પર્સનલ લક્ઝરી ગુડ્સ એ જ સ્ટાઇલ ઑફ સ્ટેટસ છે એવું ન માનો

02 December, 2022 05:05 PM IST  |  Mumbai | Bhavini Lodaya

ત્રણ લાખ સુધીની બૅગ લેવી એટલે સાઇન ઑફ લક્ઝરી કહેવાય, જે આજકાલ ખૂબ જ નૉર્મલ થઈ ગયું છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

લક્ઝરી લાઇફ આજના સમયમાં એક સ્ટાઇલ માર્ક બની ગઈ છે. દરેકને બ્રૅન્ડેડ વસ્તુઓનો શોખ વધવા લાગ્યો છે. બ્રૅન્ડેડ પર્સ, વૉલેટ, બૅગ, સનગ્લાસિસ, શૂઝ અને કપડાં જેવી દરેક વસ્તુ બ્રૅન્ડેડ હોય તો પહેરવાની મજા આવે, સ્ટેટસ સિમ્બૉલ કહેવાય. આમ લોકો હાઈ-એન્ડ પ્રીમિયમ ગુચીની બૅગ, રૉલેકસ વૉચ, લુઇસ ઍન્ડ પૅરિસનાં કપડાં પહેરે છે. આવી તો ઢગલો યુરોપિયન બ્રૅન્ડ્સ ભારતમાં અરબો રૂપિયા કમાવે છે. વર્લ્ડવાઇડ ૩૭૫ બિલ્યન રૂપિયાની આવક ધરાવનાર પર્સનલ લક્ઝરી બ્રૅન્ડની માર્કેટ ૨૦૨૫માં ૫૭૫ બિલ્યન સુધી પહોંચી જશે, કારણ કે લોકો કિંમત વિશે વિચારતા જ નથી. ત્રણ લાખ સુધીની બૅગ લેવી એટલે સાઇન ઑફ લક્ઝરી કહેવાય, જે આજકાલ ખૂબ જ નૉર્મલ થઈ ગયું છે. દરેકને સેલિબ્રિટી બનવું છે. ઘણાને ફાઇવસ્ટાર, સેવન સ્ટાર હોટેલોના રેટ ધરાવનાર ફૂડ કોર્ટ આઉટલેટ્સમાં જઈને ખાઈએ એ જ ફૅન્સી ડિનર કહેવાય એવું લાગે છે.

લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે જેટલા રેટ ઊંચા એટલી વસ્તુ સારી અને આ જ માનસિકતાને કારણે વેચાણકારો ફાયદો ઉપાડવા લાગ્યા છે અને ખાસ કરીને વિદેશી માલસામાનની માર્કેટ ભારતમાં રાજ કરવા લાગી છે. રિસર્ચરો પણ કહે છે કે હાઈ-એન્ડ પ્રીમિયમ પ્રોડક્ટ્સની જેટલી કિંમત વધારે લોકો એને સાઇન ઇન લક્ઝરી ઑફ સ્ટેટસ માની ખરીદે છે.

મારા વિચાર પ્રમાણે લક્ઝરી જીવન જીવવું ખોટું નથી. જે પણ ખરીદી કરો છો એની કિંમત યોગ્ય છે? અને એક વાર વિચારવું જોઈએ કે શું તમે ખરીદેલી લક્ઝરી વસ્તુ ઍસેટ છે? આજે વર્લ્ડ વાઇડ મંદીની શરૂઆત થઈ ગઈ છે. આખું વિશ્વ મંદીનો માર સહન કરી રહ્યું છે. એવા સમયમાં માત્ર પોતાને સ્ટાઇલ સુપિરિયર દેખાડવાના ચક્કરમાં અંધાધૂંધ પૈસા વાપરવા યોગ્ય નથી. બ્રૅન્ડેડ વસ્તુઓની ખરીદી કરો, પણ એક લિમિટ પછી અતિશય પૈસા વાપરતાં અટકવું જોઈએ. બિનજરૂરી ખર્ચ કરવો ન જોઈએ. શું તમારી ખરીદેલી લાખો રૂપિયાની બૅગની કિંમત આવનાર દિવસોમાં કરોડોની થવાની છે? લક્ઝરી બ્રૅન્ડ મંદીપ્રતિરોધક બનશે? આવા દરેક સવાલ પોતાને ખરેખર કરવાની જરૂર છે. જે લક્ઝરી બ્રૅન્ડની રીસેલ વૅલ્યુ વધી શકે છે એવી બ્રૅન્ડની ખરીદી કરો.
દરેકને કહીશ કે એકબીજાને દેખાડવા માટે અથવા તો સમાજમાં પોતાને બીજા કરતાં ચડિયાતા છે એવું સાબિત કરવા પોતાના બજેટની લિમિટ તોડીને પ્રીમિયમ લક્ઝરીની ખરીદી ન કરો.
બિનજરૂરી ખર્ચાઓ ટાળો.

શબ્દાંકનઃ ભાવિની લોડાયા

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists