કચ્છનું નામ મુઠ્ઠીઊંચેરું કરનાર કપલ ડૉ. પ્રવીણ - ડૉ. લીલા વિસરિયા

04 August, 2020 01:06 PM IST  |  Kutch | Vasant Maru

કચ્છનું નામ મુઠ્ઠીઊંચેરું કરનાર કપલ ડૉ. પ્રવીણ - ડૉ. લીલા વિસરિયા

ડૉ. પ્રવીણ - ડૉ. લીલા વિસરિયા

ગામ ભુજપુરના મંગલભા ભેદાનો રંગૂનમાં ચોખાનો જબરદસ્ત વેપાર હતો. એમનાં પત્ની કંકુબા અને પરિવાર ભુજપુરમાં રહેતાં હતાં. બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને અચાનક ધમધોકાર ચાલતી ચોખાની બે મિલો મૂકી, પહેરેલ કપડે પહેલી સ્ટીમર પકડી ભારત આવવા રવાના થયા. સ્ટીમરનું પહેલું સ્ટોપ હતું મદ્રાસને હતપ્રભ મંગલભા મદ્રાસમાં ઊતરી ગયા. એક લાકડાની વખારમાં નોકરીએ લાગ્યા. થોડા સમયમાં ભુજપુરથી પોતાના પરિવારને પણ મદ્રાસ બોલાવી લીધો. ત્યારે એક અદ્ભુત ઘટનાનું નિર્માણ થયું.

ભુજપુર જેવાં ગામમાંથી મદ્રાસ જેવાં મોટા શહેરમાં આવી એમની દીકરી લીલા ભેદા ભણતરમાં એક પછી એક સિદ્ધિના સોપાન સર કરવા લાગી. આ ઘટનાનાં થોડાં વર્ષ પહેલાં ૧૯૩૭માં કોડાય ગામમાં મોંઘીબાની કુખે પ્રવીણનો જન્મ થયો. પિતા મેઘજીબાપા મુંબઈની એક સાકરની પેઢીમાં કેશિયર તરીકે કામ કરતા હતા. પ્રવીણ નાનો હતો ત્યારે કોડાય ગામમાં ભરાતા મહાદેવના મેળામાં મહાલવા જતો. મોંઘીબા પ્રવીણને મેળામાં છ પૈસા વાપરવા આપતા. આ છ પૈસા કેવી રીતે વાપરવા એનું બજેટિંગ દિવસો સુધી એના મનમાં ચાલતું. એ બજેટિંગની પ્રોસેસમાંને પ્રોસેસમાં વર્લ્ડ ક્લાસ ઇકૉનૉમિસ્ટ બનવાના બીજ રોપાયા. એ પ્રવીણ વિસરિયા આગળ જતાં અમેરિકામાં રહી ઇકૉનૉમિક્સમાં પી.એચ.ડી. કરી બની ગયા ડૉક્ટર. પ્રવીણ વિસરિયા! કચ્છનાં ગામડાઓમાં જન્મેલા પ્રવીણભા અને લીલાબેન સમય જતાં ઇકૉનૉમિસ્ટ અને સોશિયોલૉજી (ડેમોગ્રાફી-વસ્તીશાસ્ત્રી) બની ભારતના વિકાસમાં અદ્ભુત ફાળો આપવાનું નસીબ લઈને જન્મ્યાં હતાં. એટલું જ નહીં બન્ને વિશ્વવિખ્યાત બની ગયાં.

 ખાંડની પેઢીમાં કેશિયર તરીકે કામ કરતા મેઘજીબાપાના પુત્ર પ્રવીણ કોડાયની શાળામાં ભણી મુંબઈ આવ્યા. સર્વોદય કેન્દ્ર, મહાવીર વિદ્યાલય ઈત્યાદિમાં રહી એલ્ફિન્સ્ટન કૉલેજમાં બી.એ. વિથ ઇકૉનૉમિક્સ કર્યું, મુંબઈ યુનિવર્સિટીમાં એમ.એ. કરી અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ઇકૉનૉમિક્સ જેવા અઘરા વિષયમાં સંશોધન કરી પી.એચ.ડી. કરી ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. અતિ તેજસ્વી ડૉ. પ્રવીણભાઈ ધારત તો અમેરિકામાં લાખો ડૉલરની નોકરી મેળવી શકત, પણ પોતાના દેશ ભારત આવી પોતાની ટેલન્ટનો ઉપયોગ કરી ભારતના વિકાસમાં યોગદાન આપવાનું સ્વપ્ન જોયું હતું. એટલે ઓગણત્રીસ વર્ષની નાની ઉંમરમાં પી.એચ.ડી. કરી ભારત પાછા આવ્યા અને મુંબઈ યુનિવર્સિટીમાં સીધા રીડર તરીકે જોડાયા. અને દસ વર્ષ સુધી પ્રોફેસર ડૉ. પ્રવીણ વિસરિયાએ પોતાના જ્ઞાનની વહેંચણી ઇકૉનૉમિક્સના વિદ્યાર્થીઓને કરી ભારતના અર્થશાસ્ત્રીઓ તૈયાર કર્યા.

   બીજી બાજુ મંગલભા ભેદા પહેરેલ કપડે રંગૂન છોડી, મદ્રાસમાં લાકડાની મિલમાં કામ કરતાં કરતાં પોતાનાં બાળકોને સારું શિક્ષણ મળે માટે સંઘર્ષ કરતા રહ્યા. એક સમય હતો જ્યારે મંગલભાના શ્રીમંત પિતા હંસરાજ બાપાએ છેક જામનગરમાં ભેદા ધર્મશાળા બાંધી હાલાર વિસ્તારમાં આવન-જાવન કરતા કચ્છના યાત્રિકો માટે સગવડ ઊભી કરી હતી. તો હંસરાજભાએ  એ સમયની અલ્ટ્રા મૉડર્ન લાઇબ્રેરી ભુજપુરમાં બનાવી જેનો આજે પણ જ્ઞાનપિપાસુઓ લાભ લે છે. એમના દીકરા પ્રફુલભેદાએ કેમૅસ્ટ્રીમાં એમ.એસ.સી. કર્યું છે. પ્રફુલભાઈએ દક્ષિણ ભારતનાં ચાર રાજ્યોનાં વિવિધ શહેરોમાં વસતા કચ્છી ઓસવાળ કુટુંબોને કલ્યાણજી સૈયા સાથે મળી સંગઠિત કરી વિકાસનાં અદભુત કાર્યો કર્યાં છે. મંગલભાના બીજા દીકરા દિનેશભાઈ પ્લાસ્ટિક ટેક્નૉલૉજીનું ભણ્યા. દીકરી જયા ગ્રેજ્યુએટ થઈ, બીજી દીકરી પણ ગ્રેજ્યુએટ થઈ, સૌથી નાની હિના એમ.એસ. વિથ ફિઝિક્સ કરી અત્યારે અમેરિકામાં સાયન્ટિસ્ટ તરીકે કામ કરે છે.

    સૌથી મોટી દીકરી લીલાએ મદ્રાસની ગુજરાતી સ્કૂલમાં ભણી મદ્રાસ યુનિવર્સિટીમાં બી.એ.ની ડિગ્રી મેળવી ત્યારે યુનિવર્સિટીમાં ટૉપર હતાં. ત્યાં જ એમના લગ્ન પ્રોફેસર ડૉ. પ્રવીણભાઈ સાથે થતાં મુંબઈ આવ્યાં અને મુંબઈમાં એમ.એ. કર્યું.

  થોડા સમય પછી અચાનક એક વર્ષ માટે પ્રવીણભાઈને અમેરિકાની એક યુનિવર્સિટીમાં ભણાવવા જવાનું થતાં લીલાબેન પણ સાથે અમેરિકા ગયાં. લીલાબેન ત્યાં ડેમોગ્રાફી (સોશિયોલૉજી) વિષયમાં પી.એચ.ડી. થયાં. આમ બન્ને મેધાવી પતિ-પત્નીએ ડૉક્ટરેટ કરી ભારતના અર્થશાસ્ત્ર અને ડેમોગ્રાફી (વસ્તીશાસ્ત્ર)માં બહુમૂલ્ય યોગદાન આપવાનું શરૂ કર્યું.

આમ તો ડેમોગ્રાફી (વસ્તીશાસ્ત્ર) અને ઇકૉનૉમિક્સ (અર્થશાસ્ત્ર)એ અઘરા અને અટપટા વિષય છે. સામાન્ય માનવીઓને કદાચ આ વિષયમાં રસ પડે નહીં, પણ આ વિષયના એક્સપર્ટ ડેટા (આંકડા) ભેગા કરે, એનું એનાલિસિસ કરે અને તર્કબદ્ધ રીતે છણાવટ કરી એ આંકડાઓમાંથી સિદ્ધ થતી બાબતો પર ઊંડાણમાં લખે. આ લખાણનો ઉપયોગ પ્લાનિંગ કમિશન કે બીજી ગવર્મેન્ટ એજન્સીઓ કરે. આર્ટિકલ કે થિયરીઓને આધારે દેશ અને દેશના લોકોના વિકાસ માટે યોજનાઓ ઘડાય અને અમલ થાય. આમ દેશના વિકાસનો પાયો આ ઇકૉનૉમિસ્ટ કે ડેમોગ્રાફરની થિયરી, આર્ટિકલ અને વિચારોના આધારે થાય છે.

 કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એજ્યુકેશન, હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇત્યાદિ અનેક વિભાગોની યોજનાઓ કે સ્કીમ જાહેર થાય એના પાયા અર્થશાસ્ત્રીઓ કે સમાજશાસ્ત્રીઓએ તારવેલાં તથ્યો (એનાલિસિસ)ના આધારે ઘડાય છે.

પ્રોફેસર ડૉ. પ્રવીણ વિસરિયા અને ડૉ. લીલા વિસરિયાએ પોતાના મનગમતા ક્ષેત્રમાં હરણફાળ ભરી. શરૂઆતમાં પ્રવીણભાઈએ દસ વર્ષ સુધી મુંબઈ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર ભણાવ્યું. પ્લાનિંગ કમિશનના વાઇસ ચૅરમૅન ડૉ. લાકડાવાળાના એ લાડકા! તો એમ.એ. થયા પછી લીલા વિસરિયાએ પ્રોફેસર દાતાવાળા સાથે ઇકૉનૉમિક્સના રીસર્ચ પ્રોજેક્ટમાં કામ કર્યું. આ કચ્છી દંપતીની ખ્યાતિ અર્થશાસ્ત્ર સર્કિટમાં ફેલાવા લાગી. ત્યાં પ્રવીણભાઈને વર્લ્ડ બૅન્કમાં જોડાવાનું આમંત્રણ મળ્યું. બન્ને જણા અમેરિકા ગયાં. એ સમયે એક કચ્છીમાડુ વર્લ્ડ બૅન્કમાં ડાયરેક્ટ સિનિયર ઇકૉનૉમિસ્ટ તરીકે જોડાય એ નાનીસૂની વાત નહોતી. લીલાબેન ત્યાં યુ.એન.ના ઇસ્ટ એશિયા રિઝનના કન્સલ્ટન્ટ તરીકે જોડાયાં. બૅન્ગકૉકમાં પ્રથમ બાળક સુજાતાનો જન્મ થયો. પ્રવીણભાઈને વર્લ્ડ બૅન્કના ઉપક્રમે એશિયાના દેશો થાઇલૅન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર ઈત્યાદિમાં અવાર-નવાર જવું પડતું. તે સમયે વર્લ્ડ બૅન્કમાં મોન્ટેકસિંહ અહલુવાલિયા પણ હતા. સાતેક વર્ષ સુધી એશિયન કન્ટ્રીસ માટે વર્લ્ડ બૅન્ક તરફથી અદ્ભુત કાર્ય કર્યું પણ મનમાં સતત વતનની યાદો જોડાયેલી હતી. એટલે એક દિવસ પ્રવીણભાઈએ વર્લ્ડ બૅન્કને અલવિદા કહી પોતાના વતનના રાજ્ય (અમદાવાદ)માં પાછા આવ્યા.

ડૉ. પ્રવીણ વિસરિયા અને ડૉ. લીલા વિસરિયાની વિશેષતા એ હતી કે ઇન્સ્ટિટ્યૂટ એમને સામેથી શોધતી રહેતી. પોતાને ત્યાં કામ કરવા ઑફર આપતી રહેતી. એટલે આ દંપતી એક સાથે અમદાવાદની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં અને પછી ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઑફ ડેવલપમેન્ટ  રીસર્ચમાં પ્રવીણભાઈ ડાયરેક્ટર તરીકે જોડાયા.

એમ્પ્લોયમેન્ટ, અનએમ્પ્લોયમેન્ટ અને અંડર એમ્પ્લોયમેન્ટ, એગ્રિકલ્ચર, ગામડાંઓને વધુ સારા બનાવવા, નાની ઇન્ડસ્ટ્રીઝને કેમ પ્રોત્સાહિત કરવી જેથી ગામડાંઓ ઓછા ભાંગે અને શહેર પર ઓછો ભાર આવે જેવા અનેક વિષયો પર અથાક સંશોધન કરી ભારતના અર્થશાસ્ત્રને  નવી નવી થિયરીઓથી તરબતર કરી દીધું.

 એ જ રીતે લીલાબહેને ડેમોગ્રાફર તરીકે અનેક તારવણીઓ કરી. સંપૂર્ણ ભારતના વિવિધ ડેટા (આંકડાઓ)નું એનાલિસિસ કરી, કયા કારણસર વસ્તી વધે છે, છોકરીઓની લગ્નની ઉંમર વધારવા, દીકરીઓને ભણાવવા, ફૅમિલી પ્લાનિંગની ફ્રી સેવાઓ, માઇગ્રેટ લેબર, બાળકોના પોષણ ઇત્યાદિ અવનવા વિષયો પર સંશોધન કરી થિયરીઓ વિકસાવી. આ દંપતીએ તારવેલી થિયરીઓને ગવર્મેન્ટની અનેક સ્કીમ અને યોજનાઓમાં વાપરવામાં આવી છે અને હજુ પણ વપરાય છે.

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ પણ અર્થશાસ્ત્રી છે. તેમને ડૉ. પ્રવીણભાઈની શક્તિની જાણ હતી. આ ટેલન્ટેડ અર્થશાસ્ત્રીને અમદાવાદથી દિલ્હી બોલાવી સીધા ઇન્સ્ટિટયૂટ ઑફ ઇકૉનૉમિક્સ ગ્રોથના ડાયરેક્ટરપદે નિમ્યા. ડૉ. મનમોહન સિંહ એના ચૅરમૅન હતા. ઘણાં વર્ષ સુધી એમણે સાથે કામ કર્યું.  દિલ્હીમાં એમની સાથે માત્ર પ્રોફેશનલ નહીં પણ અંગત સંબંધ પણ બંધાયા. એકબીજાના ઘરે આવવા-જવાનો વહેવાર હતો.

પ્લાનિંગ કમિશન (પંચવર્ષીય યોજના)થી લઈ વર્લ્ડ બૅન્કમાં, દેના બૅન્કના ડાયરેકટરથી લઈ તેજસ્વી અર્થશાસ્ત્રી તરીકે ઘણું મોટું ગજું કાઢ્યું. દિલ્હીમાં હતા ત્યાં જ અચાનક માંદા પડતાં મુંબઈ આવ્યા અને ટૂંકી માંદગીમાં આ જગતમાંથી વિદાય લીધી.

 પ્રવીણભાઈની વિદાયનો આઘાત લીલાબહેનને પચાવવો અઘરો હતો. એટલે પોતાના કાર્યોમાં વધુને વધુ ખૂંપી ગયાં. આ કચ્છી દંપતીએ અર્થશાસ્ત્ર અને ડેમોગ્રાફીના ઉચ્ચસ્તરનાં ઘણાં પુસ્તકો લખ્યાં હતાં. અભ્યાસુ અને વિદ્યાર્થીઓને ઉપયોગી આ પુસ્તકોએ ઇકૉનૉમિક સર્કિટમાં લોકપ્રિયતા મેળવી છે.

 આ પ્રતિભાશાળી દંપતીના સંતાનો પણ ખૂબ જ પ્રતિભાશાળી છે. દીકરી સુજાતા કૉલમ્બિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં પી.એચ.ડી. કરી અત્યારે હૉન્ગકૉન્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તો જમાઈ અનિરબન બિઝનેસ મૅનેજમેન્ટમાં પી.એચ.ડી. થયા છે. દીકરો અભિજિત ડેમોગ્રાફીમાં અમેરિકામાં પી.એચ.ડી. કરી આજે નૅશનલ યુનિવર્સિટી ઑફ સિંગાપોરમાં પ્રોફેસર છે. પુત્રવધૂ કૃતિ પણ સોશિયોલૉજીમાં પી.એચ.ડી. થઈ સિંગાપોરમાં કાર્યરત છે. આમ કચ્છની કાશી કહેવાતા કોડાય ગામના વિસરિયા કુટુંબના તમામ સભ્યો અમેરિકામાં પી.એચ.ડી. થયા એવી ઘટના ભારતમાં ક્યાંય થઈ નથી!

 ડૉ. લીલા વિસરિયા જેવું પ્રતિભાશાળી વ્યક્તિત્વ આજીવન પ્રવૃત્તિ માટે સર્જાયા હોય એમ નિવૃત્તિ બાદ કચ્છ મહિલા વિકાસ સંગઠનના પ્રેસિડન્ટ છે. આ સંસ્થા કચ્છના ભીમાસર ગામમાંથી કમ્યુનિટી રેડિયો ચલાવે છે. ‘હૅલો સખી’ ટેલિફોન લાઈન દ્વારા દારૂડિયા કે મારપીટ કરતા પતિની ફરિયાદ કરતી મહિલાઓના પ્રશ્નોનું નિરાકરણ કરે છે. ભરતકામ ઇત્યાદિની ટ્રેઇનિંગ આપી સંસ્થા કચ્છની સ્ત્રીઓને પગભર કરવા મદદ કરે છે. ડૉ. લીલાબેન મુંબઈની તાતા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સમાં આજે સક્રિય ભૂમિકા ભજવે છે. આવા મેધાવી કુટુંબને સલામ ભરી વિરમું છું. અસ્તુ.

gujarat saurashtra kutch columnists vasant maru