તમારા મનનું રિવાયરિંગ કરાઈ રહ્યું છે, એની તમને ખબર છે?

22 December, 2019 03:11 PM IST  |  Mumbai | Kana Bantwa

તમારા મનનું રિવાયરિંગ કરાઈ રહ્યું છે, એની તમને ખબર છે?

મોરબીના સ્વજન રોહનને હમણાં એક વિચિત્ર અનુભવ થયો. રોહને તેની પત્ની આરતીને કહ્યું કે મારે નવાં શૂઝ લેવાં છે. આરતીએ પૂછ્યું, કેવાં શૂઝ લેવાં છે? તેણે જવાબ આપ્યો કે સ્પોર્ટ્સ શૂઝ જોઈએ. આખી વાત ગુજરાતી ભાષામાં જ થઈ હતી. આ ચર્ચાને થોડી મિનિટો થઈ હતી ત્યાં એક ઈ-કૉમર્સ કંપની તરફથી એક ટેક્સ્ટ-મેસેજ આવ્યો, ‘વી રેડ યૉર માઇન્ડ, રોહન વૉન્ટ્સ ટુ બાય સ્પોર્ટ્સ શૂઝ!’ રોહનના ફોનમાં કોઈ શૉપિંગ-ઍપ નથી, તેની પત્નીના સેલફોનમાં પણ ઑનલાઇન શૉપિંગની એકેય ઍપ નથી છતાં આ કંપનીને કઈ રીતે જાણ થઈ કે રોહનને સ્પોર્ટ્સ શૂઝ ખરીદવાં છે? તેનો સ્માર્ટફોન સાંભળી રહ્યો હતો કે રૂમમાં ઉપસ્થિત ઍમેઝૉનની ઍલેક્સા સાંભળી રહી હતી કે તેનું સ્માર્ટટીવી સાંભળી રહ્યું હતું? આમાંનાં તમામ આ વાત સાંભળી શકે, એ વાત અન્યત્ર મોકલી શકે એટલાં સક્ષમ છે. મોબાઇલ ફોનમાં એવી કેટલીય ઍપ હોય છે જેને તમે માઇક્રોફોન ઑન કરવાની પરમિશન આપતા હો છો, કૅમેરા, બ્લુટૂથ, વાઇફાઇ વગેરે ચાલુ કરવાની પરમિશન આપતા હો છો. આવી ઍપ તમારી વાતો સાંભળી શકે, સમજી શકે, તેને પોતાના સર્વર સુધી મોકલી શકે અને એ ડેટાનો ઉપયોગ કરી શકે. ડેટા પ્રાઇવસી જેવું હવે કશું રહ્યું જ નથી.

ઍન્ડ્રૉઇડ ફોનમાં ઘણી ઍપ અને ગૂગલ, ફેસબુક જેવી મહાકાય કંપની તમે ફોનમાં જેકાંઈ ટાઇપ કરો છો, તમે જે વાતચીત કરો છો, તમે પોતાના ભાવ વ્યક્ત કરો છો એ બધું જાણી શકે છે. આ ડેટાનો તેઓ વિવિધ રીતે ઉપયોગ કરે છે. કોઈને ડેટા વેચે છે, કોઈને પૉલિટિકલ ફાયદા માટે કોને ટાર્ગેટ બનાવવા, કેવા મેસેજ કોને મોકલવા એની વિગતો આપે છે, કોઈને ઍડ્વર્ટાઇઝિંગ માટે કોને મેસેજ મોકલવા એની હિન્ટ આપે છે. રોહનને મળેલો મેસેજ આ છેલ્લા પ્રકારનો હતો. ગૂગલ કે ઍલેક્સા કે કોઈ પણ ઍપ કે તેના સ્માર્ટટીવીમાંના કોઈ પ્રોગ્રામે સાંભળ્યું કે તે સ્પોર્ટ્સ શૂઝ ખરીદવા ઇચ્છે છે એટલે ઑનલાઇન શૉપિંગ કંપનીને માહિતી આપી કે મોરબીના રોહનને જૂતાં ખરીદવાં છે, તેઓ ઇન્ટરેસ્ટેડ છે એટલે તેને મેસેજ મોકલો. ઈ-કૉમર્સ કંપનીઓ દ્વારા ટેક્સ્ટ-મેસેજ મોકલાય એ બહુ વધુપડતું લાગતું હોય, તમારી પ્રાઇવસી પરનો બહુ મોટો હુમલો લાગતો હોય તો તમે ખાંડ ખાઓ છો. આ તો કશું નથી. કૅમ્બ્રિજ ઍનૅલિટિકા નામ યાદ આવે છે? દોઢેક વર્ષ પહેલાં કૅમ્બ્રિજ ઍનૅલિટિકાએ ફેસબુક સાથે મળીને ભયંકર કૌભાંડ કર્યું હતું. બ્રિટનની આ ડેટા ઍનૅલિસિસ કંપનીએ ફેસબુકના કરોડો યુઝર્સના ડેટાનો તેમની મંજૂરી વગર રાજકીય પક્ષોની જાહેરાત માટે ઉપયોગ કર્યો હતો. વાત અહીં પૂરી થતી નથી, શરૂ થાય છે. વાત માત્ર ડેટાની નથી, આ ડેટાનો ઉપયોગ યુઝર્સનાં મન બદલવા માટે, તેની વિચારધારા બદલવા માટે કરવામાં આવ્યો હતો. લોકોના વિચાર બદલી શકાય? નહીંને? જો ના કહેતા હો તો તમે અહીં પણ ભૂલ કરો છો.

 તમે કઠપૂતળી બની રહ્યા છો. તમે તમારી મરજીના માલિક નથી. તમે કોઈના દોરીસંચાર પ્રમાણે વર્તો છો. તમારા મનનો કન્ટ્રોલ તમારા હાથમાં નથી એવું હું કહીશ તો તમે છંછેડાઈ જશો. તમને લાગશે કે આવું તો સંભવ જ નથી. તમે એમ પણ કહેશો કે મારા મનનો તો હું જ માલિક. મારા નિર્ણયો તો હું પોતે જ લઉં. હું જ નક્કી કરું કે શું ખરીદવું, શું ખાવું, શું પીવું, શું પહેરવું, શું વાપરવું, કોની તરફેણ કરવી, કોને ગમાડવા, કોને મત આપવો, કોને નકારવો, કોના તરફ પક્ષપાત કરવો એ બધું જ હું નક્કી કરું છું. તમે જ્યારે આવું બોલો છો ત્યારે એ સંપૂર્ણ સત્ય નથી. તમારા એ કોઈ નિર્ણય સંપૂર્ણ સ્વતંત્ર નથી. પહેલાં પણ નહોતા, હવે તો સાવ જ નથી, જરા પણ નહીં.  માનવમન શું ચીજ છે? સંસ્કારો, અનુભવો, માહિતી, જ્ઞાન વગેરે દ્વારા નિર્મિત થયેલી એક ઇન્દ્રિય. ચિત્ત અને મન આમ તો અલગ, પણ મગજ કરતાં બેય સાવ અલગ. મગજ હાર્ડવેર છે, મન સૉફ્ટવેર. એવું સૉફ્ટવેર જે સતત અપડેટ થતું રહે. આંખ, નાક, કાન, સ્પર્શ વગેરે ઇન્દ્રિયો દ્વારા અને અન્ય કોઈ પણ રીતે મળતા ડેટાને આ સૉફ્ટવેર મગજ નામના હાર્ડવેરની મદદથી પ્રોસેસ કર્યા કરે અને પસંદ-નાપસંદ, વર્તન, વ્યવહાર, લાગણી, પ્રેમ, સંભાળ, સંબંધો, વિચારધારા, માન્યતા વગેરે બનાવ્યા કરે. એમાં યથેચ્છ પરિવર્તન કર્યા કરે. એને અપડેટ કર્યા કરે. આ થઈ મનની સરળ સમજ. મનના ઊંડાણમાં ઊતરવાની અહીં અનુકૂળતા નથી અને ઉપયોગ પણ નથી. આ પ્રાથમિક સમજણ અહીં કાફી છે. ડેટા ઍનૅલિસિસ કંપનીઓ વિવિધ પ્રકારનાં અન્ય કામ પણ કરે છે; જેમ કે ડેટાની દલાલી, ડેટાનું વેચાણ, તમારા બિહેવિયરને બદલાવવાના કૉન્ટ્રૅક્ટ, અમુક પ્રોડક્ટ તમને વેચી આપવાના સોદા, તમે અમુક રાજકીય પક્ષને જ મત આપો અથવા ન આપો એના સોદા, તમે અમુક પ્રકારનું જ વર્તન કરો એના સોદા, તમે અમુક સંજોગોમાં શું કરશો એની આગાહી, એવા સંજોગો પેદા કરવા માટેના સોદા વગેરે. આ તેમનાં કામ છે. તેમણે ડેટા પ્રોસેસિંગ માટેના ઍલ્ગરિધમ વિકસાવ્યાં છે. સાઇકોગ્રાફી નામની એક અલગ વિદ્યા તેમણે વિકસાવી છે. એની મદદથી તેઓ તમને ખબર પડે એ રીતે તમારા મન પર નિયંત્રણ રાખે છે. આ માટેનો ડેટા એ તમારા સ્માર્ટફોન, તમારાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ, તમારા ઇન્ટરનેટ ક્નેક્શન, તમારી બ્રાઉઝિંગ હિસ્ટરી, તમારી વિવિધ ઍપ વગેરે દ્વારા મેળવે છે. તમે જ તેમને આ બધા ડેટા આપો છો, તમારી મરજીથી. તેઓ તમારા મન પર કબજો જમાવી રહ્યા છે. તમારા મનનું રિવાયરિંગ કરી રહ્યા છે. તમારા મનનું રિપ્રોગ્રામિંગ કરી રહ્યા છે. આ ખરી ચિંતાની બાબત છે. માણસનો સૌથી મજબૂત, સૌથી અભેદ કિલ્લો, માણસનું સૌથી સક્ષમ કવચ તેનું મન છે. આ કિલ્લો સર થઈ શકે, આ કવચ તૂટી શકે તો માણસ પર નિયંત્રણ સહેલું છે, કારણ કે એનાથી વિચાર પર કન્ટ્રોલ કરી શકાય. માણસને સ્વતંત્ર, મુક્ત, ભિન્ન, અલગ, પોતાની રીતે વિચારનાર કે નિર્ણય લેનાર, વર્તન કરનાર, બનાવનાર મન છે. પરાપૂર્વથી માણસના મનનું નિયંત્રણ મેળવવાના પ્રયાસ થતા રહ્યા છે; ધર્મો દ્વારા, ધર્મપુરુષો દ્વારા, શાસન દ્વારા, શાસક દ્વારા, જૂથો દ્વારા, વિચારધારાઓ દ્વારા. એમાં થોડી ઘણી સફળતા કોઈ કોઈને મળે છે, પણ તોયે હજી સુધી માનવમન સ્વતંત્ર રહી શક્યું છે અને એટલે માણસ સ્વતંત્ર છે. માણસના શરીરને બંધક બનાવી શકાય છે, પણ એ કેદીનું મન કેદ કરી શકાતું નથી એટલે માણસ પશુ નથી, મનુષ્ય છે. તે સ્થાપિત સામે બળવો કરે છે. તે પરંપરાઓ, પ્રથાઓ, હિતો, વ્યવસ્થાઓને નકારી શકે છે. એ પ્રશ્નો ઉઠાવી શકે છે. એ શરીરથી ઉપર ઊઠી શકે છે. એ માત્ર આહાર, નિદ્રા, ભય અને મૈથુનથી આગળ વધી શકે છે. એ આધ્યાત્મિક ઉત્થાન માટે શારીરિક જરૂરિયાતો છોડી શકે છે. એ નૈતિક આવશ્યકતાઓ માટે શરીરની આવશ્યકતાઓને ગૌણ બનાવી શકે છે. એ સામાજિક વ્યવહાર માટે શરીરની ઇચ્છાઓ, અપેક્ષાઓ, વાસનાઓ, કામનાઓથી ઉપર ઊઠી શકે છે. એ માન્યતા માટે, ધ્યેય માટે, ફરજ માટે શરીરનું બલિદાન આપી શકે છે. આ બધું કરવાનું બળ મન પૂરું પાડે છે. એટલે, એટલે જ, એક-એક માણસ વિશિષ્ટ છે. એક-એક માણસ બીજાથી તદ્દન અલગ છે. ઇન્ડિવિજ્યુઅલ છે. વ્યક્તિ છે. એક અલગ ગઢ છે દરેક માણસ. પશુઓને મન નથી એટલે બધાં સરખાં છે. એક વાઘનું વર્તન સમજી લો, એટલે વાઘની આખી પ્રજાતિનું વર્તન સમજાઈ જાય. માણસ માટે એવું ન થાય. તુંડે તુંડે મતિર્ભિન્ના. પહેલાં ડેમોગ્રાફીના આધારે માણસનાં વર્તન, તેની પસંદ વગેરેનું ઍનૅલિસિસ થતું. હવે સાઇકોગ્રાફીના આધારે થાય છે. અત્યારે વાસ્તવિક જગતમાં જે થઈ રહ્યું છે એ વધુ ભયંકર છે. વધુ બિહામણું છે. હવે તમને સમજાય છે ખરું કે તમારા ફોનની બધી ઍપ એટલી બધી પરમિશન શા માટે માગે છે? ગૂગલ-મૅપ શા માટે તમારી લોકેશન હિસ્ટરી ઑન કરવા દબાણ કર્યા કરે છે? તમે પરમિશન ન આપો તો તમારા ફોનનાં જરૂરી ફીચર પણ ચાલે નહીં એવી વ્યવસ્થા શું કામ છે? તમને હવે સમજાય છે ખરું કે સાવ મફતના ભાવે તમને ડેટા શા માટે પૂરો પાડવામાં આવી રહ્યો છે? તમને સમજાય છે કે રોજનો એક જીબી ડેટા શા માટે અપાય છે?  આટલા મોટા ઇન્ટરનેટ ડેટા ક્નેક્શન ન હોય તો આટલી ગંજાવર માહિતી ફેસબુક, ગૂગલ વગેરે કંપનીઓને કઈ રીતે મળે? તમારું સસ્તું ડેટા કનેક્શન તમારો નહીં, એ કંપનીઓનો ફાયદો છે. તમે પૈસા ખર્ચીને તેમને ડેટા પૂરો પાડો છો. તેઓ તો માત્ર દોહન જ કરે છે. એક સલાહ. તમારા સ્માર્ટફોનમાં ઍપ પરમિશનમાં જઈને ડેટા, લોકેશન, માઇક, કૅમેરા, ગૅલરી, ફાઇલ્સ વગેરે માટેની પરમિશન પ્રૉમ્પ્ટ પર કરી દેવી, એટલે કોઈ ઍપ તમને પૂછ્યા વગર એનો ઉપયોગ ન કરી શકે. બીજી સલાહ, મોબાઇલમાં એ જ મૂકો જે જરૂરી હોય.

columnists weekend guide