શેખાદમ, ખઝાના, કૅન્સર અને કેશુભાઈ ઉધાસ

31 July, 2019 03:07 PM IST  |  મુંબઈ ડેસ્ક | પંકજ ઉધાસ - દિલ સે દિલ તક

શેખાદમ, ખઝાના, કૅન્સર અને કેશુભાઈ ઉધાસ

એ હૉસ્પિટલમાં અને હું.... મારા પિતાશ્રી કેશુભાઈ ઉધાસને ભાટિયા હૉસ્પિટલમાં ઍડમિટ કરવામાં આવ્યા અને એ જ સાંજે હું 'ખઝાના'ના પહેલા દિવસના પર્ફોર્મન્સ માટે હોટેલ તાજ પહોંચ્યો.

દિલ સે દિલ તક

(શેખાદમ આબુવાલાની ચર્ચા આગળ વધારીએ એ પહેલાં મને એક બીજો કિસ્સો પણ યાદ આવી રહ્યો છે. આપણે અત્યારે આલબમ ‘આહટ’ની વાતો કરી, આ આલબમ મારું પહેલું આલબમ અને એમાં શેખાદમની ચાર ગઝલો હતી. એ પછી બીજું આલબમ ‘મુકર્રર’ આવ્યું. આ જ દિવસોમાં બનેલો એક બીજો કિસ્સો પણ મારે તમને સૌને કહેવો છે, જે કિસ્સો છેલ્લાં અઢાર વર્ષથી ચાલી રહેલા ‘ખઝાના’ ગઝલોત્સવ સાથે જોડાયેલો છે. હવે પહેલાં વાત એ સમયના આ બીજા કિસ્સાની અને એ પછી વાતો કરીશું શેખાદમ આબુવાલા સાથે જોડાયેલા એ અંતિમ ચરણની.)
વર્ષ હતું ૧૯૮૧નું અને મારું બીજું આલબમ ‘મુકર્રર’ રિલીઝ થયું. એ સમય રેકૉર્ડનો હતો અને સ્મૉલ-પ્લે અને લૉન્ગ-પ્લે એવી બે સાઇઝની રેકૉર્ડ આવતી હતી. મ્યુઝિક ઇન્ડિયા કંપની સાથે મારો કૉન્ટ્રૅક્ટ હતો. દરેક મ્યુઝિક-કંપનીના અલગ-અલગ ડિપાર્ટમેન્ટ હોય. એક ડિપાર્ટમેન્ટ હોય એ ઍન્ડ આર એટલે કે આર્ટિસ્ટ ઍન્ડ રિપોર્ટ. આ ડિપાર્ટમેન્ટ આિર્ટસ્ટનું બધું ક્રીએટિવ કામ જુએ છે. મ્યુઝિક ઇન્ડિયાના આ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ હતા સંજીવ કોહલી. આ નામ તમારે માટે નવું હોઈ શકે, પણ તમે તેમને વર્ષોથી ઓળખો છે એ સહજ તમારી જાણ ખાતર. આપણા ખૂબ વિખ્યાત મ્યુઝિક-ડિરેક્ટર હતા મદનમોહન. તેમના સૌથી મોટા દીકરા એટલે આ સંજીવ કોહલી. તેઓ મ્યુઝિકના જબરદસ્ત જાણકાર અને તેમનો મ્યુઝિકનો શોખ પણ અદ્ભુત. જેમના જીન્સમાં જ સંગીત હોય, જેમના લોહીમાં જ મ્યુઝિક હોય તેમને માટે બીજું તો શું કહેવાનું હોય?
સંજીવ કોહલીએ એક આખી સ્ટ્રૅટેજી બનાવેલી કે ગઝલને આપણે કેવી રીતે  પૉપ્યુલર કરવી અને મૅક્સિમમ લોકો સુધી પહોંચાડવી. તેમણે મ્યુઝિક ઇન્ડિયા કંપનીમાં બધા નવા, યંગ અને ટૅલન્ટેડ કલાકારોના કૉન્ટ્રૅક્ટ કરાવ્યા. કંપની સાથે કૉન્ટ્રૅક્ટ કરનારા કલાકારોમાં એક તો હું, મારા ઉપરાંત તલત અઝીઝ, અનુરાધા પૌડવાલ, હરિહરન, અનુપ જલોટા, ભૂપેન્દ્ર સિંહ, તેમનાં વાઇફ મિતાલી સિંહ (એ સમયે તેમનાં મૅરેજ નહોતાં થયાં), અહમદ હુસેન-મહમદ હુસેન બન્ને ભાઈઓ,  ચંદન દાસ, પિનાઝ મસાણી અને એવા અનેક બીજા કલાકારો હતા જેમને કંપનીએ સાઇન કર્યા હતા. આ વિચાર સંજીવ કોહલીનો હતો. તેમનો કન્સેપ્ટ હતો કે બધા કલાકારોને એક મંચ પર, એક જ પ્લૅટફૉર્મ પર રજૂ કરીએ તો એક વિશિષ્ટ પ્રકારનો ફેસ્ટિવલ બને અને લોકો એને માણી શકે. આ કન્સેપ્ટનો હેતુ આગળ કહ્યું એમ, એ જ હતો કે કોઈ પણ હિસાબે ગઝલ લોકો સુધી પહોંચે અને ગઝલનો વ્યાપ વધે.
વર્ષ ૧૯૮૧ની એક સાંજે અમને બધાને એક પછી એક બોલાવીને અમારી સામે વાત કરવામાં આવી. એ મીટિંગમાં સંજીવ કોહલી બેઠા હતા. તેમણે જ અમને કહ્યું હતું કે હું એક પ્રોગ્રામ કરવા માગું છું, જેમાં તમારે બધાએ ભાગ લેવાનો છે. સ્વાભાવિક રીતે બધાએ પૂછ્યું હશે, મેં પણ પૂછ્યું હતું કે એ પ્રોગ્રામનું નામ શું છે? જવાબ મળ્યો,
‘ખઝાના.’
એક મંચ, એક જગ્યા અને એ જગ્યા પર તમામ ગઝલગાયકો.
બધાએ હા પાડી, જેનું સૌથી મહત્ત્વનું કારણ એક જ હતું, ગઝલ. લોકો સુધી ગઝલ પહોંચાડવાનો અને મહત્તમ લોકો સુધી ગઝલ પહોંચાડવાનો આ શ્રેષ્ઠ રસ્તો હતો, ગઝલને પૉપ્યુલર કરવાનો આ એક સુંદર પ્રયાસ હતો. કાર્યક્રમની રૂપરેખા બનતી ગઈ અને એક દિવસે એ પણ નક્કી થયું કે આ પ્રોગ્રામ હૅન્ડિકૅપ સોસાયટી ઑફ ઇન્ડિયાના ઉપક્રમે એની ચૅરિટી માટે કરવો. બધા કલાકારોની ડેટ્સ લઈને દિવસ પણ નક્કી કરી લેવામાં આવ્યો. એ દિવસ હતો ૧પમી ઑગસ્ટ અને વર્ષ હતું ૧૯૮૧.
આ પ્રોગ્રામ નક્કી થયો. ૧૫મી ઑગસ્ટ ૧૯૮૧ની સાંજ, પહેલો દિવસ.
આટલા કલાકારોને એકસાથે એક જ દિવસમાં રજૂ કરવા અશક્ય હતું એટલે આ આખો કાર્યક્રમ ત્રણ દિવસનો ફેસ્ટિવલ બનાવવાનું નક્કી થયું. મતલબ કે ૧પમી ઑગસ્ટે શરૂ થનારો આ કાર્યક્રમ સતત ત્રણ દિવસ ચાલે અને ૧૭મીની રાતે એ પૂરો થાય. એ સમયની વિખ્યાત અને આજે પણ અનબિટેબલ રહેલી જગવિખ્યાત હોટેલ તાજમાં ‘ખઝાના’નો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. હોટેલ તાજના ક્રિસ્ટલ બૉલરૂમમાં આ ફંક્શન હતું. હસન કમાલ ઉર્દૂના ખ્યાતનામ કવિ, તેમને રિક્વેસ્ટ કરવામાં આવી કે તેઓ આ કાર્યક્રમનું સંચાલન કરે. પ્લાનિંગ બહુ સરસ હતું કે હસન કમાલ એક પછી એક સૌકોઈ કલાકારોને રજૂ કરે અને કલાકાર આવે ત્યારે વચ્ચે-વચ્ચે તેઓ શેરો-શાયરી સાથે એને નવાજે પણ ખરા. લોકોને શાયરીની ઝલક પણ મળતી જાય અને કલાકારોને પણ ચાર ચાંદ લાગતા જાય.
હું એ દિવસને ક્યારેય ભૂલી નહીં શકું, કારણ કે ‘ખઝાના’ના પહેલા જ દિવસે મારા હાથમાં મારા બીજા આલબમ ‘મુકર્રર’ની લૉન્ગ-પ્લે મૂકવામાં આવી હતી અને એ જ દિવસે મારા પિતાશ્રી કેશુભાઈ ઉધાસને મુંબઈની ભાટિયા હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત બિલકુલ સારી નહોતી, કૅન્સરનું લાસ્ટ સ્ટેજ તેમને કનડવાનું કામ કરતું હતું.
દરેક કલાકારના જીવનમાં આ પ્રકારની વિટંબણાઓ ભરેલા દિવસ આવતા હોય છે, એ દિવસ મારી વિટંબણાનો દિવસ હતો. સંજીવ કોહલીએ બનાવેલા ચાર્ટ મુજબ મારે પહેલા જ દિવસે ગાવાનું હતું. સાંજે સાત વાગ્યાનો સમય નક્કી થયો હતો અને પહેલો જ દિવસ હતો એટલે ઘણાં ટેક્નિકલ કામો પણ જોઈ લેવાનાં હતાં. હું બરાબર પાંચ વાગ્યે હોટેલ તાજ પહોંચી ગયો. એ સમયે મારી પાસે ફિયાટ ગાડી હતી. એનું ઑફિશ્યલ નામ પ્રીમિયર પદ્‍મિની પણ કહેવાય એ ફિયાટ. આ ગાડી આજે પણ મારી પાસે સચવાયેલી પડી છે, એની સેન્ટિમેન્ટલ વૅલ્યુ મારા માટે બહુ મોટી છે.
ફિયાટમાં હું, મારી વાઇફ ફરીદા (એ સમયે અમારા બન્નેનાં પણ લગ્ન નહોતાં થયાં) ગાડીમાં હૉસ્પિટલ ગયાં. ત્યાં જઈને પિતાશ્રીને મેં મારા બીજા આલબમની એટલે કે ‘મુકર્રર’ની રેકૉર્ડ બતાવી. એ જોઈને તેઓ ખુશ થઈ ગયા હતા. તેમની આંખમાં ગજબની ચમક પથરાઈ ગઈ હતી. તેમના ચહેરા પર રહેલો ભાવ મને સ્પષ્ટ વંચાતો હતો. ભાવથી તેઓ કહેતા હતા કે હવે મારા દીકરાએ જીવનમાં કંઈક પામ્યું છે અને હવે તે સતત આગળ વધવાનો છે.
તેમણે મને ખૂબ આશીર્વાદ આપ્યા. તેમણે આપેલા આશીર્વાદમાંથી એક આશીર્વાદ હું ક્યારેય ભૂલવાનો નથી. તેમણે મને કહ્યું હતું કે ‘ઈશ્વર કરે તારી આવી હજારો રેકૉર્ડ બને.’
તેમના આશીર્વાદ લઈને હું તાજ પહોંચ્યો. જે ક્રિસ્ટલ બૉલરૂમમાં કાર્યક્રમ હતો એની બાજુના એક રૂમને ગ્રીનરૂમ બનાવવામાં આવ્યો હતો. એ રૂમમાં બધા કલાકારો ભેગા થયા હતા. જેમના સંગીતનો હું બહુ મોટો ચાહક છું અને જેમને હું ‘બડે ભૈયા’નું સંબોધન કરું છું એ ભૂપિન્દર સિંહ રૂમના દરવાજાની બરાબર સામે બેઠા હતા. હું જઈને તેમની પાસે બેઠો અને તેમની સાથે મેં ચર્ચા શરૂ કરી. મારે ચાર ગઝલ ગાવાની હતી. મારી રીતે મેં તૈયારી કરેલી છતાં તેમને મેં એ ગઝલ દેખાડી એટલે તેમણે પણ રસપૂર્વક એ બધી વાતો સાંભળી. એ પછી અમે મ્યુઝિશ્યન સાથે તૈયારી કરી, કહો કે રિહર્સલ્સ કર્યાં, જરૂરી સૂચનાઓ આપી અને જરૂરી સૂચન મેળવ્યાં. પહેલા દિવસની એ સાંજે મારે અને મારા ઉપરાંત ભૂપિન્દર સિંહ, અનુરાધા પૌડવાલ અને અન્ય મળી કુલ ૬ લોકોનો પર્ફોર્મન્સ હતો. બધા એસ્ટૅબ્લિસ્ટ આર્ટિસ્ટ અને એ બધાની સામે હું બિલકુલ નવો કહેવાઉં એવો. મને કહેવામાં આવ્યું કે સૌથી પહેલાં પર્ફોર્મન્સ મારે જ આપવાનો છે.

આ પણ વાંચો : Mumtaz:70ના દાયકાની શાનદાર અભિનેત્રી જુઓ આજે કેવા લાગે છે

સ્ટેજ ગોઠવાઈ ગયો, માહોલ બની ગયો અને ઑડિયન્સ પણ આવી ગયું. એ વખતે એવું હતું કે આ પ્રકારનું સંગીત જમીન પર બેસીને બેઠકના સ્વરૂપમાં સાંભળવામાં આવતું એટલે બૉલરૂમમાં ગાદી-તકિયા ગોઠવાયાં હતાં, જેના પર આવીને લોકો ગોઠવાઈ ગયા હતા. થોડી અનાઉન્સમેન્ટ અને એ પછી મારા નામની અનાઉન્સમેન્ટ આવી અને મારે જવાનો સમય આવ્યો.
(હવે વાંચીશું આવતા બુધવારે...)

pankaj udhas columnists