શિસ્તબદ્ધતા: મુંબઈને સુખી કરવાનું કામ જો કોઈ કરી શકે તો આ એક જ ગુણવત્તા

04 March, 2021 10:00 AM IST  |  Mumbai | Manoj Joshi

શિસ્તબદ્ધતા: મુંબઈને સુખી કરવાનું કામ જો કોઈ કરી શકે તો આ એક જ ગુણવત્તા

માસ્ક વગર બિંદાસ ફરતા મુંબઈગરાંઓ (ફાઈલ તસવીર)

ડિસિપ્લિન.

ગુજરાતીમાં ન સમજાયું હોય તો અંગ્રેજીમાં કહી દીધું. હા, આ એક જ ક્વૉલિટી ડેવલપ કરવામાં આવશે તો મુંબઈમાં સુખની સવાર ઊગશે. ખરેખર, મુંબઈકરે માત્ર અને માત્ર એક જ વાત પર ધ્યાન આપવાની જરૂર છે અને એ છે શિસ્ત. જો શિસ્તબદ્ધ રીતે રહેવામાં આવશે, જો શિસ્તબદ્ધતા સાથે જીવવામાં આવશે તો મુંબઈને કોઈ પ્રશ્ન નડે એમ નથી. મુંબઈના ટ્રાફિકની સમસ્યા પણ ઓસરી જાય અને મુંબઈને અત્યારે હેરાન કરે છે એ કોવિડની સમસ્યા પણ સાવ હલ થઈ જાય. જો શિસ્તબદ્ધ બને તો મુંબઈ પર લાગેલો ગંદકીનો ડાઘ પણ હટી જાય અને જો શિસ્તબદ્ધતા આવી જાય તો મુંબઈમાં થતા ક્રાઇમનું પ્રમાણ પણ ઘટી જાય.

શિસ્તબદ્ધતા બહુ જરૂરી છે. દરેકને ભાગવું છે અને દરેક જલદી કે વહેલા પહોંચવાની ઉતાવળમાં છે. તમે જુઓ, એક કરતાં એક માણસ તમને શાંત નહીં દેખાય. એકનામાં પણ તમને ધીરજ નહીં દેખાય અને એક પણ વ્યક્તિ એવી નહીં જોવા મળે કે જેના જીવનમાં તમને નિરાંતનાં દર્શન થાય. ઉચાટ સાથે સૌકોઈ જીવી રહ્યા છે અને એ ઉચાટને લીધે જ આજે એવી પરિસ્થિતિ છે કે પગમાં જાણે કે પૈડાં ફિટ કરી દીધાં છે. ઘરની બહાર નીકળવાની મનાઈ છે તો પણ માણસ બહાર નીકળે છે. જેણે નીકળવાનું છે એ ગેરવાજબી રીતે ભાગી રહ્યો છે અને જેણે ભાગવાનું છે તેને બહાર નીકળવાનું મન નથી થઈ રહ્યું. શિસ્તબદ્ધ બનવું આવશ્યક છે. લાઇનો તોડવાને બદલે વહેલા પહોંચીને લાઇનમાં ઊભા રહેવાની નીતિ રાખશો તો ઉચાટ નહીં આવે. લાસ્ટ લોકલની જેમ હવે જીવનમાં લાસ્ટ મિનિટને પ્રાધાન્ય મળવા માંડ્યું છે. બધેબધું કરવામાં આવે છે, કરવું પણ છે પણ એ બધું છેલ્લી મિનિટે કરવું છે. પ્લાનિંગનો અભાવ છે અને કાં તો સમયની સાથે બાથ ભીડવાની આદત બની ગઈ છે.

સમય ક્યારેય હાથમાં રહેવાનો નથી, એ સરતો જવાનો છે અને સરી રહેલો સમય જો હાથમાં પકડવાની કોશિશ કરવી હોય તો એ માટે શિસ્તબદ્ધતા લાવવી અનિવાર્ય છે. દૂર સુધી જોવા જવાની પણ જરૂર નથી તમારે. એક વખત અક્ષયકુમારને જોઈ લેશો તો પણ સમજાશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રેરણા માનીને ધ્યાનથી જોશો તો પણ સમજાશે. દિવસ દરમ્યાન જેટલી અૅક્ટિવિટી તેમના દ્વારા થાય છે એટલી આપણે તો બે કે ત્રણ દિવસના સરવાળા પછી પણ નહીં કરતા હોઈએ. બન્નેની સફળતા પાછળનું સૌથી મોટું રહસ્ય જો કોઈ હોય તો એ રહસ્ય છે શિસ્તબદ્ધતાનું. શિસ્તબદ્ધતા જીવનને સરળ આકાર આપે છે અને એ સરળ આકાર જ સુખ આપવાનું કામ કરી જાય છે. શિસ્તબદ્ધ બનવાનો સૌથી મોટો ફાયદો એ થશે કે દિવસ દરમ્યાન ક્યાં અને કેટલો ખોટો સમય તમારો પસાર થઈ રહ્યો છે એ પણ તમને દેખાશે... અને જે સમયે સમય બચાવતા થઈ ગયા એ સમયે સાહેબ, તમારી સફળતાને ઈશ્વર પણ આવીને રોકી નહીં શકે, ક્યારેય નહીં.

columnists manoj joshi