કદમ મિલા કે ચલના હોગા, ચલના હોગા

27 March, 2019 10:54 AM IST  |  | પંકજ ઉધાસ

કદમ મિલા કે ચલના હોગા, ચલના હોગા

વિશ્વવિભૂતિ સાથે હું: વાજપેયીજીનો શ્રદ્ધાંજલી કાર્યક્રમ પૂરો થયા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ચાલીને મને મળવા આવ્યા અને મારી પીઠ થાબડી

દિલ સે દિલ તક

ઝફર ગોરખપુરીની ‘ઇક્કિસવીં સદી’ નામની રચના મેં વાજપેયીજી સામે ગાઈ ત્યારે તે ખૂબ ખુશ થઈ ગયા હતા. તેમણે સંકોચ રાખ્યા વિના પોતાની ખુશી મારી સામે વ્યક્ત કરી દીધી હતી અને કહ્યું હતું, ‘પંકજજી, આજ મૈં તૃપ્ત હો ગયા.’

ઝફર ગોરખપુરીની એ રચનાનું મુખડું હતું,
દુખસુખ થા એક સબકા, અપના હો યા બૈગાના
એક વો ભી થા જમાના, એક યે ભી હૈ જમાના

વાજપેયીજીનો દેહાંત ગયા ઑગસ્ટ મહિનામાં થયો અને એ પછી ૨૫મી ડિસેમ્બરે તેમનો જન્મદિવસ આવ્યો. દેહાંત પછીનો તેમનો આ પહેલો જન્મદિવસ હતો અને સૌ કોઈ જાણે છે કે માત્ર બીજેપીમાં જ નહીં, બીજેપી સિવાયની પાર્ટીઓમાં પણ વાજપેયીજીના અઢળક ચાહકો હતા. વાજપેયીજીએ જ બીજેપીના સાથી પક્ષોને એકબીજા સાથે જોડવાનું કામ કર્યું હતું અને એ પાછળ પણ માત્ર અને માત્ર તેમનો સ્વભાવ જ કારણભૂત બન્યો હતો. વાજપેયીજી અજાતશત્રુ હતા. બધા સાથે તેમની મિત્રતા હતી અને બધાને તે ખૂબ આનંદથી મળતા રહેતા.

વાજપેયીની ગેરહાજરીમાં તેમના જન્મદિવસ પર એક કાર્યક્રમ રાખવાનું નક્કી થયું અને નક્કી થયું કે એ કાર્યક્રમ શ્રદ્ધાંજલિનો હોય. તેમના જ્યાં અãગ્નસંસ્કાર થયા હતા તે સ્મૃતિસ્થળ પર જ આ કાર્યક્રમ કરવામાં આવે એવું પણ નક્કી થયું. આ કાર્યક્રમ માટે અનેક કલાકારોને પૂછવામાં આવ્યું હશે એવું હું ધારી લઉં છું, પણ મને મારી ખબર છે.

એક સાંજે મને ફોન આવ્યો અને મને પૂછવામાં આવ્યું કે તમે ભજન ગાશો?

આપ સૌ જાણો છો કે હું ગઝલ સાથે જોડાયેલો છું, ભજનના ક્ષેત્રમાં મેં ખાસ કંઈ કામ નથી કર્યું એટલે કહું તો ખોટું નથી કે ભજનની સાથે મારું નામ કોઈ વિચારે એવી શક્યતા ખૂબ ઓછી છે. મને કહેવામાં જરા પણ વાંધો નથી કે મેં સ્ટેજ પર ખૂબ ઓછાં ભજનો ગાયાં છે. ભજનનો કોઈ ખાસ કાર્યક્રમ અગાઉ કર્યો જ નથી. સીડી, ડીવીડી કે પછી રેકૉર્ડિંગ માટે મેં ભજનો ઘણાં કર્યાં છે, મારા ગાયેલા હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્ર ખૂબ જ પ્રખ્યાત પણ થયા છે. ‘માતા કી ભેટ’ના નામે માતાજીની સ્તુતિ ગાઈ છે અને એ પણ ખૂબ વખણાઈ છે તો સૌથી મોટી હાઇલાઇટ કહેવાય એવી વાત કહું. ‘હે ક્રિષ્ના’ના નામે મેં એક આખું આલબમ કૃષ્ણ ભગવાનને સમર્પિત કર્યું છે, જેને લોકોએ ખૂબ વખાણ્યું અને બીજા ચીલાચાલુ આલબમોથી અલગ પણ બન્યું છે. ‘હે કૃષ્ણ’ પછી ગયા વર્ષ ‘ક્રિષ્ના ચાન્ટ’ નામનું એક આલબમ બનાવ્યું અને ‘હે ગણેશ’ના નામે ગણેશ ભગવાન પર પણ એક આલબમ બનાવ્યું, જે અમે સિદ્ધિવિનાયક મંદિરમાં સિદ્ધિવિનાયક સામે જ લૉન્ચ કરેલું. ભક્તિ સંગીત સાથે સંકળાયેલી આ મારી પ્રવૃત્તિ પણ ભજન અને ભક્તિ સંગીતનો કોઈ લાઇવ કાર્યક્રમ ક્યારેય કર્યો નહોતો એ પણ એક હકીકત રહી છે અને આ હકીકતને હું વીસરી ન શકું.

મેં નમ્રતા સાથે મને પ્રશ્ન પૂછનારાને ના પાડી અને કહ્યું કે મેં ક્યારેય સ્ટેજ પર ભજનો ગાયાં નથી. મને કહેવામાં આવ્યું કે તમારે ત્રીસથી ચાલીસ મિનિટનો કાર્યક્રમ કરવાનો છે અને એમાં ધાર્મિક સંગીત ગાવાનું છે. મેં આમ તો ના જ પાડી હોત, પણ એ દિવસે મેં હા પાડી, મારા આ પૉઝિટિવ જવાબનું એક કારણ હતું. વાજપેયીજી. આપણું જે કામ ન હોય એ કામ ટાળવું એવું હું જનરલી માનું છું, પણ વાજપેયીજી માટેનો કાર્યક્રમ હતો એટલે મેં હા પાડી.

કાર્યક્રમ પહેલાં મેં થોડી મહેનત કરી. થોડું રિહર્સલ કર્યું, તૈયારીઓ કરી અને ચોવીસમી ડિસેમ્બરની સાંજે દિલ્હી ગયો. ૨૫મી ડિસેમ્બરે સવારે નવ વાગ્યે કાર્યક્રમ હતો અને ઠંડી કહે મારું કામ. કડકડતી ઠંડી હતી, એવી કડકડતી ઠંડી કે મુંબઈકર તો કલ્પના પણ ન કરી શકે. સવારે નવ વાગ્યે પણ હાડકાં સુધી પહોંચે એવો ઠાર હતો.

સવારે નવ વાગ્યે અમે પહોંચી ગયા અને અમે અમારું સ્થાન લઈ લીધું. અમને કહેવામાં આવ્યું હતું કે અનેક વિભૂતિ આ કાર્યક્રમમાં આવવાની છે. બન્યું પણ એવું જ. અડવાણીજીથી માંડીને મનમોહન સિંહ, કેન્દ્ર સરકારના અનેક પ્રધાનો, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી પધાર્યા. વાજપેયીજીના સ્વભાવને કારણે સૌ કોઈના ચહેરા પર માયુષી હતી. વીઆઇપી આવી ગયા એટલે અમને કહેવામાં આવ્યું કે હવે આપણે કાર્યક્રમ શરૂ કરી દઈએ. લગભગ પોણાદસ વાગવા આવ્યા હશે અને મેં પહેલી રચના મીરાંજીની લીધી.

પાયોજી મૈને, રામ રતન ધન પાયો...

ઈશ્વરની દયાથી કહો તો એમ અને વડીલોના આશીર્વાદ કહો તો એમ, પણ કુદરતી રીતે એવો માહોલ બની ગયો કે હાજર રહેલા બેથી સવાબે હજાર લોકો એ ભજનથી જ લીન થઈ ગયા અને કાર્યક્રમ આગળ ચાલતો ગયો. આખા કાર્યક્રમની મજા એ હતી કે એની કોઈ રૂપરેખા મારી પાસેથી લેવામાં નહોતી આવી, જેને લીધે બધા માટે પણ આ ભજનો અને ભક્તિગીતો સરપ્રાઇઝ જેવાં હતાં. કાર્યક્રમના અંતે, સૌથી છેલ્લે મેં વાજપેયીજીની એક સુંદર કવિતા ગાઈ.

કદમ મિલા કે ચલના હોગા, ચલના હોગા.

વાજપેયીજી એક કવિ હતા. આ કવિતાનું કમ્પોઝિશન મેં મારી રીતે કર્યું હતું. હાજર રહેલા વીઆઇપીઓમાંથી કોઈને ખબર નહોતી કે આ કવિતા ગીતસ્વરૂપે રજૂ થશે. એ સાંભળીને લગભગ બધાને આર્ય થયું હતું. આ કવિતાની પસંદગી કરવાનાં અનેક કારણો હતાં. એક તો આ કવિતા ખૂબ પ્રખ્યાત કવિતા હતી. બીજું એ કે, એમાં જે વાત કરવામાં આવી હતી એ વાત ભારતને ખૂબ લાગુ પડતી છે. આજે પણ અને આવતી કાલે પણ. વિરોધ પક્ષના નેતાઓ સહિત સૌ કોઈ બેઠા હતા અને બધાએ એકબીજાને સાથ આપવાનો છે એવી વાત કહેવામાં આવી રહી હતી. બધા ખૂબ ખુશ થયા અને એક્ઝૅક્ટ ચાલીસ મિનિટ પછી કાર્યક્રમ પૂરો થયો. ચાલીસ મિનિટનો જ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મેં એ સમયમર્યાદાનું ધ્યાન રાખ્યું હતું, જેને લીધે જેવો કાર્યક્રમ પૂરો થયો કે તરત જ ઉદ્ઘોષક પણ ખુશ થઈને મારી સામે જોવા લાગ્યો.

છેલ્લું ગીત ગાઈને હું ઊભો થયો કે તરત જ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેથી ચાલીને મારી પાસે આવ્યા અને મારો ખભો થાબડ્યો. મારી સાથે પાંચ-સાત મિનિટ વાત કરી. હાજર રહેલા સૌ કોઈ અને હું પોતે પણ માનું છું કે હું ખૂબ ભાગ્યશાળી છું કે આ કક્ષાના નેતા સામે ચાલીને મને મળવા આવ્યા અને મારી સાથે વાતો કરી. તેમણે મને કહ્યું કે તમે વાજપેયીજીની કવિતા પસંદ કરી અને એની જે ધૂન બનાવી એ ખૂબ સરસ હતી, મને એ રચના ખૂબ ગમી છે.

તેમણે મારી સાથે ગુજરાતીમાં વાતો કરી, જેને લીધે હું સમજી ગયો કે તેમને ખબર છે કે હું પણ ગુજરાતી છું. તે રવાના થયા એ પછી સામે ચાલીને હું ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને લાલકૃષ્ણ અડવાણીજીને મળ્યો. એ પછી હું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને મળ્યો. તેમણે પણ આ છેલ્લી રચનાની વાત કરી અને કહ્યું કે બહુ સરસ રીતે તમે એ તૈયાર કરી છે. બધા એમાં લીન થઈ ગયા હતા. રામનાથજીએ સામેથી કહ્યું કે આપણે એક વખત નિરાંતે મળીએ. મેં તેમને કહ્યું કે મારાં અહોભાગ્ય કે આપ આવું કહો છો. આપ યાદ કરશો ત્યારે હું હાજર થઈ જઈશ. રાષ્ટ્રપતિ ભવનની મારી બધી જૂની મુલાકાતો મને યાદ આવી ગઈ. પહેલી મુલાકાત અને એ પછી પદ્મશ્રી અવૉર્ડ મળ્યો એ સમયની મારી મુલાકાત.

આ પણ વાંચો : વાજપેયીજી નિમિત્ત બન્યા રાષ્ટ્રપતિ ભવનની મારી ત્રીજી મુલાકાતમાં

મેં અછડતી વાત તેમને એ સમયે પણ કરી અને પછી તરત જ કહ્યું કે આપ કહેશો ત્યારે અને આપ ઇચ્છશો ત્યારે હું ચોક્કસ આપને મળવા આવીશ. સાચું કહું તો મને એમ હતું કે મોટા માણસો આવી વાતો કરતા હશે, પણ એવો તેમની પાસે સમય નહીં હોય, પણ ના, એવું નહોતું, રાષ્ટ્રપતિજી સાથે મારી મુલાકાત થવાની હતી અને એ થઈ પણ ખરી, જે મારા જીવનની રાષ્ટ્રપતિ ભવનની ત્રીજી મુલાકાત બની.

pankaj udhas columnists