શું કોરોના ભારતીય સંસ્કૃતિને પણ માસ્ક પહેરાવી દેશે?

11 June, 2020 04:29 PM IST  |  Mumbai | Varsha Chitaliya

શું કોરોના ભારતીય સંસ્કૃતિને પણ માસ્ક પહેરાવી દેશે?

પ્રતીકાત્મક તસવીર

લગ્નોમાં મર્યાદિત મહેમાનો, ધાર્મિક સ્થળોમાં સોશ્યલ ડિસ્ટન્સ, સામાજિક મેળાવડા કરવાની મંજૂરી નહીં, સગાંમાં કોઈનું મરણ થાય તો જવાની મનાઈ, પ્રાર્થનાસભા જેવી કોઈ સિસ્ટમ નહીં ચાલે. કોરોનાના કારણે હાલમાં આપણી આ સામાજિક પરંપરાઓ અને રીતિરિવાજોને ફરજિયાતપણે બાજુ પર મૂકવા પડ્યાં છે. જો લાંબો સમય સુધી આમ જ ચાલશે તો ભારતીય સંસ્કૃતિમાં પરિવર્તનનો પવન ફૂંકાશે અને ધીમે-ધીમે આખું કલ્ચર બદલાઈ જશે એવી આશંકા અનેક લોકોએ વ્યક્ત કરી છે. વૈશ્વિક મહામારીથી માણસો તો જીવ ગુમાવી જ રહ્યા છે, શું હવે આપણી સામાજિક પ્રથાઓનો પણ મૃત્યુઘંટ વાગશે? જૂની અને નવી પેઢીનું આ સંદર્ભે શું કહેવું છે એ જાણીએ....

કેટલાક રિવાજો કાયમી ધોરણે ખતમ થાય તો સારું: પાર્થ દવે, અંધેરી

આપણા દેશમાં પેરન્ટ્સનું ડિસિઝન મહત્ત્વ રાખે છે તેથી નજીકના ભવિષ્યમાં પરંપરાઓમાં મોટું પરિવર્તન આવશે એવું નથી લાગતું, પરંતુ મને દેખાતાં કેટલાંક સામાજિક દૂષણોનો મૃત્યુઘંટ વાગી જાય તો સારું. અંધેરીનો ૨૮ વર્ષનો પાર્થ દવે આ શબ્દો સાથે વાતની શરૂઆત કરતાં કહે છે, ‘નાનપણથી જ લગ્નમાં અને પ્રાર્થનાસભામાં જવું મને ગમતું નથી. બહુ જ અગત્યનો અને નજીકનો પ્રસંગ હોય તો બે ઘડી હાજરી પુરાવી આવું. આ આખી સોશ્યલ સિસ્ટમમાં કરવા જેવું કંઈ હોતું નથી. શુભ પ્રસંગમાં ખાઈ-પીને નીકળી જાય અને કોઈ ઘટના ઘટી હોય તો લોકો હાથ જોડીને ચાલ્યા જાય છે. કોઈ પણ કામમાં પ્રોડક્ટિવિટી હોય ત્યારે એની વૅલ્યુ થાય એવી જ રીતે સામાજિક રિવાજોમાં હોવું જોઈએ. તમે જેને મળવા જાઓ છો એ વ્યક્તિની તમારી લાઇફમાં વૅલ્યુ હોવી જોઈએ. ઇમોશનલ અટૅચમેન્ટ ન હોય એવા સોશ્યલ ગેધરિંગની જરૂર લાગતી નથી. વેસ્ટ ઑફ ટાઇમ ઍન્ડ વેસ્ટ ઑફ મની. જોકે પરંપરાઓ બંધ થવાથી વડીલો નારાજગી વ્યક્ત કરશે. તેમના માટે સ્વીકારવું અઘરું છે, કારણ કે જ્યારે લિમિટેડ લોકોને બોલાવવાના હશે ત્યારે નેક્સ્ટ જનરેશન ફ્રેન્ડ્સને પ્રાથમિકતા આપશે. મારી જનરેશન હજીયે પેરન્ટ્સની ભાવનાને સમજી કૉમ્પ્રોમાઇઝ કરે છે, પણ મારા પછીની જનરેશન મોટી થશે ત્યાં સુધીમાં હાલની સામાજિક પ્રથાઓ લગભગ ખતમ થઈ જવાની છે.’

લોહીના સંબંધો આપણી સામાજિક પરંપરાઓને

જિવાડશે: મીના શાહ, તાડદેવ

આપણા જ બનાવેલા રીતિરિવાજોમાં થોડોઘણો બદલાવ આવશે તો ફરક પડવાનો નથી એવો મત વ્યક્ત કરતાં તાડદેવનાં ૬૯ વર્ષનાં મીના શાહ કહે છે, ‘આજથી થોડાં વર્ષ પહેલાં સુધી મને સામાજિક મેળાવડામાં જવું ખૂબ ગમતું હતું. કોઈને ટૂંકમાં પ્રસંગ પતાવી લેતાં જોતી ત્યારે થતું કે સમાજમાં રહેવું હોય તો એના નિયમોને પાળવા જોઈએ. સગાંવહાલાંને આમંત્રણ આપવું પડે. અત્યારે લગ્નોમાં જે રીતે જલસો થાય છે એ જોયા બાદ મારી વિચારધારામાં પરિવર્તન આવ્યું છે. આવા મેળાવડામાં માત્ર સંપત્તિનું પ્રદર્શન થાય છે. હસ્તમેળાપ કે મંડપ મુરત જેવી વિધિમાં આમેય આઠ-દસ જણને જ રસ હોય છે તો પછી લોકોને ભેગા કરવાનો અર્થ નથી. એવી જ રીતે માત્ર આંખની ઓળખાણ હોય તોય ખરખરો કરવા લાંબો પ્રવાસ કરીને જવું બંધ થશે તો સિનિયર સિટિઝન્સને રાહત જેવું લાગશે. આ બધું બંધ થવાથી કલ્ચર ખલાસ થઈ જશે એવું નથી. તમે ક્રાઉડ ઓછું કરો છો, રિવાજો પર પૂર્ણવિરામ નથી મૂક્યું. નજીકના સ્વજનોની વચ્ચે પ્રસંગ વધુ દીપી ઊઠશે અને સાંત્વનાના બે શબ્દો હૃદય સુધી પહોંચશે. નવી પેઢીનાં સંતાનોને પણ લોહીના સંબંધો ચોક્કસ ખેંચી લાવશે અને ઓછા માણસો વચ્ચે આયોજિત પ્રસંગો થકી પરંપરા જીવંત રહેશે. આપણી સંસ્કૃતિ એટલી ખોખલી નથી કે કોરોના જેવો વાઇરસ એનો મૃત્યુઘંટ વગાડી શકે.’

કલ્ચરને જાળવી રાખવા પેરન્ટ્સે વધુ મહેનત કરવી પડશે: સત્યમ ત્રિવેદી, કાંદિવલી

કોઈનાં લગ્નમાં જવાની વાત નીકળે એટલે કાંદિવલીનો બાવીસ વર્ષનો યુવાન સત્યમ ત્રિવેદી મમ્મીને પૂછે, કોણ છે એ લોકો? ઓળખતો નથી તો શું કામ જવાનું? પેરન્ટ્સ સાથે આ બાબત રકઝક કર્યા પછી ફરજિયાત જવું પડશે એવું ફરમાન આવે એટલે ફંક્શન અટેન્ડ કરે. સત્યમ કહે છે, ‘સોશ્યલ ગેધરિંગ મને ગમે છે, પણ આવું નહીં. ઓળખતો ન હોઉં એવા લોકોને રિવાજોના નામે મળવાનો શું ફાયદો? સારું થયું, કોરોનાએ આ બધું બંધ કરાવી દીધું. લાંબો સમય સુધી સરકાર વધુ લોકોને ભેગા થવાની પરવાનગી નહીં આપે તો અમારું માઇન્ડ નવા કલ્ચરને અડેપ્ટ કરી લેશે. હિન્દુ કલ્ચરમાં પરિવર્તન આવશે એ દિવસો હવે દૂર નથી. જો એને જીવંત રાખવું હશે તો પેરન્ટ્સની એજની એટલે કે ચાલીસથી પચાસની વચ્ચેની પેઢીએ મહેનત કરવી પડશે. અમે રીતિરિવાજોને અનુસરીએ એ માટે તેઓ જ સાચી દિશા બતાવી શકે. જોકે એનાથી ઇન્ડિયાની ઇમેજ ચેન્જ નહીં થાય. મારી દૃષ્ટિમાં ભારતની સંસ્કૃતિ યોગ અને મેડિટેશન છે, નહીં કે સોશ્યલ ગેધરિંગ. રહી વાત ધાર્મિક પ્રથાઓને માનવાની તો એ અમે માનીએ જ છીએ. હું સોલો ટ્રાવેલર છું. ગયા વર્ષે એકલો ઋષિકેશ ગયો હતો. ધાર્મિક સ્થળો પર ભીડ ઓછી થાય અને પીસફુલ વાતાવરણ ક્રીએટ થાય તો અમને સ્થળનું આકર્ષણ થશે અને ત્યાં અમે એ બધું જ કરીશું જે પેરન્ટ્સ કરતા આવ્યા છે.’

આપણે પ્રથા બનાવી છે તો એને અનુસરવી પડશે: દેવાંગના શાસ્ત્રી, બોરીવલી

બોરીવલીનાં ૬૪ વર્ષનાં દેવાંગના શાસ્ત્રીને વિશ્વાસ છે કે વિશ્વના કોઈ પણ ખૂણે વસતો ભારતીય પેઢી દર પેઢીથી ચાલી આવતી પરંપરાઓને સોએ સો ટકા સાચવશે. તેઓ કહે છે, ‘હું રીતિરિવાજોમાં ખૂબ માનું છું. આપણા બનાવેલા નિયમો આપણે જ તોડી નાખીએ તો સમાજ તૂટી જાય. તાજેતરમાં બનેલી એક ઘટનાથી નવી પેઢી પ્રત્યે મારો વિશ્વાસ વધ્યો છે. બન્યું એવું કે અમેરિકામાં રહેતા અમારા એક સગાનું મૃત્યુ થઈ ગયું. તેમનો દીકરો પણ ત્યાં જ રહે છે. લૉકડાઉનના કારણે તેને જવા ન મળ્યું તોય પિતાના મૃત્યુ પાછળ જે વિધિ કરવાની હોય એ તમામ અમદાવાદમાં કરાવી. વિધિ ચાલતી હતી એ દરમ્યાન દીકરાએ પીતાંબર પહેર્યું. વિદેશમાં વસતો ભારતીય જો એને અનુસરતો હોય તો પ્રથાનો મૃત્યુઘંટ ન જ વાગે. મને લાગે છે કે કોરોનાના કારણે આપણી ધાર્મિક આસ્થા વધી છે. નવી પેઢી રામાયણ જેવી સિરિયલો જોવા લાગી, નવકાર મંત્ર અને ઑનલાઇન પૂજા-પાઠમાં રસ લેતી થઈ. બહારની દુનિયા દેખાવની છે અને નજીકના પડખે ઊભા રહેશે એ વાત નવી પેઢીના મગજમાં બેસી ગઈ એ કલ્ચરનું ડેવલપમેન્ટ છે. જોકે કેટલાક બદલાવ આવશે એ સ્વીકારું છું. હવે પછીના વ્યવહારો કાકા-મામા-માસી-ફોઈ કે જેને આપણે ફર્સ્ટ ફૅમિલી કહીએ છીએ ત્યાં સુધી સીમિત રહી જશે.’

જૂનું કૉલેપ્સ થશે તો નવું ઊભું થશે

વૈશ્વિક સ્તરે લોકપ્રિય ભક્તિરસથી ભરપૂર આલ્બમ સ્મરણાંજલિકા, ભારતના સાંસ્કૃતિક વારસા અને ધાર્મિક આસ્થા પર આધારિત પુસ્તકો, સીડી અને કૅસેટના પ્રકાશક પરીખ પરિવારના મોભી નવનીતલાલ પરીખનું ગયા મહિને મૃત્યુ થઈ ગયું. તેમના મૃત્યુ બાદ બન્ને પુત્રો યોગેશ અને અનિલ દ્વારા આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં યુવાનો અને વિદેશમાં વસતા સ્વજનોએ ભજન ગાયાં હતાં એ સદીઓથી ચાલી આવતી જૂની પ્રથામાં પરિવર્તનનો પવન ફૂંકાયો હોવાનું સૂચવે છે. અનિલભાઈ કહે છે, ‘જૂના રિવાજો ધીમે-ધીમે કૉલેપ્સ થશે અને સામે નવું કલ્ચર ઊભું થશે. અમે એનો સ્વયં અનુભવ કર્યો છે. અત્યાર સુધી આપણને એમ હતું કે પ્રાર્થનાસભામાં ભજન ગાવાવાળાને બોલાવવા પડે. આર્ટિસ્ટોની હાજરી વગર પંદર દિવસના ભજનના કાર્યક્રમ (સાદી ભાષામાં ઑનલાઇન બેસણું)ના પહેલા દિવસે અમે જાતે ભજન ગાઈ પપ્પાને શ્રદ્ધાંજલિ આપી. એ પછી તો વિદેશમાં વસતાં સગાંસંબંધીઓએ વારાફરતી ભજન ગાવાની ઇચ્છા વ્યક્ત કરી. જો મુંબઈમાં હૉલ બુક કરી પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હોત તો પાંચસો માણસો આવે. વર્ચ્યુઅલ શોકસભામાં એવા લોકો જોડાયા જેઓ રૂબરૂ આવી ન શક્યા હોત. લગ્નપ્રસંગોમાં પણ આ પ્રકારનું કલ્ચર ડેવલપ થાય એ સમયની માગ છે. વર્ચ્યુઅલ મેંદી, લગ્નગીતો વગેરે રિવાજોને જીવંત રાખવાનું કામ કરશે. વાસ્તવમાં આપણે પ્રથા અને રિવાજોના નામે એક વર્તુળમાં જ ઘુમરાયા કરતા હતા. નવા કલ્ચરે આપણને વૈશ્વિક ફલક પર લાવવાનું કામ કર્યું છે. આવી પ્રથા અસ્તિત્વમાં આવશે તો નવી પેઢી ભજન ગાતી થશે, આપણી સંસ્કૃતિને નજીકથી માણતી થશે અને એને અનુસરવા લાગશે. અમને આ કાર્યક્રમમાં જે આત્મીયતા દેખાઈ એ કદાચ રૂબરૂ જોવા ન મળી હોત. મને લાગે છે કે આજથી એક દાયકા બાદ ભારતનું જુદું જ કલ્ચર વિશ્વ સમક્ષ ઊભરીને આવશે અને એનું શ્રેય આજની પેઢીને આપવું પડશે.’

columnists Varsha Chitaliya coronavirus covid19 lockdown