કોઈ આમને રોકો: ત્રણ મહિનાની ટીઆરપી સસ્પેન્ડ થઈ એ શું દેખાડે છે જાણો છો?

18 October, 2020 07:32 PM IST  |  Mumbai | Manoj Joshi

કોઈ આમને રોકો: ત્રણ મહિનાની ટીઆરપી સસ્પેન્ડ થઈ એ શું દેખાડે છે જાણો છો?

પ્રતિકાત્મક તસવીર

આ સવાલનો જવાબ સમજવો હોય તો પહેલાં ટીઆરપીનું મહત્ત્વ સમજી લેવું પડે. ટીઆરપીનું ફુલ ફૉર્મ થાય છે ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ. આ રેટિંગ પૉઇન્ટ મહત્ત્વનું હોવાનું કારણ એ જ કે એ સૌથી વધારે જે મેળવી શકે એ ચૅનલ નંબર વન કહેવાય અને જે નંબર વન હોય એ ચૅનલ ઍડ્વર્ટાઇઝમેન્ટ મેળવવામાં સૌથી આગળ રહે. ટીઆરપીના આંકડા લઈ આવવાનું કામ બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ કરે છે અને આ કાઉન્સિલ સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા સંચાલિત હોય છે. દેશમાં સ્કૅમ થતાં હતાં. ઘાસચારાનાં કૌભાંડો પણ થયાં અને રસ્તો બનાવવા માટે વપરાતા ડામરનું કૌભાંડ પણ દેશે જોયું. ફ્લાયઓવર સ્કૅમ પણ દેશે જોયું અને બૉફર્સ કાંડ પણ દેશે કૌભાંડના સ્વરૂપમાં જોયું, પણ ટીઆરપી સ્કૅમ! માનવામાં ન આવે અને ધારવામાં ન આવે એવું આ સ્કૅમ છે સાહેબ. આ સ્કૅમને ખુલ્લું પાડવાનો જશ મુંબઈ પોલીસને જાય છે, પણ સાથોસાથ મહત્ત્વનું એ પણ છે કે ન્યુઝ-ચૅનલ આ સ્કૅમમાં સંડોવાયેલી છે.

જો જનરલ એન્ટરટેઇનમેન્ટ ચૅનલોનું નામ આ સ્કૅમમાં આવ્યું હોત તો હજી પણ મોટું મન રાખવાનું મન થયું હોત કે મનોરંજન આપવાની લાયમાં આ ચૅનલો ખોટા રસ્તે ચાલવા માંડી, પણ ન્યુઝ પીરસવાનું કામ કરનારા, સમાજના પ્રહરીઓ આ રસ્તે ચાલે એ ગેરવાજબી કહેવાય, અયોગ્ય કહેવાય. સમાચારોમાં કોઈ હરીફાઈ ન હોય. હરીફાઈ, સ્પર્ધા કે કૉમ્પિટિશનની આવશ્યકતા સમાચારમાં બિલકુલ નથી. જે ઘટના જેમ બની છે એમ જ રજૂ કરવાની હોય, જે ઘટના જે પ્રકારે ઘટી છે એની જ વાત લાવવાની હોય. સમાચારમાં વળી વઘાર શાનો? સમાચારને વાઘા પણ ન હોય અને સમાચારને લાલી-લિપ્સ્ટિક પણ ન હોય. સમાચાર એ જ સ્વરૂપમાં શોભે જે સ્વરૂપમાં બન્યા હોય.

છેલ્લા ત્રણેક મહિનાથી જે હરીફાઈ ન્યુઝ-ચૅનલોમાં ચાલી છે એ અકલ્પનીય છે. હરીફાઈમાં ઊતરેલી આ ન્યુઝ-ચૅનલોએ અમુક બાબતોમાં તો સાચે જ તમામ પ્રકારની લક્ષ્મણરેખા ઓળંગી દીધી હતી. બૉલીવુડને સાફ કરવાનું કામ કર્યું એ આ ન્યુઝ-ચૅનલે જ પણ એનો અર્થ એવો નથી કે એ સફાઈ કરવા જતાં ન્યુઝ મસાલેદાર વાનગી બની ગઈ. અનેક વખત એવું બન્યું છે કે ન્યુઝ-ચૅનલ જોતી વખતે તમને રીતસર સિરિયલ જોતા હો એવી ફીલ આવવા માંડે. ન્યુઝ રજૂ કરવાની રીતમાં ધડાકા થવા માંડ્યા હતા અને ન્યુઝને પીરસતી વખતે ગરમાગરમ મરીમસાલા પણ નાખવામાં આવતા અને એ મસાલાઓની સાથે એના પર ડેકોરેટિવ આઇસિંગ પણ પાથરવામાં આવતું. ના, બિલકુલ ખોટું છે. ન્યુઝ વાર્તા નથી, ન્યુઝ સિરિયલ નથી. ટીઆરપી વધારે લાવીને ઍડ રેવન્યુ જનરેટ કરવા માટે થનારી ખોટી પ્રક્રિયા ગેરવાજબી છે. કબૂલ કે ન્યુઝ-ચૅનલ એકધારા પૈસા જમી રહી છે, પણ એવું હોય તો કોઈએ મામા કે કાકાના સમ નહોતા આપ્યા કે તમે આ ફીલ્ડમાં એન્ટર થાઓ. ના, કોઈએ એવું કહ્યું નહોતું. તૈયારી રાખવી પડે અને ટીઆરપીની રમત ઑડિયન્સ સાથે રમવાને બદલે કન્ટેન્ટ પર ધ્યાન આપવું જોઈએ.

columnists manoj joshi