શું તમે એક જ જગ્યાએ કલાકો સુધી બેસીને મોબાઇલ કે ટીવી જોયા કર્યું છે?

30 June, 2020 07:34 PM IST  |  Mumbai | Bhakti D Desai

શું તમે એક જ જગ્યાએ કલાકો સુધી બેસીને મોબાઇલ કે ટીવી જોયા કર્યું છે?

હાલમાં જ્યારે આપણું પૂરું ધ્યાન નૉવેલ કોરોના વાઇરસથી બચવા માટે ક્યાંય આ વિષાણુને આપણા શરીરમાં પ્રવેશ ન મળે એના પર છે ત્યારે લૉકડાઉન દરમ્યાન આપણી જીવનશૈલીમાં જે બદલાવ આવ્યાં એને કારણે ત્વચા પર ખંજવાળ આવવી, ગોળાકાર ચકામાં થવાં કે દાદર અથવા રિંગવર્મ જેવાં ત્વચા પરનાં ફંગલ-ઇન્ફેક્શનના રોગમાં વધારો થયેલો હોવાનું ત્વચા-નિષ્ણાતોનું કહેવું છે. જોકે સવાલ એ થાય કે લૉકડાઉન અને જીવનશૈલીને ત્વચાના રોગ સાથે શું સંબંધ?

ચાલો જરા સમજીએ. માર્ચમાં જ્યારે લૉકડાઉન શરૂ થયું ત્યારે જે લોકો ઑફિસમાં સતત ઍર-કન્ડિશનની ઠંડકમાં કામ કરવા ટેવાયેલા હતા તેઓએ આશરે બેથી ત્રણ મહિના ઘરેથી કામ કરવાની ફરજ પડી. ઘરમાં નાના-મોટા બધા જ સાથે રહેતા હોય એથી સતત ઍર-કન્ડિશન (એસી) ચાલુ ન રહેતું હોય. માનસિકતા એવી હોય કે અમુક કલાકે એસી ચાલુ-બંધ લોકો કરતા રહે. ઘણાં ઘરમાં એસી અથવા કૂલરની સુવિધા પણ નથી હોતી. લૉકડાઉનમાં બીજો બદલાવ એ આવ્યો કે ઘરેલુ કામ માટે ડોમેસ્ટિક હેલ્પનું આવવાનું પણ બંધ થઈ ગયું, જેને લીધે ઝાડુ કાઢવું, પોતાં મારવાં, ડસ્ટિંગ કરવું જેવા મહેનતના કામનું પ્રમાણ વધી ગયું, જે સામાન્ય રીતે મહિનામાં એકાદ-બે વાર જ લોકો કરતા હતા. આ બધાં કામમાં ગરમી અને સતત ભાગદોડને કારણે પરસેવો થાય એ સ્વાભાવિક છે, કામમાં હોય ત્યારે લોકો પરસેવા પર ધ્યાન ન આપતાં પોતાનું અન્ય કામ ચાલુ રાખે અને પરસેવો થાય અને એ કપડાંમાં જ શોષાઈ જાય. આવું જ્યારે નિયમિત દિવસમાં અમુક વાર બન્યા કરે ત્યારે ત્વચા પર ફંગસ થાય. એ સિવાય પણ ત્વચાના નિષ્ણાતે ત્વચા પર હાલમાં સામે આવેલા ફંગલ-ઇન્ફેક્શનનાં ઘણાં કારણો દર્શાવ્યાં છે.

ગરમી અને ભેજમાં વધે

૧૮ વર્ષનો વ્યાપક અનુભવ ધરાવનાર બ્રીચ કૅન્ડીમાં રહેતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. પ્રીતિ સાવર્ડેકર લૉકડાઉન દરમ્યાન ત્વચાની કેવી તકલીફો વધી એ વિશે વાત કરતાં કહે છે, ‘સામાન્ય રીતે ઉનાળો અને ચોમાસું આવે એટલે ત્વચા પર રેશ, દાદર, ઇન્ફેક્શનથી વિવિધ આકૃતિ બનવી, ખંજવાળ આવવા જેવી અનેક ફરિયાદ વધી જાય છે, પણ આ વર્ષે આ સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળી છે. આમાં ત્વચા પર વિવિધ પ્રકારનાં ફંગલ-ઇન્ફેક્શન થાય છે અને ત્વચાનાં પોર્સ એટલે કે ખુલ્લાં છિદ્રો દ્વારા એના જંતુ અંદર પ્રવેશે છે. જ્યારે પણ ભેજ, હૂંફ એટલે કે ઉષ્ણતા અને શરીરમાં રહેલી વધારાની ચરબી સાથે મળે ત્યારે ત્વચા પર ફૂગનું ઉદ્ભવવું અને વિકસવું સરળ થઈ જાય છે. આપણે ત્યાં દિવસમાં ત્રણ વાર નાહવાની કે પછી બે-ત્રણ વાર અંદરનાં કપડાં બદલવાની આદત બહુ ઓછા લોકોને છે. આપણે અંદરનાં કપડાં પાણીમાં થોડી વાર બોળીને ધોઈ નાખતા હોઈએ છીએ આને ગરમ પાણીમાં ધોવાની તકેદારી કોઈ લેતું નથી એથી એના પર રહેલા જંતુ, એનાં ઈંડાં આ બધાની સંખ્યા વધે છે અને ફંગલ-ઇન્ફેક્શન થાય છે.’

લૉકડાઉન અને ફંગસ

આવું કેમ થાય છે એનું મૂળ જીવનશૈલીની મૂળભૂત આદતોમાં સમાયેલું છે એમ જણાવતાં ડૉ. પ્રીતિ કહે છે, ‘આ સમયમાં ઘણા લોકો કામ કરવા, ટીવી જોવા કે મોબાઇલ પર મેસેજ વાંચવા કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહે છે. તમે જોયું હશે કે આપણે જ્યારે ઘણા સમય સુધી એક જગ્યાએ બેસીને ઊઠીએ ત્યારે એ જગ્યા આપણા શરીરની ગરમીથી ગરમ થઈ જાય છે. લૉકડાઉનમાં દરેક સદસ્ય સોફા અથવા ખુરસી પર પોતાના ગમતા અથવા નિશ્ચિત સ્થાને બેસતા હોય છે. જ્યારે પણ કલાકો સુધી આવી ઉષ્ણતા રહે અને શરીરમાં પરસેવાને કારણે ભેજ મળે છે ત્યારે ફંગસનો વિકાસ થાય છે અને પરસેવો બહાર આવતી વખતે ત્વચાનાં ખુલ્લાં છિદ્રો દ્વારા એ અંદર પ્રવેશે છે. વધતી ઉંમર સાથે ત્વચા પતલી થાય છે એથી આવા જંતુ સહેલાઈથી અંદર જઈ શકે છે. પછી એ દાદરનાં ચકામાં જેવી ગોળાકાર આકૃતિ તૈયાર થાય છે. સાદી ભાષામાં કહું તો એ જંતુ ત્વચા પર પોતાનું ઘર બનાવે છે. આવું ન થાય એ માટે રોજ સોફા અથવા ખુરસી પર એક ધોયેલી ચાદર પાથરવી અને બીજા દિવસે એ ચાદરને ગરમ પાણીમાં સાબુ નાખીને ધોઈ નાખવી.’

કોને આ સમસ્યા વધુ થાય?

કેવા લોકોમાં આવા ફંગલ-ઇન્ફેક્શનની શક્યતા અમુક જ પ્રકારના લોકોમાં વધુ હોય છે એ વિશે ડૉ. પ્રીતિ કહે છે, ‘વધારે વજનવાળા લોકોમાં ઉષ્ણતા વધારે હોય છે અને ચરબી પણ એમાં  મહત્ત્વનો ભાગ ભજવે છે એથી સ્થૂળ લોકોમાં આ રોગની શક્યતા વધારે હોય છે. ડાયાબિટીઝના દરદીઓએ પણ વિશેષ ધ્યાન રાખવું. જેમના શરીરમાં ઉષ્ણતા વધારે હોય છે તેઓ ફંગલ-ઇન્ફેક્શનના શિકાર બને છે એથી જ પતલા લોકોને આવું થવાની શક્યતા ઓછી હોય છે, પણ ઓછા વજનવાળા અથવા પતલા લોકોને ખૂબ પરસેવો વળતો હોય તો એના પર ધ્યાન આપવું અને ચોખ્ખાઈ જાળવવી જરૂરી છે. લૉકડાઉનમાં ઘરેલુ કામગાર ન હોવાને કારણે સ્ત્રીઓને બાથરૂમમાં અને રસોડામાં સતત કામ રહે છે એથી હાથ વધારે સમય ભીના રહેવાથી નખમાં ફંગસ થઈને નખ કાળા પડ્યા હોવાના કિસ્સા પણ જોવા મળ્યા છે. બ્યુટી સેલૉંમાં પૅડિક્યૉરનાં સાધનો એકબીજાના પગ પર વાપરવાથી પણ ફંગલ-ઇન્ફેક્શન કે વાઇરસ ફેલાય છે એથી જ કોરોના વાઇરસ ન ફેલાય એ માટે બ્યુટી સેલૉં બંધ રાખ્યાં છે.’

ત્વચા પર જ નહીં, માથામાં પણ થાય

ફંગલ-ઇન્ફેકશન માત્ર ત્વચા પર જ નહીં, માથામાં પણ થઈ શકે છે. ડૉ પ્રીતિ કહે છે, ‘ઘણી વાર દરદીને લાગે છે કે માથામાં ખંજવાળ કેમ આવે છે તો ત્યારે ઉંદરી થાય છે ત્યારે ત્યાંના વાળ ઊતરી જાય છે. ઘરે વાળમાં પરસેવો થતો હોય તો રોજ વાળ ધોવા અને એને હેરડ્રાયરથી સૂકવવા. ક્યારેય ભીના અથવા ભેજવાળા વાળ ન રહેવા દેવા. પરસેવો અને ભીનાશ સાથે મળવાથી ફંગસની સમસ્યા વધે છે.’

ચોમાસામાં એક્સ્ટ્રા કૅર

અત્યારે લૉકડાઉન છે અને ચોમાસાની ઋતુ પણ છે એવામાં ત્વચાની વિશેષ કાળજી રાખવી જોઈએ. ડૉ. પ્રીતિ કહે છે, ‘ચોમાસામાં રસ્તા પર જમા થયેલા પાણીમાં પગ અને બૂટ ભીનાં થવાથી તથા એ જ બૂટ તડકામાં સૂકવ્યા વગર ભીનાં હોય તો પણ પાછાં પહેરવાથી ફંગલ-ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. પ્રાણીઓમાંથી પાણી દ્વારા ફંગલ-ઇન્ફેક્શન પગમાં લાગે છે એથી જે લોકો ઘરે જઈને પગ વ્યવસ્થિત ગરમ પાણીમાં સાબુથી ન ધુએ તેમને આવું થઈ શકે છે અને પગ દ્વારા એ ત્વચામાં આવે છે. બીજા દિવસે બૂટ ભેજવાળાં હોય તો ન પહેરવાં અને એને હેરડ્રાયરથી અથવા તડકામાં સૂકવવાં ખૂબ જરૂરી છે.’

પેટ્સ રાખ્યાં હોય તો સાવધાન!

આ ફંગલ-ઇન્ફેક્શન પ્રાણીઓમાંથી પણ આવી શકે છે એવું જણાવતાં ડૉ. પ્રીતિ કહે છે, ‘જેમના ઘરે પાલતુ પ્રાણી હોય છે તેમને હાથ અને પગ પર આ રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પાળેલાં કૂતરાં કે બિલાડી જયારે ભીનાં હોય અને વ્યક્તિના ખોળામાં બેસે ત્યારે એ ફંગસ વ્યક્તિના શરીર પર આવે છે. એ સિવાય જે લોકો પાલતુ પ્રાણીને સ્નાન કરાવતી વખતે ભીનાં થયેલાં કપડાં પંખા નીચે ઊભા રહીને સૂકવી દે છે તેઓને પણ આ સમસ્યાનો વધારે સામનો કરવો પડે છે એથી પ્રાણીને સ્નાન કરાવ્યા પછી પોતે નાહવું ફરજિયાત છે, જેથી પ્રાણીમાંથી આવતા ત્વચાના ફંગલ-ઇન્ફેક્શનથી બચી શકાય. જેઓ પણ પ્રાણીના સીધા સંપર્કમાં આવે છે તેમણે પૂર્ણ ચોખ્ખાઈ રાખી સૂતાં પહેલાં નાહીને બધાં જ કપડાં બદલી લેવાં જોઈએ.’

શું કરવું, શું ન કરવું?

columnists bhakti desai