ફ્રૂટ બાઉલની બાેલબાલા

01 March, 2021 11:33 AM IST  |  Mumbai | Pooja Sangani

ફ્રૂટ બાઉલની બાેલબાલા

ફ્રૂટ બાઉલની બાેલબાલા

માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. ઠંડક વિદાય લઈ રહી છે અને બપોરે આકરો તડકો પડવા લાગ્યો છે. થોડા જ સમયમાં આવશે ઠંડાં-ઠંડાં, કૂલ-કૂલ પીણાં અને વાનગીઓની મોસમ. આઇસક્રીમ, શરબત તો ભરઉનાળામાં શરૂ થશે પણ અત્યારની ઠંડી-ગરમીની મિક્સ મોસમમાં ફ્રૂટ બાઉલ્સની મજા ટાઢક અને પોષણ બન્ને આપે છે. આમ તો આખો ઉનાળો ફ્રૂટ સૅલડ અને ફ્રૂટ બાઉલની બોલબાલા રહે છે, પણ અત્યારે ફ્રૂટ્સની વરાઇટીની અવેલેબિલિટી સારી છે એટલે એનો લુત્ફ કેવી રીતે અને ક્યાં ઉઠાવવા જેવો છે એની વાતો કરીશું.
આઇસક્રીમ, શરબત, લસ્સી, મિલ્ક શેક જેવી ચીજોની વાત કરીએ તો એ હવે જૂની થઈ ગઈ છે. લોકો હેલ્થની બાબતમાં પણ હવે ઘણા કૉન્શિયસ થઈ ગયા છે એટલે ટાઢક આપતી સ્વીટ ડિશ કે પીણાંમાં પણ હવે હેલ્ધી ટ્વિસ્ટ આવી રહ્યો છે. હવેનો ટ્રેન્ડ છે ફ્રૂટ ડિશ, ફ્રૂટ સૅલડ અને ફ્રૂટ બાઉલ્સનો. મુંબઈ અને ગુજરાતનાં શહેરોની ઉનાળાની ખાણીપીણીમાં આજકાલ જે ટ્રેન્ડ ચાલ્યો છે એમાં તો જાત-જાતનાં ફળો અને મલાઈએ ધૂમ મચાવી છે. હવે કેરી, દ્રાક્ષ, દાડમ, ચીકુ, સફરજન, ટેટી, તરબૂચ, પેરુ, નારંગી, મોસંબી જેવાં દેશી અને વર્ષોથી ઉપલબ્ધ ફળો તો હોય જ છે પરંતુ હવે તો સ્ટૉબેરી, બ્લુબેરી, પીચ, કિવી, ડ્રૅગન ફ્રૂટ સહિતનાં વિદેશી કુળનાં ફળો પણ સરળતાથી ઉપલબ્ધ છે. વિવિધ ફળોના કૉમ્બિનેશનને ક્રીમ એટલે કે મલાઈ સાથે આરોગવાની એવી મજા આવે છે કે ન પૂછો વાત.
સામાન્ય રીતે આપણે ઘરે જો ફ્રૂટ સૅલડ બનાવીએ તો દૂધમાં કસ્ટર્ડ ઉમેરી ઉકાળીને જરૂર મુજબ ખાંડ નાખીને ઠંડું કરતા હોઈએ છીએ. જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે પાછળ વિવિધ ફળોના ટુકડા કરી ઉમેરાય છે, જેને ફ્રૂટ કસ્ટર્ડ કહેવામાં આવે છે. ઘણી વાર આઇસક્રીમમાં પણ ફળો મિક્સ કરી ખવાય છે. આવી જ રીતે આ ફ્રૂટ સૅલડ દૂધના બદલે દહીં એટલે કે યોગર્ટમાં વિવિધ ફ્લેવર્સ ઉમેરી બનાવવામાં આવતાં હોય છે. યોગર્ટમાં અનેક ફળોના જૂસ ઉમેરી ફ્લેવર આપી એમાં વિવિધ ફળો અને પ્રમાણ પૂરતી ખાંડ અથવા મધ ઉમેરીને બનાવાય છે અને વિપ્ડ ક્રીમ અથવા ઘરની તાજી મલાઈ વાપરીને પણ સૂકા મેવા ઉમેરી ક્રીમ સૅલડ બનાવવામાં આવતાં હોય છે. હવે તો લસ્સીમાં પણ ફ્રૂટ ઉમેરી ફ્રૂટ લસ્સી બનાવવામાં આવે છે.

મુંબઈનું હાજી અલી જૂસ સેન્ટર 
ફ્રૂટ બાઉલ, ક્રીમ બાઉલની વાત આવી તો મારે મુંબઈમાં હાજી અલીની દરગાહની બહાર આવેલી શૉપ ‘હાજી અલી જૂસ સેન્ટર’ને તો કેમ ભુલાય? કોઈ ફ્રૂટ્સ અને જૂસપ્રેમીઓ એવા નહીં હોય જેમણે હાજીઅલી જૂસ શૉપની મુલાકાત ન
લીધી હોય.

સુરતનું બિસમિલ્લાહ
હાજી અલી જૂસ સેન્ટરને ટક્કર આપી શકે એવું ગુજરાતનું કોઈ સ્થળ હોય તો એ સુરતમાં છે. સુરત રેલવે સ્ટેશનની સામે ‘બિસ્મિલ્લાહ’ નામની શૉપ છે જ્યાં જાત-જાતના જૂસ, ક્રીમ બાઉલ, થિક શેક ઉપલબ્ધ હોય છે અને લગભગ ૨૪ કલાક ખુલ્લી હોય છે. જે લોકો ખાણીપીણીના શોખીન હોય તે રેલવે-સ્ટેશનથી ઊતરીને સીધા ત્યાં જ ઊપડી જાય છે અને મોજ કરે છે.

સૌરાષ્ટ્રમાં ગોળા અને પ્યાલી આઇસક્રીમ
સૌરાષ્ટ્ર આવી જઈએ તો રાજકોટ, અમરેલી, જામનગર, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી વગેરે શહેર-જિલ્લાઓમાં બરફના ગોળા, આઇસક્રીમ પ્યાલી અને સોડાનો દબદબો જોવા મળે છે. સાંજ ઢળતાની સાથે જ બરફના ગોળા અને આઇસક્રીમ પ્યાલીની જયાફત ઉડાવવા માટે લોકો પહોંચી જાય છે. ઘણી જગ્યાએ લોકો પ્યાલીમાં ફ્રૂટ પણ ઉમેરાવી કસ્ટમાઇઝ કરાવતા હોય છે.

તૃપ્તિ પાર્લર, ગાંધીનગર
ગાંધીનગરમાં તો એક દુકાન છે તૃપ્તિ પાર્લર. ત્યાં સજાવેલા આઇસક્રીમ અને મિલ્ક શેક મળે છે. દુકાનમાં ઉનાળા દરમિયાન તો વેઇટિંગ હોય અને લોકો પોતાની પસંદગીની વાનગી મેળવવા માટે પડાપડી કરતા હોય છે. અમદાવાદમાં ગિરીશ કૉલ્ડ ડ્રિન્ક્સ, આસ્ટોડિયા જૂસ, જલારામ છાશ, પટેલ છાશ, પ્રેમ મેવાડ જેવી દુકાનો ઉપર તો ઉનાળામાં તડાકો પડતો હોય છે. જો મેળ પડશે તો આ વર્ષો જૂની તેમ જ નવી પણ પ્રખ્યાત દુકાનો વિશે તમને જણાવીશ.

ચોકો બિસ્કિટ ફ્રૂટ સૅલડ શૉટઃ શુભદા ભાટી, રાજકોટ

સામગ્રી :
• ચૉકલેટ ફ્લેવર્ડ બિસ્કિટ - ૮થી ૧૦ નંગ 
• કસ્ટર્ડ પાઉડર - બે મોટી ચમચી 
• ફુલ ફૅટ દૂધ - ૧ બાઉલ 
• ખાંડ - બે મોટી ચમચી 
• કિવી - ૧ નંગ
• કેળું - ૧નંગ 
• સફરજન - અડધું 
• સ્ટ્રૉબેરી - ત્રણ નંગ 
• પિસ્તા ટુકડા - ૧ ચમચી 
• બદામ ટુકડા - ૧ ચમચી 
• અખરોટ ટુકડા - બે ચમચી 

બનાવાની રીત :
એક પૅનમાં દૂધ લેવું. એમાં એક ઊભરો આવવા દેવો. એ પછી થોડાક ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર ઓગાળીને ગરમ દૂધમાં ઍડ કરવો. આ દરમ્યાન સતત હલાવતા રહેવું. પછી એમાં ખાંડ ઉમેરવી. ૧૦થી ૧૨ મિનિટ સુધી ધીમા ગૅસ પર હલાવતા રહેશો એટલે મિશ્રણ ઘટ્ટ થશે. આ મિશ્રણને રૂમ ટેમ્પરેચર પર ઠંડું કરવું. પછી ફ્રિજમાં અડધો કલાક માટે ઠંડું કરવા મૂકવું જેથી થિક થશે. 
સર્વિંગ માટે શૉર્ટ ગ્લાસ લેવા. એમાં હાથેથી જ બિસ્કિટના થોડાક નાના ટુકડા કરવા. આ ગ્લાસને ફ્રિજમાં દસ મિનિટ માટે સેટ કરવા રાખવો. પછી એના પર અખરોટના ટુકડા ઉમેરવા. એના પર કસ્ટર્ડનું લેયર કરવું. 
સાઇડ પર કિવી સ્લાઇસ, કેળાની  સ્લાઇસ, સ્ટ્રૉબેરીના પીસ, સફરજનના પીસ ઍડ કરવા. 
છેલ્લે એના પર બદામ અને પિસ્તાંના ટુકડા ઍડ કરી સર્વ કરવું.

કૉકટેલ ક્રીમ ફ્રૂટ સૅલડ : ભૂમિ રામાણી, સુરત 

સામગ્રી
• વિપ્ડ ક્રીમ ૧ કપ
• યોગર્ટ ૧.૫ કપ
• મિક્સ ફ્રૂટ
• વૅનિલા એસેન્સ ૧ ટી-સ્પૂન
• રોઝ સિરપ
• મધ
• ડેકોરેશન માટે ડ્રાયફ્રૂટ

બનાવવાની રીતઃ
સૌપ્રથમ એક બાઉલમાં વિપ્ડ ક્રીમ લઈ એને બીટરથી સૉફ્ટ થાય ત્યાં સુધી બીટ કરો. પછી એમાં યોગર્ટ અને વૅનિલા એસેન્સ ઉમેરી ફરી એક વાર બીટ કરી લો. એસેમ્બલ કરવા માટે એક ઊંચો ગ્લાસ લઈ એમાં સૌપ્રથમ રોઝ સિરપ ઉમેરો, પછી ફ્રૂટની લેયર કરો. પછી ક્રીમ લેયર અને મધ ઉમેરો. એક પછી એક બધાં ફ્રૂટ ઉમેરી લેયર કરો. ઉપરથી ડ્રાયફ્રૂટથી શણગારો.
નોંધઃ મિક્સ ફ્રૂટમાં પોતાની મરજીથી કોઈ પણ લઈ શકાય.

columnists Gujarati food mumbai food indian food