આવ રે વરસાદ

18 August, 2020 02:17 PM IST  |  Mumbai | Sukanya Dutta

આવ રે વરસાદ

નિહાર દેસાઈ મમ્મી સાથે

દરેક પરિવાર અને પ્રદેશની આગવી ખાણીપીણીની ખાસ પરંપરાઓ હોય છે. જોકે યંગ જનરેશન તેમ જ બાળકોને આપણી પરંપરાગત વાનગીઓ, એની સાથે સંકળાયેલી વાતો, સંભારણાંઓની ખાસ ખબર નથી હોતી. જોકે કાંદિવલીમાં રહેતા ૨૯ વર્ષના ફિલ્મમેકર નિહાર દેસાઈએ આ યાદો અને સંભારણાંઓને ડૉક્યુમેન્ટ કરવાનો અનોખો પ્રયોગ કર્યો છે. નિહાર માટે ફૂડ એ માત્ર પોષણ કે ભૂખ સંતોષવાનું જ માધ્યમ નથી. ફૂડ કેટલા પ્રેમથી થાળીમાં પીરસાય છે, એ સ્વાદ સાથે કેવી-કેવી યાદો છે અને દાદીમાના રસોડામાં કેટલા પ્રેમથી એ બનાવાય છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. નિહારની ઇચ્છા આમ તો દાદીમાની સીક્રેટ રેસિપીઓનું ડૉક્યુમેન્ટેશન કરવાની હતી. એક વર્ષ પહેલાં જ તેને આ કામ શરૂ કરવું હતું, પરંતુ બહુ ગણીગાંઠી રેસિપીઓ તે ડૉક્યુમેન્ટ કરી શક્યો અને એવામાં દાદીમા માંદાં પડ્યાં. નિહાર કહે છે, ‘હું ખૂબ ફૂડી છું અને એમાંય ટ્રેડિશનલ વાનગીઓનો તો ખાસ. ઘણી વાનગીઓ એવી હોય છે જે દરેક ઘરમાં જુદી-જુદી રીતે બનતી હોય છે. એના પરિવારની પોતાની યાદો હોય છે. મારે એ ટ્રેડિશનલ રેસિપીઓનું ડૉક્યુમેન્ટેશન કરવું હતું, પણ લાંબી માંદગી બાદ દાદીમા જૂન મહિનામાં અવસાન પામ્યાં. આ સમય દરમ્યાન અમે બધા જ ખૂબ વિષાદમાં સરી પડ્યાં. ચોમાસાની દાદીમાની મનપસંદ વાનગીઓ તેમની રીતે બનાવીને અમે તેમની સ્મૃતિઓને વાગોળતાં. આમેય લૉકડાઉન હતું એટલે બીજું કંઈ થઈ શકે એમ પણ નહોતું. દાદીની સાથે મેં ફૂડને લગતી ઘણી યાદો ગુમાવી હતી. હવે મારે મમ્મી પાસેથી ટ્રેડિશનલ વાનગીઓ વિશે ઘણુંબધું જાણીને એનું દસ્તાવેજીકરણ કરી લેવું હતું. એ વાનગીઓ બનાવતી વખતે પહેલાં તો માત્ર કેટલાક ફોટોગ્રાફ્સ લેવાના અને કેટલીક વિડિયો-ક્લિપ્સ કૅપ્ચર કરવાનો જ વિચાર હતો. જેથી જે વાનગીઓ નાનપણથી ખાઈને મોટા થયેલા એ વિશેનાં સંસ્મરણોનો સંગ્રહ થઈ શકે. એવામાં મારા એક મિત્રએ મને સજેસ્ટ કર્યું કે દાદી નહીં તો ઍટલીસ્ટ મમ્મી સાથેની વાતો તો વિડિયોમાં લેવી જ જોઈએ.’

નિહારનાં મમ્મી જ્યોતિબહેન દેસાઈ અમદાવાદ અને વડોદરાનાં. જ્યારે તેના પપ્પા મૂળ વલસાડના. નિહાર કહે છે, ‘અમે અનાવિલ બ્રાહ્મણ. દક્ષિણ ગુજરાતની ખાસ વાનગીઓ મારી મમ્મી દાદી પાસેથી જ શીખી છે. જોકે મમ્મીનો ઇન્ટરવ્યુ લેવાની વાત આવી એટલે તે થોડી કૉન્શ્યસ થઈ ગઈ. કંઈ બોલે જ નહીં. એટલે મેં તેને કહ્યું કે ચલ કૅમેરા બંધ રાખીએ, આપણે પહેલાં રિહર્સલ કરી લઈએ. શરૂઆતની ઘણીખરી ડૉક્યુમેન્ટરી તેને ખબર ન પડે એ રીતે જ શૂટ કરી લીધી હતી.’

‘આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક’ જેવી તો ઘણી ઉક્તિઓ આપણે બાળપણમાં સાંભળી હશે. આ ગીત જ્યોતિબહેને ટ્રેલરમાં ગાયું છે. તેમના પપ્પા અને બહેન સાથે વરસાદમાં છબછબિયાં કરતાં આ ગીતની યાદો વાગોળીને પણ અમદાવાદ નજીકના પાલડી ગામમાં વીતેલા બાળપણની, પરિવારની ફૂડની પસંદ-નાપંસદ તેમ જ તેમના અંગત જીવનની વાતો આ ‘આવ રે વરસાદ’ નામની ડૉક્યુમેન્ટરીમાં શૅર કરી છે. નિહારનું કહેવું છે કે, ‘આ વિડિયો અમે માત્ર ફૅમિલી માટે જ બનાવી રહ્યા હતા. અમારી યંગ જનરેશનને એમાં મજા પડશે એવું મને લાગતું હતું, પણ એમાંની કેટલીક ક્લિપ્સ બે-ચાર મિત્રોને બતાવી તો તેમને બહુ ગમી અને તેમનાં સજેશન્સ મળતાં અમે એ ઇન્ફૉર્મલ ચીજને ડૉક્યુમેન્ટરીનું સ્વરૂપ આપ્યું.’

ઍડ ફિલ્મો, ડૉક્યુમેન્ટરીઝનું ડિરેક્શન કરવામાં માહેર નિહારે અનાયાસ આ ફૂડ ડૉક્યુમેન્ટરીમાં પણ જીવ રેડી દીધો છે. વિડિયોમાં વચ્ચે-વચ્ચે ગુજરાતી ગીતો આવે છે, કયા પ્રસંગે અને કેવી રીતે જે-તે વાનગીઓ ખવાતી હોય છે એની પણ વાતો એમાં છે.

માત્ર પરિવાર માટે બનાવવાના વિચારથી શરૂ થયેલી આ ડૉક્યુમેન્ટરીને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ બન્ને પર ખૂબ બહોળો પ્રતિસાદ મળ્યો છે. લોકો તરફથી મળેલી કમેન્ટ્સ વિશે નિહાર કહે છે, ‘રેસિપી અને વાનગી કઈ રીતે બનાવવી એની રીતો તો ઘણે ઠેકાણેથી મળી જાય, પણ અમે દરેક વિડિયોમાં વાનગીની આસપાસની વાતોને વણી લીધેલી. એને કારણે દર્શકોને રેસિપીના વિડિયો કરતાં મારી મમ્મીની વાતોમાં બહુ રસ પડ્યો. ઇન ફૅક્ટ, મને બહુ ચિંતા થાય છે ક્યારેક કે આપણી આગામી પેઢીને આવી જૂની પરંપરાગત વાનગીઓ વિશેની વાતો યાદ રહેશે કે નહીં?’

આવ રે વરસાદમાં શું છે?

આ ૭ વિડિયોઝની સિરીઝ ડૉક્યુમેન્ટરી છે. એમાં ટ્રેડિશનલ ગુજરાતી વાનગીઓની વાતો છે. નિહાર કહે છે, ‘ગુવાર ઢોકળી, બફાણા, પાતરાં, હાંડવો, કંદ-સૂરણની ખીચડી, તુવેર-વટાણાના ઘુઘરા અને ચુરમાના લાડુ એમ સાત વાનગીઓ અમે પસંદ કરેલી. આ એવી વાનગીઓ છે જે ચોમાસાના સમયમાં અમારે ત્યાં બનતી. અમે એક વાતનું ધ્યાન રાખેલું કે આ ડૉક્યુમેન્ટરી માત્ર ગુજરાતી પરંપરાઓ જાણનારને જ નહીં, નૉન-ગુજરાતીને પણ પસંદ પડે એવી બનાવવી. દરેક વિડિયો લગભગ ચારથી પાંચ મિનિટના છે.’

ગણેશચતુર્થી આવી રહી છે ત્યારે જ્યોતિ દેસાઈના ખજાનામાંથી જાણીએ લાડવા બનાવવાની રીત:

ગોળ ખસખસના લાડવા

સામગ્રી

બે કિલો ઘઉંનો લોટ (કરકરો)

૧ કિલો ગોળ

૧/૨ કપ તલ

૫૦૦ મિલીલિટર દૂધ

૨૫૦ ગ્રામ ખમણેલું કોપરું (સૂકું ખમણેલું)

તલનું તેલ તળવા માટે

૭૫૦ ગ્રામ ઘી

૨ કપ બુરું સાકર (દળેલી ખાંડ)

૧ કપ ખસખસ

૧ ટેબલ-સ્પૂન જાયફળ

૧ ટેબલ-સ્પૂન એલચી

બનાવવાની રીત

ધીમી આંચ પર ૨૦ મિનિટ માટે કોપરાના ખમણ અને તલને અલગ-અલગ શેકી લો.  ઘઉંના લોટને ઘીમાં ભેળવી, થોડું-થોડું દૂધ નાખી લોટ બાંધી લેવો. ધ્યાન રાખવું આ લોટ બહુ નરમ કે  બહુ કઠણ ન હોવો જોઈએ. એને હાથના પંજામાં લઈ લંબગોળ મૂઠિયાં વાળી લો. એના પર આંગળીઓની છાપ દેખાશે. ધીમી આંચ પર તલના તેલમાં બે ટેબલ-સ્પૂન ઘી નાખીને આ મૂઠિયાં તળી લેયાં અને પછી ઠંડા થવા દેવાં. મૂઠિયાં ઠંડાં થઈ જાય એટલે ખાંડણી-દસ્તા વડે ખાંડીને પછી આ ભૂક્કાને ચાળણી વડે ચાળી લેવો. હવે આમાંથી અડધા ચુરમાને લેવું અને એમાં સેકેલું કોપરું, તલ અને જાયફળ ભેળવી લેયવાં. પછી ૧/૨ કપ ઘીમાં ગોળને ઓગળવા મૂકવો અને આ ગોળની પાય ચુરમામાં નાખી એને ભેળવી લેવું અને પછી હથેળીમાં ઘી લગાડીને લાડવા વાળી લેવા (આનું કદ ગોલ્ફ રમતના બોલ જેટલું હોય છે). એને ઠંડા થાય એટલે ડબામાં મૂકી દેવા.

ખસખસના લાડવા માટે બાજુએ મૂકેલા અડધા ચુરમાને ૨૦૦ ગ્રામ ઘી વડે તમારી હથેળીઓથી ભેળવવું. એમાં જાયફળ, એલચી, ખસખસઅને દળેલી ખાંડ ઉમેરો. એક વાર  ભળી જાય પછી એને લાડવાનો આકાર આપો અને એક થાળીમાં ખસખસ રાખી એમાં હથેળીથી ગોળાકાર રગદોળો. લાડવા તૈયાર છે.

columnists Gujarati food