છ વારની સાડીને કેટલી સ્ટાઇલમાં ડ્રેપ કરી શકો તમે?

31 December, 2020 03:16 PM IST  |  Mumbai | Varsha Chitaliya

છ વારની સાડીને કેટલી સ્ટાઇલમાં ડ્રેપ કરી શકો તમે?

સાડીની જુદી જુદી સ્ટાઇલ

તાજેતરમાં પશ્ચિમ બંગાળની વિશ્વભારતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને બંગાળના સાડી કનેક્શનનો ઉલ્લેખ કર્યો હતો. તેમનું કહેવું હતું કે સાડીનો પાલવ ડાબી બાજુ રાખવાની પ્રથા બંગાળી મહિલાઓને આભારી છે. આપણા દેશમાં સાડી પહેરવાની રીતમાં જોવા મળતું વૈવિધ્ય, કામકાજમાં સહુલિયત તેમ જ બૉડી લૅન્ગ્વેજમાં ડ્રેપિંગનો શું રોલ છે એ સંદર્ભે સેલિબ્રિટી સારી ડ્રેપર ડૉલી જૈન પાસેથી જાણીએ

વર્ષા ચિતલિયા

ગયા અઠવાડિયે વિડિયો-કૉન્ફરન્સના માધ્યમથી પશ્ચિમ બંગાળની વિશ્વભારતી યુનિવર્સિટીને સંબોધતાં નરેન્દ્ર મોદીએ ગુજરાત અને બંગાળ વચ્ચે સાડી કનેક્શનની વાત કરી સૌને ચોંકાવી દીધા હતા. સાડીનો પાલવ ડાબી બાજુ રાખવાની પ્રથા ક્યારે અને કોણે શરૂ કરી એ સંદર્ભે મંતવ્ય રજૂ કરતાં મોદીએ કહ્યું હતું કે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના ભાઈ સત્યેન્દ્રનાથની ગુજરાત ખાતે નિમણૂક થઈ ત્યારે તેમનાં પત્ની જ્ઞાનદેવીએ જોયું કે અહીંની મહિલાઓ જમણા ખભા પર સાડીનો પાલવ રાખીને કામ કરે છે ત્યારે તેમને અડચણોનો સામનો કરવો પડે છે. કદાચ ત્યારથી ગુજરાતમાં સાડીનો પાલવ ડાબી બાજુ રાખવાની પ્રથા અસ્તિત્વમાં આવી હોવી જોઈએ. દેશના વડા પ્રધાન સાડી વિશે વાત કરે એ દરેક મહિલા માટે ગર્વ લેવા જેવી વાત છે. ઇતિહાસનો વધુ ઉલ્લેખ ન કરતાં આજે આપણે સાડી પહેરવાની સ્ટાઇલમાં જોવા મળતું વૈવિધ્ય તેમ જ મહિલાઓના બૉડી ફિગરમાં એના રોલ વિશે જાણવા સેલિબ્રિટી સાડી ડ્રેપર ડૉલી જૈન સાથે મુલાકાત કરીએ.

ડ્રેપિંગ અને રસોડું

સારી ડ્રેપિંગની સ્ટાઇલ બદલવાથી ઘરનાં કામ કરવામાં સરળતા રહે છે એ વાતમાં કેટલો દમ છે? પહેલા પ્રશ્નનો જવાબ આપતાં ડૉલી કહે છે, ‘દરેક રાજ્યની મહિલાઓની સાડી પહેરવાની આગવી રીત છે. ડાબી બાજુના ખભા પર ઉપરની તરફ છેડો ગોઠવેલી મોટી સાઇઝના લાલ ચાંદલાવાળી ગૃહિણી બંગાળી હોય અને જમણી બાજુના ખભાથી નીચેની તરફ પાલવ ઢળતો રાખ્યો હોય તે ગુજરાતી હોય. પોટલા કે ચણિયાચોળીમાં રાજસ્થાની ગૃહિણી હશે એવું ધારી લઈએ છીએ. ડ્રેપિંગની સ્ટાઇલ જોઈને આપણે જે-તે રાજ્ય સાથે કનેક્ટ થઈ જઈએ છીએ એ સાચું પણ સાડી ડ્રેપિંગને ઘરકામ સાથે કોઈ નિસબત નથી. સાડીનો છેડો ડાબી બાજુ રાખવાથી કામ ફટાફટ થાય કે જમણી બાજુ રાખવાથી મુશ્કેલી નડે એવું હોતું નથી. અંદાજે પાંચ હજાર વર્ષથી આપણા દેશની મહિલાઓ સાડી પહેરે છે. જો કામ કરવામાં અડચણ આવતી હોત તો ડ્રેપિંગની જુદી-જુદી સ્ટાઇલનું અસ્તિત્વ ક્યારનું ખતમ થઈ ગયું હોત. મરાઠી, બંગાળી, ગુજરાતી કે કોઈ પણ ભારતીય મહિલા તેમના રાજ્યની પરંપરાગત સ્ટાઇલ પ્રમાણે સાડી પહેરીને સરળતાથી કામ કરી શકે છે. આજકાલની યુવતીઓને સાડી પહેરવી ગમતી નથી પણ મારું માનવું છે કે સાડી સૌથી કમ્ફર્ટેબલ પોશાક છે. સ્ત્રીસશક્તિકરણમાં હું માનું છું, પરંતુ આપણે દીકરીઓને મનગમતો પોશાક પહેરવાની જે લિબર્ટી આપી દીધી છે એના કારણે ઝડપથી પહેરી શકાય એવા પોશાકો તરફ તેમનો ઝુકાવ વધતો જાય છે. કુરતી અને જીન્સ ઈઝી ડ્રેસ છે એવું માની ઘણી યુવતીઓ સાડી પહેરતાં શીખવા પણ નથી માગતી એવા દાખલા જોયા છે. ક્યારેક પહેરવી પડે તો રેડીમેડ ડ્રેપ કરેલી સાડી પહેરે છે. હું આ પ્રકારની સાડીને બિલકુલ પ્રમોટ નથી કરતી. દરેક ગર્લને સાડી પહેરતાં આવડવી જોઈએ. ડ્રેપિંગની સાચી રીત આવડી જાય તો છ વારની સાડી જેવો સુંદર અને આરામદાયક બીજો કોઈ પોશાક નથી.’

ફિગર અને ફૅબ્રિક

ભારતીય મહિલાની ઓળખ સાડી સૌથી બ્યુટિફુલ પહેરવેશ છે. દરેક મહિલાના વૉર્ડરોબમાં એને સ્પેશ્યલ સ્થાન મળવું જોઈએ. કોઈ પણ મહિલા પોતાના આઇડિયાથી ડ્રેપ, ફોલ્ડ અને પ્લીટ્સમાં વેરિએશન ઍડ કરી શકે છે. પોતાનો અનુભ‍વ શૅર કરતાં ડૉલી કહે છે, ‘લગ્ન બાદ સાડી પહેરવી ફરજિયાત હતી ત્યારે વિચાર આવ્યો કે પોશાક માટે એક જ ઑપ્શન છે તો એને જુદી-જુદી સ્ટાઇલમાં પહેરવી જોઈએ જેથી રોજ નવું લાગે. આ રીતે ડ્રેપિંગના આઇડિયાઝની શરૂઆત થઈ હતી. મર્મેડ, રિવર્સ મર્મેડ, હિપહોપ, સીધો પાલવ, ઊંધો પાલવ એમ ઘણા પ્રકારે સાડી પહેરી શકાય છે. જોકે ડ્રેપિંગની સ્ટાઇલ તમારી પસંદગી, કમ્ફર્ટ, બૉડી ફિગર અને ફૅબ્રિક સાથે મૅચ થવી જોઈએ. બી-ટાઉનની લગભગ બધી જ અભિનેત્રીઓને સાડી પહેરાવી છે પણ દરેકને સેમ સ્ટાઇલમાં ડ્રેપ ન કરી શકું. શિલ્પા શેટ્ટી અને કિરણ ખેરની પર્સનાલિટી અને બૉડી લૅન્ગ્વેજ જુદાં છે તો તેમની ડ્રેપિંગની સ્ટાઇલ પણ જુદી હોવાની. ભારે શરીર ધરાવતી મહિલાઓને ઓપન નેક સ્ટાઇલ સારી નહીં લાગે એવું નથી. અમુક સ્ટાઇલ સજેસ્ટ ન કરવાનાં કારણો છે. નેક ઓપન હોય તો તેઓ કૉન્શિયસ થઈ જાય છે. વારંવાર ધ્યાન જવાથી કમ્ફર્ટ નથી લાગતું. હેવી બૉડીમાં ખૂલતો પાલવ શોભે છે. તેમના માટે મર્યાદિત વિકલ્પો છે, જ્યારે પાતળી મહિલાઓ ઘણીબધી સ્ટાઇલમાં સાડી પહેરી શકે છે.’

ડ્રેપિંગમાં પાલવ અને પ્લીટ્સ પર ફોકસ રાખવાનું હોય ત્યારે બૉડી લૅન્ગ્વેજ ઉપરાંત ફૅબ્રિકનો રોલ ખૂબ મહત્ત્વનો છે. તેઓ કહે છે, ‘ડ્રેપિંગનું સિલેક્શન તમારા ફિગર અને સાડીની ડ્રિપને જોઈને થાય છે. અમુક પ્રકારનું કાપડ શરીરને ચોંટીને રહે છે જે બધાને સૂટ ન થાય. સિલ્ક, જ્યૉર્જેટ, લિનનની સાડી સોબર લુક આપે છે. સિલ્કની સાડીની ડ્રિપ જુદી હોય છે. એમાં વધારે છેડછાડ કરવા જાઓ તો લસરી જાય. કાંજીવરમ સાડીની તુલના અન્ય કોઈ ફૅબ્રિક સાથે ન થાય. એને તમે કોઈ પણ પ્રસંગમાં પહેરશો દીપી ઊઠશે. સાડીની બનાવટ અને એના પર કરવામાં આવેલા વર્કને અનુરૂપ ડ્રેપિંગ કરવાથી લુક ચેન્જ થઈ જાય છે. જોકે આજે પણ ઊંધા પાલવ (ડાબી બાજુ) અને ખુલ્લા પાલવવાળી ડ્રેપિંગ સ્ટાઇલ સેલિબ્રિટી હોય કે સામાન્ય મહિલા, દરેકની ફર્સ્ટ ચૉઇસ હોય છે.’

વેરિએશન ઍડ કરો

ફૅશન ટ્રેન્ડ સતત બદલાતો રહે છે, પરંતુ સાડી પહેરવાની શોખીન દરેક મહિલાએ સિમ્પલ અને એલિગન્ટ લુકને ધ્યાનમાં રાખવો. સાડી ડ્રેપિંગનું બેઝિક નૉલેજ હોય તો પાંચથી સાત સ્ટાઇલ આરામથી આવડી જશે. વેરિએશન ઍડ કરવા સાડી નીચે પેટિકોટની જગ્યાએ પલાઝો અથવા સ્કર્ટ મૅચ કરી શકાય. યંગ જનરેશનમાં જીન્સ પર સાડી પહેરવાની ફૅશન છે. બ્લાઉઝના બદલે ક્રૉપ ટૉપ પહેરશો તો ડિફરન્ટ લાગશે. લેટેસ્ટમાં વન સાઇડ પલાઝો દેખાય એવી રીતે સાડી પહેરવાનો પણ ટ્રેન્ડ છે. સાડી સાથે મિસ-મૅચ થતાં સ્કર્ટની ઉપર ક્રૉપ ટૉપ પહેરી સ્કર્ટ દેખાય એ રીતે સાડીને ડ્રેપ કરી ક્લાસિક લુક મેળવી શકાય. લેટેસ્ટમાં બે ટૂંકી સાડીને ડ્રેપ કરીને પહેરવાની ફૅશન પૉપ્યુલર બની છે. સાડીમાંથી તમે ધારો એટલી નવી સ્ટાઇલ અપનાવી શકો છો. ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલમાં ડ્રેપ કરો કે ટ્રેડિશનલ સ્ટાઇલમાં, સાડીની સાથે જ્વેલરી ચોક્કસ પહેરવી.

ડૉલી જૈનનો પરિચય

જાણવા જેવું

દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, ઈશા અંબાણી, પ્રિયંકા ચોપડા, શ્લોકા મહેતાએ લગ્નના દિવસે પહેરેલી ડિઝાઇનર સાડી અને તેમના ગ્લૅમરસ લુકની ચર્ચા મહિનાઓ સુધી ચાલી હતી. આ તમામ સેલિબ્રિટીને સાડી ડ્રેપ કરી આપનાર મહિલા છે કલકત્તાની ડૉલી જૈન. અંબાણીપરિવારના દરેક પ્રસંગમાં સાડી ડ્રેપ કરી આપવા માટે ડૉલીને બોલાવવામાં આવે છે. હાઈ પ્રોફાઇલ લગ્નો અને ઇવેન્ટ્સમાં તેની હાજરી અચૂક જોવા મળે. રીલ અને રિયલ લાઇફમાં અનેક અભિનેત્રીઓને સાડી પહેરાવી છે. સાડી ડ્રેપિંગમાં માહેર ડૉલીએ પંદર વર્ષ પહેલાં અડોશપડોશમાં રહેતી મહિલાઓને વારતહેવારે સાડી પહેરાવી આપવાથી શરૂઆત કરી હતી. ધગશ અને મહેનતથી તેણે પૅશનને પ્રોફેશનમાં પરિવર્તિત કરી જબરદસ્ત સફળતા હાંસલ કરી છે. તેના નામે અનેક અવૉર્ડ અને રેકૉર્ડ બોલે છે તેમ જ હજારોની સંખ્યામાં તેના ફૉલોઅર્સ છે.

- ડૉલીને ૩૨૫ સ્ટાઇલમાં સાડી પહેરતાં અને અન્ય મહિલાને પહેરાવતાં આવડે છે.

- કોઈ પણ સ્ટાઇલમાં સાડી ડ્રેપ કરતાં તેને એક મિનિટ કરતાં પણ ઓછો સમય લાગે છે. ૨૦૧૧ની સાલમાં માત્ર ૧૮.૫ સેકન્ડમાં સાડી ડ્રેપ કરવાનો વર્લ્ડ રેકૉર્ડ ડૉલી જૈનના નામે નોંધાયો છે. એક દાયકાથી તેના રેકૉર્ડને કોઈ તોડી શક્યું નથી.

- ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી પહેલાં શ્રીદેવીને એક ફંક્શન માટે સાડી પહેરાવી હતી.

- અત્યાર સુધીમાં સોનમ કપૂર અને શિલ્પા શેટ્ટીને સૌથી વધુ સ્ટાઇલમાં સાડી ડ્રેપ કરી આપી છે.

- ‘બાગબાન’ અને ‘રાજનીતિ’ મૂવીમાં હેમા માલિની અને કૅટરિનાને સાડી પહેરાવી હતી.

- ડૉલી જૈનનું કહેવું છે કે ભારતની દીકરી પાસે વૉર્ડરોબમાં મોંઘા ભાવનાં ઢગલો કપડાં હશે તો પણ મમ્મીની સાડી તેની નજરમાં સૌથી કીમતી વસ્ત્ર હોય છે.

- વજનમાં હળવી અને પહેરવામાં કમ્ફર્ટેબલ ગુજરાતની બાંધણી તેને બહુ ગમે છે.

columnists Varsha Chitaliya