તમે કરો છો મેડિટેશન?

09 July, 2020 06:58 PM IST  |  Mumbai Desk | Ruchita Shah

તમે કરો છો મેડિટેશન?

યુનિવર્સિટી કૉલેજ, લંડને કરેલા એક સર્વે અનુસાર બ્રિટનના લોકો લૉકડાઉન દરમ્યાન પોતાની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થનું વધુ ધ્યાન રાખતા થઈ ગયા છે. લૉકડાઉન પછી લગભગ ૫૮ ટકા લોકો રોજ મેડિટેશન કરે છે. લૉકડાઉન પહેલાં આ આંકડો માત્ર ૩૪ ટકાનો હતો. માનસિક શાંતિ માટે, વિચારોની સ્પષ્ટતા માટે, શરીરની છૂપી ક્ષમતાઓને બહાર લાવવા માટે ધ્યાન એ યોગની એક મહત્ત્વની પ્રક્રિયા ગણાય છે. અષ્ટાંગ યોગમાં ધ્યાન સાતમા ક્રમે છે. એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણા પછી ધ્યાનનો નંબર આવે છે. પહેલાં તમે ફિઝિકલી સ્થિર થઈ જાઓ, શરીરનાં દ્વંદ્વો દૂર થઈ જાય. મન પણ વિવિધ પ્રાણાયામની ક્રિયાઓ દ્વારા સ્થિર થવાની તાલીમ પામી ચૂક્યું હોય એ પછી પ્રત્યાહાર દ્વારા ઇન્દ્રિયોને બહારની દિશામાંથી અંદર તરફ વાળીને પહેલાં એક ઑબ્જેક્ટ તરફ સ્થિર કરી દીધી હોય અને પછી ધીમે-ધીમે તમારી અંદરની યાત્રા શરૂ થાય. આપણી અંદર રહેલી અનંત શક્તિઓને ઓળખવાની, આપણી અંદર રહેલા અનંત આનંદની અનુભૂતિ કરવાની યાત્રા ધ્યાનથી શરૂ થાય છે. મેડિટેશન હવે કૉર્પોરેટ હાઉસથી લઈને ઘર-ઘરમાં પૉપ્યુલર થઈ રહ્યું છે ત્યારે ધ્યાનની વાસ્તવિક વ્યાખ્યા શું છે? કોણ ધ્યાન કરી શકે? કેવી રીતે ધ્યાન કરવું જોઈએ એ માટે મેડિટેશન વિષય પર આખી જિંદગી રિસર્ચ કરનારા કૈવલ્યધામ નામની યોગ સંસ્થાના સાયન્સ ઍન્ડ રિસર્ચ વિભાગના ડૉ. રણજિત એસ. ભોગલ સાથે આ વિષય પર ચર્ચા કરીએ.
શું છે આ ધ્યાન?
મેડિટેશનની અંગ્રેજી ડિક્શનરી મુજબ વ્યાખ્યા કરીએ તો એનો અર્થ ચિંતન કરવું, ઓતપ્રોત થવું, મનન કરવું વગેરે થાય છે. ધ્યાનની પ્રક્રિયામાં જાતને જાણવી એ મહત્ત્વનું છે. જેમ-જેમ જાણતા જઈશું એમ-એમ મુક્ત થતા જઈશું. ડૉ. ભોગલ કહે છે, ‘જાણતા જાઓ એમ તમને ફ્રીડમનો અહેસાસ થાય. તમને કોઈ વસ્તુ ન ખબર હોય ત્યાં સુધી એ જાણવાની તમારી તાલાવેલી હોય, એના માટે જિજ્ઞાસા હોય અને એ જાણવાની દોડ હોય પણ જ્યારે એ તમને ખબર પડી જાય પછી તમે એનાથી બંધાયેલા રહો ખરા? આ જ બાબત ધ્યાનમાં બને છે કે જેમાં જાણવાની અંતરંગ યાત્રા શરૂ થાય છે. તમે તમારી ચેતનાની એક પછી એક લેયરો ખોલ‍તા જાઓ છો અને
જેમ-જેમ જાત પ્રત્યેની જાગૃતિ વધે છે એમ એનાથી સ્વતંત્રતાનો અહેસાસ થાય છે. ધ્યાન જાતની અંદર છુપાયેલાં કેટલાંક સત્યોને, તથ્યોને ઓળખવાની અને પછી એનાથી મુક્ત થઈને મગ્ન થવાની યાત્રા છે. આ જાગૃતિની એવી અવસ્થા હોય છે જેમાં તમે નૉન-જજમેન્ટલ હો છો,
નૉન-રીઍક્ટિવ હો છો. મેડિટેશન કરવાનું નથી હોતું, એ તો થઈ જાય છે. અત્યારે જે પણ ઇન્સ્ટ્રક્શન અપાય છે એ ધારણાની છે. ધારણા એટલે કોઈ એક જગ્યાએ ચિત્તને સ્થિર કરવું. એમાંથી ધીમે-ધીમે વ્યક્તિની ચેતના વધુ ને વધુ અંદર જતી જાય અને સહજ જ ધ્યાનના સ્ટેજ સુધી તમે પહોંચી જાઓ છો. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે આ પ્રકારની યોગ સ્ટેટમાં રહેલો સાધક માનસિક, શારીરિક એમ તમામ પ્રકારની તકલીફોમાંથી બહાર આવી જાય છે અને સ્વના સાચા સ્વરૂપને ઓળખવામાં સફળતા પામે છે.’
શારીરિક રીતે શું અસર કરે?
આગળ આપણે ધ્યાનના આધ્યાત્મિક લાભ વિશે વાત કરી, પરંતુ એના શારીરિક લાભો પણ છે જેના ઉપર અઢળક રિસર્ચ પણ થયાં છે. જેમ કે હાર્વર્ડ હેલ્થનો એક ડેટા કહે છે કે નિયમિત મેડિટેશન પ્રૅક્ટિસથી બ્લડ-પ્રેશર ઓછું થાય, બ્રેઇનમાં ગ્રે મૅટર વધે જે મગજની કાર્યક્ષમતા વધારે, ડિસિઝન-મેકિંગ બહેતર કરે, સેલ્ફ-એસ્ટીમ વધારે, કૉન્સન્ટ્રેશન અને ફોકસ વધારે, યાદશક્તિ વધારે એટલે ઘડપણમાં થતા ડિમેન્શિયા કે ઑલ્ઝાઇમર્સ જેવા રોગોને દૂર ધકેલે, ઇમ્યુન
સિસ્ટમ સુધારે જેવી ઘણી બાબતો વિશ્વની જુદી-જુદી યુનિવર્સિટી સંશોધન દ્વારા સાબિત કરી ચૂકી છે. ડૉ. ભોગલ વધુ વૈજ્ઞાનિક ધોરણે સમજાવતાં કહે છે, ‘ધ્યાન તમારા શરીરના છૂપા હીલિંગ પાવરને જેનાથી તમે પણ અજાણ છો, એને જાગ્રત કરે છે. શરીરના પ્રત્યેક કોષને સ્પંદિત કરે છે અને પરિપૂર્ણ જાગૃતિ સુધી પહોંચો છો. ઘણા લોકો માટે મેડિટેશન એટલે વિચારશૂન્ય થવું. જી નહીં, આ તદ્દન ખોટી માન્યતા છે. ધ્યાનની અવસ્થામાં તમે ટ્રાન્સમાં હો છો. એક અપૂર્વ આનંદમય અવસ્થા હોય છે ત્યાં વિચારો પ્રત્યે કોઈ સંવેદનશીલતા જ નથી હોતી. વિચારો હોય કે વિચારો ન હોય, એનાથી કોઈ ફરક જ નથી પડતો હતો.’
મોટા ભાગના લોકો કહે છે કે ધ્યાન બેસેલી અવસ્થામાં જ થાય. જોકે શિવસંહિતા નામના એક ગ્રંથમાં શિવજીએ થાકેલા પાર્વતીજીને સુતેલી અવસ્થામાં પણ ધ્યાન થઈ શકે અને અદ્ભુત પરિણામ આપી શકે એનો ઉલ્લેખ કર્યો છે જેના પર અમે હમણાં જ કૈવલ્યધામમાં એક રિસર્ચ કર્યું જેમાં શવાસનની સ્થિતિમાં એટલે પીઠની બાજુએ ચત્તા સૂઈને ધ્યાન કરાવ્યું હતું એમ જણાવીને ડૉ. ભોગલ વાતને આગળ વધારતાં કહે છે, ‘ઘણા લોકો ધ્યાન અને શવાસનમાં કન્ફ્યુઝ થઈ જાય છે. આ રિસર્ચમાં લગભગ ૩૩ જણનાં બે ગ્રુપ લીધાં હતાં જેમાંથી એકને શવાસન કરાવ્યું અને એક ગ્રુપને મેડિટેશન કરાવ્યું. રિસર્ચ પૂરું થયું ત્યાં સુધી ૨૯ પાર્ટિસિપન્ટ્સ રહ્યા હતા. તેમના પ્રતિભાવો અને ફિઝિકલ કન્ડિશનની તપાસમાં અમને જાણવા મળ્યું કે મેડિટેશન કરનારાઓની સેલ્યુલર હેલ્થ સુધરી હતી. સેલ્યુલર હેલ્થ સારી હોય એટલે રોગપ્રતિકારક ક્ષમતા પણ સારી હોય. તેમનું ઇમોશનલ ઇન્ટેલિજન્સ વધ્યું હતું. વાસ્તવિકતાને સ્વીકારવાની વૃત્તિ બહેતર થઈ હતી. તેમણે પોતાનો અનુભવ વધુ લોકો સાથે શૅર કર્યો હતો. માથાનો દુખાવો ઘટ્યો હતો. અનિદ્રાની સમસ્યા દૂર થઈ હતી. જ્યારે શવાસન કરનારા પાર્ટિસિપન્ટ્સ રિલૅક્સ અને શાંત થયા હતા. શવાસન તમને માનસિક રીતે રિલૅક્સ કરે અને ટેમ્પરરી તમારો થાક ઓછો કરે, તમને શાંતિનો અનુભવ આપે. જ્યારે મેડિટેશન વધુ ડીપલી કામ કરે છે. ધ્યાનમાં તમારી જાગૃતિ ગહન સ્તરે હોય છે. એટલે લાઇટનેસ, કૉન્સન્ટ્રેશન, માઇન્ડ અને બૉડીમાં પ્યુરિફિકેશન, પ્રૉબ્લેમ સૉલ્વ કરવાની કૅપેસિટી, ગુસ્સો ઘટવો, લાગણીઓ પર નિયંત્રણ રાખવાની ક્ષમતા, આવેશમાં આવ્યા વિના વાસ્તવિકતાને જોવાની ક્ષમતા, કૉન્ફિડન્સ અને સેલ્ફ-એસ્ટીમ, સાહસ અને નિરીક્ષણ ક્ષમતા વધી હોય એવા ઘણા લાભ અમે આ સંશોધનમાં ઑબ્ઝર્વ કર્યા હતા.’
(પ્રિય વાચકમિત્રો, ધ્યાન શું છે અને એનાં ફાયદાઓ અને વિશેષતાઓ વિશે આજે આપણે જાણ્યું. હવે આવતા ગુરુવારે મેડિટેશન સુધી પહોંચવાની કેટલીક ખાસ ટેક્નિક પર વાત કરીશું જે તમને તમારી જાતે ધ્યાનમગ્ન થવામાં મદદ કરશે.)

આંખ મીંચીને ધ્યાનમાં બેસો ત્યારે આવું થાય છે?

આંખ ખુલ્લી હતી અને પોતાનું કામ કરતા હતા ત્યારે શાંતિ હતી, પરંતુ જેવી આંખો બંધ કરીને ધ્યાનની પ્રોસેસમાં બેઠા એટલે જાતજાતના અને ક્યારેય નહોતા આવ્યા એવા વિચારો આવવાના શરૂ થયા. જે પ્રૉબ્લેમનો તમે વિચાર પણ નહોતો કર્યો એવા પ્રૉબ્લેમ વિશેના વિચારો ચાલું થઈ જાય છે. આવું થતું હોય ત્યારે શું એ પ્રશ્નના જવાબમાં મેડિટેશન એક્સપર્ટ ડૉ. આર. એસ. ભોગલ કહે છે, ‘શરૂઆત કરતા હોઈએ ત્યારે આવો અનુભવ થવો સાવ સામાન્ય છે. મોટા ભાગના લોકો આવું થાય એટલે અભ્યાસ બંધ કરી દે છે જે ખોટું છે. આ જે કોઈ વિચારો તમને આવી રહ્યા છે એ બહારથી નથી આવ્યા, તમારી અંદર જ આ અવસ્થા હતી. પરંતુ અત્યાર સુધી તમે એનાથી અજાણ હતા. આગળ કહ્યું એમ ધ્યાનની યાત્રામાં તમારા અંદરના વિશ્વ પ્રત્યેની તમારી સજગતા વધે છે. ધ્યાન એ એક્સપાન્શન ઑફ અવેરનેસ છે. તમારી અંદર ચાલતી હિલચાલો પ્રત્યે તમે વધુ ડીપલી અવેર થયા છો. એવા સમયે આવા વિચારોથી ડરવાની કે એનાથી ભાગવાની જરાય જરૂર નથી. એ વિચારો ભલે આવે, તમારે માત્ર એનામાં ઇન્વૉલ્વ થયા વિના એનાથી દૂર રહીને એને ઑબ્ઝર્વ કરવાના છે, તમારે કોઈ રીઍક્શન નથી આપવાનું. કોઈ વિચાર સારો નથી કે કોઈ વિચાર ખરાબ નથી. તમે તદ્દન તટસ્થ ભાવે જોઈ રહ્યા છો. એ તમામ સમસ્યાઓને જ્યારે દૃષ્ટાભાવ સાથે તમે જોશો તો ધીમે-ધીમે એ વિચારો અને સમસ્યાઓ વિલુપ્ત થઈ જશે અને તમને ખબર પણ નહીં પડે. ધીમે-ધીમે જેમ તમારો અભ્યાસ આગળ વધશે એમ તમને આનંદ આવવા માંડશે અને તમને સમજાશે પણ નહીં કે આ શેનો આનંદ છે. ધ્યાન એ અનુભવનો વિષય છે અને એને એક્સપ્રેસ કરી શકવો અઘરો છે. બેશક, અત્યારનાં મૉડર્ન સાધનો વડે એની ઇફેક્ટને આપણે સંશોધનો દ્વારા નોંધી છે અને એટલે જ એની મૅજિકલ ઇફેક્ટથી પ્રેરાઈને વધુને વધુ લોકો ધ્યાન કરવા તરફ પ્રેરાયા છે.’

ruchita shah yoga columnists