સ્વીકારીએ ટેક્નૉલૉજી: મોબાઇલ અને લૅપટૉપ અનિવાર્ય છે એ જરાય ભુલાય નહીં

03 January, 2021 10:24 AM IST  |  Mumbai | Manoj Joshi

સ્વીકારીએ ટેક્નૉલૉજી: મોબાઇલ અને લૅપટૉપ અનિવાર્ય છે એ જરાય ભુલાય નહીં

પ્રતીકાત્મક તસવીર

વર્ક ફ્રૉમ હોમ.

આજે પણ આ જ ફૉર્મેટ પર કૉર્પોરેટ્સ કામ કરી રહ્યાં છે. સોની ગ્રુપ આખું હજી પણ ઘરેથી જ કામ કરે છે અને કલર્સ ચૅનલની તમામ ચૅનલો પણ હજી ઘરેથી જ ઑપેરટ થાય છે. આવું જ અન્ય કૉર્પોરેટ્સનું છે અને એટલે જ આ વર્ષનું બીજું રેઝોલ્યુશન એ છે કે ટેક્નૉલૉજીને સ્વીકારવાની છે અને એ અનિવાર્ય છે એ મનમાં ભરી લેવાનું છે. એક સમય હતો કે લૅપટૉપ અને મોબાઇલ માત્ર ટાઇમપાસ માટે વાપરવામાં આવતાં એવું એકધારું માનવામાં આવતું અને મોટા ભાગના કિસ્સામાં એ સાચું હતું, પણ લૉકડાઉન દરમ્યાન આ જ ગૅજેટ્સે નવી જ દિશા ખોલીને કામને સરળ કરવાનો રસ્તો ચીંધી દીધો. નવા વર્ષે એક વાત સમજવાની છે કે હવે તમે ગૅજેટ્સને વાપરતા નહીં થાઓ તો પરિસ્થિતિ એવી ઊભી થઈ શકે છે કે તમે સંપૂર્ણપણે બધાથી કપાઈને એક ખૂણામાં થઈ જાઓ.

એક સમયે મોબાઇલનો ઉપયોગ માત્ર અને માત્ર ટાઇમપાસ માટે હતો, પણ આ જ મોબાઇલ લૉકડાઉન અને મહામારી સમયે જીવાદોરી બની ગયો હતો. એક સમય હતો કે લૅપટૉપનો ઉપયોગ ઘરે ફિલ્મ જોવા માટે જ થતો હતો, પણ એ જ લૅપટૉપ લૉકડાઉન અને મહામારી વચ્ચે ઑફિસ બનીને સાથ આપવા માંડ્યું. ટેક્નૉલૉજીનો આ જે વ્યાપ વધ્યો છે એ દેખાડે છે કે એ હજી પણ આગળ વધશે અને જીવનનું એક અવિભાજ્ય અંગ બની જશે. આવા તબક્કે જો તમે ટેક્નૉલૉજીને સમજવાનો, એને ઓળખવાનો અને એનો વપરાશ કરવાનો આરંભ નહીં કરો તો ખરેખર પસ્તાવું પડશે. તમે જુઓ આજે, ડૉક્ટર સુધ્ધાં મોબાઇલ ઍપ્લિકેશન પર આવી ગયા છે. આવતા સમયમાં એવું ઓછું બનવાનું છે કે ડૉક્ટર તમને ઑનલાઇન મળે, એ રૂબરૂ મળવાના છે છતાં આ પ્રથા તો શરૂ થઈ જ ગઈ છે અને શરૂ થયેલી આ પ્રથામાં એ ઍપ્લિકેશનનો ઉપયોગ કરતાં આવડતું હોય એ જરૂરી છે. કહેવાનું મન થાય કે ૨૦૨૦નું વર્ષ ટેક્નૉલૉજીનાં દ્વાર ખોલનારું વર્ષ હતું અને ૨૦૨૧નું વર્ષ એ ખૂલેલા દ્વારમાંથી પ્રવેશ કરવાનું વર્ષ બનવાનું છે.

વર્ક ફ્રૉમ હોમ. હા, આ વર્ષે પણ હજી વર્ક ફ્રૉમ હોમ ચાલુ રહે એવું અત્યારના તબક્કે દેખાઈ રહ્યું છે. ઍટ લીસ્ટ જ્યાં સુધી વૅક્સિનનો વ્યાપ નહીં વધે ત્યાં સુધી તો ઑફિસો અને ખાસ કરીને કૉર્પોરેટ્સ શરૂ થાય અને ઑફિસમાંથી બધા કામ કરે એવું દેખાતું નથી અને એમાં કશું ખોટું પણ નથી. એમાં જ સૌકોઈની ભલાઈ છે અને કોરોનાની હાર છે. કોરોનાને હરાવવા માટે શરૂ થયેલી આ પ્રથા આવતા સમયમાં એક નવા યુગનો આરંભ કરશે અને એ યુગનો આરંભ થાય એવા તબક્કે પરિવારના તમામ સદસ્યો ટેક્નૉલૉજીનો ઉપયોગ કરતા થઈ ગયા હોય તો એ હિતાવહ રહેશે. આ માટે વડીલોએ મનમાંથી છોછ કાઢવાનો છે અને યુવા વર્ગે વડીલોને શીખવવાની જહેમત લેવાની છે. જો ઘરના યંગસ્ટર્સ આ બાબતમાં જાગ્રત થઈને મહેનત કરશે તો વડીલો ગૅજેટ્સ સાથે વધારે આત્મીયતા કેળવી શકશે એ પણ એટલું જ સાચું છે. વડીલો રેઝોલ્યુશન લે કે ગૅજેટ્સ વાપરતા શીખે અને યંગસ્ટર્સ રેઝોલ્યુશન લે, એ વડીલોને એ ગૅજેટ્સ વાપરતાં શીખવે - સાદર.

columnists manoj joshi