સદિયોં પુરાના હૈ ઇન્સાન, કહીં સે તો ખરાબ હોગા હી!

25 January, 2021 12:56 PM IST  |  Mumbai | Pravin Solanki

સદિયોં પુરાના હૈ ઇન્સાન, કહીં સે તો ખરાબ હોગા હી!

પ્રતીકાત્મક તસવીર

‘તમે ભૂતમાં માનો છો?’

કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને સમયનો માર વાગે જ છે. વસ્તુ પડી-પડી કટાઈ જાય, માણસ જીવતાં-જીવતાં ઘસાઈ જાય, એ કુદરતી ક્રમ છે. માણસની બાબતમાં એવી માન્યતા છે કે અધૂરી આશા અને અધૂરા અભરખા મૂકીને મરે તો ભૂત થઈ જાય. આ વાત તમે માનો છો?

તમે માનો કે ન માનો, ભારતીય રેલવેતંત્ર તો જરૂર માને છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે દેશમાં લગભગ ૧૦-૧૨ રેલવે સ્ટેશનો ‘ભૂતિયા રેલવે સ્ટેશન’ તરીકે જાણીતાં છે. એક સ્ટેશન તો એવું છે જે ૪૨ વર્ષ સુધી બંધ રહ્યું હતું, ભૂતને કારણે! સ્ટેશન હતું, પણ કોઈ ટ્રેન ઊભી જ ન રહે. સ્ટેશન હતું, પણ ટિકિટબારી બંધ. સ્ટેશન હતું, પણ ન કોઈ મુસાફર આવે કે જાય. સ્ટેશન હતું; પણ ૪૨ વર્ષ સુધી કોઈ સ્ટેશન-માસ્તર નહીં, ટિકિટ-ચેકર નહીં, સિગ્નલ-મૅન નહીં, કૂલી નહીં, સફાઈવાળા નહીં કે નહીં કોઈ અન્ય સ્ટાફ! સૂમસામ, નધણિયાતું ખંડિયેર! ફક્ત ભૂતને કારણે!

કોઈને કદાચ આ કાલ્પનિક લાગશે, અફવા લાગશે, મનઘડંત વાર્તા લાગશે; પણ ના, આ હકીકત છે. દસ્તાવેજી પુરાવા સહિતનું સત્ય છે. ભારતીય રેલવેના રેકૉર્ડમાં છે, ચીફ મિનિસ્ટરના સ્ટેટમેન્ટમાં એનો ઉલ્લેખ છે. ત્યાંના એમએલએએ સ્વીકારેલી વાત છે. ભૂતના આતંકે એવો હાહાકાર મચાવ્યો હતો કે રેલવેતંત્રના કર્મચારીઓ એ સ્ટેશને પોસ્ટિંગ ન થાય એ માટે જાતજાતનાં ગતકડાં કરતા, લાગવગ લગાડતા. પહેલાં જે ટ્રેનો ત્યાં ઊભી રહેતી એ હવે ત્યાં ઊભી તો નથી જ રહેતી, પણ જેવું એ સ્ટેશન આવવાની શરૂઆત થાય કે દરેક ટ્રેનનો ડ્રાઇવર ટ્રેનની ગતિ વધારી દે. જલદી-જલદી એ સ્ટેશન પસાર થઈ જાય એની તકેદારી લેવાતી. એ સ્ટેશન આવવાનું થાય કે બધા પ્રવાસીઓ સાવધાન થઈ જાય. ટ્રેનનાં બારી-બારણાં બંધ કરી દે, હનુમાન ચાલીસાના મંત્રોચ્ચાર થવા માંડે. કેટલાક લોકો તો માથે ઓઢીને સૂઈ જાય. સ્ટેશન પસાર થઈ ગયા પછી દસેક મિનિટે બધાના જીવમાં જીવ આવે. કયું હતું એ રેલવે-સ્ટેશન?

વાત કલકત્તાથી ૨૬૦ કિલોમીટર દૂર આવેલા સ્ટેશન ‘બેગુન કોડાર’ નામના સ્ટેશનની છે. ૧૯૬૨માં એ સ્ટેશન બંધાયું હતું. પૂરબિયા ઇલાકાની આસપાસ ઘણાં બધાં નાનાં-નાનાં ગામ છે. ત્યાંથી શહેરમાં જવા માટે બીજી કોઈ સગવડ નહોતી. લોકોએ આંદોલન કરીને રેલવે-સ્ટેશનની માગણી કરી. વળી પૂરબિયા સુધીનો રેલવે-ટ્રૅક તો અસ્તિત્વમાં હતો જ. માત્ર  સ્ટેશન બાંધવાની જરૂર હતી. લોકલાગણીને માન આપીને ‘બેગુન કોડાર’ સ્ટેશન ઊભું થયું.

૧૯૬૨થી ૧૯૬૭ સુધી બધું બરાબર ચાલ્યું. ૧૯૬૭માં મોહન નામના સ્ટેશન-માસ્ટરની ત્યાં નિમણૂક થઈ. સ્ટેશનની બાજુમાં જ રેલવે-ક્વૉર્ટર્સ બાંધ્યું હતું. સ્ટાફ એ રેલવે-ક્વૉર્ટર્સમાં જ રહેતો.

એક ઢળતી સાંજે સ્ટેશન-માસ્ટર મોહને વિચિત્ર દૃશ્ય જોયું. એક યુવતી ટ્રેનની સાથોસાથ  દોડતી દેખાઈ. ટ્રેને પ્લૅટફૉર્મ છોડ્યું એ પછી પણ યુવતી ભાગતી રહી અને અદૃશ્ય થઈ ગઈ. મોહન મૂંઝાઈ ગયો. વધારે તો ગભરાઈ ગયો હતો, પણ ભ્રમ થયો હશે એવું માનીને મન મનાવી લીધું, પરંતુ બીજા દિવસે એ જ દૃશ્ય દેખાયું, ત્રીજા-ચોથા દિવસે પણ એ જ દૃશ્ય. એક દિવસ રાતે તો  સૂમસામ સ્ટેશન પર પેલી યુવતી નાચતી દેખાઈ. મોહનની તબિયત બગડી ગઈ. સ્ટાફને અને કેટલાક માણસોને ડરતાં-ડરતાં વાત કરી. રજાની અરજી કરીને જવાબ આવે એ પહેલાં જ તે પોતાના ગામ ઊપડી ગયો અને ત્યાં તેનું મૃત્યુ થયું.

લોકવાયકા અને લોકલાગણીઓનો તાગ મેળવવો બહુ મુશ્કેલ છે. વાત વાયુવેગે ફેલાઈ. પછી  તો અન્ય લોકોએ પણ આવું દૃશ્ય પ્રત્યક્ષ જોયું હોવાનો દાવો કર્યો! એક છોકરી ટ્રેન પકડતી નથી, ટ્રેન સાથે દોડે છે, કેટલીક વાર તો ટ્રેનની ઝડપથી વધારે ગતિએ દોડે છે, ટ્રેનની આગળ જઈ પાટા પર નાચે છે. વગેરે વગેરે. એ વાતનો ગુબ્બારો ગામેગામ પહોંચી ગયો. એવી વાતો પણ ઊડી કે રેલવે-સ્ટેશનની બાજુમાં એક મોટું ઝાડ છે ત્યાં એ યુવતીનો વાસ છે.

ત્યાર બાદ બળતામાં ઘી હોમવા જેવી ઘટના બની. મોહનના મૃત્યુ બાદ બીજા સ્ટેશન-માસ્તરની ત્યાં નિમણૂક થઈ. થોડા દિવસ પછી તેને પણ એ દૃશ્ય જોવા મળ્યાં. એ મોહન કરતાં સવાયો  નીકળ્યો. ત્યાંથી ભાગી છૂટ્યો, એટલું જ નહીં, રેલવેતંત્રને અને ઉપરી અધિકારીઓને પત્ર લખીને આખી ઘટના બયાન કરી, ટ્રાન્સફરની માગણી કરી, પણ ત્યાં સુધીમાં તો રેલવેતંત્રને બધી જાણકારી મળી ગઈ હતી.

હવે કોઈ સ્ટાફ ત્યાં રહેવા તૈયાર નહોતો. એક પછી એક બધા ભાગવા લાગ્યા. સ્ટેશન નધણિયાતું બની ગયું. સાથોસાથ સ્ટેશનની બહાર પણ લોકોની અવરજવર બંધ થઈ ગઈ. કોઈ સ્ટાફ નહીં, સિગ્નલ-મૅન પણ નહીં, તો સ્ટેશન ચલાવવું કઈ રીતે? નાછૂટકે, મજબૂરીથી રેલવેતંત્રે સ્ટેશન બંધ કરવું પડ્યું. મીડિયામાં ચર્ચા ચાલુ થઈ ગઈ. મીડિયામાં લખવામાં આવ્યું કે એક યુવતીને ટ્રેન પકડતાં-પકડતાં ઍક્સિડન્ટ થયો અને તે મૃત્યુ પામી અને કહેવાતું ભૂત બની એને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે.

દિવસો પર દિવસો, વર્ષો પર વર્ષો વીતતાં ગયાં. આસપાસનાં ગામના લોકોની હેરાનગતિ  વધવા લાગી. સ્ટેશન બંધ થવાથી અનેક અડચણોનો સામનો કરવો પડતો હતો. વખત જતાં સ્થાનિક નેતાઓ સામે સ્ટેશન ફરી શરૂ કરવા માટેની માગણી વધવા માંડી.

એ દરમ્યાન આ વાત અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના ધ્યાનમાં આવી. એનું કારણ પણ ગજબનું હતું!! કલકત્તામાં દેશી-વિદેશી ટૂરિસ્ટો મોટા પ્રમાણમાં આવે છે. ગાઇડ લોકોએ ભેજું વાપરીને  ટૂરિસ્ટ-સ્પૉટમાં ભૂતિયા રેલવે-સ્ટેશનનું નામ સામેલ કરી દીધું. વિદેશી સહેલાણીઓને તો ગમ્મત પડી ગઈ. ટોળાબંધ લોકો દિવસ દરમ્યાન ભૂતિયું રેલવે-સ્ટેશન જોવા માટે આવવા લાગ્યા.

ચારે બાજુ ચકચાર જાગવાથી અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ ૧૧ વ્યક્તિની એક ટીમ બનાવી, જેમાં બૌદ્ધિકોથી માંડીને વૈજ્ઞાનિકો સામેલ હતા. સત્ય શોધવા માટે તેઓ ‘બેગુન કોડાર’ આવ્યા. બે-ત્રણ દિવસ સુધી રાત-દિવસ તપાસ ચાલી. તપાસના અંતે સમિતિ એ નિષ્કર્ષ પર આવી કે વાતમાં કોઈ વજૂદ નથી. આ નિષ્કર્ષનો પડઘો લોકોમાં પડ્યો. ફરીથી સ્ટેશન શરૂ કરવાની ગતિવિધિ શરૂ થઈ. ૪૨ વર્ષનાં વહાણાં વાયાં હતાં. સ્થાનિક નેતાઓની મદદથી રેલવે-મિનિસ્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. એ સમયે રેલવે-મિનિસ્ટર મમતા બૅનરજી  હતાં અને વળી તેઓ બંગાળનાં જ હતાં.

૨૦૦૯માં ફરીથી બેગુન કોડાર રેલવે-સ્ટેશન કાર્યરત થયું. ૧૯૬૭થી નિર્જીવ બનેલું રેલવે-સ્ટેશન ૪૨ વર્ષ પછી ધમધમતું થયું અને એ ભૂત ભૂતકાળ બની ગયું.

ભારતનાં રેલવે-સ્ટેશન એટલે રખડુઓનું નિવાસસ્થાન, બેઘર લોકોનું આશ્રયસ્થાન, અસામાજિક તત્ત્વોનો અડ્ડો. રેલવે-સ્ટેશન એટલે આપઘાત કરવાનું ઉત્તમ અને સરળમાં સરળ  સ્થળ. આઝાદી પછી ભારતનાં કેટલાંક રેલવે-સ્ટેશન ‘ભૂતિયાં રેલવે સ્ટેશન’ તરીકે ઓળખાતાં એ છે...

પાતાળ પાની : ખંડવા-મધ્ય પ્રદેશ. કહેવાય છે કે એક દેશભક્તને અંગ્રેજોએ ફાંસી આપી હતી. તેને પાતાળ પાનીની ઘાટીમાં દફનાવ્યો હતો ત્યારથી એ આત્મા ત્યાં ભટકતો રહ્યો. કેટલાંય વર્ષ સુધી ટ્રેનના ડ્રાઇવરો એ સ્ટેશન પાસે બે મિનિટ ગાડી થોભાવીને એ દેશભક્તને સલામી આપતા. જો ગાડી ન રોકાય તો કોઈ ને કોઈ અકસ્માત થતો.

બરોગ સ્ટેશન ઃ શિમલા. બ્રિટિશ એન્જિનિયરે ત્યાં આત્મહત્યા કરી હતી. બરોગ સ્ટેશન પાસે એક સુરંગ છે એમાં તેને દફનાવવામાં આવ્યો હતો.

નૈની રેલવે સ્ટેશન ઃ ઉત્તર પ્રદેશ. આ સ્ટેશનની બાજુમાં જ જેલ હતી. ત્યાં કેટલાક દેશભક્તોને રાખવામાં આવ્યા હતા. જેકોઈ એ જેલમાં મૃત્યુ પામ્યા હતા તેમનો આત્મા આ સ્ટેશને ભટકતો હતો એવી માન્યતા હતી.

લુધિયાણા ઃ પંજાબ. આ સ્ટેશનના રિઝર્વેશન-કાઉન્ટર પર કામ કરતો કર્મચારી ખૂબ સંનિષ્ઠ કર્મચારી હતો. ડ્યુટી પૂરી થયા પછી પણ ઘરે નહોતો જતો. મૃત્યુ બાદ એ ઓરડામાં જ તેનો  આત્મા ભટકતો રહેતો એવી માન્યતાને કારણે પછીથી એ ઓરડો બંધ કરવો પડ્યો હતો.

એમ. જી. રોડ - મેટ્રો રેલવે-સ્ટેશન ગુડગાંવ : એક વૃદ્ધાનું અકસ્માતે મોત થયું હતું. પછી એ વૃદ્ધા લાકડી લઈને સ્ટેશન પર ફરી રહી છે એવી અફવા ફેલાઈ હતી.

રવીન્દ્ર સરોવર સ્ટેશન કલકત્તા અને દ્વારકા સેક્ટર-૯ મેટ્રો સ્ટેશન દિલ્હી માટે પણ આવી જ  અફવાઓને કારણે એ બન્ને ભૂતિયાં રેલવે-સ્ટેશનનું બિરુદ પામ્યાં હતાં.

છેલ્લે : દુનિયામાં ટૂંકામાં ટૂંકી વાર્તામાં જેની ગણના થાય છે એ...

‘અ’ અને ‘બ’ નામના બે મુસાફરો ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં પ્રવાસ કરી રહ્યા હતા. વાત કરવાના ઇરાદાથી ‘બ’એ ‘અ’ને પૂછ્યું, ‘ભૂતમાં માનો છો?’ ‘અ’એ કહ્યું, ‘હા, પણ કદી અનુભવ નથી થયો. પછી તેણે ‘બ’ને પૂછ્યું, ‘તમે માનો છો?’ ‘બ’એ કહ્યું, ‘બિલકુલ નહીં, ભૂત કેવું ને વાત કેવી?’ એટલું બોલીને તે અદૃશ્ય થઈ ગયો.

સમાપન

વારાફરતી વારામાંથી નીકળવું છે,

મારે આ જન્મારામાંથી નીકળવું છે.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists Pravin Solanki