ઝીણી-ઝીણી કેટલી ખુશીઓ ઝૂંટવાઈ ગઈ છે, ખબર છે?

12 July, 2020 07:32 PM IST  |  Mumbai | Kana Bantwa

ઝીણી-ઝીણી કેટલી ખુશીઓ ઝૂંટવાઈ ગઈ છે, ખબર છે?

જીવનની શુષ્કતાનો હવે અહેસાસ થઈ રહ્યો છે. કેટલીબધી બાબતો જે આપણા માટે સહજ હતી, સામાન્ય હતી, પ્રાપ્ય હતી એ હવે દુષ્પ્રાપ્ય બની ગઈ છે. જ્યારે એ બધું સહજ હતું ત્યારે એ બે કોડીનું હતું. હવે જ્યારે એ મળવું મુશ્કેલ છે ત્યારે અમૂલ્ય બની રહ્યું છે. કેટલીક બાબતો ત્યારે ટીનનો ભાગ બની ગઈ હતી અને એનો આનંદ બહુ સામાન્ય બની ગયો હતો અને હવે આજે એ જ આનંદ અસામાન્ય લાગવા માંડ્યો છે. જીવનમાંથી કેટલોય રસકસ ઊડી ગયો છે. આનંદ આપતી બાબતો બહુ જ મર્યાદિત રહી છે અને એનાથી પણ ઊબ આવવા માંડી છે. એનાથી પણ કંટાળવા માંડ્યા છીએ. જિંદગી જાણે સૂકાંભઠ રણમાંથી પસાર થઈ રહી હોય એવું લાગે છે અને રણ પણ રેતાળ નહીં, પથરીલું; અમેરિકાની ડેથ વૅલી જેવું વેરાન, ખડકાળ, શુષ્ક અને મૃત. અચેતનનું સામ્રાજ્ય અને ચેતનનો અભાવ. લૉકડાઉન આવ્યું ત્યારે એમાં આનંદ આવશે એવું વિચારીને એને આવકાર્યું હતું. આનંદ હતો પણ ખરો, પરિવાર સાથે સમય વિતાવવાનો આનંદ, પેઇડ વેકેશન મળ્યાનો આનંદ, વૈત નહીં કરવાનો આનંદ, શોખ પૂરા કરવાનો આનંદ... કેટલાક આનંદ હતા; જેમાં જેમ લૉકડાઉન લંબાતું ગયું એમ એ આનંદ આપતી બાબતો ટીન બનતી ગઈ. એમાંનો આનંદ ઓછો થતો ગયો અને સાથે જ આનંદ નહીં આપતી બાબતો જોડાતી ગઈ. આવક અટકી પડવાની ચિંતા, ધંધો ભાંગી પડવાની ચિંતા, નોકરી જતી રહેવાની ચિંતા, કામ નહીં મળવાની ચિંતા, હપ્તા ચડી જવાની ચિંતા, કામ બંધ થઈ જવાની ચિંતા, દરેક માણસનો પોતપોતાની ચિંતાઓનો અલગ-અલગ સેટ ઊભો થયો. આનંદને વરાળ બનાવીને ઉડાડી દેતી આ ચિંતાઓએ જે બાકી રાખ્યું હતું એ ખાલીપાએ પૂરું કર્યું. લૉકડાઉન શરૂ થયું ત્યારે કેટલીબધી પૉઝિટિવ બાબતો આપણા ધ્યાનમાં આવી હતી. પરિવારને સમય આપવો, હેલ્ધી લાઇફ-સ્ટાઇલ અપનાવવી, પોતાને ગમતી પ્રવૃત્તિઓ માટે સમય ફાળવવા એવી કેટલીય નાની-મોટી પૉઝિટિવ બાબતો આપણે કોરોના અને લૉકડાઉનને લીધે સમજ્યા. આપણી ખરી જરૂરિયાત કેટલી ઓછી છે, કેટલીયે નકામી બાબતો અપણી લાઇફમાં ઘૂસી ગઈ છે, એવું ઘણું શીખ્યા પણ ખરા. હવે જ્યારે અનલૉક છતાં લૉકડાઉન લંબાયું છે અને ઇચ્છા હોવા છતાં કામ પર જઈ શકતા નથી, મન ફાવે એમ ફરી શકતા નથી ત્યારે હવે સમજાયું છે કે જીવનમાંથી કેટલીય મજાની, આનંદ આપતી, પ્રફુલ્લિત રાખતી, જીવંત રાખતી ચીજો જતી રહી છે. એ બધાને આપણે માત્ર મિસ નથી કરતા, એ બધાનું મહત્ત્વ પણ સમજાઈ રહ્યું છે.

 હવે એ પણ સમજાયું છે કે લૉકડાઉન પહેલાંના જે જીવનમાં આનંદ બહુ ઓછો હોવાનું આપણને લાગતું હતું, જે જીવનમાં ખુશી આપનારી ચીજો બહુ ઓછી હોવાનું આપણે માનવા માંડ્યા હતા એ જીવનમાં ઘણું એવું હતું જેને આપણે ગૌણ ગણવા લાગ્યા હતા, એનું મહત્ત્વ રહ્યું નહોતું. એ સામાન્ય બની ગયું હતું, આ તો હોય જ એવી માન્યતા થઈ ગઈ હતી. એવી નાની-નાની બાબતો ખરેખર તો આપણને જીવંત રાખતી હતી, ખીલેલા રાખતી હતી, તાજા રાખતી હતી. લૉકડાઉન પહેલાં આપણે ક્યારેય વિચાર્યું નહોતું કે દિવસો સુધી ઘરની બહાર લટાર મારવા, બગીચામાં ટહેલવા જવા, સવારના પહોરમાં ચાલવા જવા પર પણ પ્રતિબંધ આવી શકે. કેટલુંય એવું હતું જે નહીં હોય એવું ક્યારેય વિચાર્યું જ નહોતું, કારણ કે આવું બની શકે એવું ધારવાનો પણ સવાલ નહોતો અને અચાનક બે-ત્રણ મહિના સુધી એ બધા પર પાબંદી આવી જાય છે. ક્યારેય વિચાર્યું નહોતું કે હોટેલ, રેસ્ટોરાં કે લારી કે ખૂમચા પર જમવાની છૂટ નહીં હોય. ક્લબમાં જવાનું, સવારે વૉલીબૉલ કે બૅડ્મિન્ટન રમવાનું, જિમમાં જવાનું, સ્વિમિંગ-પૂલમાં જવાનું બંધ થઈ શકે એવું તો સ્વપ્નેય વિચાર્યું ન હોયને? મિત્રોને મળવા જવાનું, સ્વજનોના ઘરે બેસવા જવાનું, ગલીના નાકે દોસ્તો સાથે ગપાટા મારવા બેસવાનું, રાતે ફ્રેન્ડ્સ સાથે બહાર જવાનું, ગમતા પાત્ર સાથે ડેટ પર જવાનું, હાથમાં હાથ નાખીને બેસવાનું, બાંદરામાં બૅન્ડ સ્ટૅન્ડ પર એકાંતમાં બેસીને ડૂબતો સૂર્ય જોવાનું કે રાતે નાઇટ ક્લબમાં ધિંગામસ્તી કરવાનું કે દોસ્તો સાથે પાર્ટી કરવાનું અચાનક પ્રતિબંધિત થઈ જશે એવું તો કોણે ધાર્યું હોય? સિનેમા-નાટકો કે ગીત-સંગીતના જલસાઓમાં જવાનું કૉન્સર્ટ કે મુશાયરા કે સ્ટૅન્ડઅપ કૉમેડી કે હાસ્ય દરબાર કે ડાયરાના કલાકારોને માણવાનું કે પછી ષણ્મુખાનંદ હૉલ કે ભાઈદાસ કે પૃથ્વી થિયેટર પણ બંધ થઈ જશે એવો તો ખ્યાલ પણ ન હોય ને? દરરોજ ઑફિસ કે ધંધાના સ્થળે જતી વખતે ટ્રેન કે બસમાં મળી જતા રોજિંદા મિત્રો સાથે ગોઠડી માંડવાનું, ઑફિસમાં ચા કે નાસ્તો મગાવીને જલસા કરવાનું કે બિઝનેસ-પાર્ટીઓ કે ભોજન સમારંભોમાં જવાનું, ધંધા માટે બહારગામ ફરવાનું ને બિઝનેસ હોટેલ્સનો સવારનો નાસ્તો બપોરના ખાણા જેટલો ભરપેટ કરી લેવાનું, કૉન્ફરન્સ, મીટિંગ્સ કે ટ્રેઇનિંગમાં વ્યસ્ત રહેવાનું ને સાંજે મોડે સુધી જાગવા પર અચાનક જ પૂર્ણવિરામ લાગી જશે એવો તો અંદેશો પણ ન હોયને.

 આ બધી બાબતો આપણા માટે એટલી બધી રૂટીન અને સામાન્ય બની ગઈ હતી કે એનું કોઈ મહત્ત્વ જ નહોતું રહ્યું. એ તો જીવનમાં હોય જ, હોવી જ જોઈએ એવું ઠસી ગયું હતું. આ બધું બહુ બેઝિક હતું આપણા માટે. બેર મિનિમમ. આનાથી ઓછું તો હોય જ નહીં અને જે બેઝિક હોય છે, જે સર્વસુલભ હોય છે, જે સામાન્ય હોય છે એને ગણનામાં નહીં લેવાનો માનવસ્વભાવ છે. એનાથી મળતો આનંદ પણ માણસને સામાન્ય લાગવા માંડે છે. ગુજરાતમાં દારૂબંધી છે એટલે દારૂ પીવાનો અલગ રોમાંચ હોય છે, જે મુંબઈમાં નથી હોતો. એ જ રીતે સામાન્ય લાગવા માંડતી બાબતોમાંથી મળતી ખુશીનું બહ મહત્ત્વ રહેતું નથી. અથવા એ ખુશી કે રોમાંચ આપતી નથી. એનું અસ્તિત્વ છે એ પણ યાદ રહેતું નથી. જિંદગીમાં એ બધી બાબતો એટલીબધી વણાઈ ગઈ હોય છે કે એને અલગ કરીને જોઈ શકાતી નથી. એના તાણાવાણા જિંદગીના તાર સાથે એવા વણાઈ ગયા હોય છે કે લાઇફના ચંદરવામાંથી એની બાદબાકીની કલ્પના પણ નથી કરાતી. અત્યાર સુધી કોઈએ, ક્યારેય, ફિક્શનમાં પણ હોટેલ, રેસ્ટોરાં, ખાણીપીણી, બગીચામાં ફરવું, રમતગમત, ટ્રેન-બસ-વિમાન, ધંધા-રોજગાર વગરની શટડાઉન દુનિયા કલ્પી જ નહોતી. જે નાની-નાની ચીજોએ જીવનને મજાનું, સુંદર, હળવું, જીવવાલાયક બનાવ્યું હતું એનું ઇમ્પોર્ટન્સ માણસ ભૂલી ગયો હતો. લૉકડાઉનને લીધે માત્ર ઘરમાં ઇમ્પોર્ટન્સ માણસ ભૂલી ગયો હતો. લૉકડાઉનને લીધે માત્ર ઘરમાં પુરાઈને ખાવા-પીવા અને મોબાઇલ-ટીવીથી મનોરંજન મેળવવા સિવાય બધું જ બંધ થઈ ગયું. બધી એવી બાબતો જેના ઝીણા-ઝીણા આનંદના ટકુડાઓ મળીને એક ખુશહાલ જિંદગી બનાવતા હતા તે ક્ષતવિક્ષત થઈને વિખેરાઈ ગયા હતા જાણે કાચનો વિશ્વગોળો ભાંગીને ભૂક્કો થઈ ગયો હોય.

 અનલૉકમાં બધું ખૂલી રહ્યું છે, પણ મન નથી ખૂલતું. જે અનલૉક થઈ રહ્યું છે એ બધું વ્યાવસાયિક છે, કમર્શિયલ છે, સામાજિક અર્થોપાર્જન માટે આવશ્યક છે એ બધું ખૂલ્યું છે. હા, લૉકડાઉનમાં પણ દારૂની દુકાનો સરકારે ખોલી હતી, પણ એનું કારણ કદાચ અલગ જ હતું, જનતાને કેફમાં રાખવાનું હશે કદાચ. પીનારાઓ માટે એ એક મનોરંજક સ્થાન ખૂલ્યું છે ખરું, પણ આપણી ચર્ચાને એ સ્તરે નીચે ઉતારવી નથી. જીવનને જે ઉલ્લાસિત કરે, જે આનંદથી ભરે, જે શુકૂન આપે એવું બધું અનલૉક થયું નથી. સમુદ્રકિનારે કે રિવર ફ્રન્ટ પર કે રેસકોર્સની પાળીએ બેસવાનો આનંદ મર્યાદિત થઈ ગયો છે; સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને ભયને લીધે. સૌથી વધુ નડે છે ભય, કોરોનાનો ચેપ લાગી જવાનો ભય. માસ્ક ઉતારીને ખુલ્લી હવા છાતીમાં ભરી લેવાની ગમે એટલી ઇચ્છા થાય, અદૃશ્ય દુશ્મન વાઇરસના ડરથી માસ્કની એ જ ગરમ હવા શ્વાસમાં લઈએ છીએ. પ્રિયજનને મળીને, હાથ પકડીને, બેસતાં પણ અચકાટ થાય છે. કોઈને મળવા જતાં બીક લાગે છે. દરવાજે આવેલું પરબીડિયું અડતાં પણ ખોફ ઘેરી વળે છે. દરવાજાના હૅન્ડલ પર હાથ જતો નથી. લિફટનાં બટન ચાવીથી કે કોણીથી દબાવીએ છીએ. અદૃશ્ય દુશ્મનનો અદૃશ્ય ડર ભીતર એવો ઘર કરી ગયો છે કે જીવનના રસને સૂકવી રહ્યો છે. આનંદને ભીતર ભંડારી રહ્યો છે. ખુશીને ખીલતી અટકાવી રહ્યો છે. કોરોનાએ જે છીનવ્યું છે એનાથી આપણે એ નાની-નાની બાબતોનું મહત્ત્વ સમજતા થયા છીએ એટલો લાભ. જ્યારે બધુ સમુંસૂતરું થઈ જશે ત્યારે આપણે આ યાદ રાખીશું? કે પછી ફરીથી હતા એવા ને એવા જ થઈ જઈશું? માનવીને સુધરવાની બહુ ટેવ નથી એટલે આશા ઓછી છે, પણ જો આ યાદ રહી જાય તો જીવન જીવવાની એક અલગ જ મજા આવશે. ઝીણી-ઝીણી વાતોમાંથી મળતા મોટા આનંદની અનુભૂતિ અલગ જ હશે. પછી એ બધી બાબતો નાની નહીં લાગે, ક્ષુલ્લક નહીં લાગે. એ જીવનને પમરાટ આપતી પુષ્પપાંદડીઓ લાગશે. બસ કોરોનાને લીધે જે દૃષ્ટિ ખૂલી છે એ ખુલ્લી જ રહેવા દેજો. અંતરનું બારણું થોડું ઊઘડ્યું છે એને વાસશો નહીં. ભીતર અજવાશ ફેલાયો છે એને ઢાંકશો નહીં.  

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

columnists kana bantwa