જોજો ક્યાંક ફેસ માસ્ક તમને ઍક્નેના શિકાર ન બનાવી દે

09 June, 2020 05:54 PM IST  |  Mumbai | Varsha Chitaliya

જોજો ક્યાંક ફેસ માસ્ક તમને ઍક્નેના શિકાર ન બનાવી દે

બહારના વાતાવરણથી સુરક્ષિત રહેવા માસ્ક પહેરવો અનિવાર્ય છે. એને કોઈ કાળે ચહેરા પરથી હટાવી શકાય એમ નથી. આ બાજુ ત્વચા-નિષ્ણાતોનું કહેવું છે કે માસ્કના કારણે ચહેરા પર ખીલ થવાની શક્યતા વધી જાય છે. વિદેશમાં અનેક લોકો ત્વચાના આ નવા રોગનો સામનો કરી રહ્યા છે ત્યારે એક્સપર્ટ્સ પાસેથી જાણીએ કે માસ્કને શું છે તેમ જ એનાથી બચવા કેવી તકેદારી રાખવી જોઈએ

યુવાનીમાં ઍક્નેની સમસ્યા કૉમન છે. જોકે પ્રદૂષણ, જન્ક ફૂડ અને બદલાતી લાઇફસ્ટાઇલના કારણે ખીલની સમસ્યા હવે કોઈ પણ ઉંમરે સતાવવા લાગી છે. ત્વચા સંબંધિત આ રોગમાં હવે એક નવો શબ્દ સામે આવ્યો છે. છેલ્લા થોડા દિવસથી માસ્કને શબ્દ સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના સંક્રમણથી સુરક્ષિત રહેવા હાલમાં માસ્ક આપણા સૌના જીવનમાં મહત્ત્વની વસ્તુ બની ગયા છે. આ માસ્ક પરથી જ માસ્કને શબ્દનો જન્મ થયો છે.

અમેરિકાના વૉશિંગ્ટન સ્ક્વેર ડર્મેટોલૉજીના ત્વચા-નિષ્ણાતોનું કહેવું છે કે ૨૦૨૦ના વર્ષમાં માસ્કને ત્વચાનો સૌથી સામાન્ય રોગ બની જશે. માસ્ક પહેર્યા વગર બહાર નીકળવું જોખમી હોવાથી હવે સૌએ કોરોના ઉપરાંત ત્વચાના નવા રોગ સાથે પણ લડવું પડશે. છેલ્લા ચારેક મહિનાથી સતત માસ્ક પહેરી રાખવાના કારણે વિદેશમાં અનેક લોકો માસ્કનેની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ભારતમાં માસ્કને વિશે ખાસ સાંભળવા મળ્યું નથી. અત્યારે મોટા ભાગના લોકો ઘરમાં કેદ હોવાથી આખો દિવસ માસ્ક પહેરી રાખતા નથી, પરંતુ લૉકડાઉન ખૂલ્યા બાદ છ મહિના સુધી ફરજિયાતપણે માસ્ક પહેરીને બહાર નીકળવાની નિષ્ણાતોએ ભલામણ કરી છે ત્યારે ત્વચા પર એની આડઅસર તેમ જ ઉપાયો સંદર્ભે એક્સપર્ટ્સ સાથે વાત કરીએ.

માસ્કથી ઍક્ને થાય?

ભારતમાં કોરોનાની એન્ટ્રી માર્ચ મહિનામાં થઈ છે અને હજી લૉકડાઉનને સંપૂર્ણપણે ઉઠાવી લેવામાં આવ્યું નથી. અત્યારે મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, પોલીસ તેમ જ અન્ય જીવનાવશ્યક વસ્તુઓની સેવા સાથે જોડાયેલા લોકો સિવાય કોઈ આખો દિવસ માસ્ક પહેરી રાખતું નથી. આ લોકોમાંથી કોઈને માસ્ક પહેરી રાખવાથી ત્વચા સંબંધિત સમસ્યા ઊભી થઈ હોય એવા કેસ સામે આવ્યા નથી એમ જણાવતાં ડર્મેટોલૉજિસ્ટ રિન્કી કપૂર કહે છે, ‘દેશની મોટા ભાગની જનતા શાકભાજી કે ઘરનો અન્ય સામાન લેવા નીચે ઊતરે એટલા સમય પૂરતું માસ્ક પહેરે છે. ઘરમાં માસ્ક પહેરવાની જરૂર ન હોવાથી કોઈ કેસ-સ્ટડી સામે આવ્યા નથી. જોકે અત્યારે તો વેબિનાર મારફત સ્કિન કૅર વિશે જાણકારી આપવામાં આવે છે. કોઈ પણ પ્રકારની સારવાર માટે ક્લિનિક ખૂલ્યાં નથી. લૉકડાઉન ખૂલ્યા બાદ પેશન્ટ આવવા લાગશે પછી ક્લિયર પિક્ચર સામે આવશે.’

ચહેરા પર ખીલ થયા છે એનું કારણ માસ્ક છે એવી કઈ રીતે ખબર પડે? લક્ષણો વિશે માહિતી આપતાં રિન્કી કપૂર કહે છે, ‘ટીનેજ અને યુવાવસ્થામાં ઍક્ને થવાનું કારણ હૉર્મોનલ ચેન્જિસ હોય છે. યંગ એજમાં સ્કિનમાં ઑઇલનું પ્રમાણ ઘણું વધારે હોવાથી ખીલ થાય છે. આ ખીલ દેખાવમાં મોટા અને લાલ હોય છે. એની અંદર પસ હોવાથી હાથ લગાવવાથી સહેજ દુખાવો થાય છે. યુવાવસ્થામાં કપાળ, ગાલ, હડપચી  એમ આખા ચહેરા પર ખીલ થાય છે. કેટલાક કેસમાં ગળા અને આર્મ્સમાં પણ થાય છે. યુવાનીમાં થતા ખીલ ત્વચાનો રોગ છે જે લાંબા સમય સુધી રહે છે. એમાં સારવાર કરાવવી જરૂરી છે, જ્યારે માસ્કને જુદી સમસ્યા છે. માસ્ક પહેરવાથી થતા ખીલ દેખાવમાં નાના હોય છે. લક્ષણોને તમે સેલ્ફ-એક્ઝામિન કરી શકો છો. ચહેરા પર ખીલનું લોકેશન, એની સાઇઝ, ટાઇમ પિરિયડ, પેઇનફુલ છે કે નહીં વગેરેની તપાસ કરો. ચહેરા પર બીજે ક્યાંય નહીં ને માત્ર મોઢાની આસપાસના વિસ્તારમાં થોડા સમયથી નાના દાણા જેવા દેખાતા ખીલ માસ્કને છે.’

માસ્કને થવા એ કોઈ ત્વચા સંબંધિત ગંભીર રોગનાં લક્ષણો નથી એવો અભિપ્રાય આપતાં સ્કિન કૅર એક્સપર્ટ રુક્ષ્મણી ઠક્કર કહે છે, ‘આ કોઈ એક્સટ્રીમ સમસ્યા નથી. માસ્ક પહેરવાથી ઑક્સિજન સપ્લાયમાં બાધા આવે અને સફોકેશન ફીલ થાય. માસ્કથી ત્વચાને શ્વાસ લેવામાં અવરોધ ઊભો થાય છે.

કાપડથી ત્વચા ઘસાય પરિણામે આસપાસની ત્વચા પર વાઇટ કલરના નાના બમ્પ્સ ડેવલપ થાય છે. ઘણા લોકોને કંટાળો આવે એટલે માસ્કને વારેઘડીએ ગળામાં લટકાવી દેતા હોય છે. વારંવાર પહેરવા-ઉતારવાથી ત્વચાનાં ખુલ્લાં છિદ્રો મારફત બૅક્ટેરિયાને અંદર પ્રવેશવાની અને પ્રસરવાની તક મળે છે. કેટલાક કેસમાં સતત માસ્ક પહેરી રાખવાથી ત્વચા પર બળતરા થાય છે. એમાંથી ચહેરા પર નાની ફોલ્લી જેવા દાણા નીકળે છે. એને જ માસ્કને નામ આપવામાં આવ્યું છે. ચહેરા પર થતા ઍક્ને, પિગમેન્ટેશન અને અન્ય સમસ્યા ટોટલી જુદી ટ્રીટમેન્ટ છે. માસ્કનેનાં લક્ષણો લાંબા સમય સુધી દેખાવાનાં નથી. જોકે પહેલેથી જેમને ખીલની તકલીફ છે એવી વ્યક્તિએ વધુ ધ્યાન રાખવું જોઈએ. બે પ્રકારની સમસ્યા ભેગી ન થવી જોઈએ.’

ઉપાય શું?

ત્વચાની કાળજી એ જ બેસ્ટ ઉપચાર છે એમ જણાવતાં રુક્ષ્મણી ઠક્કર કહે છે, ‘અત્યારે અમે જોઈએ છીએ કે સૅલોં અને બ્યુટી-પાર્લર બંધ હોવાથી ઘણા લોકો રૂટીન સ્કિન કૅરને નજરઅંદાજ કરી રહ્યા છે. ઘરમાં રહેવું છે, કોને બતાવવાનું છે જેવા વિચારો મનમાંથી કાઢી પહેલાંની જેમ જ ત્વચાની નિયમિત સંભાળ લેવાનું ચાલુ રાખો. વાઇરસ તો દુનિયામાં રહેવાનો છે. કોરોના નહીં તો બીજા જીવાણુ અને બૅક્ટેરિયાનું અસ્તિત્વ રહેશે. પ્રદૂષણ પણ ફરી વધવાનું છે. તેથી રૂટીન સ્કિન કૅરની ટેવને મેઇન્ટેન કરો. ત્વચા શ્વાસ લઈ શકે એ માટે જરૂર જણાય ત્યારે જ માસ્ક પહેરો. માસ્ક પહેરતી વખતે સ્કિન બૅરિયર હોવું જોઈએ. તમારી ત્વચા અને માસ્ક વચ્ચેનું આવરણ માસ્કનેથી સુરક્ષિત રાખવામાં હેલ્પ કરશે. માસ્ક પહેરતાં પહેલાં ચહેરા પર એસપીએફ (સનસ્ક્રીન) અથવા મૉઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાવવું. સ્કિન એક્સફ્લોઇએશન માટે અઠવાડિયે બે વાર ક્લેન્ઝિંગ અને સ્ક્રબિંગથી ત્વચાની ગંદકી સાફ કરો. શક્ય હોય તો ડિસ્પોઝેબલ માસ્ક વાપરો. ત્વચાને જીવંત રાખવા પાણી સૌથી મહત્ત્વનું છે. હમણાં વાદળિયું વાતાવરણ છે ત્યારે પાણીનું પ્રમાણ ઘટવું ન જોઈએ. સ્કિનને હાઇડ્રેટ રાખવાથી ઘણાબધા પ્રૉબ્લેમ્સ સૉલ્વ થઈ જાય છે.’

માસ્કને માટે કોઈ દવા કે મેડિકેશનની આવશ્યકતા નથી. એનો ઉપાય છે કાળજી અને હાઇજીન. રિન્કી કપૂર કહે છે, ‘ઘણા લોકો ભયના કારણે ઘરમાં પણ માસ્ક પહેરી રાખે છે. આમ કરવાથી સ્કિનને બ્રીધ કરવા મળતું નથી. આખો દિવસ મોઢું અને નાક કવર કરી રાખવાથી એની આસપાસની ત્વચા મૃતઃપાય થઈ જાય. યંગ જનરેશને લૉકડાઉન ખૂલ્યા બાદ સ્કિનની વધારે સંભાળ લેવી પડશે, કારણ કે તેમની સ્કિન ઑઇલી હોય છે. લૉકડાઉન ખૂલ્યા બાદ તેમની મૂવમેન્ટ વધુ રહેવાની છે. પૉલ્યુશનનો સામનો યંગ સ્કિનને વધુ કરવાનો છે. જેમ-જેમ ઉંમર વધે છે ત્વચા શુષ્ક થઈ જાય છે તેથી તેમને માસ્કનેની ચિંતા સતાવવાની નથી. ઑઇલી સ્કિન ધરાવતી વ્યક્તિએ માસ્કનેથી બચવા ઍન્ટિ-ઍક્ને ફેસવૉશથી દિવસમાં બે વાર ચહેરો ધોવો જોઈએ. માસ્ક પહેરતાં પહેલાં ક્રીમ લગાવવું. જો ફાયદો ન થાય તો માસ્કનું મટીરિયલ ચેન્જ કરી જોવું. સંવેદનશીલ ત્વચા ધરાવતી વ્યક્તિને ફૅબ્રિકના લીધે ઇરિટેશન થઈ શકે છે. માસ્કનેથી બચવાનો ઉપાય તકેદારી છે. માસ્ક પહેરવાથી થતા સ્ટ્રેચ માર્ક, ઍક્ને અથવા ત્વચા સંબંધિત કોઈ પણ સમસ્યાનો ઉપાય શક્ય છે. તમામ તકેદારી બાદ પણ જો સામાન્ય તકલીફ જણાય તો ચલાવી લેવું, પણ માસ્ક દૂર ન કરવો. અત્યારે બહારનું વાતાવરણ સલામત નથી ત્યારે માસ્ક પહેરવા સહિત તમામ સૂચનોનું પાલન ફરજિયાતપણે કરવું.’

માસ્ક પહેરવાથી ઑક્સિજન સપ્લાયમાં બાધા આવે. કાપડથી ત્વચા ઘસાવાથી આસપાસના એરિયામાં વાઇટ કલરના નાના બમ્પ્સ ડેવલપ થાય છે. જોકે માસ્કને ટેમ્પરરી સમસ્યા છે. એનાથી ત્વચાને સુરક્ષિત રાખવા માસ્ક પહેરતાં પહેલાં સનસ્ક્રીન અથવા મૉઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાવવું. સૅલોં અને બ્યુટી-પાર્લર ખૂલે નહીં ત્યાં સુધી ક્લેન્ઝિંગ અને સ્ક્રબિંગ જેવી રૂટીન સ્કિન કૅર ચાલુ રાખવી. ત્વચાને જીવંત રાખવા પાણી સૌથી મહત્ત્વનું છે. સ્કિનને હાઇડ્રેટેડ રાખવાથી ઘણાબધા પ્રૉબ્લેમ્સ સૉલ્વ થઈ જાય છે

- રુક્ષ્મણી ઠક્કર, સ્કિન કૅર એક્સપર્ટ

યુવાવસ્થામાં થતા ખીલ દેખાવમાં મોટા અને લાલ હોય છે. એની અંદર પસ હોવાથી હાથ લગાવવાથી દુખાવો થાય છે. જ્યારે માસ્ક પહેરવાથી થતા ખીલ દેખાવમાં નાના હોય છે. ચહેરા પર ખીલનું લોકેશન, એની સાઇઝ, ટાઇમ પિરિયડ, પેઇનફુલ છે કે નહીં વગેરે લક્ષણોનું સેલ્ફ- એક્ઝામિન કરી શકો છો. ચહેરા પર બીજે ક્યાંય નહીં ને માત્ર મોઢાની આસપાસ નાના દાણા જેવા દેખાતા ઍક્નેનો ઉપાય હાઇજીન અને ત્વચાની સંભાળ છે. એ માટે મેડિકેશનની જરૂર નથી

- રિન્કી કપૂર, ડર્મેટોલૉજિસ્ટ

1. કાપડના માસ્ક વાપરતા હો તો માસ્કના ફૅબ્રિક અને ઇલૅસ્ટિકથી ખંજવાળ આવતી હોય કે ઍલર્જી થાય તો બદલી નાખો.

2. કાપડનો માસ્ક રોજ ધોવો જોઈએ.

3. સર્જિકલ માસ્ક પહેરતા હો તો એને ઉતાર્યા બાદ સૂકવવા દો. ભેજના કારણે માસ્કને થવાની શક્યતા વધી જાય છે.

4. માસ્કને ગમે ત્યાં ન મૂકો. ધૂળ અને માટીના કારણે પણ માસ્કને થાય છે.

5. લાંબા સમય સુધી માસ્કને પહેરી ન રાખવો પડે એવો ઉપાય શોધી કાઢો જેથી ત્વચા શ્વાસ લઈ શકે.

6. રાતે સૂતાં પહેલાં કોઈ પણ ક્રીમ અથવા વૅસલિન વડે ત્વચા પર હળવે હાથે મસાજ કરવાથી બ્લડ-સર્ક્યુલેશન વધશે તેમ જ ત્વચાની બળતરા ઓછી થશે.

7. માસ્કને હાથ લગાવતાં પહેલાં હાથ સ્વચ્છ કરી લો.

8.હોઠની આસપાસની ત્વચા ફાટી ગઈ હોય તો એનો ઉપાય કરો જેથી કાપડ ઘસાય નહીં.

columnists Varsha Chitaliya coronavirus covid19 lockdown