લાઇફ પાર્ટનરનો સ્પર્શ શા માટે કરે છે પેઇન કિલરનું કામ?

17 February, 2020 03:33 PM IST  |  Mumbai | Darshini Vashi

લાઇફ પાર્ટનરનો સ્પર્શ શા માટે કરે છે પેઇન કિલરનું કામ?

પ્રતીકાત્મક તસવીર

શબ્દોનું ભલે ગમે એટલું વજન પડતું હોય, પરંતુ સ્પર્શની તાકાતની સરખામણીમાં એ પાછળ પડે છે જે ઘણાએ અનુભવ્યું હશે, પરંતુ હવે વિજ્ઞાન પણ કબૂલે છે કે જ્યારે ડૉક્ટર પણ હાથ ઊંચા કરી દે છે ત્યારે પ્રિયજનનો સ્પર્શ ચમત્કાર સર્જે છે. એની પાછળ શું વિજ્ઞાન હોઈ શકે એના પર આજે વાત કરીએ...

‘તારા સ્પર્શના ગુણની કદાચ તને પણ ખબર નહીં હોય, અહીં તો તું અડી લે તોય હું ઊઠી જાઉં, ભલેને પછી કબરમાં કેમ ન હોઉં.’ આ કોણે લખ્યું છે એની તો ખબર નથી, પરંતુ જેણે પણ લખી છે એ એકદમ સત્ય લખી છે, કેમ કે હવે વિજ્ઞાન પણ કહે છે કે જો કોઈ કપલ એકબીજાનો હાથ પ્રેમથી પકડે તો તેની મગજ પર પૉઝિટિવ અસર થાય છે, એટલું જ નહીં, એ પેઇન કિલરનું કામ કરે છે. શું કામ પ્રિયજનના સ્પર્શની આટલી હકારાત્મક અસર પડે છે એ વિશે વિસ્તારપૂર્વક વાત કરીએ.

અમેરિકાની યુનિવર્સિટી ઑફ વર્જિનિયાની ન્યુરોસાયન્સ લૅબના એક રિસર્ચરે પાર્ટનરના સ્પર્શની તાકાત ચકાસવા માટે કેટલાંક કપલને એકઠાં કર્યાં જેમાં સ્ત્રીઓને પેઇન થવાની દવા આપી અને તેમને એક કાચની રૂમમાં બેસાડીને બહાર પતિઓને ઊભા રાખ્યા. જેવું પેઇન થવા લાગ્યું એમ મહિલાઓ રડવા લાગી અને હિંમત હારવા લાગી, પરંતુ જેવા તેમના પતિઓને એ રૂમમાં મોકલવામાં આવ્યા અને તેમણે તેમની પત્નીઓનો હાથ પકડ્યો અને માથે હાથ મૂક્યો કે તરત તેમની પીડા ઓછી થતી જોવા મળી હતી.

અમેરિકાની યુનિવર્સિટી ઑફ માયામી મિલર સ્કૂલ ઑફ મેડિસિનના રિસર્ચર ડૉ. ટિફની પોતાના એક રિસર્ચમાં કહે છે, ‘સ્પર્શ અને મગજને સીધું કનેક્શન છે. આખા શરીરમાં વિસ્તરેલી વેગસ નામની નર્વને સ્પર્શ ઉત્તેજિત કરે છે, જેનાથી તમારી નર્વસ સિસ્ટમ સ્લોડાઉન થાય છે, જે તમારા હૃદયના ધબકારાથી લઈને બ્લડપ્રેશરને અને સ્ટ્રેસ હૉર્મોન્સને પણ ધીમાં પાડે છે. નૅચરલી એટલે જ શરીરની તમામ સમસ્યામાં હકારાત્મક રિઝલ્ટ આપે છે. સ્પર્શની શરીર પર અસર વિશે સંશોધન કરી રહેલી ‘ટચ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ના નિષ્ણાતો કહે છે કે અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ સ્ટડીઝ થઈ ચૂક્યા છે અને એના એવિડન્સ કહે છે કે પ્રિમૅચ્યોર બાળકના ગ્રોથ માટે, પેઇનને ઓછું કરવા માટે, ઑટો ઇમ્યુન ડિસીઝનાં લક્ષણોની તીવ્રતા ઘટાડવા માટે, ડાયાબિટીઝમાં ગ્લુકોઝના લેવલને ઘટાડવા માટે અને કૅન્સરના દરદીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રેમાળ સ્પર્શ જોરદાર કામ કરે છે. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ માત્ર સ્પર્શ કરીને રોગ નિવારતા હોવાના કિસ્સા સાંભળ્યા હશે. એ પાછું અલગ વિજ્ઞાન છે અને હીલિંગ ટચની દિશામાં જાતજાતના વાદવિવાદ થતા રહ્યા છે, જે દિશામાં આપણે નથી જવું. જેની સાથે આત્મીયતાનો નાતો હોય અને જેના પ્રત્યે સંવેદનાનો ભાવ હોય તેમને હૂંફભર્યો સ્પર્શ મૅજિકલ રિઝલ્ટ આપે છે એવું વૈજ્ઞાનિકો માને છે.

સ્પર્શની સાઇકોલૉજિકલ ઇફેક્ટનું વિશ્લેષણ કરતાં સાઇકોલૉજિસ્ટ પૂર્વી શાહ કહે છે, ‘સ્પર્શ એ એવી થેરપી છે જે માનવીમાં રહેલી સંવેદનાને જગાડે છે. મનુષ્યને પાંચ સેન્સ હોય છે જેમાંની એક સ્પર્શ પણ છે, જે ઘણી બીમારીઓને દૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. માણસો તો ઠીક, પ્રાણીઓ અને પક્ષીઓમાં પણ સ્પર્શ પેઇન કિલરનું કામ કરે છે. આજકાલ ઘણા લોકોમાં સાઇનસ, માઇગ્રેન, પીઠનો કે હાથનો દુખાવો થતો હોવાની ફરિયાદ સંભળાઈ છે જે મોટા ભાગના કેસ પાછળ કારણ સાઇકોલૉજિકલ જ હોય છે. સ્પર્શ પણ એક સાઇકોલૉજિકલ થેરપી છે. પાર્ટનરનો સ્પર્શ વ્યક્તિને હિંમત અને પોતે તેની સાથે હોવાની ખાતરી કરાવે છે જેને લીધે પાર્ટનરના મગજ પર એની પૉઝિટિવ અસર પડે છે અને શરીરમાં સેરોટોનિન, ડોપામાઇન જેવાં હૉર્મોન્સ ઉત્પન્ન કરે છે. એને બીજી ભાષામાં ગુડ હૉર્મોન અથવા લવ હૉર્મોન પણ કહી શકાય છે. એને લીધે તે રિલૅક્સ ફીલ કરે છે.’

સ્પર્શની પોતાની ભાષા છે. ગુડ ટચ અને બૅડ ટચ એ સ્પર્શની ભાષાનું પરિણામ છે. જ્યારે સંવેદનશીલતા સાથે સ્પર્શ થાય ત્યારે એ પૉઝિટિવ અસર કરે છે અને સંબંધમાં એની અત્યંત ઘેરી અસર પાડે છે. ઘણાં એવાં કપલ છે જેમના સંબંધમાં સહજ એવી ટચ થેરપી ખૂટતી હોય એમ જણાવીને પૂર્વી શાહ કહે છે, ‘મારી પાસે ઘણા પેશન્ટ ફરિયાદ લઈને આવતા હોય છે કે મને સારું રહેતું નથી તો પણ મારા પાર્ટનર દરકાર લેતા નથી. તબિયત કેવી છે એની પૃચ્છા સુધ્ધાં કરતા નથી. એટલે મને નિરાશા લાગે છે દુખી ફીલ કરું છું વગેરે વગેરે. આવા બધા કેસમાં સ્પર્શની બાદબાકી થતી હોય છે જેને લીધે વ્યક્તિ પોતાને એકલી સમજે છે અને ઉપેક્ષા થતી હોવાનું મહેસૂસ કરે છે.’

પાર્ટનરના સ્પર્શથી કયા ફાયદા થાય છે?

સ્પર્શથી કમ્યુનિકેશન વધુ અસરકારક બને છે તેમ જ તમે તેની નજીક છો એવી તેને અનુભૂતિ કરાવે છે.

લાગણીનું આદાનપ્રદાન કરવા માટે સ્પર્શ ખૂબ જ જરૂરી છે, જ્યારે પાર્ટનર કોઈ પણ પ્રકારના ભાવમાં જેમ કે ગુસ્સો, ડર, આઘાતમાં વધુ પડતા આવી ગયા હોય ત્યારે સ્પર્શ તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

કામ સહેલાઈથી કઢાવવામાં પણ મદદરૂપ બની શકે છે. કઠોર અવાજે કે આદેશરૂપે કામ કરવાનું કહેવા કરતાં પ્રેમથી સ્પર્શ કરીને કામ કહેવાથી કામ સહેલાઈથી થઈ જાય છે.

કઠણ સમયે જ્યારે પાર્ટનર જો માત્ર ખભા પર હાથ મૂકીને એટલું કહે કે ‘હું છુંને તારી સાથે, પછી શું કામ ડરે છે’ ત્યારે પૉઝિટિવ એનર્જી પસાર થાય છે.

ગંભીર આઘાત અને દુઃખ વખતે પાર્ટનરને માત્ર ગળે લગાડવાથી તેને ઘણી રાહત મળે છે.

સ્પર્શની ભાષા કેટલી સ્ટ્રૉન્ગ છે એ વિશે કપલના સ્વાનુભવ જાણીએ...

ગુસ્સો શમી જાય, ચિંતા ઓસરી જાય

અમે બન્ને જણ એકબીજાનો હાથ પકડીએ તો પણ પૉઝિટિવ વાઇબ્સ પસાર થાય છે એવું મેં અનેક વખત અનુભવ્યું છે એમ જણાવતાં બોરીવલીનાં રહેવાસી અને એક પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરતાં નિયતિ શાહ કહે છે, ‘અમારાં લગ્નને ૧૩ વર્ષ થયાં છે. શરૂઆતનાં વર્ષોમાં અમને બાળક કન્સીવ કરવા સંબંધે ઘણી મુશ્કેલીઓ આવી હતી જેને લીધે હું અનેક વખત પડી ભાંગી હતી, પરંતુ કૌશલે ક્યારે પણ મને અપસેટ થવા દીધી નથી. હંમેશાં ખભા પર હાથ મૂકીને આશ્વાસન અને હિંમત આપી હતી જે મને ફરી વખત કસોટી આપવા માટે તૈયાર કરતી હતી.’

અહીં નિયતિના હસબન્ડ કૌશલ શાહ કહે છે, ‘મારો સ્વભાવ થોડો શૉર્ટ ટેમ્પર છે એટલે ઘણી વખત ઑફિસથી આવું તો ગુસ્સામાં જ હોઉં છું. મારા મોઢા પર ગુસ્સો દેખાઈ આવે એ સમયે નિયતિ કંઈ પૂછતી નથી, પરંતુ રાતે જ્યારે અમે બેઠાં હોઈએ ત્યારે તે મારો હાથ પકડીને પૂછે છે કે ‘શું થયું, કેમ આજે ગુસ્સામાં છે? રિલૅક્સ થઈ જાઓ. બસ તેનો સ્પર્શ અને આવાં બે-ચાર વાક્યો પણ રિલૅક્સ કરી મૂકે છે.’

તેના સ્પર્શને કારણે મલમની બળતરા થઈ જ નહીં

શબ્દોમાં એટલી તાકાત નથી હોતી જેટલી તાકાત સ્પર્શમાં હોય છે એમ જણાવતાં મલાડમાં રહેતાં હોમમેકર ભારતી ગાલા આગળ કહે છે, ‘અત્યાર સુધીમાં તો ઘણી વખત મેં અનુભવ્યું છે કે જ્યારે હું નબળી પડી ગઈ હોઉં કે પછી તૂટી પડી હોઉં ત્યારે રાહુલ એટલે કે મારા હસબન્ડ માત્ર હાથ પકડે તો પણ હળવું ફીલ થાય છે. થોડા સમય પહેલાંની વાત કરું તો મને ઘૂંટણમાં થોડી ઈજા થઈ હતી જે ઘણું પેઇનફુલ હતું. મને ડૉક્ટરે મલમ આપ્યો હતો, પરંતુ પીડાના ડરે જાતે લગાડવાની હિંમત નહોતી થતી. રાહુલને એ ખબર હતી એટલે તે પોતે મલમ લઈને લગાવવા બેસી જતા હતા. ખબર નહીં મલમ એટલો પાવરફુલ હતો કે તેનો સ્પર્શ, પરંતુ ત્યારે મને પીડા થઈ જ નહીં. આવાં તો અનેક ઉદાહરણો છે જ્યારે રાહુલનો સ્પર્શ પેઇન કિલર જેવું કામ આપે છે.’

અહીં રાહુલ ગાલા કહે છે, ‘મારું કામ એવું છે કે હું ઘણી વખત મેન્ટલી અને ફિઝિકલી થાકી જતો હોઉં છું. ઘણી વખત પીઠ દુખવા માંડે છે. આવા સમયે ભારતી થોડી વાર પીઠ દબાવી આપે તો પણ સારું લાગે.’

columnists darshini vashi