વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિર શિખરબદ્ધ કેમ નથી હોતાં?

26 September, 2020 05:42 PM IST  |  Mumbai | Bhakti D Desai

વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિર શિખરબદ્ધ કેમ નથી હોતાં?

વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિર

પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ઘરમાં ઠાકોરજીની સેવા ધરાવતા વૈષ્ણવ પરિવારો માટે મહામહોત્સવનો માહોલ છે. બાલગોપાલને ઉઠાડવા, સ્નાન કરાવવું, અવનવો શૃંગાર કરવો, ભોગ ધરાવવો, શયન કરાવવું જેવી સેવાઓ થકી કાનુડા સાથે બાળલીલાનો આ અનોખો ભક્તિ માર્ગ છે. લડ્ડુ ગોપાલનાં મંદિરો પણ સામાન્ય ઘરમંદિરોથી નોખા હોય છે. આર્કિટેક્ચર અને કળાના પ્રેમીઓને નવાઈ પમાડે એવી રચના વૈષ્ણવોના ઘરમાં રહેલા મંદિરમાં હોય છે. જોકે ગૃહસેવાનાં આ મંદિર શિખરબદ્ધ નહીં, પરંતુ મહેલ જેવા કેમ હોય છે? કઈ રીતે ભિન્ન છે આ મંદિરો અન્ય મંદિરોથી? ચાલો આ મંદિરોની વિશેષતાઓ કળા અને ભાવનાના દૃષ્ટિકોણથી જાણીએ...

જ્યારે પણ આપણે કોઈ મંદિરનો ઉલ્લેખ કરીએ તો કળશ અથવા શિખરબદ્ધ મંદિર નજર સમક્ષ આવે છે, પણ શું ક્યારેય તમે વિચાર્યું છે કે મંદિરની કલ્પના કરતાંની સાથે જ કોઈ રાજાનો બંગલો પછી પ્રાચીન સમયના દરેક સુખ-સુવિધાવાળા જૂની પદ્ધતિના બેઠા ઘાટના બે કે ત્રણ માળનાં ઘર નજર સમક્ષ આવી જાય.

આ પ્રાચીન બંગલાઓમાં બહારથી પ્રવેશ કરતાં જ એક આગણું હોય છે, જ્યાં ગાય અને વાછરડાં રમતાં હોય, આગળ જતાં પગથિયાં ચડીએ પછી ફળિયાની જગ્યા આવે, ત્યાર બાદ મેવાડની હવેલીઓમાં હોય એવા વિશાળ અને મજબૂત સાગના લાકડાની કારીગરી કરેલા અથવા ઘંટડીઓ લાગેલાં દરવાજા આવે. એ ખૂલતાં જ દીવાનખાનામાં બેસવાની જગ્યા, મોટો હિંડોળો અને રસોડાનું દૃશ્ય જોઈએ તો સ્ત્રીઓ હાથમાં ગોળી લઈને માખણ વલોવતી હોય, દૂધની મટકી લટકતી હોય, જમવા માટે પાટલા રાખ્યા હોય, પાણીનાં માટલાં હોય, ઉપરના માળ પર વિશ્રાંતિ માટે શયનકક્ષ હોય, જેમાં મોટો છત્ર પલંગ અને પછી સાંજે મુક્ત આકાશ અને હવાની મજા લેવા શયનકક્ષમાંથી અગાસીમાં જવા માટે સીડી હોય, છત પર સુંદરમજાના મોર પીંછાં ફેલાવીને નાચતા હોય, મંદ-મંદ શિશિર ફૂંકાતો હોય અને પંખીઓનો કલરવ સંભળાતો હોય. ગ્રીષ્મ ઋતુમાં ગુલાબ અને મોગરાની મહેક આવતી હોય, ખસના પડદાઓમાંથી મીઠી સુગંધ અને ઠંડક મળતી હોય, આંગણામાં ફુવારા, ઠંડીની ઋતુમાં તાપણું હોય - આમ જાણે અહીં ઋતુ પ્રમાણેનું દરેક સુખ માણી શકાય, પણ પ્રશ્ન એ છે કે આ બધાનો મંદિર સાથે શું સંબંધ? તો આવો આજે મળીએ આખા એક એવા સંપ્રદાયને જેઓ પોતાના ઘરમાં સેવાતા પ્રભુ માટે આવો જ એક માહોલ મંદિરના સ્વરૂપમાં પોતાના નાનામાં નાના ઘરમાં પણ ઊભો કરે છે. આ છે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય અને તેમના ઘરે સેવાતા ભગવાન એટલે બાળસ્વરૂપે બિરાજતા સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણ.

મંદિરની કલાત્મક રચના

ભગવાન શ્રીકૃષ્ણનું બાળપણ મા યશોદા અને નંદબાબાના ઘરે વીત્યું અને આજે પણ વૈષ્ણવો તેમના ઠાકોરજીની સેવા કરે છે તો ઉપર ઉલ્લેખ કર્યો છે એમ દરેક સુવિધાવાળા અને કલાત્મક રીતે બનાવેલા નંદાલય જેવા મંદિરમાં. અન્ય મંદિરોની જેમ આ મંદિર થોડી ઊંચાઈ પર દીવાલ પર ટાંગવામાં નથી આવતાં. આ તો  લાકડાના બેઠા ઘાટના બંગલા જેવી રચનાવાળાં મંદિર હોય છે. કળાના દૃષ્ટિકોણથી જોઈએ તો આ મંદિરના દરવાજા પર  ગય, વાછરડાં, મોર, હરણ, રાધા-કૃષ્ણ, શ્રી મહાપ્રભુજી, શ્રી ગિરિરાજજી, વ્રજની નિકુંજ, શ્રી યમુનાજી આમ વિવિધ ચિત્રો દ્વારા વ્રજ અને નંદગામનું દૃશ્ય બનાવવામાં આવે છે. માત્ર આ મંદિર કલાત્મક રચનાનું પ્રતીક છે એવું નથી, પણ આમાં સેવા કરનાર દરેક વૈષ્ણવમાં પણ અનેક કળા સમાયેલી છે. આખી સેવામાં વૈષ્ણવજનની અંદર રહેલી કળાઓને ઠાકોરજી સમક્ષ રજૂ કરવાની સંસ્કૃતિ સેવાપ્રણાલીનો જ એક હિસ્સો છે. વૈષ્ણવો તેમના ઠાકોરજીના આ આખા મંદિરને નંદાલયના ભાવથી જ બનાવડાવે છે અને માટે એના પર વેદો પર આધારિત પ્રમાણભૂત મંદિરોની જેમ શિખર નથી હોતાં. વૈષ્ણવ સંપ્રદાયના ગુરુ અને પ્રણેતા શ્રી મહાપ્રભુજીએ કરેલી આજ્ઞા મુજબ ઠાકોરજીની ગૃહસેવા માત્ર પ્રેમ અને ભાવથી જ સીંચાતો એક ઉદાત્ત માર્ગ છે. પ્રેમ અને ભાવ પર આધારિત આ ભક્તિમાર્ગમાં તત્ત્વો માત્ર કલાત્મક નથી, પણ ભાવાત્મક પણ છે.

મંદિરમાં શું હોવું જોઈએ એની નિયમાવલિ નથી

પુષ્ટિમાર્ગ એ ગૃહસેવાનો માર્ગ હોવાથી વૈષ્ણવો પોતાની શક્તિ પ્રમાણે ઠાકોરજીના સુખનો વિચાર કરી નિત્ય સેવા કરે છે.  સેવા કરવા ઇચ્છુક વૈષ્ણવ કોઈ મંદિરનો મોહતાજ નથી. અનુકૂળતા ન હોય અને જો ઠાકોરજીને ઝાંપીજીમાં પધરાવીને મિશરીભોગની સેવા પણ જો કોઈ વૈષ્ણવ કરે છે તો ઠાકોરજી એનો પણ સ્વીકાર કરે છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા મુજબ વૈષ્ણવ પોતાના ભાવ અને શક્તિ પ્રમાણે જે રીતે સેવા કરે છે એને ઠાકોરજી સ્વીકારે છે. એવી જ રીતે મંદિરમાં શું હોવું જોઈએ અને શું નહીં એની કોઈ લેખિત નિયમાવલિ નથી, પણ આપણે એક વિચાર કરીએ કે આપણા ઘરે કોઈ વડા પ્રધાન જેવી મોટી હસ્તી આવવાની હોય અને આપણે આપણાથી જે શક્ય હોય એ બધું જ કરીએ છીએ, જેથી તેમને લેશમાત્ર શ્રમ ન પડે, તો આ ઠાકોરજી તો ૧૪ લોકનો નાથ છે. તે જ્યારે આપણા પોતાના પરિવારજન બનીને આપણા ઘરમાં નિત્ય બિરાજે છે તો સ્વાભાવિક છે કે વૈષ્ણવો પણ આ જ ભાવથી પોતાના ઠાકોરજીને યથાશક્તિ ઉત્તમોત્તમ વસ્તુ જ સિદ્ધ કરે છે. એક માતા તેના લાડકા બાળક માટે ઘરની ઉત્તમમાં ઉત્તમ વસ્તુ તેને આપે છે તેમ જ આમાં વૈષ્ણવો ઠાકોરજીને પોતાના મંદિરમાં બારેમાસના દરેક ઉત્સવ કરાવી શકે એવી સુવિધાઓનો પ્રબંધ કરે છે. આજે જોઈએ આ નાના મંદિરમાં પણ આટલું બધું કઈ રીતે શક્ય છે?

આપણાં મંદિરોનો ભાવ નંદાલયનો છે, એના પર શિખર નથી હોતાં: સપ્તમગૃહાચાર્ય પૂ. ગો. ૧૦૮ શ્રી શિશિરકુમારજી મહારાજશ્રી (કામવન, કાંદિવલી)

સપ્તમગૃહાચાર્ય પૂ. ગો. ૧૦૮ શ્રી શિશિરકુમારજી મહારાજશ્રી (કામવન, કાંદિવલી) અહીં સમજાવે છે કે ‘પુષ્ટિમાર્ગનાં મંદિરો પર  શિખર અને ધ્વજા નથી હોતાં, કારણ, જ્યાં શિખરબદ્ધ મંદિર આવે છે ત્યાં વેદોના બધા જ નિયમો અને મર્યાદા લાગુ પડી જાય છે અને પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રી મહાપ્રભુજીની પદ્ધતિ પ્રમાણે જીવોના ભાવ અને સ્વભાવને આધારિત આપણા ઈષ્ટને માનવાનો અને સેવવાનો અવસર આ પુષ્ટિમાર્ગમાં જીવને પ્રાપ્ત થાય છે, જેમાં સ્નેહભાવ રહેલો છે એથી જીવને વધારે આનંદ મળે છે. આ એક દિવ્ય સંસ્કૃતિ છે એથી જ આપણાં મંદિરોનો ભાવ નંદાલયનો છે અને એના પર શિખર નથી હોતાં. એક ઉદાહરણ આપું તો વેદ એમ કહે છે કે ભગવાનનો અભિષેક દરરોજ કરવો જોઈએ અને એ ઠંડા જળથી જ થાય, પરતું પ્રેમ જો આપણને એમ સમજાવતો હોય કે વાતાવરણ ઠંડું હોવાથી આપણા ઠાકોરજીને ઠંડા જળથી સ્નાન કરાવીશું તો તેમને શ્રમ થશે અને એથી આપણે હૂંફાળા જળથી સ્નાન કરાવીએ છીએ. આમાં શ્રી મહાપ્રભુજીએ એટલો સુંદર ક્રમ રાખ્યો છે કે વર્ષમાં એક વાર સ્નાનયાત્રાના દિવસે અભિષેકના કેસરી અને સુગંધી જળથી ઠાકોરજીને સ્નાન કરાવીએ છીએ, જેથી વેદની મર્યાદા પણ રહે છે અને સ્નેહની મુખ્યતા પણ બની રહે છે.’

શિખરની વાત આવી તો તેઓ શ્રીનાથજીના મંદિરની રચનાનો પ્રસંગ વર્ણવતાં કહે છે, ‘જયારે શ્રીજીબાવા પૂરણમલ ક્ષત્રિયને મંદિર બનાવડાવવાની આજ્ઞા કરે છે ત્યારે શ્રી મહાપ્રભુજી પૂરણમલ ક્ષત્રિયના નકશામાં મંદિર પર શિખર અને ધ્વજા જોઈ વ્રજ ભાષામાં આજ્ઞા કરે છે, ‘હમારે પુષ્ટિમાર્ગ મેં મંદિર ધ્વજા, કલશવારો નાહી હોત હૈ, નંદાલય કો ભાવ રાખનો.’ જેમ નંદાલયમાં યશોદામૈયા સેવા કરી રહ્યાં હોય એવા ભાવથી આપણે ત્યાં સેવા થાય છે. ધ્વજા અને કળશની અહીં કોઈ આવશ્યકતા નથી, પણ પૂરણમલ ક્ષત્રિયથી એવો જ નકશો બની જાય છે, પછી શ્રી મહાપ્રભુજી પોતાની સામે ફરી પાછો એ નકશો બનાવડાવે છે અને બે-ત્રણ વાર ધ્વજા અને કળશવાળો જ નકશો બને છે ત્યારે શ્રી આચાર્યજી સમજી જાય છે કે શ્રીજીબાવાની આમાં કોઈ વિશેષ એવી ઇચ્છા છે એથી શ્રીનાથજી મંદિરમાં શ્રીજીબાવાની આજ્ઞાને અનુસરીને જ આ ધ્વજા-કળશ લગાડ્યાં છે, પણ આ સિવાય અન્ય ક્યાંય આવાં મંદિર નથી બન્યાં.’

શ્રીનાથજી મંદિરના ભાવ વિશે તેઓ આગળ કહે છે, ‘ગૃહસેવામાં જેમ આપણે ત્યાં સેવામાં  ઠાકોરજીની ગાદીજીનો ભાવ યશોદાજીની ગોદનો છે જ્યારે બાજુમાં બે તકિયા યશોદાજીના હસ્ત છે એમ શ્રીજીબાવાના મંદિરની રચનામાં પણ અલગ-અલગ ભાવ છે. આપણે ત્યાં સર્વાત્મ ભાવની મુખ્યતા છે.’

નાના ઘરમાં બનાવાતા મંદિરમાં પણ આ સુવિધા બની શકે છે: પંકજ પટવાગર, મંદિર નિષ્ણાત

છેલ્લાં ૨૫ વર્ષથી પુષ્ટિમાર્ગીય મંદિર બનાવવા માટે જયંતીભાઈ મંદિરવાળા તરીકે પ્રચલિત તેમના નાના પુત્ર પંકજભાઈ પટવાગર માહિતી આપતાં કહે છે, ‘અમારા પિતાજીએ શ્રીવલ્લભની કૃપાથી મુંબઈથી લઈને યુએસ, યુકે, દુબઈ આમ બધે મંદિરો મોકલ્યાં છે. તેઓ હાલમાં જ શ્રીજીચરણ પામ્યા છે. હવે મારા મોટા ભાઈ ચિરાગ અને હું આ કામ સંભાળીએ છીએ. આ મંદિરની રચના સાચે જ ખૂબ સુંદર અને એક મહેલ જેવી જ હોય છે. સામાન્ય રીતે મંદિર લાકડાના આછા અને ઘેરા પૉલિશવાળા રંગમાં બને છે, પણ થોડા સમયથી સફેદ રંગમાં પણ અમે બનાવીએ છીએ. આમાં અમે ફૂલ બંગલા, પલના, હિંડોળા વગેરે ઉત્સવ માટેની વ્યવસ્થા મંદિરની અંદર જ આપીએ છીએ. આખું મંદિર જ્યારે નવું બનીને આવે અને તમારી સમક્ષ ખૂલે તો તમને જણાય કે જાણે તમે એક ઘર જ વસાવ્યું છે. આમાં શયન માટે ઉપર પલંગ, ગાદીજી, શયનખંડમાં ઉપર યશોદામૈયા જાણે ઠાકોરજીને પોઢાડી રહ્યાં હોય એવું ચિત્ર, નીચે સિંહાસન, પડઘા, પાટલા, લાઇટ, પંખા, કૂલર આમ બધું જરૂરિયાત, જગ્યાની અનુકૂળતા અને ઠાકોરજીના સ્વરૂપને અનુરૂપ કરવામાં આવે છે. ઘણી વાર વૈષ્ણવો સામેથી તેમને શું કરાવવું છે, કઈ સુવિધા જોઈએ છે એ ઑર્ડરથી કરાવે છે. મંદિરના દ્વાર પર વિવિધ કલાકૃતિ બનાવાય છે. મંદિરમાં આજુબાજુ બારીઓ હોય છે, ઉપર છત કે બગીચાની જગ્યા હોવાથી ત્યાં આર્ટિફિશ્યલ ઘાસ પણ અમે આપીએ છીએ. વૈષ્ણવો અહીં ટેબલ-ખુરસી, રમકડાનાં પ્રાણી મૂકતાં હોય છે. શયનખંડમાંથી અહીં આવવા માટે એક સીડી પણ આમાં હોય છે. આ બધી સુવિધા નાનામાં નાના ઘરમાં બનાવાતા મંદિરમાં પણ થઈ શકે છે, જે મંદિરની રચનાની ખાસિયત છે.’ 

આમના ઘરે છે ઠાકોરજીની અનોખી સેવા

સ્વામિનીજી ઠાકોરજીને શૃંગાર કરતાં હોય એવાં ચિત્ર મંદિરમાં બનાવડાવ્યાં છે: ઉપેન્દ્રભાઈ મહેતા

કાંદિવલીમાં રહેતા ઉપેન્દ્રભાઈ મહેતા કહે છે, ‘અમારે ત્યાં ઠાકોરજીની રાજભોગ સુધીની સખડીભોગની સેવા કરીએ છીએ. અમારે ત્યાં મંદિરની વ્યવસ્થા એવી છે કે આખા વર્ષના બધા જ ઉત્સવ અમે કરાવીએ શકીએ. સ્વામિનીજી ઠાકોરજીને શૃંગાર કરતાં હોય એવાં તથા ગિરિરાજજીની કુંજમાં શ્રી મહાપ્રભુજી શ્રીજીબાવાને ભેટે છે એવાં ચિત્ર બનાવડાવ્યાં છે. ફૂલમંડળી, હિંડોળા, રથ આમ બારેમાસની બધી જ વ્યવસ્થા આ મંદિરમાં છે. રામનવમી સમયે પલના, ચિત્ર મહિનાની પૂનમે રાસ, અખા ત્રીજના રોજ ચંદન ધરાય આમ દરેક મનોરથ કરાવાય છે. ઠાકોરજી રાજાધિરાજ છે તેમને શું ન જોઈએ? આપણે પામર જીવ છીએ અને આપણે શું કરી શકીએ, છતાં ભાવ એવો હોવો જોઈએ કે યથાશક્તિ ઠાકોરજીને લાડ લડાવીએ. તેમની સેવામાં ભાવ જરૂરી છે.’

ફૂલ બંગલા માટે ખાસ ફ્રેમ બનાવડાવી છે: શાંતાબહેન વેદ

પાર્લામાં રહેતાં શાંતાબહેન વેદ કહે છે, ‘પચાસ વર્ષ પહેલાં મારા પતિએ જ્યારે મંદિર બનાવડાવ્યું હતું ત્યારે એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે બાળકોમાં  સેવા પ્રત્યેનો ભાવ જાગે અને સંસ્કાર બની રહે. પછી ૨૦૦૮માં એટલે ૧૨ વર્ષ પહેલાં તેમણે એક મોટું મંદિર સિદ્ધ કરાવ્યું. મંદિરમાં બધી જ સુવિધા કરી છે. અમે સાંજી પૂરીએ, બેસતા વર્ષે અન્નકૂટ સિદ્ધ કરીએ,  હિંડોળા કરાવીએ આમ બધા જ મનોરથો કરાવીએ છીએ. અમારી પાસે ઘરમાં જગ્યાની છૂટ છે એથી હિંડોળા મંદિરમાં ન કરાવતાં બીજી જગ્યાએ કરાવીએ છીએ. ફૂલ બંગલા માટે ખાસ ફ્રેમ બનાવડાવી છે.’

મંદિરમાં બહારની તરફ ઠાકોરજીની સ્વામિનીજી સાથેની લીલાઓનાં દર્શન થાય છે: પ્રિયા ગાંધી

કાંદિવલીમાં રહેતાં પ્રિયા ગાંધી કહે છે, ‘અમે ૨૦૦૮માં મંદિર સિદ્ધ કરાવ્યું અને એના દ્વારમાં બહારની તરફ ઠાકોરજીની સ્વામિનીજી સાથેની લીલાઓનાં દર્શન થાય છે, જ્યારે અંદરની તરફ અષ્ટસખાઓ છે. અમે મંદિરમાં નીચે લોટીજીસ્વરૂપે યમુનાજી પધરાવ્યાં છે. સિંહાસન છે, ખંડપાટ આપ્યો છે અને ઉપર શૈયામંદિર પણ છે.’ 

માત્ર મંદિર જ એક કલાત્મકતાનું પ્રતીક નથી, અહીં તો આ મંદિરમાં થતી સેવામાં પણ પ્રતિભાનાં દર્શન થાય છે. વસ્ત્ર અને શૃંગારમાં વિવિધ રંગની સૂઝ અને સમજ, ઠાકોરજી સમક્ષ કરવામાં આવતી સાંજી એટલે કે રંગોળી, ગાવામાં આવતું કીર્તન, જાતજાતના રંગનાં ફૂલો, શાકભાજી, સૂકા મેવા જેવી વસ્તુઓથી સજાવેલા હિંડોળા, પલના, ફૂલના, ખસના અને ઋતુ પ્રમાણેના બંગલા, વિવિધ ફૂલોથી કલાત્મક રીતે બનાવાતી ફૂલની માળાજી આમ અનેક ઉત્સવમાં વિવિધ કળાઓનો સમાવેશ થાય છે. દરેક કળામાં નિપુણ જગતગુરુ કૃષ્ણ જેમના ઘરમાં બાળસ્વરૂપે બિરાજે છે એ એક કળામાં નહીં, પણ ઠાકોરજીને

લાડ લડાવવા દરેક કળામાં પારંગત થઈ જ જાય છે. મંગળાથી શયન સુધી દરેક સમાનાં દર્શન અને કારતકથી લઈ આસો સુધી દરેક ઉત્સવ ગૃહસેવાના આ મંદિરમાં વૈષ્ણવ કરાવી શકે છે. ધન્ય છે આવા પુષ્ટિમાર્ગને અને દિવ્ય મંદિરની આવી અનુપમ રચનાને. 

columnists bhakti desai