પદ્મશ્રીની અનાઉન્સમેન્ટ સમયે હું અવાચક થઈ ગયો

27 February, 2019 03:10 PM IST  |  | પંકજ ઉધાસ

પદ્મશ્રીની અનાઉન્સમેન્ટ સમયે હું અવાચક થઈ ગયો

ક્યારેય ન જોયેલું સપનું : પદ્મશ્રીની એક બાજુએ આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ છે અને પદ્મ તથા શ્રી લખ્યું છે, જ્યારે બીજી બાજુએ આપણું ત્રણ સિંહની મુખાકૃતિવાળું રાષ્ટ્રીય ચિહ્ન વાપરવામાં આવ્યું છે.

દિલ સે દિલ તક

નાનપણમાં આ સર્વોચ્ચ સન્માન વિશે ઘણું જાણ્યું હતું, વાંચ્યું હતું; પણ જ્યારે એના માટે મારું નામ અનાઉન્સ થયું ત્યારે એ બધી માહિતીઓનું બાષ્પીભવન થઈ ગયું

રાજકોટથી રાષ્ટ્રપતિ ભવનની વાત કરીએ છીએ અને એ ભવન તરફની મારા બીજા પ્રવાસની શરૂઆત થઈ નેવુંના દશકમાં.

મેં તમને લાસ્ટ વીક કહ્યું એમ એ દિવસોમાં મારે એક કાર્યક્રમમાં વિલાસરાવ દેશમુખને મળવાનું બન્યું. વિલાસરાવ દેશમુખ એ સમયે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા. મારી ગઝલો તેમને ખૂબ ગમતી એની મને ખબર નહીં, પણ એક પ્રાઇવેટ ફંક્શનમાં હું તેમને મળ્યો. એ સમયે તેમણે કહ્યું પણ ખરું કે મારે તમારો એક પ્રોગ્રામ વિધાનસભ્યો માટે કરવો છે, પણ એવું કશું થતું નહોતું. બન્નેમાંથી કોઈને સમય મળતો નહોતો. એવામાં એક દિવસ મારે એક નૅશનલાઇઝ્ડ બૅન્કનો કાર્યક્રમ કરવાનો થયો. બૅન્કને સો વર્ષ પૂરાં થતાં હતાં, જેના માટે બૅન્કે ખાસ આમંત્રિતો માટે કાર્યક્રમ રાખ્યો હતો અને એમાં વિલાસરાવજી ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા. તેમણે બૅન્કને માત્ર પંદર મિનિટ જ આપી હતી, પણ પછી તેમને ખબર પડી કે તેમની સ્પીચ પછી મારો કાર્યક્રમ છે એટલે તેમણે પોતાના બીજા કાર્યક્રમો પોસ્ટપોન કરી દીધા અને ગઝલ સાંભળવા નિરાંતે બેસી ગયા.

કાર્યક્રમ પૂરો થયો એટલે તે મારી પાસે આવ્યા અને મને ફરીથી કમિટમેન્ટ કર્યું કે આપણે બહુ જલદી મળીએ છીએ, પણ પછી વાત ફરીથી રહી જ ગઈ અને બન્ને પોતપોતાનાં કામમાં એવા તે વ્યસ્ત થઈ ગયા કે કોઈને યાદ જ ન રહ્યું. પણ ૨૦૦૫ની સાલમાં મારો એક કાર્યક્રમ નાગપુરમાં રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ગોપીનાથ મુંડેએ કર્યું હતું. આ કાર્યક્રમમાં મને વિલાસરાવજી ફરી મળી ગયા. મેં તેમને જોયા અને તેમને દૂરથી નમસ્કાર કર્યા. તરત જ તે મારી પાસે આવી ગયા અને માફી માગતા હોય એવા સ્વરે કહ્યું કે દર વખતે તમને પ્રૉમિસ કર્યા પછી કંઈ ગોઠવાતું નથી. હું હસી પડ્યો અને મેં કહ્યું કે હું સમજી શકું છું કે આપ કેવા બિઝી છો એટલે એ બાબતમાં તમે નિષ્ફિકર રહો. થોડી આડીઅવળી વાતો થઈ. બધાની હાજરી હતી એટલે હસીમજાક પણ થઈ અને પછી અચાનક વિલાસરાવજી મને એક બાજુએ લઈ ગયા

અને ત્યાં તેમણે મને પૂછ્યું : તમને પદ્મશ્રી મળી ગયો?

‘ના.’

મારો આ જવાબ હતો અને એ જ વાસ્તવિકતા હતી, પણ તેમણે તરત જ મારા જવાબનો વિરોધ કરતાં હોય એમ કહ્યું કે તમે ખૂબ સારું કામ કરો છો, ગઝલની આટલી સેવા કરો છો. તમે પદ્મશ્રીને લાયક છો. આ સન્માન તમને મળવું જ જોઈએ.

અમારી વચ્ચે આ વાત થતી હતી ત્યારે જોગાનુજોગ એ પણ હતો કે મારી ગઝલગાયકીને ૨૫ વર્ષ પૂરાં થયાં હતાં. મેં તેમને પણ આ જ વાત કરી તો તરત જ તેમણે મને કહ્યું કે હું વાત કરીશ અને હું રજૂઆત કરીશ કે આવી ભૂલ ન થવી જોઈએ.

થોડી વારમાં કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ એટલે અમારી વાતચીત અટકી ગઈ અને પછી તો કાર્યક્રમ શરૂ થયો અને વિલાસરાવજી ક્યારે નીકળી ગયા એના પર મારું ધ્યાન પણ નહોતું. હું તો વાત પણ ભૂલી ગયો અને મારા કામમાં વ્યસ્ત થઈ ગયો અને એવામાં થોડાં અઠવાડિયાં પછી મને વિલાસરાવજીની ઑફિસથી તેમના સેક્રેટરીનો ફોન આવ્યો. એ ભાઈએ મારી પાસે મારો આખો બાયોડેટા મગાવ્યો જે મેં

બે દિવસમાં મોકલી દીધો અને પછી ફરીથી હું મારી કૉન્સર્ટ અને રેકૉર્ડિંગમાં હું વ્યસ્ત થઈ ગયો.

આ સમય દરમ્યાન મારા બાયોડેટા પર બધી ફૉર્માલિટીઓ થઈ હશે અને ચીફ મિનિસ્ટરની ઑફિસથી એ કાગળો દિલ્હી ગયા હતાં અને સાથે રેકમેન્ડેશન કરવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ઇચ્છે છે કે આમને પદ્મશ્રી મળવો જોઈએ. આ બધી વાત વિચારવાની એ દિવસોમાં કોઈ ક્ષમતા પણ નહોતી અને એની પ્રોસેસ શું હોય એ પણ મેં ક્યારેય જાણ્યું નહોતું અને એના વિશે ક્યારેય કોઈ સાથે વાત પણ નહોતી થઈ. આ બધી વાતની જાણ મને તો છેક ત્યારે થઈ જ્યારે એની ઑફિશ્યલી જાહેરાત થઈ.

આપ સૌને ખબર જ છે કે આ અવૉર્ડની જાહેરાત રિપબ્લિક ડેની સાંજે એટલે કે ૨૫ જાન્યુઆરીની સાંજે કરવામાં આવે છે. એ સમયે હું મારા ઘરે હતો અને મારા ઘરમાં ટીવી પણ ચાલતું નહોતું કે હું ન્યુઝ જોતો હોઉં. હું મારું કામ કરતો હતો અને મારા એક નજીકના મિત્રનો ફોન આવ્યો અને તેણે વાતની શરૂઆત જ સીધી કૉન્ગ્રેચ્યુલેશનથી કરી એટલે મેં કારણ પૂછ્યું તો મને તે કહે કે જલદી ટીવી ઑન કર. એમ છતાં પણ મેં તેને કારણ પૂછ્યું તો તેણે કારણ કહેવાને બદલે એ જ વાત પકડી રાખી કે તું ટીવી ઑન કર અને જલદી જો.

મેં ટીવી ઑન કર્યું. ન્યુઝ ચૅનલ સેટ કરી તો ચૅનલની સ્ક્રીન પર બ્રેકિંગ ન્યુઝ આવતા હતા અને સાથોસાથ એના પર પદ્મશ્રી માટે જેમને પણ પસંદ કરવામાં આવ્યા હતા તેમનાં નામો આવી રહ્યાં હતાં. મેં ધ્યાનથી જોયું તો એમાં મારું પણ નામ હતું. હું રીતસરનો સ્પીચલેસ બની ગયો.

સાવ સાચું કહું તો એ સમયે મેં એવી ધારણા માંડી હતી કે મારા કોઈ આલબમ વિશે કશું આવતું હશે, પણ મેં એવું નહોતું વિચાર્યું કે પદ્મશ્રી રિલેટેડ કોઈ વાત હશે.

પદ્મશ્રી. દેશના શ્રેષ્ઠ ખિતાબ પૈકીનો એક ખિતાબ. અમારા જેવા કલાકારો માટે તો આનાથી મોટું કોઈ બહુમાન હોઈ પણ ન શકે અને એ બહુમાન માટે મારા નામની પસંદગી! મારા માટે આ બહુ મોટું સુખદાર્ય હતું. મેં એ સ્પીચલેસ અવસ્થા વચ્ચે જ ફરી વખત ટીવી સામે જોયું. એ સમયે સ્ક્રીન પર બીજાં નામો ચાલતાં હતાં. પત્રકાર સુચેતા દલાલનું નામ પણ એમાં હતું અને બૉક્સર મૅરી કૉમનું નામ પણ એમાં હતું. નામો એકધારા આવ્યાં કરતાં હતાં અને એમાં ફરી વખત મારું નામ આવ્યું. આ બીજી વખત નામ આવ્યું ત્યારે પહેલી વખત મારું ધ્યાન ગયું હતું કે મેં ટીવીનું વૉલ્યુમ બંધ રાખ્યું હતું. મેં વૉલ્યુમ વધાર્યું. એ સમયે ઍન્કર પણ મારું નામ બોલી એટલે મને વિશ્વાસ આવી ગયો કે આ કોઈ સપનું નથી; આ હકીકત છે, વાસ્તવિકતા છે કે મને પદ્મશ્રી આપવામાં આવ્યો છે. રાજકોટનો એક છોકરો દેશના સર્વોત્તમ સન્માન સુધી પહોંચે એ વાત જ મારા માટે ગર્વ સમાન હતી. મારી આંખ સામે મારી આખી સફર પસાર થઈ ગઈ હતી. થોડી મિનિટોના એ ફ્લૅશબૅક મારી ચડતીપડતી, મારો સંઘર્ષ બધું જ યાદ કરાવી દીધું હતું અને આંખ સામે મારા પેરન્ટ્સ પણ આવી ગયા હતા.

પદ્મશ્રી વિશે ખબર હતી અને અનેક પદ્મશ્રીની હાજરીમાં કાર્યક્રમ પણ કર્યો હતો એટલે આ અવૉર્ડથી જેમને નવાજવામાં આવ્યા હોય એ મહાનુભાવોના ઑરા પણ મેં લીધી હતી, અનુભવી હતી. હવે એ જ સન્માન માટે મારી પસંદગી કરવામાં આવી હતી. એ સમયે મારી આંખ સામે હું પદ્મશ્રી અવૉર્ડ લાવવાની કોશિશ કરતો હતો, પણ કમનસીબે મને એ અવૉર્ડ યાદ નહોતો આવતો. એ કેવો દેખાય, એના પર કેવી ડિઝાઇન હોય એ કશું મને યાદ નહોતું આવતું. નાનપણમાં રાજકોટમાં સમાજશાસ્ત્ર નામના વિષયમાં પદ્મશ્રી અને અન્ય બીજાં સન્માનો વિશે માહિતી આપતો પાઠ ભણવામાં આવતો હતો, પણ જે સમયે પદ્મશ્રીની અનાઉન્સમેન્ટ થઈ એ સમયે મને અવૉર્ડ યાદ નહોતો આવતો. મારે એ યાદ કરવો હતો, મારે એ જોવો હતો; પણ એ મારી આંખ સામે ન આવ્યો તે ન જ આવ્યો.

આ પણ વાંચો : દીવારોં સે મિલકર રોના અચ્છા લગતા હૈ, હમ ભી પાગલ હો જાએંગે ઐસા લગતા હૈ

પદ્મશ્રીની આ જે જાહેરાત હતી એ જાહેરાત સમયે મને યાદ પણ નહોતું રહ્યું કે વિલાસરાવ દેશમુખે મારી પાસેથી જે બાયોડેટા મગાવ્યો હતો એ આના માટે જ મગાવ્યો હતો. આગળની વાત નેક્સ્ટ વીકમાં કરીશું, પણ એ પહેલાં કહીશ કે પદ્મશ્રી માટે હવે નિયમોમાં થોડા ફેરફારો કરવામાં આવ્યા છે. પણ એ સમયે પદ્મશ્રી માત્ર પ્રસ્થાપિત સરકાર દ્વારા જ સૂચવવામાં આવતા અને કેન્દ્ર સરકારે આપેલાં એ સૂચનોની સ્ક્રુટિની કરીને અવૉર્ડની અનાઉન્સમેન્ટ કરતી. એ અનાઉન્સમેન્ટ પહેલાં જે-તે રાજ્ય સરકારને પણ એની જાણ કરવામાં આવતી નહીં. (આવતા વીકમાં અવૉર્ડ લેવા માટે જઈશું આપણે રાષ્ટ્રપતિભવનમાં)

pankaj udhas columnists