માન્યતાઓનાં પોટલાં એટલે માણસ

04 February, 2023 03:13 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

માણસ સદ્ગુણો અને દુર્ગુણો એમ બંને પ્રકારનાં લક્ષણોથી ઓળખાતો હોય છે. વ્યવહારમાં બને છે એવું કે એક સમાજ કે સંસ્કૃતિમાં સદ્ગુણો ગણાય છે એ જ સ્થળ-કાળના સંદર્ભમાં દુર્ગુણો બની જતા હોય છે.

ગુજરાતી મિડ-ડે લૉગો

એક હળવાશની પળે કોઈએ ગાંધીજીને પ્રશ્ન પૂછ્યો છે કે : ‘બાપુ, ‘કપાળમાં હજો કોઢ ૫ણ પાડોશમાં ન હજો મોઢ’ એવી આપણે ત્યાં કહેવત છે (બાપુ મોઢ વાણિયા હતા એ તો સાવ જાણીતી વાત છે). આ કહેવત બાબત તમારું શું કહેવાનું છે?’ બાપુએ એવી જ હળવાશથી પ્રશ્નકર્તાને જવાબ આપ્યો છે, ‘આનો સાચો જવાબ તો તમને બ્રિટિશ સરકાર જ આપી શકે.’
આપણે એવી અસંખ્ય માન્યતાઓ ધરાવતા હોઈએ છીએ. બધા મોઢ મોહનદાસ ન હોય અને બધા મોહનદાસ કાંઈ મોઢ નથી હોતા. આમ છતાં મોઢ વિશે આ માન્યતા પ્રચલિત છે. એ જ રીતે મારવાડી કંજૂસ જ હોય એ માન્યતા પણ અત્યંત રૂઢ થઈ ગયેલી છે. જોકે હવે શબ્દકોષમાંથી મારવાડીનો કંજૂસ તરીકેનો પર્યાય રદ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આ જાતની માન્યતાઓ સામાજિક તથા ભૌગોલિક કારણોને લીધે રૂઢ થયેલી હોય છે. એ જ રીતે આપણી કેટલીક અન્ય માન્યતાઓ પણ આપણા અસ્તિત્વમાં એવી જડબેસલાક થઈ ગઈ હોય છે કે આવી માન્યતાઓ સાથે જ આપણું સામાજિક જીવન જડાઈ જતું હોય છે. 

માણસ સદ્ગુણો અને દુર્ગુણો એમ બંને પ્રકારનાં લક્ષણોથી ઓળખાતો હોય છે. વ્યવહારમાં બને છે એવું કે એક સમાજ કે સંસ્કૃતિમાં સદ્ગુણો ગણાય છે એ જ સ્થળ-કાળના સંદર્ભમાં દુર્ગુણો બની જતા હોય છે. જુગાર રમવો એ સદ્ગુણ નથી એવું આપણે માનીએ છીએ. આમ છતાં ધર્મરાજ કહેવાતા યુધિષ્ઠિર બબ્બે વાર જુગાર રમ્યા એટલું જ નહીં, આ જુગારને તેમણે પોતાના ધર્મ તરીકે ઓળખાવ્યો છે. એ જ રીતે અન્ય સદ્ગુણો કે દુર્ગુણો ક્યારે, કયા સંદર્ભમાં સમાજ સ્વીકારે છે એના માટે પણ કહી શકાય. આ સદ્ગુણો કે દુર્ગુણો બીજું કાંઈ નથી હોતું, પણ આપણે બાંધી લીધેલી માન્યતાઓનાં પોટલાં જ હોય છે. જે આતંકવાદને આજે આપણે ભયાનક માનવતાવિહીન માનતા હોઈએ છીએ એ જ આતંકવાદને ધર્મ કે સમાજના નામે એક સદ્ગુણ માનતો બહુ મોટો વર્ગ આજે પણ આપણા વિશ્વમાં છે.

આ તો આવું જ હોય 
બને છે એવું કે કોઈક માણસ વિશે આપણા અંગત અનુભવને કારણે એક ચોક્કસ માન્યતા આપણા મનમાં બેસી જતી હોય છે. એક જાડા માણસે અમુક એવું કામ કર્યું કે જેનાથી તમારા મનમાં બીજા કોઈ પણ પુષ્ટદેહી માણસને જોતાંવેંત એનું સ્મરણ થાય. બીજો પુષ્ટદેહી પહેલાં પુષ્ટદેહી કરતાં તદ્દન ભિન્ન હોય પણ મનમાં અગાઉથી દૃઢ થયેલી છાપને કારણે આપણે એને સાંકળી લેતા હોઈએ છીએ. આવી સંખ્યાબંધ છાપો મનમાં એકઠી થતી જાય છે. મનમાં આ પોટલાં એ જ વાસ્તવમાં આપણું પોતાનું ઘડતર છે. બને છે એવું કે માણસ આ બધું એકઠું કર્યા પછી બીજી દિશામાં પણ જોવા કે વિચારવા જેવું છે એ ભૂલી જાય છે. પરિણામે માણસ– માણસ વચ્ચે પોટલાંઓનો આ ભાર દિવસે ન વધે એટલો રાતે વધે છે અને રાતે ન વધે એવો દિવસે વધે છે. 

જુઓ, સુખ ક્યાંથી આવે? 
સાસુ અને વહુ વચ્ચે અમુક ચોક્કસ પ્રકારનું અંતર હોય જ એવી માન્યતા સમાજ જીવનમાં સર્વસ્વીકૃત હોય એમ માનવામાં આવે છે. એક કન્યા પિતાના ઘરે પોતાની માતા અને માતામહી વચ્ચે આવું ઘર્ષણ જોતી રહી હોય છે. પરિણામે સાસુ વિશે તેના મનમાં કડવાશની એક લાગણી પહેલેથી ઘૂંટાયેલી હોય છે. એ જ રીતે માતા–પિતાના સંબંધોમાં એણે જે રીતે જોયું હોય છે એ રીત એ જ્યારે શ્વશુરગૃહે જાય છે ત્યારે મનમાં સાથે જ લેતી જતી હોય છે. પરિણામે પતિ સાથે કેમ વર્તાવ કરવો એની એક અદીઠ છાપ એના પ્રત્યેક વર્તનમાં ડોકાતી રહે છે. પહેલા પાડોશી સાથે મારે જે ગેરવર્તન થયું હતું એ ગેરવર્તનની સ્મૃતિ મનમાં એવી ઘોળાઈ જાય છે કે નવા પાડોશી સાથે રહેતી વખતે પણ જાણ્યે–અજાણ્યે પ્રગટ થઈ જતી હોય છે. 

આવાં એક સન્નારી આજે પાકટ વયે પહોંચી ગયાં હોવા છતાં પોતાના ચિત્તમાં બંધાયેલાં આ પોટલાંઓને કારણે સુખી નહીં થઈ શકતાં આપણે જોઈ શકીએ છીએ (સન્નારી શબ્દમાં કોઈ જાતિ નિર્દેશ નથી. સજ્જન માટે પણ આમ જ કહી શકાય). આ સન્નારીને લગ્નજીવનનાં ૫૦ વર્ષ પછી પણ પતિ પર શાસન જમાવવાની અંતર્દશા જતી જ નથી. પુત્રો સાથે પણ આવો જ વ્યવહાર અજાણતાં થાય છે. પુત્રવધૂઓ સાથે મનમેળ થઈ શકતો નથી. આનું પરિણામ એ આવે છે કે જાણ્યે–અજાણ્યે પણ પરિવારની પ્રત્યેક વ્યક્તિ વચ્ચે નાના– મોટા દરેક કામમાં અવિશ્વાસ સતત ઉપસ્થિત રહેતો હોય છે. આવી અવિશ્વાસની પરિસ્થિતિ વચ્ચે પરિવારસુખ શી રીતે ઉપલબ્ધ થાય? અહીં દ્વેષ નામની એક લાગણી લોહીમાં વહેતી થઈ જતી હોય છે. 

દ્વેષ એટલે શું? 

ઉપર જે દુર્ગુણોની વાત કરી છે એમાં આ દ્વેષ સૌથી મોટો દુર્ગુણ હોવાનું લગભગ બધા સ્વીકારે છે. ઈર્ષ્યા માનવીય અપલક્ષણ છે. એનું સહજ હોવું અસહજ નથી પણ દ્વેષ ભયાનક દુર્ગુણ છે. એક વાર અમુક ચોક્કસ વ્યક્તિ પ્રત્યે મનમાં અણગમો કે અભાવ પેદા થાય પછી એને મનમાંથી હાંકી કાઢવો બહુ અઘરો છે. આવા અણગમા કે અભાવ પેદા તો આપોઆપ થઈ જાય છે પણ એને નષ્ટ કરવા અથવા ઓછા કરવા બહુ અઘરા છે. દ્વેષ માટે કોઈ કારણ નથી હોતાં. તમારી માન્યતાઓ તમારામાં રહેલા દ્વેષને પુષ્ટ કરતી હોય છે. વેર, ઝેર અને અન્ય માનવીય વ્યવહારોને પીડિત કરતી લાગણી સમયાંતરે વધતી–ઓછી થઈ જાય. પણ જો એક વાર દ્વેષની લાગણીએ પોટલું બાંધીને તમારા ચિત્તમાં વાસ કરી દીધો, પછી એમાંથી છુટકારો મેળવવો ભારે મુશ્કેલ છે. 

એમ, એણે આમ કર્યું?
માણસના ચિત્તમાં આવાં પોટલાંઓ બંધાતાં રહેવાનું મૂળ કારણ ઘમંડ હોય છે. જેને ક્યારેક ગૌરવ, સન્માન, અભિમાન, આવા રૂપાળા–રૂપાળા શબ્દોથી ઓળખવામાં આવે છે એ વાસ્તવમાં ઘમંડ હોય છે. હું જે માનું છું અથવા હું જે જાણું છું એ ૧૦૦ ટકા સત્ય છે, કારણ કે હું બુદ્ધિશાળી છું. માણસ પોતાને બુદ્ધિશાળી તરીકે પ્રસ્થાપિત કરે ત્યાં સુધી વાંધાજનક નથી. પણ પોતે બીજા બધા કરતાં વધુ બુદ્ધિશાળી છે એવું વિશ્વાસપૂર્વક માનતો થઈ જાય ત્યારે આ દ્વેષ લોહીના ટીપાની જેમ તેની ધમનીઓમાં વહેતો થઈ જાય છે. પોતાની માન્યતાઓ સાચી જ છે કેમ કે પોતે આ માન્યતા સાથે બુદ્ધિપૂર્વક નિર્ણય કર્યો છે. આમ બુદ્ધિનો ઘમંડ તેને પોતાની માન્યતાનાં પોટલાંને સહેજ પણ શિથિલ થવા દેતો નથી. ભૂલેચૂકેય ક્યાંય તેને આ વ્યવહાર શિથિલ થાય છે એવું લાગે ત્યારે ચિત્તમાં રહેલો પેલો ઘમંડ ફૂંફાડો મારીને કહી દેતો હોય છે : ‘એણે ભલેને એમ કર્યું, પણ મારી વાત કાંઈ ખોટી નથી.’ 
હવે કહો, સુખ ક્યાંથી અને કોણ લાવે? સુખ બહારથી નથી આવતું.

gujarati mid-day dinkar joshi columnists