી. આની પહેલાંના શ્લોકમાં કૃષ્ણ કહે છે, ‘શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ્.’ અને એ પછીના શ્લોકમાં કહે છે કે ‘જ્ઞાનથી જેના સંશયો છેડાઈ ગયા છે તેઓ શ્રદ્ધાવાન જ્ઞાન મેળવે છે અને જ્ઞાનથી સંશય છેદાઈ જાય છે’ એવું કૃષ્ણ કહે છે. અર્થાત્ જો સમજી લેવામાં આવે તો શંકા નિર્મૂળ થઈ જાય છે. શંકાને, સંશયને, અવઢવને, અનિર્ણાયકતાને દૂર કેમ કરવી એનો વિચાર કરતાં પહેલાં સંશયને સમજવો પડે. સંશય અને શંકા અને આશંકા સમાનાર્થી શબ્દો લાગતા હોવા છતાં નથી. તમામની અર્થચ્છાયાઓ જુદી છે. સંશયનો અર્થ છે, જે નિર્ણય લઈ રહ્યા છીએ એ સાચો છે કે ખોટો એ નક્કી કરી શકવાની અક્ષમતા. શંકાનો અર્થ કશુંક અનિષ્ટ, ખોટું થવાનો ભય. કાંઈક અજુગતું હોવાનો સંદેહ. શક. અનિષ્ટ કે અણછાજતું કે અજુગતું કલ્પી લેવાનો ભાવ. આશંકા ભવિષ્યમાં કશું થવાનો ડર દર્શાવે છે. બુદ્ધિ હંમેશાં નિર્ણય આપે છે. બુદ્ધિ ઍનૅલિસિસ કરવાની શક્તિ છે. એકથી વધુ પરિસ્થિતિની કલ્પના કરીને, એના સારા કે ખરાબ પરિણામનું આકલન કરીને બુદ્ધિ શું કરવું છે એ નિર્ણય આપે છે. વ્યક્તિગત અનુભવો, પોતે મેળવેલા સંસ્કારો, જ્ઞાન અને બહારથી તેના મનને મળેલા અનુભવો પરથી બુદ્ધિ બને છે. ક્યારેક બુદ્ધિ એટલાબધા વિરોધાભાસી અનુભવો અને વૈવધ્યપૂર્ણ અનુભવોથી ભરચક હોય છે કે કોઈ એક બાજુને સ્પષ્ટ બહુમતી આપી શકતી નથી. તેના વ્યક્તિગત અનુભવ કંઈક અલગ હોય, વાંચ્યું કંઈક અલગ હોય, સાંભળ્યું કંઈક અલગ હોય, સલાહ કંઈક ભળતી જ મળી હોય, અનુભૂતિ સાવ જુદી જ હોય, શ્રેય કંઈ અલગ હોય અને પ્રિય કંઈ બીજું જ લાગે. જગતના મોટા ભાગના લોકો આવા ટુ બી ઑર નૉટ ટુ બીના દ્વંદ્વમાં ઓછાવધતા અંશે અટવાયેલા હોય છે.
જેની પ્રજ્ઞા સ્થિર થવા માંડી હોય, જેનો આત્મવિશ્વાસ દૃઢ હોય, જેને પોતાના પર ભરોસો હોય તે નિર્ણયમાં સ્પષ્ટ હોય છે. જે વિચારમાં એકદમ ક્લિયર હોય તે નિર્ણય લેવામાં ઝડપી હોય છે. અનિર્ણાયકતા, અવઢવ, સંશયની સમસ્યા એ છે કે તે સમય ખાઈ જાય છે. કીર્કગાર્ડે નિર્ણય કર્યો ત્યાં સુધીમાં તો વેળા વીતી ગઈ હતી. સમય વીત્યા પછી કશું હાથ લાગતું નથી. એક-એક કરીને અનિર્ણાયકતા તમારા કલાકો, દિવસો, મહિનાઓ અને વર્ષો ખાઈ જાય છે અને એ તમામ ક્ષણો બેચેનીની, અજંપાની, અસુખની હોય છે. ચિત્ત ચકરાવે ચડ્યા કરે. આપણે કહીએ છીએ કે મન ચગડોળે ચડી જાય છે, મન શાંત રહેતું નથી, પણ હકીકતમાં મન ચકરાવે નથી ચડતું, આપણને ચડાવે છે. એ તો મશીનની જેમ પોતાનું કામ કરતું રહે છે. એને તો સંદેહના તાણાવાણા ગૂંથવામાં મજા આવે છે. મન પેલા જીન જેવું છે, જેને જો તેનો માલિક કશું કામ ન સોંપે તો તે માલિકને જ ખાઈ જાય. મનને તો ખોરાક જ વિચાર છે. એ તો પોતાના અનુભવો, માહિતી, અનુભૂતિને સતત વલોવ્યા કરે છે અને એમાંથી પોતાની સમજ બનાવતું રહે છે. વિવિધ બાજુના તર્ક અને વિતર્ક આપવા એ મનનું કામ છે. ક્યારેક એ કુતર્ક પણ આપે છે. એ પણ મનનું કામ જ છે. એટલે મન અશાંત લાગે ત્યારે તે તો પોતાનું કામ જ કરતું હોય છે. એની પાસે એવી ચિંતાજનક ટાસ્ક આવી ગઈ હોય છે જેનો નિર્ણય પોતે લઈ શકતું નથી. એ મુદ્દાનો અંત ખરાબ પરિણામ લાવનારો હોવાના તારણ પર મન દરેક ઍનૅલિસિસના અંતે પહોંચતું હોય ત્યારે આપણે ચિંતાથી ઘેરાઈ જઈએ છીએ. ચિંતા હોય ત્યારે મન બહુ જ વિચારે ચડી જાય છે એવું આપણે કહીએ છીએ, પણ મન ઉપાય ખોજવાનું, યોગ્ય રસ્તો નક્કી કરવાનું, નિર્ણય કરવાનું પોતાનું કામ કરતું હોય છે. રસ્તો ન મળે ત્યાં સુધી એ ચિંતા છોડતું નથી. ઉદાહરણ તરીકે હીરાનો કીમતી હાર ક્યાંક ખોવાઈ જાય તો મન સતત એની જ ચિંતા કરશે. એ ક્યાં પડી ગયો હશે, કઈ જગ્યાએ ગયા ત્યારે સરી પડ્યો હશે એવી અનેક શક્યતાઓ વિચારે છે અને સાથે જ એનાં પરિણામો કેવાં આવશે એનું પણ ઍનૅલિસિસ કરતું રહે છે. બધી જ બાજુ પરિણામ ખરાબ જ દેખાય એવી સ્થિતિ ત્યારે હોય છે, પણ હાર મળી જાય એટલે એક ક્ષણમાં જ બધી ચિંતા ઊડી જાય. અર્થાત્ મનને માર્ગની, ઉપાયની આવશ્યકતા હોય છે. સફળ માણસ હંમેશાં નિર્ણાયક હોય છે. એ ગણતરી કરે છે, પણ સમય બગાડતો નથી. સમય જ તેને માટે કમાણી છે.
કોઈ નિર્ણય ક્યારેય સદંતર સાચો કે સદંતર ખોટો નથી હોતો, મૂર્ખાઈ સદંતર ખોટી હોઈ શકે. કૂવાના કાંઠે ઊભેલો માણસ કૂવો જોયા છતાં આગળ ડગલું ભરવાનો નિર્ણય કરે તો તે દૃઢ નિર્ણયશક્તિ નહીં, મૂર્ખાઈ કહેવાય, પણ જો એ જ માણસ અચ્છો તરવૈયો હોય અને કૂવામાં નાહવા પડવાના ઉદ્દેશથી ડગલું ભરે તો એ તેનો નિર્ણય છે. તેના મને આકલન કરી લીધું હોય છે કે કૂવામાં પડવાથી ડૂબી જવાશે નહીં, નાહવાનો આનંદ મળશે. દરેક નિર્ણય પોતાની સાથે પૉઝિટિવ અને નેગેટિવ બાબતોને લઈને જ આવતો હોય છે. જેમાં પૉઝિટિવની ટકાવારી વધુ હોય, પરિણામ સારું આવે એ નિર્ણય સાચો ગણાય અને જેમાં નેગેટિવની ટકાવારી વધુ હોય, પરિણામ ખરાબ આવે એને ખોટો ગણવામાં આવે. સાચો નિર્ણય લેવા માટેની એક જ ગુચાવી છે, નિર્ણય લઈ લેવો. બહુ વિચાર કરીને અનિર્ણાયક રહેવાથી કશું જ મળવાનું નથી. નિર્ણય લઈ લેશો તો કંઈક તો પરિણામ આવશે જ. અને અગાઉ કહ્યું એમ, જો વિચારીને લેવામાં આવે તો સંપૂર્ણ સાચો કે સંપૂર્ણ ખોટો નિર્ણય હોતો જ નથી. કંઈક ખરાબ થશે તો કંઈક સારું પણ થશે. ખરાબ થશે એની ગણતરીઓ માંડ્યા કરીને બેસી રહેવાથી સફળતા કે સુખ મળતું નથી. ખરાબ જ થશે એમ  વિચાર કરવો એ પણ એક નબળાઈ છે. શંકા થવી એ મનુષ્યનો સ્વાભાવિક ગુણ છે. શંકા માણસને અનિષ્ટથી બચાવે છે. કંઈક ખોટું થઈ જશે એવી શંકાથી માણસ વિચારીને ડગલાં ભરે છે. શંકા માણસનું સુરક્ષાચક્ર છે, પણ એ સુરક્ષાચક્ર કેદ બની જાય એ તો પરવડે નહીંને?

kana bantwa columnists weekend guide