સલીમ ખાનને વિચાર આવ્યો કે ઍક્ટર સિંગર શું કામ લેવાના?

11 March, 2020 06:21 PM IST  |  Mumbai | Pankaj Udhas

સલીમ ખાનને વિચાર આવ્યો કે ઍક્ટર સિંગર શું કામ લેવાના?

પહેલું પ્રદાનઃ ફિલ્મ ‘નામ’માં પહેલી વાર સ્ક્રીન અપીરન્સ આપ્યું, જેનો મૂળ વિચાર સલીમ ખાનનો હતો.

સ્ક્રીન પર મારો પહેલો અપીરન્સ એટલે ‘નામ’ ફિલ્મનું ‘ચિઠ્ઠી આઇ હૈ...’ સૉન્ગ.

આ ગીત પછીના થોડા સમય પછી એક દોર એવો પણ શરૂ થયો જેમાં સિંગર સ્ક્રીન પર દેખાય. એ પહેલાં એવું નહોતું પણ ‘નામ’ પછી એવું શરૂ થયું અને અમારા સમયના એટલે કે ૯૦ના દસકાના ઘણા સિંગર્સ એવી રીતે સ્ક્રીન પર આવ્યા અને તેમણે અપીરન્સ આપવાનું શરૂ કર્યું. એ પછી સમય આવ્યો પોપ મ્યુઝિકનો અને પોપ મ્યુઝિકનું કલ્ચર આવ્યું. એ કલ્ચર વચ્ચે પણ મારું કામ ચાલુ રહ્યું અને અનેક આલબમ કર્યાં, જેમાંથી અમુકમાં મારા ભાગે ઍક્ટિંગ કરવાનું પણ આવ્યું. ફૂડ ફૉર સોલ. અંગ્રેજીમાં આ ત્રણ શબ્દનો ખૂબ ઉપયોગ થાય છે. હું હંમેશાં માનતો આવ્યો છું કે મ્યુઝિક મારે માટે ફૂડ ફૉર સોલ છે. સ્વાભાવિક છે કે એવા સમયે મને ઍક્ટિંગમાં કોઈ દિલચસ્પી ન હોય પણ રાજેન્દ્રકુમારે ‘નામ’ ફિલ્મમાં મારો એ છોછ, કહો કે ડર કાઢી નાખ્યો. ‘નામ’ ફિલ્મના એ ગીતની સફર વિશે તો મેં તમને અગાઉ કહ્યું જ છે અને આપણે એ બાબતમાં લંબાણપૂર્વક વાત પણ થઈ છે.

‘ચિઠ્ઠી આઇ હૈ...’ ગીતમાં મને ઍક્ટિંગ કરવાનું કહેવામાં આવ્યું. આ વિચાર હકીકતમાં સલીમ ખાનનો હતો. સલીમ ખાન એ ફિલ્મના સ્ક્રિપ્ટ-રાઇટર હતા. તેમની સ્ક્રિપ્ટની ડિમાન્ડ હતી કે એક લાઇવ કૉન્સર્ટ ચાલે છે, જેમાં તેમનો હીરો એટલે કે સંજય દત્ત જાય છે. મહેશ ભટ્ટ અને પ્રોડ્યુસર રાજેન્દ્રકુમાર સાથે વાત કરતી વખતે સલીમ ખાને જ કહ્યું કે આપણે જ્યારે આવું દેખાડીએ છીએ ત્યારે શું કામ આપણે એ સૉન્ગ કોઈ બીજા પાસે ગવડાવીને બીજા ઍક્ટર પર શૂટ કરીએ. એવું કરીશું તો એ આર્ટિફિશ્યલ લાગશે. એવું કરવાને બદલે આપણે રિયલ સિંગર પાસે જ ગીત ગવડાવીએ અને પછી તેના પર જ શૂટ કરીએ. બહુ બધી દલીલો થઈ હતી અને એ બધી દલીલ-ચર્ચા પછી ફાઇનલી સલીમ ખાનની વાત રહી અને બધાએ નક્કી કર્યું કે આ ગીત સિંગર પર જ પિક્ચરાઇઝ કરવું. હવે એવા સમયે એ પણ જોવાનું હોય કે કયા સિંગરને સ્ક્રીન આપવી જોઈએ. સિંગર્સનાં લિસ્ટ જોવામાં આવ્યાં, જેમાં ફૉર્ચ્યુનેટલી ટૉપ ત્રણમાં મારું નામ એટલે એ લોકોએ નક્કી કર્યું કે પંકજ ઉધાસ પાસે કરાવીએ અને મને ફોન આવ્યો.
આગળની વાત તમને અગાઉ કહી છે એટલે એ વાતને રિપીટ નથી કરવી, પણ હા, એટલી યાદ દેવડાવી દઉં કે રાજેન્દ્રકુમારે જ્યારે ‍ઍક્ટિંગની ઑફર આપી ત્યારે મને બે દિવસ ઊંઘ નહોતી આવી, પણ પછી જેકાંઈ બન્યું એ ઇતિહાસ બની ગયો. હું હંમેશાં કહેતો આવ્યો છું કે ક્યારેય કોઈ સુપરહિટ ગીતનું સર્જન ન થાય, એ તો જન્મે અને આપબળે આવે. મારાં અનેક ગીતો એવી રીતે આવ્યાં છે, અનેક ગઝલો એવી જ રીતે આવી અને એ પછી એણે પૉપ્યુલરિટીનાં બધાં ચાર્ટ તોડી નાખ્યાં, પણ ‘નામ’ની વાત જુદી જ હતી. એ સમયે આ એક નવો શિરસ્તો શરૂ થયો.

અગાઉ એવું હતું કે ઍક્ટર ખુદ પોતે જ પોતાનાં ગીતો ગાતા, પણ એ પછી સિંગરનું મહત્ત્વ વધ્યું અને ઍક્ટર પર ગીત પિક્ચરાઇઝ થવાનું શરૂ થયું અને એ જ સમય ચાલતો હતો, પણ ‘નામ’થી એ નિયમ તોડવામાં આવ્યો અને સિંગરને લાવીને તેમણે સિંગર ખુદ પોતે ગાયેલાં ગીતમાં ઍક્ટિંગ કરે એવો શિરસ્તો શરૂ કર્યો. આ એક નવી શરૂઆત હતી અને આ શરૂઆત કરવામાં ક્યાંક ને ક્યાંક હું નિમિત્ત બન્યો એની મને ખુશી છે.

‘નામ’ પછી તો અનેક ફિલ્મોમાં આ રીતે અપીરન્સ આપવાનું બન્યું અને હું સ્ક્રીન પર આવ્યો. ક્યારેક રાજેન્દ્રકુમારજી મળતા તો હું કહેતો પણ ખરો કે તમારે લીધે થયેલા પેલા બે દિવસના ઉજાગરા લેખે લાગ્યા. એક સમય એવો પણ આવ્યો કે પ્રોડ્યુસર-ડિરેક્ટર મને લક્કી-મેસ્કોટ પણ માનવા માંડ્યા અને એવું ધારવા માંડ્યા કે જે ફિલ્મમાં પંકજ ઉધાસ ઍક્ટિંગ કરે એ ફિલ્મ સુપરહિટ થાય છે. બનતું પણ ખરું. ‘નામ’ પછી ‘સાજન’ આવી, એમાં પણ મેં ઍક્ટિંગ કરી અને ‘સાજન’ પણ સુપરહિટ થઈ. ‘યે દિલ્લગી’ નામની ફિલ્મ આવી, એમાં અક્ષયકુમાર અને સૈફ અલી ખાન હતા, એ પણ નસીબજોગ સુપરહિટ રહી અને ઇન્ડિયાની પહેલી ટીવી-ફિલ્મ ‘ફિર તેરી કહાની યાદ આઇ’ પણ ખૂબ વખણાઈ. આ બધી ફિલ્મો પણ સારી હતી એટલે હું એવું તો નહીં કહું કે એમાં મારી કોઈ ખાસિયત કામ કરી ગઈ, પણ આ બધી ફિલ્મોનું એક કૉમન ફૅક્ટર હતું, પંકજ ઉધાસ અને એ કૉમન ફૅક્ટરને લીધે બધાને હું લક્કી-મેસ્કોટ લાગવા માંડ્યો એ વાત જુદી છે.

આજની જનરેશનને કદાચ ‘સાજન’ વિશે ખબર ન હોય તો એના વિશે થોડી વાત કરું. ૯૦ના દસકામાં ખૂબ ચાલી હોય એવી ‘સાજન’ના લીડ સ્ટારમાં સંજય દત્ત, સલમાન ખાન અને માધુરી દીક્ષિત હતાં. ફિલ્મમાં બહુ ઇમોશનલ સિચુએશન પર ગીત હતું. સલમાન ખાનને ખબર પડે છે કે માધુરી દીક્ષિત તેને નહીં પણ મોટા ભાઈ સંજય દતને પ્રેમ કરે છે, જે આ ગીત દરમ્યાન ખબર પડે છે. ગીતના શબ્દો છે,

‘જીયેં તો જિયેં કૈસે, બિન આપકે
લગતા નહીં દિલ કહીં, બિન આપકે...’

ગીતકાર સમીરે આ ગીત લખ્યું હતું. આ ગીતની સૌથી સરસ વાત જો કોઈ હોય તો એ એના શબ્દો. અત્યંત સરળ શબ્દોમાં લખાયેલું આ ગીત બહુ ઝડપથી લોકપ્રિય બની ગયું. ભારેખમ શબ્દો સાથે લખાતાં ગીતો મોટા ભાગે લોકોમાં સ્વીકારાતાં નથી અને જો એનો સ્વીકાર થાય તો એ ગીત લોકો સામાન્ય રીતે ગણગણતા નથી, કારણ કે એના શબ્દો યાદ રાખવા અઘરા થઈ જાય છે. ગીતકારની એ જ ખૂબી હોય છે કે તે સરળ અને સીધાસાદા શબ્દોમાં ગીત લખે અને શ્રેષ્ઠ લાગણીઓ દર્શાવે. ‘સાજન’ ફિલ્મનું આ ગીત લોકોએ ખૂબ વખાણ્યું તો એનું કારણ પણ આ જ હતું એવું કહેવામાં મને જરાય સંકોચ નહીં થાય. આ ગીતનો બધો જશ હું સમીરને આપું છું, પણ અત્યારે આપણી વાત આ ગીતની નહીં, ઍક્ટિંગની ચાલતી હતી.

ફિલ્મમાં ઍક્ટિંગ કરવી કે પછી સિંગર તરીકે પણ કોઈ ગીતના આલબમમાં ઍક્ટિંગ કરવી એ નવું-નવું શરૂ થયું હતું અને આ પ્રકારનો સમય શરૂ થયો હતો એવું કહું તો ચાલે. મારી જેમ ફાલ્ગુની પાઠકે પણ પોતાનાં એક-બે સૉન્ગના વિડિયો આલબમમાં ઍક્ટિંગ કરી હતી તો અનુરાધા પૌડવાલ પણ સ્ક્રીન પર દેખાતાં એ મને યાદ છે. આ સમયની જરૂરિયાત હતી, એ સમયે કલ્ચર એ પ્રકારનું હતું કે જે ગીત ગાતું હોય તે સિંગર પોતે સ્ક્રીન પર ગીત ગાતાં દેખાય, બીજાં ઍક્ટર-ઍક્ટ્રેસ પોતાનું કામ કરે. ડાન્સ કરે કે પછી સિચુએશનલ સૉન્ગ હોય તો સ્ટોરીને આગળ લઈ જવાનું કામ કોરિયોગ્રાફર અને ડિરેક્ટરના આદેશ મુજબ કરે પણ, હા, હું માનું છું કે સિંગર જો ડાન્સ કે એવું બીજું કંઈ કરે તો એને માટે તેની પાસે સ્ક્રીન પ્રેઝન્સ હોવી જોઈએ. આ વાત કરતાં મને અત્યારે મારું જ એક આલબમ યાદ આવે છે, એનું નામ ‘મહેક’. આ આલબમના એક સૉન્ગ ‘ચુપકે ચુપકે સખિયોં સે બાતેં કરના ભૂલ ગઈ...’ માટે અમે સ્વિટ્ઝરલૅન્ડના ખૂબ જ સુંદર એવા લોકેશન પર શૂટિંગ કર્યું હતું, જેમાં મારે સિંગર તરીકે જ દેખાવાનું હતું અને સાથે એક સ્ટોરી ચાલતી રહે. વિડિયો-સૉન્ગનું શૂટિંગ હતું અને લાસ્ટ મોમેન્ટે આ વિડિયો-સૉન્ગ માટે જૉન એબ્રાહમને પસંદ કરવામાં આવ્યો અને એ રીતે જૉન એબ્રાહમ પહેલી વખત સ્ક્રીન પર દેખાયો. આ વાત બહુ ઓછા લોકોને ખબર હશે એવું મારું માનવું છે. જૉન એબ્રાહમ ખૂબ શરમાળ પ્રકૃતિનો, દિવસમાં માંડ બેથી ચાર વાક્યો બોલે. એકદમ ડાહ્યો અને શાંત સ્વભાવનો. જૉન ઍબ્રાહમ આજે તો ઍક્ટર અને પ્રોડ્યુસર તરીકે ખૂબ મોટું નામ થઈ ગયું છે અને ઘણી સરસ ફિલ્મો સાથે તે જોડાયેલાં છે, પણ એ સમયે જૉન એબ્રાહમ સાવ નવોસવો, કહોને ઍક્ટિંગના ફીલ્ડમાં તે પા પા પગલી કરતો હતો. આ ગીતના વિડિયો-આલબમમાં જૉન એબ્રાહમ કરતાં વધારે કૅમેરા એક સિંગર તરીકે મારા પર રહે અને એ સ્વાભાવિક હતું, કારણ કે એ સમય જ એવો હતો કે લોકોને એવું લાગતું કે પંકજ ઉધાસ લક્કી-મેસ્કોટ છે, પણ હું એવું માનતો નથી. હું નમ્રતા સાથે કહું છું કે દુનિયામાં મહેનતથી ઓછું અને પુરુષાર્થથી વધારે કશું હોતું નથી.

columnists pankaj udhas