જાનામિ ધર્મમ્: ખરેખર જાણો છો ધર્મને?

28 February, 2021 07:53 AM IST  |  Mumbai | Kana Bantwa

જાનામિ ધર્મમ્: ખરેખર જાણો છો ધર્મને?

પ્રતીકાત્મક તસવીર

તમે ધર્મને જાણો છો? જવાબ ‘હા’માં જ હશે, ખાતરી છે. ધર્મને કોણ ન જાણતું હોય? જન્મથી જ જે લેબલ આપણા પર લાગી જાય છે, જેના પ્રમાણે વિચારધારા ઘડાય છે, જે પ્રમાણેનો પહેરવેશ, ખાણી-પીણી, વ્યવહાર, રિવાજ માણસની સાથે ચોંટે છે એ ધર્મને તો જાણતા જ હોયને. જે ધર્મમાં જન્મ્યા એ ધર્મને તો જાણતા જ હોય, પરધર્મને પણ થોડો જાણતા હોય અને ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ જે સાવ અલગ જ પરિપ્રેક્ષ્યમાં કહ્યું છે એને સંપ્રદાયના પરિપ્રેક્ષ્યમાં મૂકીને ‘સ્વધર્મે નિધનમ્ શ્રેય, પરધર્મો ભયાવહ:’ એવી પણ જાણ હોય છે, પણ જો એવું કહીએ કે તમે તમારા સંપ્રદાયને જાણો છો, ધર્મને જાણતા નથી, તો પણ તમે ઇનકાર જ કરશો અને કહેશો કે હું મારા પંથને, સંપ્રદાયને પણ જાણું છું અને સનાતન હિન્દુ ધર્મને પણ જાણું છું. જે ખ્રિસ્તી હશે તે કહેશે કે હું પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયને જાણું છું અને ખ્રિસ્તી ધર્મને પણ જાણું છું. ઇસ્લામ કે સિખ કે જૈન કે બૌદ્ધ ધર્મના મતાવલંબીઓ પણ એવું જ કહેશે. દરેકને એવી ગેરસમજ હોય છે કે પોતે ધર્મને જાણે છે, પણ તેઓ જેને જાણે છે એ ધર્મ નથી, એ સંપ્રદાય છે. મહાભારતના ખલપાત્ર દુર્યોધને પણ કહ્યું હતું કે જાનામિ ધર્મમ્ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ, ન ચ મે નિવૃત્તિ (મહાભારતની મજા એ છે કે નેગેટિવ પાત્રોને પણ અદ્ભુત ઉપસાવ્યાં છે અને તેમના મોઢામાં અદ્ભુત શબ્દો પણ મૂક્યા છે. મહાભારતમાં જ અન્યત્ર એક સ્થળે દુર્યોધને આજના યુગ માટે બંધબેસતું સરસ વાક્ય ઉચ્ચાર્યું છે, અસંતોષ: શ્રિયો મૂલમ. અસંતોષ જ ઐશ્વર્યનું મૂળ છે). દુર્યોધને કહ્યું કે હું ધર્મને જાણું છું ત્યારે ખરેખર તે ધર્મને જાણતો હશે? ધર્મને કદાચ નહીં જાણતો હોય, પણ પોતે અધર્મથી નિવૃત્ત થઈ શકતો નથી એવી પ્રામાણિક કબૂલાત તે કરી લે છે. મહાભારતમાં જ્યાં-જ્યાં ધર્મ અને અધર્મ બાબતે ગૂંચવણ થઈ છે ત્યાં કહેવાયું છે કે ધર્મ અતિ સૂક્ષ્મ છે. મહાભારતનાં લગભગ તમામ મહત્ત્વનાં પાત્રો આ વાક્ય બોલી ચૂક્યાં છે.

 આપણે આ પૃથ્વી પર ધર્મથી પ્રિ-લોડેડ થઈને જ અવતરીએ છીએ. બાળક જન્મે એ પહેલાં તેના પર ધર્મના સંસ્કાર થઈ ગયા હોય છે. લગભગ તમામ સંપ્રદાય, પછી એ ખ્રિસ્તી હોય કે હિન્દુ હોય કે આફ્રિકાના અંધારિયા જંગલના આદિવાસીઓનો સંપ્રદાય હોય, તમામ પોતાના અનુયાયીનું બાળક પોતાના જ સંપ્રદાયમાં રહે એવું ઇચ્છે છે એટલે જન્મથી જ ધર્મ નક્કી કરવાની પ્રથા છે. ધર્મ તમે પસંદ કરી શકતા નથી, એ જન્મથી જ મળે છે. અમુક એવા હોય છે જે લાલચથી કે અન્ય કોઈ સામાજિક-આર્થિક-રાજકીય કારણોથી અન્ય ધર્મ (સંપ્રદાય)ની કંઠી બાંધે છે. બહુ જૂજ વીરલા એવા હોય છે જે જન્મજાત મળેલા ધર્મથી મુક્ત થઈને પોતાનો ધર્મ પસંદ કરી શકે છે, પોતાનો ધર્મ બનાવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ પોતે એવું કહ્યું હતું કે અમારો (યાદવોનો) કોઈ નિશ્ચિત ધર્મ નથી. આ જ કૃષ્ણએ ધર્મને પુન: સ્થાપિત કર્યો. ધર્મની ફરીથી વ્યાખ્યા કરી. ધર્મને ફરીથી નવજીવન આપ્યું. યહૂદી તરીકે જન્મેલા ઈશુના ઉપદેશ પ્રમાણે ખ્રિસ્તી સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો. બુદ્ધે પોતાનો અલગ સંપ્રદાય સ્થાપ્યો. કૃષ્ણ સાક્ષાત્ ધર્મ હતા, તેમના નામે ચાલેલા સંપ્રદાયના ધર્મગુરુઓ ધર્મ નથી. ઈશુ ધર્મ હતા, પાદરીઓ ધર્મ નથી. બુદ્ધ ધર્મ હતા, ભિક્ષુઓ ધર્મ નથી. પયગમ્બર ધર્મ હતા, મૌલવીઓ ધર્મ નથી.

 ધર્મથી મુક્ત થવું સૌથી મુશ્કેલ છે. કારણ કે આપણે સંપ્રદાયને ધર્મ માનીને વર્તીએ છીએ. ધર્મ એ સંપ્રદાય નથી. ધર્મનો અર્થ અત્યારે ભલે સંપ્રદાય અથવા રિલિજન થાય, મૂળ અર્થ એવો નથી. ધર્મનો મૂળ અર્થ જીવન જીવવાની નિયમાવલિ અથવા વ્યક્તિ માટેનો જીવવાનો ઉત્તમ માર્ગ એવો થાય છે. શિકારીનો ધર્મ શિકાર કરવો એ છે, ક્ષત્રિયોનો ધર્મ પ્રજાના કે સમાજના રક્ષણ માટે લડવાનો છે. વ્યક્તિને સદ્આચરણ કરતાં શીખવે એ ધર્મ. ભગવદ્ગીતાના ત્રીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણએ જે ધર્મની વાત કરી છે એ આ ધર્મની વાત છે. એ હિન્દુ ધર્મ કે અન્ય ધર્મની વાત નથી. એ શ્લોકની શરૂઆતમાં શ્રીકૃષ્ણ કહે છે, ‘શ્રેયાન્ સ્વધર્મ વિગુણ:’ - પોતાનો ધર્મ થોડો ઓછો ગુણવાળો હોય, પોતાના ધર્મનું થોડું ઓછું પાલન થતું હોય, થોડી છૂટછાટ લેવાઈ જતી હોય તો પણ એ પરધર્મ કરતાં વધુ સારો છે. એ ધર્મ એટલે જીવન જીવવાની રીત. આપણે અત્યારે ધર્મના નામે જે સમજીએ છીએ એ સંપ્રદાય છે અને સંપ્રદાય વંશપરંપરાગત મળે. ધર્મની વ્યાખ્યાને આપણે મરોડી નાખી છે. આપણે ધર્મ સાથે જોડાયેલા શબ્દોને એ ઉંમરથી ઓળખીએ છીએ જ્યારથી સાવ અબુધ હતા. ધર્મ, મોહ, માયા, મોક્ષ, ભક્તિ, મુક્તિ, કીર્તન, ભજન, સાધના, ધ્યાન, સમાધિ, યોગ, આસન, યમ-નિયમ, અધ્યાત્મ, બોધ, મુમુક્ષા, તિતિક્ષા વગેરે દુર્બોધ શબ્દોથી આપણે પાંચેક વર્ષની ઉંમર સુધીમાં પરિચિત થઈ જઈએ છીએ એટલે આપણી અંદર એક એવી માન્યતા ઘર કરી જાય છે કે આપણે આ બધા શબ્દોને સમજીએ છીએ. એના અર્થની ખબર છે, પણ હકીકતમાં કેટલા લોકો આ બધાનો ખરો અર્થ જાણે છે? જેને અર્થની જાણ છે એમાંથી કેટલા એને સમજે છે? જે સમજે છે એમાંના કેટલા એના મૂળને જાણે છે, એની મૂળ વિભાવના સમજે છે? આ લોક, પરલોક, ગોલોક બધું આપણે જાણીએ છીએ અને કશું જ નથી જાણતા. કારણ કે આપણને ગળથૂથીમાં જે વિભાવનાઓ પીવડાવી દેવામાં આવી છે એનાથી હું જાણું છુંની જે માન્યતા બંધાઈ છે એ વધુ કશું જાણવા દેતી જ નથી. સત્ય સુધી પહોંચવા દેતી જ નથી. મૂળ સુધી પહોંચવા દેતી જ નથી અને એટલે જ ધર્મના, સત્યના મૂળને જાણવાની સાચી જિજ્ઞાસા આપણને થતી જ નથી. ખોટી જિજ્ઞાસા થાય છે જે આડંબર હોય છે. ખાલી ઘડો હોય તો એમાં પાણી ભરી શકાય. ભરેલા ઘડામાં પાણી કેમ ભરવું? આપણે ભરેલા ઘડા છીએ. આપણા ઘડાઓને બાળપણમાં જ ભરી દેવામાં આવ્યા છે, છલોછલ. ધ્યાન રાખવામાં આવ્યું છે કે ઘડા પૂરેપૂરા ભરાય, જેથી નવું પાણી ઉમેરવાની કોઈ ગુંજાશ જ ન રહે. આ વ્યવસ્થા બહુ જ સજ્જડ રીતે ગોઠવી દેવામાં આવી હોય છે.

  આ વ્યવસ્થા માત્ર સંપ્રદાય પૂરતી મર્યાદિત નથી હોતી. એના આધારે વ્યક્તિની રીતભાત, તેની પસંદગી, તેનો ખોરાક, તેની વિચારધારા, તેનો સ્વભાવ અને તેનું વર્તન પણ ઘડાય છે. આફ્રિકાના કોઈ માનવભક્ષી કબીલાનું બાળક માનવભક્ષી બનશે, એમાં તેને કશું જ અજુગતું નહીં લાગે. અજાણ્યા માણસને તે તીરથી વીંધી નાખશે, તેને માટે તે સ્વાભાવિક હશે. એક વખત અફઘાનિસ્તાનમાં અમેરિકન મુલાકાતીઓની એક ટુકડી પસાર થઈ રહી હતી. સાથેના અનુભવી ગાઇડે કહ્યું કે ‘હવે આપણે ગ્રામીણ ઇલાકામાંથી પસાર થઈ રહ્યા છીએ, બારીની બહાર જોવું નહીં અને માથું નીચું રાખવું.’ અમેરિકનોએ પૂછ્યું કે ‘અહીંના અફઘાનો એટલા ક્રૂર હોય છે કે માણસને જોતાં જ ગોળી મારી દે?’ ગાઇડે કહ્યું કે ‘એવું નથી. અહીંના લોકો બંદૂકબાજીની પ્રૅક્ટિસ જીવતા માણસો પર જ કરે છે એટલે એ તમને જોઈને માત્ર પ્રૅક્ટિસ ખાતર ગોળી ચલાવી દઈ શકે.’ એ લોકો માટે માણસને ગોળી મારવી સ્વાભાવિક હતી, કારણ કે એ જ સંસ્કારોમાં તેઓ ઘડાયા હતા. આપણા મનનું વાયરિંગ પણ આ વ્યવસ્થાના ભાગરૂપે થઈ જાય છે. એ વ્યવસ્થા જ આપણને ચોકઠાં ગોઠવી આપે છે અને એ જ ચોકઠાં મુજબ આપણું મન ઘડાય છે. એ જ ચોકઠાં મુજબ વિચારતાં શીખે છે, એ જ બૉક્સ પ્રમાણે કલ્પના વિકસે છે, એ જ બૉક્સ મુજબ એની ફૅન્ટસી બને છે, એની વૃત્તિઓ ઘડાય છે, એની ઇચ્છાઓ, એષણાઓ, તૃષ્ણાઓ બને છે. એ જ પ્રમાણે એની અપેક્ષાઓ જન્મે છે. સંપ્રદાયોએ માણસની વિચારવાની સંભાવનાઓને મર્યાદિત કરી નાખી છે. સંપ્રદાયોના અનેક ફાયદા હશે, પણ આ એક ગેરફાયદો બધા ફાયદાઓને વળોટી જાય એટલો મોટો છે. ખરો ધર્મ આ નથી. આ સંપ્રદાય છે. સંપ્રદાય પણ સમાજ માટે જરૂરી છે, જેથી સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે, પણ ધર્મ અલગ ચીજ છે. ધારયતે ઇતિ ધર્મ. જે ધારણ કરે છે એ ધર્મ છે. ધર્મ વ્યક્તિગત ચીજ છે એને માણસે સામૂહિક બનાવી દીધી છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists kana bantwa