ડન, હું કરીશ તારું નાટક

03 January, 2020 06:49 PM IST  |  Mumbai Desk | JD majethia

ડન, હું કરીશ તારું નાટક

પ્રૉમિસઃ શફીભાઈના અવસાન પછી ભક્તિ બર્વે-ઈનામદારે આઠ જ દિવસમાં ‘થૅન્ક યુ કોકિલા’ જોવા આવીને શફીભાઈનું પ્રૉમિસ પાળ્યું હતું. એ શોમાં ભક્તિબહેનની બાજુની સીટ ખાલી રાખી હતી, શફીભાઈ માટે.

(આપણે વાત કરી રહ્યા હતા શફી ઈનામદારની, પણ એ વાતોમાં આપણે એક નાનકડો બ્રેક લઈને ક્રિસમસ અને નવા વર્ષની વાત પણ કરી લીધી. હવે શફીભાઈની વાત આગળ વધારીએ) માણસ એકદમ મજેદાર. ઍન્કર્જેગી, મૉટિવેટિંગ, માર્ગદર્શક અને થિયેટરના કોઈ પણ કલાકારને જરૂર પડે ત્યારે તેમના પડખે ઊભા રહેનારા. તેમની સાથે મને કામ કરવાનો કોઈ ખાસ અનુભવ નથી મળ્યો, પણ જેટલું પણ તેમની સાથે રહેવા મળ્યું એના પરથી મને શીખવા ઘણું મળ્યું. શફીભાઈ સાથેના બે પ્રસંગો મેં તમને ઑલરેડી કહ્યા અને સાથોસાથ લાસ્ટ વીકમાં મેં તમને તેમની સાથેના મારા જીવનના અન્ય એક પ્રસંગની પણ વાત કહી. શફીભાઈને મારું નામ ચેન્જ કરવું હતું. જમનાદાસમાંથી તેઓ મારું નામ જતીન કરવા માગતા હતા અને મારો એમાં વિરોધ હતો. બે વીક પહેલાં મેં તમને એ પણ કહ્યું કે અમારા નાટક ‘થૅન્ક યુ કોકિલા’નાં રિહર્સલ્સ વખતે હું અને આતિશ મૂંઝાઈ ગયા હતા. અમારી મૂંઝવણ એવી હતી કે નાટકનાં રિહર્સલ્સ જોઈને મિશ્ર પ્રતિસાદ હતા, હવે અમારે કરવું શું. આતિશ મારા કરતાં વધારે મૂંઝાયો એટલે મેં વચ્ચેનો રસ્તો કાઢીને કહ્યું કે મૂક અત્યારે બધું પડતું, આપણે શફીભાઈને મળીએ.

શફીભાઈ કાં તો રસ્તો કાઢી આપે અને કાં તો તેઓ બહુ સરસ રીતે ઍન્કરેજ કરે અને તમને મૂંઝવણમાંથી બહાર કાઢે. શફીભાઈને મળવા અમે ‘ઑન ટોઝ’ પહોંચ્યા. શફીભાઈ નિયમિત આ રેસ્ટોરાંમાં આવે. અમારી ધારણા મુજબ થોડી વારમાં શફીભાઈ આવ્યા. અમે મળ્યા, તેમને બધી વાત કરી. નિરાંતે અમારો પ્રૉબ્લેમ જાણ્યો. તેમણે અમને જે રીતે સાંભળ્યા અને અમારી સાથે જે રીતે વાત કરી એ વર્તાવે અમારો ઉત્સાહ ઓર વધી ગયો. અમારી બધી હતાશા ખંખેરાઈ ગઈ અને અમે પૂરા કન્વિક્શન સાથે બીજા દિવસથી ફરીથી અમારા કામે લાગી ગયા. પૂરી નિષ્ઠા અને પૂરા મક્કમ મન સાથે. નાટક ઓપન થયા પછી શું થયું એની વાત કરીશું...)
૧૦મી માર્ચ, ૧૯૯૬.
‘થૅન્ક યુ કોકિલા’ ઓપન થયું. પહેલો શો બહુ સારો અને સફળ નહોતો રહ્યો. અમે બધા એ શો પૂરો કરીને અમારા રવિવારના અડ્ડા પર એટલે કે ‘સિમ્ફની’ રેસ્ટોરાં પર આવ્યા. તેજપાલ ઑડિટોરિયમ પાસે જ આ રેસ્ટોરાં છે, જેની થિયેટર-ઇન્ડસ્ટ્રીના બધા કલાકાર-કસબીઓને ખબર છે. શફીભાઈ પણ ‘સિમ્ફની’ પર આવ્યા. તેમની સાથે વાઇફ ભક્તિ બર્વે-ઇનામદાર પણ હતાં. સરિતા જોષીનું નાટક રજૂ થયું હતું. સ્વાભાવિક રીતે આખી ઇન્ડસ્ટ્રીમાં એની ઉત્સુકતા હોય. ત્યારે તો અમને આ બધું બહુ સમજાતું નહીં, જેમ-જેમ ઘડાયા એમ-એમ આ બધી ખબર પડવા માંડી.
શફીભાઈએ આવીને અમને પૂછ્યું, કેવું રહ્યું નાટક? અમારો જવાબ પણ ક્લિયર હતો. અમે કહ્યું કે જેવું જોઈએ એવું નથી રહ્યું. તેમણે વાતને તરત જ હળવાશ આપવાના હેતુથી મજાકમાં સામે કહ્યું, તમે મને રોલ નથી આપ્યો એટલે...
અમે તો તરત જ આ તક ઝડપી લીધી. મેં શફીભાઈને કહ્યું કે, ‘સર, આપ મેરાવાલા રોલ કર લો, બિગિનિંગ મેં સિર્ફ પંદરહ મિનિટ કા હૈ. આમ તો આ મસ્તી જ ચાલતી હતી પણ અમારા આશ્ચર્ય વચ્ચે શફીભાઈ માની ગયા. તેમણે રોલ માટે હા પાડી દીધી અને કહ્યું કે, ડન પણ પૈસા હું વધુ લઈશ. મેં પણ આ તકનો પૂરતો લાભ લઈને કહ્યું કે બુકિંગ કાઉન્ટરના ગલ્લામાંથી તમને જે ગમે એ લઈ લેજો, તમને છૂટ છે. અમારા જવાબ પછી પણ શફીભાઈએ વાતને છોડી નહીં. તેમણે કહ્યું કે એમ નહીં, કેટલા પૈસા એ અત્યારે જ ક્લિયર કરી દે. મિત્રો, વાતમાં સ્પષ્ટતા હોવી જોઈએ. સંબંધોને જો લાંબો સમય અકબંધ રાખવા હોય તો ક્યારેય લાગણીમાં ખેંચાઈને આર્થિક વ્યવહાર બગાડવો નહીં, એ ક્લિયર જ રાખવો. હવે મેં બૉલ તેમની કોર્ટમાં ફેંકીને કહ્યું કે તમે જ કહી દો, કેટલા લેશો.
૧પ૦૦ રૂપિયા પર શો.
આ ભાવ સાંભળીને હું સમજી ગયો કે શફીભાઈ વધારે નાઇટ લેવાની વાત કરે છે પણ તેમણે જે રકમ કહી એ તો તેમની અત્યારની મૂળભૂત ફી કરતાં પણ ઓછી છે. આ તેમનો પ્રેમ હતો. પોતાની નાઇટ ઓછી કરીને તેઓ અમને મદદ કરી રહ્યા હતા. તેમણે નાટકમાં કામ કરવાની તૈયારી બતાવીને અમને મદદ કરી. અમારો જેવો અનુભવ હતો એવો જ અનુભવ બીજા કલાકારમિત્રોનો પણ રહ્યો છે. તેઓ પણ બધા કલાકારોને ઓળખે અને આ જ રીતે પહેલાં તેમને બિવડાવે પણ પછી બહુ પ્રેમથી તેમની બાજુમાં ઊભા રહીને તેમને મદદ કરે. ‘થૅન્ક યુ કોકિલા’માં કામ કરવાનું તેમણે કહ્યું એ જ અમારે માટે બહુ મોટી વાત હતી. જો શફી ઈનામદાર અને સરિતા જોષીનું નામ સાથે આવી જાય તો ગુજરાતી રંગભૂમિ પર ઇતિહાસ રચાઈ જાય. જો નાટકમાં બન્ને એકસાથે આવે તો નાટકની બૉક્સ-ઑફિસ પર લાગેલું હાઉસફુલનું પાટિયું ઊતરે જ નહીં.
વાત પૂરી થઈ ત્યારે શફીભાઈએ ચોખવટ પણ કરી લીધી કે હું બહુ ઓછા શો કરીશ અને રવિવારના જ શો હું કરી શકીશ. તેમની આ ચોખવટથી તો અમને ખાતરી થઈ ગઈ કે તેઓ અમને કે પછી અમારા સારા સબ્જેક્ટવાળા નાટકને મદદ કરવાનો ભાવ જ ધરાવે છે. શફીભાઈની આ શરત માન્ય રાખીને આતિશે તેમને કહ્યું કે આપણે રિહર્સલ્સ પ્રોપર કરાવવાં પડશે. શફીભાઈ તૈયાર હતા અને તેમણે પ્રૉમિસ પણ કર્યું કે ગૂઢીપાડવાના દિવસે હું શો જોવા આવીશ.
મને પાક્કું યાદ છે કે એ શો ૨૦મી માર્ચે હતો.
આગલા દિવસે એટલે કે ૧૯ માર્ચે વર્લ્ડ કપની મૅચ હોવાને લીધે અમે શો નહોતો રાખ્યો અને બીજા દિવસે ગૂઢીપાડવાની રજાના દિવસે એટલે કે ૨૦ માર્ચે સાંજનો શો રાખ્યો હતો. આ શો તેજપાલમાં હતો.
બીજા દિવસે એટલે કે ‘થૅન્ક યુ કોકિલા’ ઓપન થયાના બીજા દિવસે, ૧૧ માર્ચે શફીભાઈ ભાઈદાસમાં મને મળ્યા અને ફરીથી ચોખવટ કરતાં તેમણે સામેથી કહ્યું કે હું તારું નાટક કરી રહ્યો છું, આ ફાઇનલ છે.
એ દિવસે અમારી ખૂબ લાંબી વાતો થઈ. હું અને આતિશ તો કિસ્મતે આપેલા આ નવા મોડને લીધે ખૂબ ખુશ હતા. એ દિવસે તેમણે કહ્યું હતું કે મારે તો સરિતા જોષી અને તમારી સાથે કામ કરવું છે એટલે તો બધી રીતે તૈયાર છું.
‘થૅન્ક યુ કોકિલા’ એક ફૅન્ટસી નાટક હતું. સરિતાબહેને તો અમને નાટક પહેલાં પણ ચેતવ્યા હતા કે ગુજરાતી રંગભૂમિ પર ફૅન્ટસી નાટકો ચાલતાં નથી. તમે પોતે નિર્માતા બનો છો અને આ જ નાટકનું કહો છો એટલે કહું છું કે તો એક વખત બધું શાંતિથી વિચારી લેજો.
અમે કશુંક જુદું કરવા માગતા હતા એટલે અમારો આગ્રહ આ જ સબ્જેક્ટ પર નાટક કરવાનો હતો. હવે નાટકમાં શફીભાઈનું જોડાવું એ અમારા માટે તો આશીર્વાદ જ હતા, પણ વિધિના લેખ કંઈ જુદું જ કહેતા હતા. અમે તો સાતમા આસમાન પર વિહરતા હતા અને બે દિવસ પછી એટલે કે ૧૩ માર્ચે ગુજરાતી રંગભૂમિ જ નહીં, ટીવી અને ફિલ્મજગતમાં તેમને ઓળખતા સૌકોઈને સમાચાર મળ્યા કે શફીભાઈ નથી રહ્યા.
માનવામાં જ આવતું નહોતું. ખૂબ દુઃખ થાય, બહુ જ શૉકિંગ. ૩૬ કલાક પહેલાં તો અમારી વાત થઈ હતી, સ્વાસ્થ્ય એકદમ હેલ્ધી હતું. કોઈ એવી વાત જ નહીં અને ઉંમર પણ એવી ખાસ નહીં. શફીભાઈની એન્ટ્રી ‘થૅન્ક યુ કોકિલા’માં થાય એ પહેલાં જ તેમણે રંગભૂમિ પરથી અને આ દુનિયામાંથી એક્ઝિટ લઈ લીધી. અત્યારે આ વાત લખું છું ત્યારે મનમાં પારાવાર અફસોસ અને દુઃખ છે. સમાચાર મળ્યા પછી અમે તેમના ઘરે ગયા. ભક્તિબહેનને મળ્યા ત્યારે તેમણે પણ એ જ કહ્યું કે શફીભાઈ નાટક માટે બહુ ઉત્સુક હતા અને ૨૦ માર્ચની રાહ જોતા હતા.
ભક્તિબહેનને પણ દાદ દેવી પડે. ૨૦મીની સવારે ફોન કરીને તેમણે કહ્યું કે શફીએ નાટક જોવા આવવાનું પ્રૉમિસ કર્યું હતું એટલે હું નાટક જોવા માટે આજે આવીશ. ભક્તિબહેન નાટક જોવા આવ્યાં. આજે પણ મને યાદ છે કે D રોમાં ભક્તિબહેનને બેસાડ્યાં હતાં અને તેમની બાજુની સીટ જેના પર શફીભાઈ બેસવાના હતા એ ખાલી રાખી હતી. મનથી અને દિલથી શફીભાઈ અમારી આસપાસ જ છે એવી ફીલિંગ સાથે અમે એ શો કર્યો. અમે ખરેખર શફીભાઈને બહુ મિસ કર્યા અને સાચું કહું તો હજી પણ અમે શફીભાઈને મિસ કરીએ છીએ. આજે જો શફીભાઈની હાજરી હોત તો ગુજરાતી રંગભૂમિ કંઈક જુદી જ હોત. શફીભાઈ સમય કરતાં આગળનું વિચારનાર વ્યક્તિ હતા. સાચા માટે લડી લેનારા. ઉમદા દિગ્દર્શક, સરસ કલાકાર, અચ્છા ભાઈબંધ, શ્રેષ્ઠ મૉટિવેટર અને આવી બીજી અનેક ક્વૉલિટીનું એક પૅકેજ હતા શફીભાઈ. શફીભાઈ હંમેશાં કહેતા કે નાટકનું એક પૅકેજ હોવું જોઈએ જેથી પ્રેક્ષકને મજા પડે. શફીભાઈએ ખરેખર વહેલી એક્ઝિટ લઈ લીધી.
વી સ્ટીલ રિમેમ્બર યુ, વી મિસ યુ અ લૉટ શફીભાઈ.

JD Majethia columnists