ઉનકા ભી ગમ હૈ, અપના ભી ગમ હૈ અબ દિલ કે બચને કી ઉમ્મીદ કમ હૈ

12 June, 2019 10:41 AM IST  |  | પંકજ ઉધાસ - દિલ સે દિલ તક

ઉનકા ભી ગમ હૈ, અપના ભી ગમ હૈ અબ દિલ કે બચને કી ઉમ્મીદ કમ હૈ

સાદર સન્માન: પદ્મભૂષણ અવૉર્ડ સ્વીકારી અવૉર્ડને સન્માનિત કરતા આદરણીય તલત મેહમૂદ

(‘મૂકર્રર’ રિલીઝ થયાનાં બે વર્ષ પછી ‘મહેફિલ’ આલબમની તૈયારીઓ શરૂ થઈ. એ આલબમ હું જેની સાથે કરતો હતો એ મ્યુઝિક કંપની આ કાર્યક્રમ ભવ્ય રીતે કરવા માગતી હતી. ખૂબબધી વાતો થઈ, મથામણો થઈ. શું કરવું જોઈએ એની ચર્ચા પણ એ લોકોએ કરી પણ કંઈ એવું સુઝ્યું નહીં જે એકઝાટકે મનમાં બેસી જાય. વાત મારી પાસે આવી એટલે હું તેમની સાથે બેઠો. એ સમયે મને તરત જ તલત મેહમૂદ યાદ આવી ગયા હતા. તલતસાહેબ એવી હસ્તી છે જેઓ ખરેખર ગઝલ ગાવા માટે જ જન્મ્યા છે, એ ગઝલના ખરા અને એકમાત્ર કિંગ છે એવું કહું તો પણ કશું ખોટું નથી. હવે આગળ વાત...)

તલતસાહેબ સાથેનાં મારાં સંસ્મરણો નાનપણથી. મારું નાનપણ રાજકોટમાં વીત્યું છે. રાજકોટમાં રેડિયો એકમાત્ર અમારો સાથી હતો. સંગીત સાંભળવાનું એકમાત્ર સાધન. મને જીવનમાં ક્યારેય વીસરાશે નહીં કે એ સમયે સવારથી સાંજ સુધી તલતસાહેબનાં ગીતો વાગતાં, જે મારા મનમાં રીતસર કોતરાઈ ગયાં હતાં. એમાં પણ એક ગીત તો એવું પૉપ્યુલર થયું હતું કે ન પૂછો વાત. એ સમયે ફિલ્મી ગીતો પૉપ્યુલર થતાં પણ આ તો ગીત પણ પાછું ફિલ્મનું નહોતું. એ ગીતના શબ્દો હતા...

તસવીર તેરી દિલ મેરા ન બહલા શકેગી
યે તેરી તરહ મુઝસે તો શર્મા ના શકેગી

આ ગીત ફૈયાઝ હાશ્મીનું હતું અને એનું સંગીત કમલ દાસગુપ્તાનું હતું. ગીત ત્યાર પછી ‘દેવર ભાભી’ નામની એક ફિલ્મમાં પણ લેવામાં આવ્યું હતું. આ ગીત દિવસમાં દસ-બાર-પંદર વખત રેડિયો પર વાગતું. આ જ નહીં, તલતસાહેબનાં બીજાં પણ કેવાં-કેવાં ગીતો હતાં, એ પણ સતત રેડિયો પર ચાલુ જ હોય. તેમણે ગાયેલું હજી એક ગીત મને યાદ છે. બહુ નાની અને કાચી ઉંમરે મેં એ સાંભળેલું.

મેરી યાદ મેં ન તુમ આંસુ બહાના,
ન જી કો જલાના, મુઝે ભૂલ જાના.

આ ગીતોનો પહેલાં પરિચય થયો. આ પરિચય પછી મેં મારા પેરન્ટ્સ સાથે એક ફિલ્મ જોઈ. એ ફિલ્મનાં ગીતો જિંદગીભર મને યાદ રહી ગયાં. આજે પણ જ્યારે આંખ બંધ કરું ત્યારે મને એ ગીતો યાદ આવી જાય છે. એ બ્લૅક ઍન્ડ વાઇટ ફિલ્મ હતી, નામ હતું એનું ‘સુજાતા’. બિમલ રૉયની ફિલ્મ અને નૂતન, સુનીલ દત્ત લીડ સ્ટાર. ફિલ્મનું મ્યુઝિક એસ. ડી. બર્મનનું હતું. ‘સુજાતા’ ફિલ્મ પણ ખૂબ સરસ હતી. આ ફિલ્મની સ્ટોરી આજે પણ મને યાદ છે. આજે જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની વાતો ખૂબ થાય છે એ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘સુજાતા’ નૉમિનેટ થઈ હતી. ઇન્ડિયામાં તો એને અનેક અવૉર્ડ્સ મળ્યા હતા. ‘સુજાતા’ની વાર્તા અછૂત પર આધારિત હતી. એ સમયે સવર્ણ અને દલિતની વાતો બહુ માનવામાં આવતી અને સમાજમાં એ દૂષણ હતું. સુનીલ દત્ત સવર્ણ પરિવારનો દીકરો છે અને એ સુજાતા નામની એક એવી યુવતીના પ્રેમમાં પડે છે જેનો સ્પર્શ પણ સમાજનો અમુક વર્ગ સ્વીકારવા રાજી નથી. આ સ્પર્શથી પણ તેનું જીવન નરક બની જશે એવું તે માને છે. સુજાતા એટલે કે નૂતન અનાથ બાળક છે, તેને દત્તક લેવામાં આવે છે. દત્તક લીધેલી સુજાતાને પાલક પિતાનો પ્રેમ મળે છે, પણ માતા એવું માને છે કે આ ચાંડાલિકા છે એટલે તેનો સ્પર્શ ન કરવો જોઈએ. આવું માનનારી પાલક માતાને જ એક વાર બ્લડની જરૂર પડે છે અને એ રેર ગ્રુપનું બ્લડ બીજું કોઈ નહીં, પણ સુજાતા આપે છે અને પાલક માનો જીવ બચી જાય છે. આ સંદર્ભની આ વાર્તા હતી. આ ફિલ્મનું એક ગીત એવું તે અદ્ભુત હતું કે આજે પણ એ સ્તર સુધી કોઈ ગીત પહોંચ્યું નથી. એ ગીતનું મૂખડું ગયા વીકમાં તમે વાંચ્યું હતું.

જલતે હૈ જિસકે લિયે તેરી આંખોં કે દિયે,
ઢૂંઢ લાયા હૂં વો હી ગીત મૈં તેરે લિયે

આ જ નહીં, આ સિવાયનાં તલતસાહેબનાં એ બધાં ગીતો મને તરત જ યાદ આવી ગયાં અને ‘મહેફિલ’ આલબમના રિલીઝ માટે કરેલી એ મીટિંગમાં મારા કાનમાં ગીતો વાગવા માંડ્યાં. મને થયું કે ઓહ, જો હું ‘મહેફિલ’ આલબમ માટે તલત મેહમૂદને બોલાવી શકું તો જીવનભર મને એક વાતનો સંતોષ રહેશે કે મારું એક આલબમ તેમણે રિલીઝ કર્યું હતું. મ્યુઝિક કંપનીને વાત કરી તો એણે પણ ખુશીખુશી હા પાડી.

મેં મારી રીતે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે તલતસાહેબે બહાર જવાનું છોડી દીધું છે. તબિયત સારી નથી રહેતી એટલે પબ્લિક ફંક્શનમાં હવે તેઓ જતા નથી. જોકે મેં હિંમત કરીને તેમનો સમય લીધો અને રિક્વેસ્ટ કરી કે મારે તમને એક વાર રૂબરૂ મળવું છે.

મને એક વાત કહેવી છે. આજે તલત મેહમૂદ વિશે નવી જનરેશનને કદાચ ન ખબર હોય એવું બની શકે, પણ જેકોઈ મારી જનરેશનના અને અમારા પછીની જનરેશનના છે કે પછી જેને મ્યુઝિકનો, ગઝલનો શોખ છે તેમને તલત મેહમૂદનો અવાજ તો ખબર જ છે, પણ સાથોસાથ તેમની પર્સનાલિટીથી પણ તેઓ વાકેફ છે. તલતસાહેબની પર્સનાલિટી નવાબ જેવી હતી. તેમનો દેહાંત થયો ત્યારે તેમની ઉંમર ૭૪ વર્ષની હતી, પણ એમ છતાં છેલ્લે સુધી તેમની પર્સનાલિટી ખૂબ જ સરસ રહી હતી. એકદમ હૅન્ડસમ અને સૌમ્ય પણ એટલા જ. ઇન્ડસ્ટ્રીમાં તેમના સૌમ્યતાના દાખલા આપવામાં આવતા અને આજે પણ તેમને જેકોઈ ઓળખે છે તેઓ તલતસાહેબની જેન્ટલમૅનશિપના દાખલા આપે છે.

તલતસાહેબ મૂળ ગઝલનો જીવ એવું કહું તો જરા પણ ખોટું નહીં કહેવાય. તેમને પોતાને પણ ગઝલમાં ખૂબ જ રસ હતો. ગઝલથી જ તેમની કરીઅરની શરૂઆત થઈ અને પછી તેઓ પ્લેબૅક સિન્ગિંગમાં આવ્યા. ફિલ્મોમાં તેમણે એટલાં સરસ ગીતો ગાયાં જે આજે પણ યાદગાર છે. તલતસાહેબ મૂળ પાકિસ્તાનમાં આવેલા લખનઉના, પણ પાર્ટિશન પછી તેઓ આઝાદ ભારતમાં સ્થાયી થયા. આપણે તેમને ગઝલના કિંગ કહેતા તો પાકિસ્તાનમાં તેમને શહેનશાહ-એ-ગઝલ કહેવામાં આવતા. તલત મેહમૂદે ૧૬ વર્ષની ઉંમરે પ્રોફેશનલી ગાવાનું શરૂ કરી દીધું હતું. તેમના પિતા પણ ખૂબ સરસ ગાતા.

તેમના પિતાની એક વાત કહું તમને. તેમનો અવાજ એટલો સરસ હતો કે તેમને ઘણા લોકો પ્રોગ્રામ માટે, મહેફિલ માટે બોલાવતા, પણ તેઓ જવાની ના પાડી દેતા. એક સમયે તેમણે એવું ઑફિશ્યલ નક્કી કરી નાખ્યું કે તેમણે પોતાનો અવાજ અલ્લાહને સમર્પિત કરી દીધો છે અને હવે તો માત્ર ખુદા માટે જ ગાશે. નક્કી કર્યા પછી તેમણે ક્યારેય પૈસા માટે ગાયું નહીં, જેકંઈ ગાયું એ ખુદા માટે, અલ્લા માટે ગાયું.

તલત મેહમૂદ પાસે પહેલી વાર ગવડાવવા માટે એચએમવી કંપનીના અધિકારીઓ ખાસ લખનઉ ગયા હતા. તેમણે પોતાની સાથે પોતાનાં રેકૉર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પણ લીધાં હતાં અને તલતસાહેબના ઘરે એ રેકૉર્ડિંગ કર્યું હતું. તલતસાહેબની આવી અનેક વાતો છે જે આજે પણ કોઈ કલ્પી ન શકે કે ધારી ન શકે. કહેવાનો અર્થ મારો માત્ર એટલો કે તલતસાહેબ જેવી હસ્તી આપણે ત્યાં રહી એ પણ આપણા દેશની ખુશનસીબી કહેવાય. સાચા અર્થમાં તેઓ સંગીતના ઓલિયા હતા. પૈસો તેમને ક્યારેય સ્પર્શ્યો નહોતો અને પૈસાને તેમણે ક્યારેય પોતાના પર હાવી થવા નહોતો દીધો. તલત મેહમૂદનું સન્માન ભારત સરકારે પદ્મભૂષણ ખિતાબ આપીને કર્યું હતું.

આ પણ વાંચો : જલતે હૈં જિસકે લિએ તેરી આંખોં કે દિએ, ઢૂંઢ લાયા વો હી ગીત મેં તેરે લિએ

આવા તલતસાહેબ મારું આલબમ રિલીઝ કરે એનાથી મોટી વાત બીજી કઈ હોઈ શકે. મેં તો તેમને મળવા માટેના પ્રયત્ન શરૂ કરી દીધા. હેતુ એટલો જ હતો કે હું તેમને રૂબરૂ મળીને ધન્યતાનો સાક્ષાત્કાર કરી લઉં.

(તલત મેહમૂદ સાથેની રૂબરૂ મુલાકાત અને ‘મહેફિલ’ આલબમની વાતો આવતા વીકમાં આગળ વધારીશું.)

pankaj udhas columnists