મોતનો મલાજો પણ જેણે જાળવ્યો નથી એ કોરોનાને કેમ અવગણવો?

12 October, 2020 08:49 PM IST  |  Mumbai | Manoj Joshi

મોતનો મલાજો પણ જેણે જાળવ્યો નથી એ કોરોનાને કેમ અવગણવો?

પ્રતીકાત્મક તસવીર

કોરોનાને લીધે મૃત્યુના શોકની જે તાકાત હતી એ ઓસરી ગઈ હોય એવું લાગવા માંડ્યું છે. એક સમય હતો કે ઘરમાં મરણ થાય એટલે સગાંવહાલાંઓ ઘરે આવી જાય. રીતસર ઝૂંડ પ્રસરી જાય ઘરમાં. દૂરનાં સગાંઓ પણ બાકી ન રહે અને ચાર-છ વર્ષથી મોઢું ન દેખાડ્યું હોય એવાં સગાંઓ પણ ઘરે આવી જાય. કોરોનાના આ કાળમાં એ પ્રથા સારી લાગવા માંડી છે. કોરોનાને લીધે જે પ્રકારે મરણ જેવી ઘટનામાં પણ એકત્રિત થવાની મનાઈ આવી ગઈ એ જોઈને ખરેખર મનમાં વિચાર પ્રસરી ગયો કે મરણ જેવી દુઃખદ ઘટનાને પણ કોરોના વળગી ગયો કે શું?
કોરોનાના કારણે મૃત્યુ પામનારાઓની અંતિમ વિધિ પણ વ્યવસ્થિત કરવા નથી મળી રહી. છેલ્લી વખત પાર્થિવ દેહ ઘરે લાવવામાં આવતો અને એ પાર્થિવ દેહને અંતિમ વિદાય આપવામાં આવતી એ પ્રથા પણ બંધ થઈ ગઈ. મરણની એક ગરિમા હતી અને માણસ એની સામે ઝૂકતો, પરંતુ કોરોનાએ એ પણ બંધ કરાવી દીધું. મરણને માન આપીને માણસ તે સ્વજનને ઘરે જતો, જેણે પોતાનો આપ્તજન ગુમાવ્યો હોય. કોરોનાએ એ સન્માન પણ મોત પાસેથી છીનવી લીધું. બેસણું, ઊઠમણું, પ્રાર્થનાસભાનું પોતાનું એક મહત્ત્વ હતું. કોરોનાએ એ મહત્ત્વનો પણ નાશ કરી નાખ્યો. આજે મરણ પામનારો સહજ રીતે વિદાય લઈ લે છે અને એમાં પણ જો કોરોનાના કારણે મરણ થયું હોય તો પરિવારમાંથી એક કે બે વ્યક્તિ અંતિમ ક્રિયા કરીને ઘરે પાછી આવી જાય છે. ગ્લાનિને બળવત કરવા માટે હવે કારણ નથી મળતું અને માથું મૂકીને પોક મૂકી શકાય એવો ખોળો પણ નથી રહ્યો. રડવું છે માણસને, પણ રડવા માટે પણ યોગ્ય જગ્યા, વાતાવરણ અને સથવારો જોઈતો હોય છે. કોરોનાએ આ ત્રણેત્રણની બાદબાકી કરી નાખી અને આનાથી મોટી મજબૂરી બીજી કોઈ ન હોઈ શકે.
કોરોનાને અવગણનારાઓએ આ વાતને ધ્યાનથી જોવી જોઈએ. કોરોનાને ધુત્કારનારાઓએ પણ આ વાતને સહજ રીતે સમજવી પડશે. બેદરકારી કોઈ હિસાબે ચલાવી નહીં શકાય અને બેદરકાર રહેનારાઓને પણ કોઈ હિસાબે સહી નહીં શકાય. માસ્ક નહીં પહેરનારાઓએ સમજવું પડશે કે તે ઇરાદાપૂર્વક જીવતો બૉમ્બ બનવાની દિશામાં આગળ વધે છે. બને, તેની ઇચ્છા હોય તો તે જીવતો બૉમ્બ બને એની સામે ના નથી અને ના હોય પણ ન શકે, પરંતુ તે પરિવારના અન્ય સભ્યોને હેરાન કરી મૂકશે એ વાત તેણે આંખ સામે રાખવી પડશે. કોઈ ફરક નથી પડતો કે તે પોતે હેરાન થવા માગતો હોય. જાતે દુખી થવા માગતી વ્યક્તિને કોઈ સુખી નથી કરી શકતું, પણ જેને દુખી નથી થવું એવા લોકોના જીવ તે જોખમમાં મૂકે એ કોઈ કાળે ચલાવી ન લેવાય. અહીં પરિવારના સભ્યોને પણ સલાહ આપવાની છે.
તમે ઘરની બહાર નથી નીકળતા, તમે કોરોનાને આવકારો નથી આપતા, પણ જે સભ્યો ઘરની બહાર જાય છે તેની સાથે થોડા સ્ટ્રીક્ટ થવાનું શરૂ કરો. શરૂ કરો તે સૌની સામે કડક થવાનું જે બહાર ગયા પછી ઘરમાં આવીને લાપરવાહ થઈને વર્તે છે. ઘરમાં પાછા આવનારાઓએ જે ચીવટ લેવી જોઈએ એ ચીવટ લેવાય છે કે નહીં એ જોવાનું ચાલુ કરો અને ધારો કે એ ન લેવામાં આવતી હોય તો કડક શબ્દોમાં કહેવાનું પણ રાખો. આફ્ટરઑલ, એનાથી તમારો લાભ થવાનો છે, પણ ફાયદો તેમને પણ મળવાનો તો છે જ.

manoj joshi columnists