ભૂલતા નહીં કે બૉડી એક રિફાઇનરી છે

22 November, 2021 05:10 PM IST  |  Mumbai | Rashmin Shah

અઝહર કહે છે કે આજે કંઈ પણ ખાતા પહેલાં મને જ વિચાર આવે છે કે આ ખાવું શરીર માટે કેટલું ઉપયોગી અને જરૂરી છે

ભૂલતા નહીં કે બૉડી એક રિફાઇનરી છે

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નો પિન્કુ એટલે કે અઝહર શેખ ટીનેજમાંથી યંગ એજમાં એન્ટર થયો એટલે તેણે પોતાના શરીરને ટોન કરવાનું અને શેપ આપવાનું શરૂ કર્યું ત્યારે તેને સમજાયું કે બૉડી નામની રિફાઇનરીનો તેણે કેવો દુરુપયોગ કર્યો હતો. અઝહર કહે છે કે આજે કંઈ પણ ખાતા પહેલાં મને જ વિચાર આવે છે કે આ ખાવું શરીર માટે કેટલું ઉપયોગી અને જરૂરી છે

મેં મારું બૉડી ટ્રાન્સફૉર્મેશન જ કર્યું છે એવું કહું તો ચાલે. પહેલાં હું સિરિયલમાં કિડ હતો, પછી ટીનેજ અને એ પછી યંગ એજ. તમે કિડ કે ટીનેજમાં ગોલુ-મોલુ હો તો લોકોને ગમે, પણ જો તમે એવા જ યંગ એજમાં હો તો ન ચાલે. એટલે મેં મારા ટ્રાન્સફૉર્મેશન પર કામ શરૂ કર્યું. આ ટ્રાન્સફૉર્મેશન રાતોરાત થયું નથી. બેથી અઢી વર્ષ જેટલો સમય લાગ્યો. આ દરમ્યાન મારું જે વર્કઆઉટ હતું એ એવું હાર્ડકોર હતું કે જ્યારે એ પૂરું થાય ત્યારે મારી આંખમાં પાણી આવી ગયાં હોય અને આખા શરીરમાંથી પસીનો છૂટતો હોય. વર્કઆઉટ કરી લીધું એટલે વાત પૂરી એવું નથી. 
ડાયટ પર કન્ટ્રોલ રાખવો પડતો અને આજે પણ ડાયટ પર મારો એવો કન્ટ્રોલ છે કે હું એક પણ એક્સ્ટ્રા આઇટમ મારા શરીરમાં જવા નથી દેતો. હવે મને સમજાયું છે કે જે પણ એક્સ્ટ્રા ફૂડ બૉડીમાં જશે એને બર્ન કરવામાં મને ખાસ્સો સમય લાગવાનો છે. મોટા ભાગના લોકો એવું માને છે કે ખાધેલું ત્રણ કલાકમાં બૉડી-સાઇકલ મુજબ ડાયજેસ્ટ થતું હોય છે, પણ એવું નથી. આપણી બૉડી રિફાઇનરી જેવી છે. એની ઉપયોગિતા મુજબ એ બધું અલગ કરે અને પછી કચરો વેસ્ટમાં જવા દે. અનહેલ્ધી ખોરાક રિફાઇન કરવામાં બૉડીને વાર લાગે છે તો વારંવાર આવતા ફૂડને કારણે પણ આ રિફાઇનરીની કાર્યક્ષમતા પર અસર પડે છે. એને પણ રેસ્ટ જોઈએ છે અને અમુક સમયે એને મેઇન્ટેઇન કરવા માટે શાંતિ જોઈતી હોય છે. આપણે ત્યાં રિલિજિયનમાં ઉપવાસનું જે ફૉર્મેટ છે એ પણ આ રિફાઇનરીને ધ્યાનમાં રાખીને ડેવલપ થયું હોય એવું મને લાગતું હોય છે. રિફાઇનરીમાં જેટલું રૉ મટીરિયલ એન્ટર થાય એટલું એ સરળતાથી કામ કરે એ માટે બૉડીમાં પણ ઓછામાં ઓછું પ્રોસેસ્ડ થયું હોય એવું ફૂડ નાખવું જોઈએ. યાદ રાખજો, ફૂડ પર જેટલી વધારે પ્રોસેસ એટલું એ ઓછું સત્ત્વશીલ.
વર્કઆઉટ છે કાયમી
મૉર્નિંગમાં શૂટિંગની શિફ્ટ હોય તો કામ પર જવાની ઉતાવળ હોય એટલે સાંજે રિલૅક્સ થઈને વર્કઆઉટ કરવાનું. એકથી દોઢ કલાક સુધી મારું વર્કઆઉટ ચાલે. વર્કઆઉટની શરૂઆત હતી ત્યારે મને મારા ટ્રેઇનરની કમ્પેરમાં થતું કે હું બહુ સ્લો છું અને મને એવું લાગતું કે વર્કઆઉટની કોઈ અસર દેખાતી નથી, પણ ટ્રેઇનરે મને સમજાવ્યું કે આ બધું એટલું સહેલું નથી. 
તમે જેમ-જેમ ફિટનેસ તરફ આગળ વધો એમ-એમ તમને તમારા એકેએક જૉઇન્ટ્સની ખબર પડે. મારી સાથે એવું જ બન્યું હતું. વર્કઆઉટ શરૂ કર્યાના એક મહિના પછી હું મારા બધા જૉઇન્ટ્સ ફીલ કરી શકતો. બૅક, ઍબ્સ, ની, એલ્બો બધેબધું મને ખબર પડતી. પહેલાં જ્યાં પેટ હતું ત્યાં ધીરે-ધીરે ઍબ્સ આવવા લાગ્યા હતા. 
શરૂઆતમાં વર્કઆઉટ પછી રીતસર મને એવું લાગે કે હવે હું ચાલી નહીં શકું, એક ડગલું ચાલીશ તો પણ પડી જઈશ; પણ ના, ધીમે-ધીમે સ્ટૅમિના વધ્યો. હવે મને લાગે છે કે હું બહુ મોડો જાગ્યો. તમને પણ કહીશ કે તમે મારા જેટલું મોડું નહીં કરતા.
ફૂડની બાબતમાં અલર્ટ
મારું રૂટીન છે કે સવારે વહેલા ઊઠવાનું અને પછી સીધી ગ્રીન ટી. એ પછી મૉર્નિંગ રૂટીન પૂરું કરીને પ્રોટીન ડાયટ જેમાં પનીર કે ડ્રાયફ્રૂટ્સ કે સોયાબીન કે એવું કશું અને સાથે પૌંઆ, ઓટ્સ કે મૂસળી જેવો બ્રેકફાસ્ટ. લંચ પહેલાં વચ્ચે ક્યારેક ભૂખ લાગે તો લાઇટ સ્નૅક્સ લેવાનો જેમાં ફ્રૂટ, પ્રોટીન બાર કે પછી થોડું ગ્રીન સૅલડ અને પછી લંચ. 
મારું લંચ પણ સેટ છે. એમાં કૅલરી, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનની ગણતરી હોય એ મુજબનું જ મારું લંચ હોય, પણ એ બધું હું રૂટીન લંચમાંથી જ લેવાની ટ્રાય કરું. ડિનર પહેલાં ભૂખ લાગે તો સૅલડ કે ફ્રૂટ્સ. વચ્ચે કોઈ વાર પ્રોટીન શેક કે પછી પનીર વેજ સૅલડ પણ હું લઉં. સાંજે આઠ પછી હું કશું ખાઉં નહીં અને વચ્ચે કોઈ કંઈ પણ કહી જાય, આપી જાય તો પણ લઉં નહીં. સ્વીટ્સ મેં બિલકુલ છોડી દીધી છે અને રેડી-ઇટ-ફૂડ પણ બિલકુલ છોડી દીધું છે. પૅકેજ્ડ ફૂડ પણ બિલકુલ ખાતો નથી.

 ગોલ્ડન વર્ડ્સ
હેલ્ધી રહેવાનો પહેલો નિયમ છે, ભાવે એવું નહીં પણ ફાવે એવું ખાવું.

પ્રોબ્લેમ સામે આપણે નહીં, આપણું બૉડી લડે છે

પૈસાની કે પછી ફાઇનૅન્શિયલ નુકસાનીની વાત આવે તો તરત આપણે સમય કાઢી લઈએ છીએ, પણ દિવસ દરમ્યાન આપણે બૉડી માટે એક કલાક પણ કાઢતા નથી. એક કલાક બૉડીને આપવો જ જોઈએ, જો તમે બાકીના ત્રેવીસ કલાક એની પાસેથી બેસ્ટ કામ લેવા માગતા હો તો. જૉગિંગ અને વૉકિંગ જેવી સામાન્યમાં સામાન્ય ઍક્ટિવિટી કરો તો પણ ચાલે, પણ બૉડીને સમય આપવો જ જોઈએ. બૉડી ફિટ હશે તો તમામ ફિઝિકલ પ્રૉબ્લેમ સામે લડી શકીશું, કારણ કે પ્રૉબ્લેમ સામે આપણે નહીં પણ આપણું બૉડી લડતું હોય છે.

columnists Rashmin Shah