મુઝે યું ન મુઝ મેં તલાશ કર કિ મેરા પતા કોઈ ઔર હૈ

01 February, 2021 02:01 PM IST  |  Mumbai | Pravin Solanki

મુઝે યું ન મુઝ મેં તલાશ કર કિ મેરા પતા કોઈ ઔર હૈ

મુઝે યું ન મુઝ મેં તલાશ કર કિ મેરા પતા કોઈ ઔર હૈ

હું જ્યાં છું ફક્ત ત્યાં જ નથી, જ્યાં નથી ત્યાં પણ હું છું. મને તું મારામાં ન શોધ, મારું સરનામું તો કોઈ બીજું જ છે. આ માત્ર શબ્દાર્થ છે. શબ્દાર્થ છેતરામણા હોઈ શકે, ગૂઢાર્થ બધા જ ન કળી શકે. આપણે જે અર્થ કાઢીએ તે સર્જકને અભિપ્રેત ન પણ હોઈ શકે. વિવેચક કોઈ જુદો જ સંદર્ભ આપી શકે, આપતા પણ હોય છે. માતા બાળકને ધમકાવતાં જ્યારે કહે છે, ‘મર મારા રોયા, જા મસાણમાં ને મારો કેડો છોડ.’ શું મા ખરેખર ઇચ્છતી હોય છે કે દીકરો મરે? ના, સૂચિતાર્થ એ જ છે કે મા દીકરા પર રોષે ભરાઈ છે.
જેવું કવિતાની પંક્તિઓનું છે એવું જ દૃષ્ટાંતોનું છે. લેખકો કે વક્તાઓ ક્યારેક પોતાની વાત સરળતાથી સમજાય કે પોતાની વાતને ધારદાર કરવા દૃષ્ટાંતોનો સહારો લેતા હોય છે. દૃષ્ટાંતો ક્યારેક સીધા-સરળ હોય તો ક્યારેક મર્મવેધી, ગૂઢાર્થમાં પણ હોય. દૃષ્ટાંતમાં વાત કે વાર્તા કરતાં એનો સાર ગ્રહણ કરવાનો હોય છે. કેટલાંક એવાં અનન્ય દૃષ્ટાંતો જોઈએ.
એક રખડતો બાવો નાનકડા મંદિરનો પૂજારી બન્યો. જીવનમાં પહેલી વાર કરિયાણાની દુકાનમાં જવાનું થયું. આરતી માટે ઘી જોઈતું હતું. આજ સુધી મંદિરનો સાફસૂફી કરનારો લઈ આવતો. આજે મંદિરને ઓટલેથી પડી જવાથી ચાલી શકે એમ નહોતો. પૂજારી કરિયાણાની દુકાન જોઈને આભો બની ગયો, મનમાં બોલ્યો, ‘આહાહા!! કેટલીબધી વસ્તુઓ... કેટલાબધા ડબ્બા!!’ કુતૂહલવશ થઈ તેણે દુકાનદારને પૂછ્યું કે આ પહેલા ડબ્બામાં શું છે? દુકાનદારે કહ્યું કે ચોખા. બીજા? ઘઉં, ત્રીજા? બાજરો, ચોથા? સાકર. એમ પૂછતો જ રહ્યો. આખરે છેલ્લો એક જ ડબ્બો બાકી રહ્યો હતો. આમાં શું છે? દુકાનદારે કહ્યું કે કૃષ્ણ. પૂજારીએ કહ્યું, મજાક શું કામ કરો છો? કૃષ્ણ કંઈ ડબ્બામાં હોય? પૂજારીએ હળવેકથી ડબ્બો ખોલ્યો. જોઈને ભડકીને બોલ્યો, અરે આ તો ખાલી છે. દુકાનદારે કહ્યું, અમે ખાલી છે એ શબ્દ વાપરતા નથી. પાપ લાગે. જગતમાં કોઈ વસ્તુ ખાલી નથી હોતી, બધે કૃષ્ણ તો હોય જ છે.
આ દૃષ્ટાંતનો સાર માત્ર એટલો જ નથી કે ઈશ્વર સર્વત્ર છે. બીજી મહત્ત્વની વાત એ છે કે જે પૂજારી છે તેની દૃષ્ટિ વેપારી જેવી છે અને જે વેપારી છે તેની દૃષ્ટિ પૂજારી જેવી છે. કૃષ્ણએ એક વાર રાધાને પૂછ્યું, રાધે હું ક્યાં છું? રાધાએ કહ્યું કે તમે તો અત્ર તત્ર સર્વત્ર છો; જનમાં છો, વનમાં છો, ઉપવનમાં છો, માણસના મનમાં છો, તનમાં છો, અગમ, નિગમ, સૃષ્ટિ ચોગમમાં છો! કૃષ્ણએ હસીને બીજો પ્રશ્ન કર્યો કે તો બોલ, હું ક્યાં નથી? રાધાએ એક પળનોય વિલંબ કર્યા વગર કહ્યું, તમે મારા નસીબમાં નથી!!
યુરોપની એક અજબ-ગજબનો કસબ-કરામત ધરાવતી એક વ્યક્તિની વાત છે. નામ હતું હુડીની. હિન્દી ફિલ્મના એક ગીતની કડી તેને બરાબર લાગુ પડે એમ હતી, ‘બડા હી સીઆઇડી હૈ વો નીલી છત્રીવાલા, હર તાલે કી ચાબી રખે, હર ચાબી કા તાલા.’ કોઈ પણ તાળું ખોલવામાં તે માહેર હતો. ગમે તેવી સુરક્ષિત જેલમાં પૂરી રાખો, ત્યાંનાં તાળાં ખોલીને તે છટકી જતો. તે તાળાં ખોલવાનો જાદુગર ગણાતો.
એક વખત ગજબનો કિસ્સો બની ગયો. એક નાનકડા ગામમાં તે પ્રવાસ કરતો હતો ત્યારે ગામની એક સામાન્ય વ્યક્તિએ તેને પોતાના ઘરમાં પૂરી દીધો. હુડીની મનોમન હસીને બબડ્યો કે આ બિચારા ભોળા-મૂરખને ખબર નથી લાગતી કે અહીંથી છૂટવું એ મારે મન ડાબા હાથનો ખેલ છે. તેણે તાળું ખોલવાના પ્રયત્નો કર્યા. ખૂબ મહેનત કરી, જાતજાતની કળા અજમાવી, તાળું ખૂલે જ નહીં. તે હારી ગયો. તાળું ખોલવામાં અસફળ રહ્યો. કારણ? કારણ કે તાળું ખુલ્લું જ હતું. માત્ર લટકાવેલું હતું. બંધ તાળું ખોલી શકાય. ખુલ્લાને કેમ ખોલાય? બોલો શું બોધ લેશો?
મુલ્લા નસીરુદ્દીન જે શહેરમાં રહેતા હતા ત્યાંનો રાજા તરંગી હતો. એક વાર તેને તરંગ આવ્યો કે મારા રાજ્યમાં જૂઠું બોલવાનું બંધ કરાવી દઉં! બધાં પાપનું મૂળ જૂઠાણું છે, જૂઠાણું જાય તો રાજ્યમાં સ્વર્ગ સ્થપાય. રાજાએ દરબાર બોલાવીને પોતાની ઇચ્છા રજૂ કરી. દરબારીઓ મૂંઝાઈ ગયા. આપસ-આપસમાં મસલત કરી એ પછી મુખ્ય પ્રધાને કહ્યું કે જહાંપના, આ કામ બહુ અઘરું છે. ખોટું બોલવું એ જીવનનો એક ભાગ છે. એને ન તો ઉપદેશથી બંધ કરી શકાય, ન કાયદાથી. આમ છતાં તમે મુલ્લા નસીરુદ્દીનની સલાહ લઈ જુઓ. એ જ્ઞાની છે, વિદ્વાન છે, તે જરૂર તમને કોઈ રસ્તો બતાવશે.
રાજાને આ સલાહ પોતાના અપમાન જેવી લાગી. મુલ્લા વિદ્વાન છે તો શું હું મૂરખ છું? અને હું ક્યાં કંઈ ખોટું કરવાં જાઉં છું? હું તો રાજ્યના હિત માટે આ પગલું ભરવા માગું છું. રાજાએ અમલ કરવાનો વિચાર કરી લીધો. એ દરમ્યાન મુલ્લા નસીરુદ્દીન મળી ગયા. રાજાએ મુલ્લાને કહ્યું, ‘સારું થયું તમે મને મળી ગયા. મેં એવું નક્કી કર્યું છે કે આપણા રાજ્યમાં જે ખોટું બોલશે તેને એ જ સમયે હું ફાંસીએ ચડાવી દઈશ. આનો અમલ હું આવતી કાલે વહેલી સવારથી જ કરવાનો છું. કાલે વહેલી સવારે શહેરના મુખ્ય દરવાજે હું જાતે પોતે ઊભો રહીશ અને જૂઠું બોલનારાઓને શોધી કાઢીશ. કેવો લાગે છે વિચાર?
મુલ્લા ઘડીભર રાજાને જોઈ રહ્યા, પછી બોલ્યા, આલમપનાહ, વિચાર ખૂબ ઉમદા છે. હું દુવા કરું છું કે આપને ફતેહ મળે.
બીજા દિવસે રાજા વહેલી સવારે દરવાજે પહોંચી ગયા. બધું સૂમસામ હતું. ત્યાં તેમને દૂરથી કોઈક આવતું દેખાયું. ધારીને જોયું તો મુલ્લા નસીરુદ્દીન પોતાના ગધેડા પર બેસીને આવતા દેખાયા. મુલ્લા નજીક આવ્યા એટલે રાજાએ પૂછ્યું, અરે મુલ્લાજી આપ? વહેલી સવારે ક્યાં જઈ રહ્યા છો? મુલ્લા નિમાણું મોઢું કરી બોલ્યા, ફાંસીએ લટકવા. રાજાએ ગંભીર બનીને કહ્યું, અત્યારે મારી પાસે મજાકનો સમય નથી, જૂઠું બોલ્યા વગર સાચેસાચું કહી દો અત્યારે, વહેલી સવારે ક્યાં નીકળ્યા? મુલ્લા બોલ્યા, ‘સાચું જ કહું છું, ફાંસીએ લટકવા.’ રાજા હવે બગડ્યા, મુલ્લા, તમને ખબર છેને કે જૂઠું બોલનારને હું ફાંસીએ લટકાવવાનો છું!’
મુલ્લા મૂછમાં મલકતા બોલ્યા, ‘એ જ મારો મુદ્દો છે. તમે મને ફાંસીએ લટકાવશો તો હું જે કહેતો હતો એ સાચું ઠરશે. નહીં લટકાવો તો હું અસત્ય બોલ્યો છું એવું ઠરશે. બોલો, શું કરવું છે તમારે?
રાજા માથું ખંજવાળવા લાગ્યા, અરે મુલ્લા તમે મને ભારે મુસીબતમાં મૂકી દીધો છે. તમે કંઈક ઉકેલ શોધો. મુલ્લાએ રાજાને ખખડાવતાં કહ્યું, ઉકેલના બાપને ઊંટ લઈ જાય. ઉકેલની પીંજણ છોડો અને આ બધા ઉધામા છોડો. સાચું શું ને ખોટું શું એનો નિર્ણય કોણ કરી શકે? વ્યક્તિ પોતે જ. બીજો જે નિર્ણય કરશે તે ફક્ત અનુમાન હશે. પ્રમાણ તો વ્યક્તિની પોતાની પાસે જ હોય.
અને છેલ્લે...
ગુર્જિયેફ નામના એક સંત-વિચારક પાસે એક સજ્જન આવ્યા. ગુર્જિયેફે તેમને આવકાર આપ્યો, બેસાડ્યા, નામઠામ પૂછ્યાં. પછી ગુર્જિયેફે પૂછ્યું, તમે શું કરો છો? સજ્જને કહ્યું, હું જૂઠું નથી બોલતો. ગુર્જિયેફે નમ્રતાથી કહ્યું કે સારી વાત છે, પણ મારો સવાલ એ છે કે તમે શું કરો છો? પેલાએ કહ્યું, હું ચોરી નથી કરતો, દારૂ નથી પીતો. ગુર્જિયેફની ધીરજ હવે ખૂટી. કડકાઈથી કહ્યું, મારો પ્રશ્ન સમજતા કેમ નથી? મેં પૂછ્યું કે તમે શું કરો છો? પેલાએ કહ્યું, હું કોઈને દુઃખ નથી પહોંચાડતો. બસ ખલ્લાસ... ગુર્જિયેફે ત્રાડ પાડીને કહ્યું, આ માણસને ધક્કો મારીને અહીંથી બહાર કાઢો. પેલાએ શાંતિથી કહ્યું, પ્રભુ, મારો વાંક શું છે? સંત હજી ગુસ્સામાં જ હતા. વાંક? તમે હજી વાંક પૂછો છો? મારો સવાલ છે કે તમે શું કરો છો? જવાબમાં તમે હું આ નથી કરતો તે નથી કરતો કહ્યા કરો છો. કાન ખોલીને સાંભળી લો, માણસ શું નથી કરતો એ જાણવાથી તેનું ચરિત્ર ઓળખાતું નથી. તે શું કરે છે એનાથી તે કેવો છે એની ખબર પડે છે. માટે કહું છું તમે જે નથી કરતા એ ભૂલી જાઓ, તમે કંઈક કરો, કંઈ પણ કરો, પછી ભલે એ ચોરી કે લૂંટફાટ હોય. તમે જે કરશો એનાથી ઓળખાશો.

સમાપન
દૃષ્ટાંતમાંથી સાર શોધવો એ બૌદ્ધિક કસરત છે. કેટલાંક દૃષ્ટાંતો સરળતાથી સમજાય. કેટલાંક દૃષ્ટાંતો અનેકાર્થી હોય, સમજવાં અઘરાં પડે, પણ કેટલાક લોકો તો એવા હોય છે જેઓ પોતાને લાભ થતો હોય એવો જ સાર ગ્રહણ કરે.
દારૂબંધીનો પ્રચાર કરતા એક સમાજસેવકે દૃષ્ટાંત આપીને લોકોને કહ્યું, ભાઈઓ, તમે જોયું કે મારી પાસે બે ગ્લાસ છે, જેમાં પાણી છે એ ગ્લાસમાં મેં જીવડું નાખ્યું તો જીવતું રહ્યું અને બીજો ગ્લાસ જે દારૂથી ભરેલો હતો એમાં જીવડું નાખ્યું તો મરી ગયું. આના પરથી તમે શું સાર ગ્રહણ કરશો? એકે ઊભા થઈને કહ્યું, શરીરમાંના જીવડા મારવા હોય તો દારૂ પીઓ.
શીર્ષકની પંક્તિઓ અને નીચેની પંક્તિઓ સરખાવો અને તમે તમારી રીતે સમજો...
મૈં ખયાલ હૂં કિસી ઔર કા
મુઝે સોચતા કોઈ ઔર હૈ
સરે-આયના મેરા અક્સ હૈ
પસે-આયના કોઈ ઔર હૈ
- સલીમ કૌશર
(સરે-આયના = અરીસા સામે, અક્સ = પ્રતિબિંબ, પસે-આયના = અરીસા પાછળ)

columnists Pravin Solanki