સંગીતને રોકી ન શકાય, એ પોતાની જગ્યા બનાવી લે

04 March, 2020 04:35 PM IST  |  Mumbai | Pankaj Udhas

સંગીતને રોકી ન શકાય, એ પોતાની જગ્યા બનાવી લે

પ્રતિકાત્મક તસવીર

એક ને એક ગીત, રિપીટ મોડ પર મૂકીને તમે કેટલી વાર સાંભળી શકો? એકધારું એક જ ગીત સાંભળવાનું હોય તો તમારી ક્ષમતા કેવી, કેટલો સમય તમે એ ગીતને સ્વીકારી શકો? એકધારું ગીત સાંભળ્યા કરો ખરા કે પછી તમે કંટાળી જાઓ?

આ અને આ પ્રકારના બધા સવાલનો જવાબ એક જ હોઈ શકે. બહુ જલદી. થાકી જવાય, કંટાળી જવાય કે પછી ત્રાસી જવાય.

હા, આ જવાબ સાચો છે અને એમાં કશું ખોટું પણ નથી, કારણ કે એક જ પ્રવૃત્તગારોડિયાિ વારંવાર કરીને જો તમે થાકી જતા હો, કંટાળી જતા હો તો કોઈ એક જ પ્રકારનું મ્યુઝિક સાંભળી ન શકો. એકધારું પણ નહીં સાંભળી શકો અને અમુક અંતરાલ વચ્ચે પણ તમે એ નહીં સાંભળી શકો, એનું કારણ પણ છે કે એ મ્યુઝિક એકસમાન છે. આપણને દરેક જગ્યાએ કોઈ ને કોઈ નવીનતા જોઈતી હોય છે. અમુક સમય સુધી આપણે એક બંધિયાર વાતાવરણમાં રહી શકીએ, પણ પછી આપણે એમાં પણ કંઈ નવું શોધવાનું શરૂ કરી દઈએ. પછી એ કામ હોય, જમવાનું હોય, ફરવા જવાનું હોય કે લોકોને મળવાની વાત હોય. આપણે સતત નાવીન્ય શોધતા રહેતા હોઈએ છીએ. આ આપણો સ્વભાવ છે અને આ સ્વભાવ વચ્ચે સંગીતમાં પણ સતત નાવીન્ય મળે એ જોતા રહેવું જરૂરી છે.

એવી દલીલ થતી રહે છે કે ગઝલ, જૂનાં ગીતો અને પહેલાં જે પ્રકારનું મ્યુઝિક બનતું એવું મ્યુઝિક હવે બનતું નથી, પણ હું લોકોની આ દલીલ સાથે સહમત નથી. મારું માનવું છે કે આજે પણ સારામાં સારાં ગીતો લખાય છે, ગવાય છે અને લોકો પ્રેમથી સાંભળે પણ છે. આજે પણ દરેક પ્રકારનું અને દરેક પ્રકારના ટેસ્ટનું મ્યુઝિક બને જ છે. આજે પણ સારી ગઝલો લખાય છે, સંભળાય છે અને એટલે જ ગઝલની ડિમાન્ડ પણ ક્યાંય પૂરી થઈ હોય એવું મને લાગતું નથી. હા, એક વાત ચોક્કસ છે કે તમે કોઈને બાંધી ન શકો કે પછી કોઈના પર પ્રેશર ન કરી શકો કે આ જ પ્રકારનું મ્યુઝિક સાંભળો કે પછી આ જ પ્રકારનાં લિરિક્સ સાંભળો. ના, તમે કોઈના પર બંધન રાખી ન શકો, પણ હા, લોકો પોતાના ટેસ્ટ મુજબનું મ્યુઝિક પોતાની રીતે શોધી જ લેતા હોય છે. એ વાત ખરી છે કે તમે એકધારું અને સતત ઘોંઘાટ લાગતો હોય એવું મ્યુઝિક સાંભળી ન શકો. તમે સતત ડાન્સ-મ્યુઝિક કે સખત બેઝવાળાં ગીતો પણ એકધારાં સાંભળી ન શકો. એનું કારણ બહુ સરળ છે કે એ જે ધમાલિયું કે પછી ઘોંઘાટિયું જે મ્યુઝિક છે એ પ્રસંગોપાત્ત જ ગમતું હોય છે અને એની સામે શાંતિ અને શુકૂન તો હંમેશાં જ લોકો ઇચ્છતા હોય છો. માન્યું કે લગ્નના પ્રસંગે કે પછી દાંડિયારાસ કે મેંદીના પ્રસંગમાં કે પછી ડિસ્કો થેકમાં તમે ગઝલ કે નઝ્‍મ ન વગાડી શકો, પણ એનો અર્થ એવો નથી કે એ મ્યુઝિક હવે સંભળાતું નથી. એ સંભળાય જ છે અને એનું કારણ પણ મેં તમને કહ્યું કે એવું ઘોંઘાટ કરતું મ્યુઝિક એકધારું સાંભળીને અંતે તો તમે એવું જ મ્યુઝિક સાંભળવાનું પસંદ કરતા હો છો જે તમને શાંતિ આપે, ઠંડક આપે. આ મારું અંગત માનવું છે અને આ અંગત તારણ લોકોના અનુભવ પરથી મને મળ્યું છે.

અત્યારે હું અમેરિકા છું. દોઢ મહિનાની આ ટૂર છે અને વીક-એન્ડમાં ત્રણ સુપરહિટ શો કર્યા પછી જે નવરાશ મળી છે એ નવરાશ વચ્ચે તમારે માટે આ આર્ટગારોડિયાિકલ લખું છું. અમેરિકામાં કયા પ્રકારનું મ્યુઝિક સૌથી વધારે ચાલે છે એ સૌને ખબર છે અને એની વચ્ચે પણ અમેરિકાની આ ગઝલ-ટૂરને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જે દેખાડે છે કે અંતે તો લોકો શાંતિના રસ્તે જ ચાલતા હોય છે અને શાંતિ આપે એવું મ્યુઝિક પસંદ કરતા હોય છે.

બીજી એક એવી દલીલ પણ થતી રહી છે કે આજની યંગ જનરેશન ગઝલ અને નઝ્‍મ જેવા શાંત પ્રકારના મ્યુઝિક તરફ વળતી નથી અને તેઓ એવાં જ ગીતો સાંભળે છે જેમાં ટેમ્પો બહુ હાઈ હોય, રિધમ ફાસ્ટ હોય. મારી દૃષ્ટિએ તો આ વાત અને આ દલીલ પણ સાવ ખોટી છે કે યંગ જનરેશન શાંત મ્યુઝિક સાંભળતી નથી. આજકાલની યંગ-જનરેશન પોતાની ટેસ્ટ પ્રમાણે તમામ પ્રકારનું સંગીત સાંભળે છે, પણ એ જ્યારે સાંભળે છે ત્યારે તમને ખબર નથી હોતી એટલે તમે એવું ધારી લો છો કે યંગસ્ટર્સ હવે ધમાલિયું સંગીત જ સાંભળે છે. હું તો કહીશ કે યંગસ્ટર્સે માત્ર સંગીતની બાબતમાં મર્યાદા નથી રાખી એવી જ રીતે તેમણે ભાષાની દીવાલોને પણ ક્રૉસ કરી લીધી છે, એને પણ તોડી નાખી છે. ગુજરાતી યુવાનોને કે પછી મુંબઈના યંગસ્ટર્સને મેં તામિલ અને તેલુગુ ગીતો સાંભળતા જોયા છે. આ યંગસ્ટર્સ ઇલિયારાજા અને રહમાનનાં સાઉથની ભાષામાં કમ્પોઝ થયેલાં સૉન્ગ્સ પણ સાંભળે છે, જેનું કારણ એ જ છે કે તેમણે પોતાનો ટેસ્ટ ડેવલપ કર્યો છે. ઇન્ટરનેટને કારણે પણ તેમની પાસે એટલી વિશાળ ચૉઇસ છે કે તેઓ પોતાના ટેસ્ટ પ્રમાણે જે જોઈતું હોય એ શોધીને સરળતાથી સાંભળી શકે છે. બાકી, ફાસ્ટ ગીતો જ ચાલે છે કે ડાન્સ-નંબર જ ચાલે છે એને માટેનું કારણ થોડું અલગ છે.


આજે સતત સ્ક્રીન પર જો એક જ ગીત દિવસમાં ૧૫ વખત દેખાડવામાં આવે તો સ્વાભાવિક છે કે ગીત કોઈ પણ હોય, ધૂન કોઈ પણ હોય, એ એક વાર તો તમારા મગજમાં ઘર કરશે જ, સ્ટોર કરશે જ. આખરે તો એ પણ સંગીત છે, એ પણ પોતાની જગ્યા બનાવવાનું જ છે.

ગઝલ અને શાયરીનો સમય પૂરો થઈ ગયો એવું આજકાલ બહુ પુછાવા લાગ્યું છે પણ એવું ક્યારેય હતું જ નહીં અને બનશે પણ નહીં. ગઝલનો કોઈ ચોક્કસ સમય કે કાળ હોઈ જ ન શકે કે એ ૯૦ના દસકામાં ચાલ્યું અને હવે કોઈ સાંભળતું નથી. જો એમ જોવા જઈએ તો ગાલિબના સમયમાં ગઝલનો જે ક્રેઝ હતો એ ક્રેઝ એ જ સમયે પૂરો થઈ ગયો કહેવાય અને એને ૯૦ના દસકા સાથે સરખાવી જ ન શકાય. આજે પણ યંગસ્ટર જ્યારે પોતાની ગર્લફ્રેન્ડને ઈ-મેઇલ કરીને લેટર લખતો હશે ત્યારેતે ભાંગીતૂટી ભાષામાં પણ એકાદ શાયરી તો લખતો જ હશે. વૉટ્સઍપ પર પણ જુઓને. શાયરી અને શેરનો મારો ચાલ્યા જ કરતો હોય છે. આ રીતે જોઈએ તો એવું કહેવું પડે કે શૅર-શાયરીનો નવેસરથી યુગ આવ્યો. મારી દૃષ્ટિએ તો આ જેકોઈ ફરિયાદ છે એ ગેરવાજબી છે. હા, એને રજૂ કરવાની રીત બદલાઈ ગઈ છે એટલે બધાને એના વિશે ખબર નથી પડતી અને આંખ સામેથી ઓઝલ થઈ ગયું છે એટલે એવું લાગે છે કે યુગ પૂરો થઈ ગયો, પણ યુગ પૂરો ત્યારે થયો કહેવાય જ્યારે એ નેસ્તનાબૂદ થઈ જાય. તમે કોઈ શેર યાદ ન કરો અને તમને વૉટ્સઍપ પર પણ એવું ક્યારેય કોઈ મોકલે નહીં.

ગઝલ નથી સંભળાતી એવી ફરિયાદ કરનારાઓને મારે પૂછવું છે કે આજે તો મ્યુઝિક સાંભળવાનાં ડિવાઇસ બદલાઈ ગયાં છે ત્યારે કેવી રીતે એવું કહી શકાય કે ફલાણા પ્રકારનું મ્યુઝિક ઓછું ચાલે છે. હવેના યંગસ્ટર્સ કાનમાં ઇયરફોન લગાડીને મ્યુઝિક સાંભળે છે અને ગમે એટલું પૉપ્યુલર બૉલીવુડ મ્યુઝિક હોય એનું મ્યુઝિક પણ ઇન્ટરનેટ પરથી જ ડાઉનલોડ કરી લે છે એટલે એ રીતે તો એની પણ મ્યુઝિક સીડી કે પછી અમારા સમયમાં હતી એ કૅસેટ જોવા નથી મળતી. આ મારી કોઈ ફરિયાદ નથી. હું તો કહીશ કે ઇન્ટરનેટને લીધે મ્યુઝિક અમર થઈ ગયું છે. પહેલાંના સમયમાં કૅસેટ કે સીડી ખરાબ થઈ જતી તો એની ક્વૉલિટી બગડી જતી, પણ હવે તો સારામાં સારી ક્વૉલિટીનું મ્યુઝિક અવેલેબલ છે અને યંગસ્ટર્સ એનો ભરપૂર લાભ લે છે અને તેમને ગમે એ બધું સાંભળે છે. સવારના સમયે જ્યારે તે ટ્રેનમાં હોય છે ત્યારે એ ફાસ્ટ મ્યુઝિક સાંભળતો હોઈ શકે અને સાંજે જ્યારે ઘરે જવા રવાના થાય ત્યારે શાંતિથી કર્ણપ્રિય મ્યુઝિક સાંભળતો હોય એવું પણ બની શકે. મેં તમને આગળ કહ્યું એમ, મ્યુઝિક વહેતા પાણી જેવું છે, એ પોતાની જગ્યા બનાવી જ લેશે, જરૂર છે તો માત્ર એટલી કે એ બનતું રહે અને એમાં પ્રયોગો થતા રહે.

columnists pankaj udhas