Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જલતે હૈં જિસકે લિએ તેરી આંખોં કે દિએ, ઢૂંઢ લાયા વો હી ગીત મેં તેરે લિએ

જલતે હૈં જિસકે લિએ તેરી આંખોં કે દિએ, ઢૂંઢ લાયા વો હી ગીત મેં તેરે લિએ

05 June, 2019 11:01 AM IST |
પંકજ ઉધાસ - દિલ સે દિલ તક

જલતે હૈં જિસકે લિએ તેરી આંખોં કે દિએ, ઢૂંઢ લાયા વો હી ગીત મેં તેરે લિએ

પહેલી યાદ : લેજન્ડ તલત મહમૂદજી સાથે હું, મારા મોટા ભાઈઓ મનહર ભાઇ અને નિર્મલ ભાઈ. પહેલી વાર તલત સાહેબને મળ્યો ત્યારે હું અવાચક થઈ ગયો હતો.

પહેલી યાદ : લેજન્ડ તલત મહમૂદજી સાથે હું, મારા મોટા ભાઈઓ મનહર ભાઇ અને નિર્મલ ભાઈ. પહેલી વાર તલત સાહેબને મળ્યો ત્યારે હું અવાચક થઈ ગયો હતો.


દિલ સે દિલ તક

આજે બુધવાર છે અને આજે જ રમઝાન ઈદ પણ છે. રમઝાન ઈદના દિવસે તલત મહમૂદને યાદ કરવાનો અવસર આવે એ મારી દૃષ્ટિએ બહુ મોટી વાત છે.



તલત મહમૂદ. તેમનું નામ કાનમાં પડે કે સાંભળતાની સાથે જ એક મખમલી અવાજ, એક અદ્ભુત સ્વર, સાવ અલગ જ અંદાજનો અવાજ અને ગાવાની સાવ નોખા પ્રકારની છાંટ આપણા મનમાં આવી જાય. હમણાં થોડા સમયથી ટ્રાવેલિંગના કારણે કૉલમની બાબતમાં બહુ અનિયમિતતા રહેતી હતી, પણ ગયા મહિનાની ૯મી તારીખે એટલે કે ૯મી મેના તલતસાહેબની પુણ્યતિથિ ગઈ ત્યારથી તેમની સાથે જોડાયેલી અનેક વાતો મનમાં ઘુમરાવી શરૂ થઈ ગઈ હતી. તલત મહમૂદની યાદ આવે કે તરત જ તેમણે ગાયેલાં ગીતો, ગઝલોની એક આખી મોસમ આજુબાજુમાં સર્જાઈ જાય. કેવાં-કેવાં અદ્ભુત ગીતો તેમણે ગાયાં છે! કયા ગીતનો ઉલ્લેખ કરું અને કયા ગીતને પહેલા ક્રમ પર રાખું. અત્યારે પણ એવી જ માનસિકતા મારી છે અને એમ છતાં પણ જો કાનમાં તેમણે ગાયેલું કોઈ ગીત ગુંજતું હોય તો એ છે,


ઇતના ના મુઝસે તૂ પ્યાર બઢા કે મૈં એક બાદલ આવારા
કૈસે કિસી કા સહારા બનૂં કે મૈં ખૂદ બેઘર બેચારા

શું અદ્ભુત શબ્દો, કેવી તલતસાહેબની ગાયકી અને કેવું સંગીત! ગીત અને શબ્દો સીધાં તમારા હૈયા સોંસરવાં ઊતરી જાય. ગયા મહિને જ્યારે તેમની પુણ્યતિથિ આવી ત્યારે જ મારા મનમાં વિચાર આવ્યો હતો કે તલતસાહેબ વિશે, તેમની સાથેની યાદો વિશે લખવું જેની તક હવે છેક મને સાંપડી. આ સમયગાળા દરમ્યાન તલતસાહેબ સાથેની કેટલી બધી યાદો તાજી થઈ ગઈ મનમાં, અમારા બન્નેના સંબંધો, મારો તેમના માટેનો આદર, તેમની ગાયકી પ્રત્યેનું મારું માન, તેમની સાથેની મુલાકાતો અને એ મુલાકાતોમાંથી મળેલી જિંદગીભરની અવિસ્મરણીય યાદો. બને કે હું આ બધી વાતો આ ક્રમમાં કે પછી આ જ રિધમ સાથે તમને ન પણ કહી શકું, બને પણ ખરું કે એમાંથી અમુક વાતો હું મારા તેમની સાથેના સંબંધોના આધાર પર અધ્યાહાર જ રહેવા દઉં અને એવું પણ બને કે ભાવાવેશમાં હું એ વાતો પણ કહી દઉં જે મને યોગ્ય ન લાગતી હોય. પણ હા, એટલું સાચું છે કે તલતસાહેબ વિશે જે કંઈ કહીશ એ પૂરા માન-સન્માન અને દિલથી કહીશ.


હું તેમને પહેલી વાર મળ્યો જ્યારે હું કૉલેજમાં ભણતો હતો.

રાજકોટ છોડીને મુંબઈ આવી ગયો હતો અને મારું એજ્યુકેશન સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ચાલતું હતું. મારા મોટાભાઈ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસના કારણે મને તેમને મળવા મળ્યું હતું. એ સમયે મનહરભાઈ અને નિર્મલભાઈ ઘણા કાર્યક્રમો કરતા. તેમની ગાયકી શરૂ થઈ ગઈ હતી અને મારું એજ્યુકેશન ચાલતું હતું. એક કાર્યક્રમમાં તેમણે તલતસાહેબને આમંત્રણ આપેલું. આ આમંત્રણને માન આપીને તલતસાહેબ એ કાર્યક્રમમાં આવ્યા હતા. મને બહુ થોડા સમય માટે તેમને મળવા મળ્યું અને એ પછી તેમના ટાઇટ શેડ્યુઅલ વચ્ચે તે નીકળી ગયા હતા. મને આજે પણ યાદ છે કે હું તેમને જોતો જ રહી ગયો હતો. અવાચક, સ્પીચલેસ થઈ ગયો હતો હું. તેમની આંખોમાં રહેલો પ્રેમ હું આજે પણ જોઈ શકું છું અને તેમની વાતોમાં રહેલી ઉષ્મા હું આજે પણ અનુભવી શકું છું.

એ અમારી પહેલી મુલાકાત અને એ પછી તો હું મારી લાઇફના તમામ પ્રકારના સંઘર્ષમાં વ્યસ્ત થઈ ગયો. શરૂઆતમાં ભણવા પર ધ્યાન આપવાનું હતું તો સાથોસાથ મારા ગઝલગાયકીના શોખ અને એ શોખ પછી ગઝલ ગાયકીના ક્ષેત્રમાં જ કરીઅર બનાવવાની ખેવના વચ્ચે એ જે સંઘર્ષ હતો એ બધા વચ્ચે હું વ્યસ્ત થઈ ગયો. સંઘર્ષની વિટંબણાઓ એટલીબધી હતી કે આજુબાજુની દુનિયામાં ક્યાંય ધ્યાન પણ ન આપી શકાય. એક સમય એવો પણ આવ્યો કે જેમાં સમાચાર મળ્યા કે તલતસાહેબની તબિયત બગડી છે. એ પછી એવી પણ ખબર પડી કે પોતાની નાદુરસ્ત તબિયત વચ્ચે તે ઘરની બહાર વધારે નથી નીકળતા, ભાગ્યે જ બહાર નીકળે અને અચૂક જવું પડે એવી જગ્યાએ જ તે જાય છે. અફસોસ થાય મનમાં, પણ બીજું તો શું કરી શકાય આપણાથી.

એ દરમિયાન ૧૯૭૯માં મેં મારું પહેલું આલ્બમ બનાવ્યું, ‘આહટ’. આ ‘આહટ’ વિશે થોડીઘણી વાતો આપણે ભૂતકાળમાં થઈ છે. એ આલમ સાથે જોડાયેલી બીજી પણ ઘણી રસપ્રદ વાતો ભવિષ્યમાં કરીશું. ‘આહટ’ પછી મેં મારાં બે આલમ બનાવ્યાં અને એ પછી ૧૯૮૧માં મારું ‘મુકર્રર’ નામનું આલબ આવ્યું. એ સમયે મેં એક નવી પ્રથા શરૂ કરી નિર્ણય લીધો કે એક કાર્યક્રમ કરીને એ કાર્યક્રમમાં જ આ આલમ રિલીઝ કરવું. એ પછી તો આ પ્રકારની ચાલુ કૉન્સર્ટમાં આલમ રિલીઝ કરવાની પ્રથા ઘણાએ અપનાવી, પણ એની શરૂઆત ‘મુકર્રર’થી થઈ હતી.

‘મુકર્રર’ માટે સોફિયા કૉલેજનું ઑડિટોરિયમ બુક કરવામાં આવ્યું અને ત્યાં જ કૉન્સર્ટ પણ કરી. કૉન્સર્ટ દરમ્યાન ‘મુકર્રર’ આલબમ શશિ કપૂરના હાથે રિલીઝ થયું. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે શર્મિલા ટાગોર-ખાન અને મન્સુરઅલી ખાન પટૌડી હતાં. એંસીના દશકની શરૂઆતની આ વાત, ત્યાર પછી હું ફરીથી મારા કાર્યક્રમો અને ટૂરમાં વ્યસ્ત થયો પણ નવા આલમનું કામ પણ સાથોસાથ ચાલુ હતું. બે વર્ષ પછી એટલે ૧૯૮૩માં ‘મહેફિલ’નું લાઇવ રેકૉર્ડિંગ હતું, જેને પછી આલબમરૂપે રિલીઝ કરવાની તૈયારી કરી.

જે મ્યુઝિક કંપનીના બૅનરમાં આ કામ ચાલતું હતું એ મ્યુઝિક કંપનીની સામે મેં ઇચ્છા વ્યક્ત કરી કે આ વખતે ‘મહેફિલ’ની રિલીઝ માટે આપણે એક ભવ્ય કાર્યક્રમ કરીએ અને ‘મહેફિલ’ આલબમને એમાં રિલીઝ કરીએ. ભવ્ય કાર્યક્રમ. આ શબ્દ બોલવો સરળ છે, પણ કાર્યક્રમને ભવ્ય બનાવવો કઈ રીતે એની ગડમથલો શરૂ થઈ. ખૂબબધી ચર્ચાઓ થઈ કે શું કરી શકાય એમ છે, શંત કરવા જેવું છે; પણ કોઈ રસ્તો તેમને દેખાતો નહોતો. ભવ્ય કાર્યક્રમ કરવા એ લોકો તૈયાર હતા અને એ લોકો આ બધા માટે બ્રેઇન-સ્ટૉર્મિંગ પણ કરતા હતા, પણ કંઈ વળતું નહોતું. છેલ્લે વાત મારી પાસે આવી એટલે મેં મારી ઇચ્છા વ્યક્ત કરી દીધી. તેમણે કહ્યું કે જે ગઝલના રિયલ કિંગ કહેવાય એ તલત મહમૂદ સાહેબ છે. આ એવી હસ્તી છે જે ખરેખર ગઝલ ગાવા માટે જ જન્મી છે.

આ વાતમાં ક્યાંય અતિશિયોક્તિ નથી. જો તલતસાહેબની લાઇફ હિસ્ટરી જોઈએ તો તલતસાહેબે એ સમયમાં ગઝલ ગાવાનું શરૂ કર્યું હતું જ્યારે જગતમાં કોઈએ મેહદી હસન કે ગુલામ અલીનું નામ પણ સાંભળ્યું નહોતું. જે સમયે ગઝલ વિશે સામાન્ય લોકોમાં પણ કોઈ લાંબી ગતાગમ નહોતી ત્યારે તેમણે એમાં મહારત હાંસિલ કરી હતી. તલતસાહેબની ગઝલ આજે પણ તમે સાંભળો, એ સાંભળતી વખતે તમને પણ એવો જ અનુભવ થશે કે જાણે કે તે ગઝલ ગાવા માટે, ગઝલના પુનજીર્વન માટે જ જન્મ્યા હોય.

આ પણ વાંચો : ગીતા દત્ત અને હું એ એક મુલાકાતે મારી જિંદગી બદલી

તલત મહમૂદનું નામ મારી સામે આવે કે તરત જ મને તેમણે ગાયેલું ગીત કાનમાં ગુંજવા લાગે.

દિલ મેં રખ લેના ઇસે હાથોં સે યે છૂટે ના કહીં
ગીત નાજુક હૈ મેરા શીશે સે ભી ટુટે ના કહીં
જલતે હૈ જિસકે લિએ તેરી આંખોં કે દિએ
ઢૂંઢ લાયા હૂં વો હી ગીત મેં તેરે લિએ...

‘મહેફિલ’ માટે મારા મનમાં જે વાત હતી એ વાત મેં ત્યાં રજૂ કરી. મારા મનમાં શું હતું એ અને તલત મહમૂદ સાથેની બીજી વાતો કરીશું હવે આપણે નેક્સ્ટ વીક...

Whatsapp-channel Whatsapp-channel

05 June, 2019 11:01 AM IST | | પંકજ ઉધાસ - દિલ સે દિલ તક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK