યારી અને દોસ્તી: આ સંબંધ માટે સમજદારી ખૂબ જરૂરી છે

15 August, 2020 06:05 PM IST  |  Mumbai | Sanjay Raval

યારી અને દોસ્તી: આ સંબંધ માટે સમજદારી ખૂબ જરૂરી છે

હમણાં તો લખવા માટે કેટલા પ્રસંગો આવી ગયા. આજે સ્વતંત્રતાદિન છે તો બે દિવસ પહેલાં જન્માષ્ટમી ગઈ અને એ પહેલાં ફ્રેન્ડશિપ ડે પણ ગયો. વર્લ્ડ ફ્રેન્ડશિપ ડેના દિવસે ‘મિડ-ડે’માં જ એક આર્ટિકલ વાંચ્યો, સંકટના સમયે ભાઈબંધી નિભાવનારા મિત્રોનો અને એ આર્ટિકલથી જ મનમાં આવ્યું કે વાત તો મિત્રોની જ કરવી જોઈએ. મિત્રતા છે પણ કેવી સરસ. ઇતિહાસ પર તમે નજર દોડાવો તો તમને કેટલા મિત્રો જોવા મળે અને કેવી અદ્ભુત મિત્રતા જોવા મળે.

સૌથી પહેલી નજર કૃષ્ણ-સુદામા પર પડે. નાના હતા ત્યારે મળ્યા અને પછી વર્ષો સુધી બન્ને અલગ રહ્યા અને જ્યારે જીવનમાં જરૂરિયાત ઊભી થઈ ત્યારે બન્ને ફરી એકબીજાના પડખે. એ જ રીતે જોવા જઈએ તો દુર્યોધન અને કર્ણની મિત્રતા પણ બહુ અચરજ આપનારી છે. કર્ણને ખબર હતી કે તેનો મિત્ર ખોટો છે છતાં છેવટ સુધી તેની સાથે રહ્યો અને અંતે તેણે મોતને વહાલું કરી લીધું. રામાયણમાં રામ અને હનુમાનના અઢળક પ્રસંગો છે અને હું આ સંબંધને પણ ભાઈબંધીના સંબંધ તરીકે જ જોઉં છું. રામ એક એવા મિત્ર જેને માટે અપાર માન હોય અને એનો ગર્વ લઈ શકાય અને હનુમાન એક એવા મિત્ર જેમણે સદાય પોતાના સખાનાં તમામ કામ પહેલા શબ્દથી જ ઉપાડી લીધાં અને સ્નેહ સાથે રામને પોતાના હૃદયમાં રાખ્યા. ઇતિહાસમાં આ સિવાયના પણ મૈત્રીના અનેક કિસ્સા છે, પણ આપણી વચ્ચે, આપણી આસપાસ આજે એવી મિત્રતા જોવા મળે છે ખરી? આ વિષય પર વાત કરતાં પહેલાં મારે તમને સવાલ પપૂછવો છે કે તમારી પાસે એવો મિત્ર છે જેની સાથે તમને અનહદ અને આત્મીય કહેવાય એવી મિત્રતા હોય.

જો આ સવાલનો જવાબ ‘હા’માં હોય તો મિત્રો, તમે ખૂબ જ ભાગ્યશાળી છો.

તમે જોવા જશો તો તમારી આસપાસ લોહીનો સંબંધ ધરાવતા કુટુંબીજનો, સગાંઓ અને ઓળખીતાની એક આખી લાંબી ફોજ હોય છે, પણ મિત્રો, મિત્રો તો તમે આજે પણ ગણશો તો આંગળીના વેઢે ગણાય એટલા જ હશે અને એ પણ તમને આગળ કહ્યું એમ, તમે ભાગ્યશાળી હશો તો જ. એવા મિત્રો મળવા ખૂબ અઘરા છે જે તમારી જિંદગીને નવો ઢાળ આપે અને તમને કહે કે તું આગળ વધ, હું તારી પાછળ તને પીઠબળ આપવા ઊભો છું. એ જ સાચો મિત્ર જેને તમારી પાસેથી કોઈ અપેક્ષા કે સ્વાર્થ ન હોય અને સ્વાર્થ હોય તો એ માત્ર એટલો જ કે તમારો સંગાથ અકબંધ રહે એ જ, એનાથી વધારે કંઈ નહીં.

આજનો આપણો મુદ્દો એ છે કે ખરેખર મિત્ર કહેવાય કોને? જે તમારી સાથે ગલી ક્રિકેટ રમે તે કે પછી તમારી સાથે સ્કૂલનું લેસન કરવા બેસે તે. જે તમારું પહેલું કૉલેજ ક્રશ હોય તેને લેટર આપવા પહોંચી જાય તે કે પછી તમારાં માતા-પિતા જેનાથી સદાય તમને દૂર રહેવાની સલાહ આપતાં હોય અને તમને મનોમન ખબર હોય કે હકીકત તો એ છે કે એના કરતાં તમારા કાંડ વધારે છે તે? મિત્રતાની શરૂઆત આ જ રીતે થઈ હશે કે થતી હશે. તમે જ્યારે કોઈને મળો, વાતો કરો અને દુનિયા ભુલાઈ જાય અને પછી એ તમારો મિત્ર બની જાય, પછી કોઈ એવી વાત ન હોય જે તમારા મિત્રને ખ્યાલ ન હોય. તમારા સૂવા-બેસવા, ખાવા-પીવા અને કૉલેજમાં બન્ક મારવા સુધીના સમયનો જેને ખ્યાલ હોય તે મિત્ર. તમારી પાસે જેટલી માહિતી તમારા પોતાના માટે ન હોય એના કરતાં વધારે માહિતી જેની પાસે હોય તેનું નામ મિત્ર. તમારા માટે સૌથી પહેલાં જાગીને તૈયારી કરે અને એ પણ પૂરા વિશ્વાસ સાથે કે તમે એક્ઝામ માટે વહેલા નથી જાગી શકવાના એ મિત્ર. જ્યારે જીવનની રેસ બન્નેને અલગ પડે અને વર્ષો પછી મળવાનું થાય, બન્ને બ્લેઝરમાં સજ્જ હો અને એ પછી પણ ચાની ચૂસકી ભરતાં-ભરતાં મોઢામાં પહેલાં દેશી ગાળ આવે તે મિત્ર. આવો મિત્ર જીવનભર તમારો સાથ ન છોડે. સ્કૂલ કે કૉલેજથી શરૂ થયેલી મૈત્રી જીવન પર્યંત રહે એવા મે અનેક દાખલા પણ જોયા છે. મિત્રતા એવી લાગણી છે કે તમારો મિત્ર તમારી પત્ની કરતાં વધારે તમારા વિશે જાણતો હોય અને એનો અફસોસ આખી જિંદગી તમારી વાઇફને રહેવાનો હોય.

મિત્રતાને લગ્ન જેવાં કોઈ બંધન નડતાં નથી. લગ્ન કર્યા પછી તમારે એકબીજાને વળગી રહેવું પડે, પણ મિત્રતામાં એવું નથી હોતું. મૅરેજ પછી ફ્રીડમ છીનવાઈ જાય એવું લાગે ખરું, પણ મિત્રતામાં તમે મિત્રને મળો અને તમને ફ્રીડમ મળી ગયું હોય એવું લાગી આવે.

આજે આપણે જે સમજીએ છીએ એ મિત્રતા, પ્રેમ અને લગ્નનો બહુ સામાન્ય અર્થ છે. એનું કારણ એ છે કે આપણે જે વાંચીએ છીએ કે જોઈએ છીએ એ જ સમજી લઈએ છીએ અને એના કરતાં વધારાનો એક અર્થ પણ કાઢતા નથી. હકીકતમાં તો આપણે પ્રેમ, મિત્રતા અને લગ્નને ભેગાં કરીને ભેળ બનાવી લીધી છે. હું મિત્રતાને આ પ્રેમ અને લગ્ન કરતાં પણ વધારે મહત્ત્વ આપું છું, કારણ કે બાકીના બે સંબંધોમાં તમારી સાથે થોડો સ્વાર્થ જોડાયેલો છે. પ્રેમ કરતા હો ત્યારે એક્સપેક્ટેશન આવી જાય છે અને લગ્ન તમને સતત જવાબદારીનું ભાન કરાવતા રહે છે, પણ મિત્રતામાં કોઈ જાતનાં બંધન નથી હોતાં અને બંધન હોય એ મિત્રતા છે જ નહીં. મિત્રતામાં કોઈ જાતનો ભાર નથી અને મિત્રતામાં કોઈ જાતનો દંભ નથી હોતો અને એટલે જ જેટલા પ્રેમસંબંધો અને લગ્નવિચ્છેદ થાય છે એના કરતાં બહુ ઓછી માત્રામાં મિત્રો છૂટા પડે છે. મિત્રતામાં તમારે ક્યારેય છૂટ લેવાની હોતી નથી, તમને બધી છૂટ હોય જ. ક્યારેય કોઈ પરવાનગી નથી હોતી, દરેક પરવાના એકબીજાને આપ્યા વિના જ સોંપાઈ ગયા છે.

જો તમે જોવા જશો તો છોકરો-છોકરી પહેલાં મિત્ર બને છે, પછી પ્રેમી અને પછી લગ્ન કરે અને બસ, અહીંથી જ સંબંધોનું સત્યાનાશ વળવાનું ચાલુ થાય છે અને ધીરે-ધીરે સંબંધો શુષ્ક બનતા જાય છે, કારણ કે તમે પોતે જ મૈત્રીના એ મીઠા સંબંધોને બૉર્ડર બાંધી દીધી. જ્યારે મિત્રતામાં તો કોઈ બૉર્ડર હોતી જ નથી. તમે જોજો, કપલ લગ્ન પછી છૂટાં પડે છે અને પછી બન્ને ક્યારેય ભેગાં થતાં નથી, પણ મિત્રો, મિત્રો તો આજે કરેલો ઝઘડો ક્યારે ભૂલી જાય છે એ પણ તેમને યાદ હોતું નથી. મિત્ર એ મિત્ર જ રહે અને કાયમ માટે મિત્ર જ રહે છે.

આ બધું ત્યારે જ શક્ય બને અને ત્યારે જ તમને સમજાય જ્યારે તમારા નસીબમાં કોઈ સાચો મિત્ર લખ્યો હોય. અમીરી-ગરીબી, સુખ-દુઃખ, ઉંમરનું કોઈ બંધન નહીં અને પદનો કોઈ પાવર નહીં, એ મિત્રતા. જેની પાસે આવો મિત્ર છે તે ખરેખર ગયા જન્મમાં ખૂબ સારાં કર્મ કરીને આવ્યો છે, કારણ કે સારો મિત્ર પુણ્યશાળીને જ મળે છે. મિત્રતા ખરેખર એવી અનુભૂતિ છે જેને તમે ક્યારેય શબ્દોમાં તો સમજાવી જ ન શકો. હું પણ નહીં અને મારાથી પણ વધુ ઊંચા ગજાનો લેખક હોય તો તે પણ નહીં. મિત્રો યાદો આપવા માટે અને ભૂતકાળને ભવ્ય બનાવવા માટે જ હોય છે. એ તમારે માટે માર ખાવા પણ આવી જાય અને એ તમારા માટે માર ખાવાની તૈયારી પણ રાખી લે. જગતમાં આ એકમાત્ર એવા સંબંધો છે જેમાં તમે કોઈ એક્સપેક્ટેશન પૂરું ન કરો તો પણ આ સંબંધોનું મૂલ્ય ઘટતું નથી. દરેક સંબંધોના પોતાના નિયમો છે અને પોતાની જવાબદારી છે, પણ આ એકમાત્ર એવો સંબંધ છે જેને કોઈ નિયમ નથી અને જેને કોઈ જવાબદારી પણ નથી. બસ વહેતા જવાનું. મિત્રો, હું તમને એક સલાહ આપીશ. મિત્રો હોય તો તેને સાચવી રાખજો. સાચો મિત્ર મળવો ખૂબ અઘરો છે. સાચો મિત્ર સારું નહીં, પણ સાચું કહેવાની તૈયારી રાખે છે અને હિંમત પણ તે જ કરે છે, કોઈ જાતની શેહશરમ રાખ્યા વિના.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists Sanjay Raval