ડિલિવરી પહેલાં જ કરી લો લૅક્ટેશન કાઉન્સેલિંગ

05 August, 2022 08:50 PM IST  |  Mumbai | Jigisha Jain

પ્રેગ્નન્સીમાં પ્રસૂતિનો સમય નજીક આવે ત્યારે બાળકને સ્તનપાન કરાવવા માટે મમ્મીને પહેલેથી તૈયાર કરવી જરૂરી છે. સ્તનપાન કઈ રીતે કરાવવું, એ શું કામ જરૂરી છે અને એમાં કોઈ પ્રૉબ્લેમ આવે તો એની સાથે કઈ રીતે ડીલ કરવું એ બધું જ સમજાવવામાં આવે છે

ડિલિવરી પહેલાં જ કરી લો લૅક્ટેશન કાઉન્સેલિંગ

સ્તનપાન દરેક બાળકનો હક છે અને દરેક માની ફરજ કે તે તેના બાળકને આ હક આપે. સ્તનપાન એક સહજ પ્રક્રિયા છે પરંતુ દરેક સ્ત્રી માટે એ સહજ બની રહેતી નથી. એક સમય હતો જ્યારે ઘરની વડીલ સ્ત્રીઓ જ ગર્ભવતી સ્ત્રીને બધી શિખામણ આપતી અને એનું પાલન કરી સ્ત્રી પોતાના બાળકને સંભાળતી, પરંતુ આજનો સમય જુદો છે. મોટા ભાગની ગર્ભવતી સ્ત્રીને સ્તનપાન વિશે અંદાજ રહેતો નથી. આથી જ કાઉન્સેલિંગ કરવું જરૂરી બને છે. છેલ્લાં ૨૨ વર્ષથી બ્રેસ્ટફીડિંગ પ્રમોશન નેટવર્ક ઑફ ઇન્ડિયા સાથે લૅક્ટેશન કાઉન્સેલર તરીકે કામ કરનાર રૂપલ બક્ષી પાસેથી જાણીએ કે આ કાઉન્સેલિંગની શું જરૂર છે અને એ કઈ રીતે મદદરૂપ થાય છે. 
મોટિવેશન 
સ્તનપાન ફક્ત બાળક માટે જ નહીં, મા માટે પણ અત્યંત જરૂરી પ્રક્રિયા છે. કોઈ પણ કારણસર જો બાળક સ્તનપાનથી વંચિત રહી જાય તો એમાં બાળક અને મા બન્નેનું નુકસાન છે. સ્ત્રીઓને સ્તનપાન કેમ કરાવવું, એ કરાવતી વખતે બાળકને કેવી રીતે પકડવું, પોતે કઈ પોઝિશનમાં રહેવું, બેસીને કરાવવું કે સૂતાં-સૂતાં, દિવસમાં કેટલી વાર કરાવવું, શરૂઆત કઈ રીતે કરવી જેવા અઢળક પ્રશ્નો હોય છે. આ સિવાય એ કેમ કરાવવું જરૂરી છે એની પૂરતી સમાજ પણ બધામાં નથી હોતી. એ બધી જ વસ્તુઓનું જ્ઞાન તેમને આપવું અનિવાર્ય છે. એનાથી પણ વધુ જરૂરી એ છે કે સ્ત્રીને મોટિવેટ કરવી. સ્તનપાન તેના માટે ટાયરિંગ પ્રોસેસ ન બને, એને તે બર્ડન ન સમજે, નાના-મોટા પ્રૉબ્લેમ્સથી ડરીને કે ત્રાસીને સ્તનપાન છોડી ન દે એ માટે તેને મોટિવેટ કરવી જરૂરી છે. 
જન્મ પછીની પાંચ મિનિટ 
બ્રેસ્ટ ક્રોલિંગ જેવી એક પ્રોસેસ છે જે સ્તનપાન માટે ખૂબ હેલ્ધી સાબિત થાય છે પરંતુ એ નૉર્મલ ડિલિવરીમાં જ શક્ય બને છે. જો એ ન કરી શકાય તો પણ બાળકના જન્મની પાંચ મિનિટની અંદર તેને સ્તનપાન કરાવી દેવામાં આવે તો બાળક અને માની અઢળક તકલીફો એની મેળે જ ખતમ થઈ જાય છે. આ પાંચ મિનિટનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘણી મમ્મીઓને દૂધ નથી આવતું એની ફરિયાદ રહે છે આ ફરિયાદનો ઉપાય એ જ છે કે જન્મ પછી તમે તરત બાળકને સ્તનપાન કરાવો. આ સિવાય જો દૂધ ઓછું આવતું હોય તો થોડી-થોડી વારે તમે બાળકને સ્તનપાન કરાવો. સિમ્પલ રૂલ એવો છે કે બાળક જેટલું દૂધ ખેંચશે એટલું દૂધ આવશે. આ પ્રોસેસ માટે થાકો નહીં, હિંમત હારો નહીં. દૂધ નથી આવતું એટલે ફૉર્મ્યુલા ચાલુ કરશો તો દૂધ નહીં આવે, એ ધ્યાન રાખો. 
મેન્ટલ સ્ટ્રેસની અસર 
આજકાલ સ્ત્રીઓ પર મેન્ટલ સ્ટ્રેસ પણ ખૂબ હોય છે. જેટલું વધુ સ્ટ્રેસ એટલું દૂધ ઓછું. સ્ત્રીઓને ખુશ રાખવાની, તેને પૂરતો આરામ મળે એનું ધ્યાન રાખવાની અને તેને સપોર્ટ આપવાની ફરજ તેના પરિવારની છે. ઘણી વખત એવું થાય છે કે ડિલિવરી પછી મા ડિપ્રેશનમાં જતી રહે ત્યારે તે સ્તનપાન છોડાવી દે છે. અમુક સ્ત્રીઓ સાથે એવું થાય છે કે ઘરમાં સાસુ કે મમ્મી કંઈક કહેતાં હોય અને ડૉક્ટર્સ કંઈક કહેતા હોય એમાં મૂંઝાઈને તે સ્તનપાન છોડી દે છે. આવું ન થાય એ માટે આખા પરિવારને લૅક્ટેશન કાઉન્સેલિંગની જરૂર પડે છે. મૂળ વાત એ છે કે સ્તનપાનને લગતા બધા જ પ્રૉબ્લેમનું સોલ્યુશન છે. થોડી ધીરજ, થોડો આપ્તજનોનો માતાને સપોર્ટ અને અઢળક મોટિવેશન હોય તો દરેક બાળકને આપણે સ્તનપાનનો તેનો જન્મસિદ્ધ હક આપવામાં સફળ રહીશું.  

 સ્તનપાન ફક્ત બાળક માટે જ નહીં, મા માટે પણ અત્યંત જરૂરી પ્રક્રિયા છે. કોઈ પણ કારણસર જો બાળક સ્તનપાનથી વંચિત રહી જાય તો એમાં બાળક અને મા બન્નેનું નુકસાન છે. 
રૂપલ બક્ષી

columnists Jigisha Jain