લાઇફ કા ફન્ડા : મૂર્ખ મુનીમ

03 March, 2020 04:57 PM IST  |  Mumbai | Heta Bhushan

લાઇફ કા ફન્ડા : મૂર્ખ મુનીમ

પ્રતીકાત્મક તસવીર

એક શેઠનો મોટો વેપાર હતો. શેઠ પછી વેપારની બાગડોર તેમના વિશ્વાસુ મુનીમ સંભાળતા હતા. અચાનક વિશ્વાસુ મુનીમનો અકસ્માત થયો અને તેમનું મૃત્યુ થઈ ગયું. શેઠને દુઃખ થયું અને સાથે સાથે શેઠની વેપારની વ્યવસ્થામાં પણ ગરબડ થઈ ગઈ. શેઠ વેપાર માટે બહારગામ જતા ત્યારે મુનીમજી બધું સંભાળી લેતા, પણ હવે કોણ એ કામ કરશે? આ પ્રશ્ન ઊભો થયો અને વેપાર માટે શેઠે બહારગામ તો જવું જ પડતું.

મુનીમજીના મૃત્યુ બાદ શેઠ થોડો સમય બહારગામ ન ગયા, પણ હવે આગળ શું કરવું. વેપારના કામ માટે બહારગામ જવું જ પડે તેમ હતું. શેઠે મુનીમજીના સ્થાને જે નવા યુવાન મુનીમને રાખ્યો હતો એ હજી વેપારનું કામકાજ શીખી રહ્યો હતો, બરાબર જાણકાર નહોતો. તેને બોલાવ્યો અને કહ્યું ‘જો મારે વેપાર માટે ૧૫ દિવસ બહારગામ જવું જ પડે તેમ છે, જરૂરી સૂચનાઓ મેં ચોપડામાં લખી છે અને હું રોજ ટપાલ લખતો રહીશ. મારી ટપાલને ખૂબ જ મહત્ત્વની માનજો.’ શેઠ બહારગામ ગયા અને રોજ વેપારમાં કેટલા સોદા, કઈ રીતે, કોની સાથે કરવા એની સૂચનાઓ રોજ શેઠ ટપાલમાં લખીને મોકલતા રહ્યા.

૧૫ દિવસ પછી પાછા આવીને શેઠે નવા મુનીમને બોલાવીને પૂછ્યું ‘મારી સૂચનાઓ અને ટપાલની નોંધ પ્રમાણે જ ધંધો કર્યો છે ને?’ નવા મુનીમે કહ્યું ‘શેઠજી આપે જણાવ્યું હતું કે મારી ટપાલને ખૂબ જ મહત્ત્વની માનજો એટલે મેં તેને ભગવાન જેટલું માન આપ્યું છે. તમારી બધી ટપાલ મેં જાળવીને મસ્તકે લગાડી, તમે સૂચના લખેલા ચોપડામાં અકબંધ સાચવી છે અને ચોપડાને મંદિરમાં મૂકી રોજ ધૂપ-દીપ કર્યાં છે.’

શેઠ બોલ્યા ‘ભલા માણસ, તું ભોળો છે કે મૂર્ખ...ટપાલને મહત્ત્વ આપવું એટલે તેની પૂજા કરવી નહીં. તેમાં લખેલી સૂચનાઓ અને નોંધનું પાલન કરવું થાય અને તે તો બધી ટપાલને અકબંધ જાળવી છે એટલે વાંચી જ નથી તો પછી તેમાં લખેલી સૂચનાઓ અમલમાં ક્યાંથી મૂકી હશે? જાવ ચોપડો લઈ આવો, મારે જ જોવું પડશે કે કેટલો વેપાર કઈ રીતે થયો છે.’

આ છે હાસ્યયુક્ત પ્રસંગ, પણ એક સમજબારી ખોલે છે કે ક્યાંક આપણે પણ આવા મૂર્ખ મુનીમ તો નથીને...ભગવાન કૃષ્ણે પોતે ગીતામાં અને અનેક જ્ઞાની-ધ્યાની ઋષિમુનિઓએ આપણા શાસ્ત્ર અને ધર્મપુસ્તકોમાં જીવન જીવવાની રીતો સમજાવી છે. શું આપણે ધાર્મિક પુસ્તકને માત્ર રેશમી કપડામાં લપેટીને અકબંધ જાળવીએ છીએ, ધૂપ-દીપ કરીએ છીએ, ફૂલ ધરાવીએ છીએ કે પછી તેની અંદર રહેલું જ્ઞાન વાંચીને-સમજીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. જો એમ નહીં કરીએ તો આપણે પણ નવા મુનીમ જેવા મૂર્ખ સાબિત થશું.

columnists heta bhushan