બડે દિનોં કે બાદ, હમ બેવતનોં કો યાદ, વતન કી મિટ્ટી આયી હૈ

30 October, 2019 04:00 PM IST  |  | દિલ સે દિલ તક - પંકજ ઉધાસ

બડે દિનોં કે બાદ, હમ બેવતનોં કો યાદ, વતન કી મિટ્ટી આયી હૈ

દોસ્તીનો સંગમ : રાજેન્દ્રકુમાર અને રાજ કપૂર ખૂબ સારા ભાઈબંધ હતા. આ ભાઈબંધીને લીધે જ તેમણે રાજ કપૂરની ફિલ્મ ‘સંગમ’ સાઇન કરી હતી, જેમાં લીડ ઍક્ટ્રેસ વૈજયંતીમાલા હતાં.

‘ચિઠ્ઠી આઇ હૈ, વતન સે ચિઠ્ઠી આઇ હૈ...’

આ ગીતની સર્જનયાત્રા વિશે આપણે લાંબી વાત અગાઉ થઈ ગઈ છે, પણ આજે આ ગીત અને આ વિષય નવેસરથી યાદ આવવાનાં બે કારણ છે.

એક તો હમણાં ટ્રાવેલિંગ પુષ્કળ રહે છે એટલે ફ્લાઇટમાં વારંવાર જવાનું બને અને જ્યારે પણ હું પ્લેનમાં બેસું ત્યારે આ ગીત સાથે જોડાયેલી એક ઘટના મને અચૂક યાદ આવે. બીજું કારણ, એ ઘટનાની સાથે જે વ્યક્તિ સંકળાયેલી છે એ વ્યક્તિને થોડા સમય પહેલાં ફરી એક વાર મળવાનું બન્યું. ‘ચિઠ્ઠી આઇ હૈ...’ ગીત સાથે જોડાયેલી એ વ્યક્તિ એટલે લક્ષ્મીકાંત-પ્યારેલાલ પૈકીના પ્યારેલાલજી. લક્ષ્મીકાંત-પ્યારેલાલે ફિલ્મ ‘નામ’નું મ્યુઝિક આપ્યું હતું. ફિલ્મ ‘નામ’નું ‘ચિઠ્ઠી આઇ હૈ, વતન સે ચિઠ્ઠી આઇ હૈ...’ ગીત અનેક પ્રકારના રેકૉર્ડ બનાવી ચૂક્યું છે. એ ગીતની જર્ની વિશે, ગીત કેવી રીતે બન્યું અને કેવી રીતે એ ગીતનું સર્જન થયું એ વિશે મેં તમને કહ્યું હતું એમ, આપણે વિગતે વાત કરી છે પણ એમ છતાં એક પ્રસંગ મને હમણાં યાદ આવ્યો જે મને આ વખતે કહેવો છે.

થોડા સમય પહેલાં જમશેદપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ માટેનો આ કાર્યક્રમ હતો. કાર્યક્રમ માટે અનેક લોકોની ફરમાઇશ આવવાની ચાલુ જ હતી, એ ફરમાઇશમાં એક ફરમાઇશ છેક બંગલા દેશથી આવી. ફેસબુક પર એક ચાહકમિત્ર શો લાઇવ કરતો હતો તેને આ ફરમાઇશ મળી અને તેમણે એ ફરમાઇશ મારા સુધી પહોંચાડી.

‘ચિઠ્ઠી આઇ હૈ...’ અમારે ત્યાં અનેક ઇન્ડિયન છે, તમારી એ ગઝલથી અમને શાંતિ મળશે, અમને લાગશે કે અમે વતન સાથે જોડાઈ ગયા છીએ.’

આ પ્રકારની આ ફરમાઇશ હતી. આ ફરમાઇશમાં કોઈ નવી વાત નથી એવું કહું તો ચાલે. આ ગીત લોકોએ એવી રીતે વધાવી લીધું છે જાણે કે એ રાષ્ટ્રગીત હોય. એક પણ કાર્યક્રમ એવો નહીં હોય જે આ ગીત વિના પૂરો થાય. હું ઇચ્છું તો પણ નહીં અને પબ્લિક તો ઇચ્છતી જ નથી કે આ ગીત ન ગવાય. આ ગીત માટે મારે ચોક્કસ લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને આનંદ બક્ષીસાહેબનો આભાર માનવો જોઈએ. તેમનો આભાર જેટલો માનું એટલો ઓછો છે એમ કહું તો પણ ચાલે.

‘ચિઠ્ઠી આઇ હૈ...’ ગીત આઇકૉનિક નઝ્‍મ બની ગઈ છે એમ કહીએ તો ચાલે. અનેક કિસ્સા એ પ્રકારના છે જેણે આ નઝ્‍મને કાયમ માટે મારા મનમાં, મારા દિલમાં જીવતી રાખવાનું કામ કર્યું છે. થોડા સમય પહેલાં મારો એક શો જયપુરમાં હતો. જયપુરમાં શો ચાલુ હતો એ દરમ્યાન એક ભાઈ આવ્યા અને મને તેમણે એક બુક આપી. એ ભાઈ કહે કે આ બુક મેં પોતે જ લખી છે અને આ બુક મેં તમને ડેડિકેટ કરી છે. મારે માટે આ વાત તાજ્જુબની હતી.

અગાઉ હું તેમને મળ્યો નહોતો કે ક્યારેય તેમની સાથે કોઈ વાત થઈ હોય એવું પણ બન્યું નહોતું અને એ પછી પણ એક આખી બુક મને ડેડિકેટ થઈ હોય એ વાત નવાઈ જ કહેવાય. મને આશ્ચર્ય થયું કે આવું તેમણે શું કામ કર્યું. મેં તેને પૂછ્યું તો મને કહે કે તમે એક વાર વાંચશો તો તમને સમજાઈ જશે કે આ બુક મેં તમને શું કામ અર્પણ કરી છે. થોડી વાત થઈ પછી મને જેકાંઈ ખબર પડી એ વાત ખરેખર સુખદ આંચકો આપનારી હતી.

એ મહાશય અમેરિકામાં રહેતા હતા. સિલિકૉન વૅલીની આઇટી ઇન્ડસ્ટ્રીમાં મોટી પોસ્ટ પર હતા. તેમની પોઝિશનનો અંદાજ તમને ત્યારે આવે જ્યારે તેની સૅલેરીની ખબર પડે. ૯૦ના દસકામાં તેમને રોજના ૧૫૦૦ ડૉલરનું પૅકેજ હતું. બહુ સુખી અને વેલસેટલ્ડ હતા તેઓ. કોઈ પ્રકારની તકલીફ નહીં, કોઈ જાતની જરૂરિયાતો નહીં, બધું સુખ, બધી સુવિધાઓ હાથવેંતથમાં જ હતી તેમની. જીવનમાં કોઈ જાતનો પ્રૉબ્લેમ નહોતો અને મસ્તમજાની જૉબ હતી. અમેરિકા જેવો દેશ, સુખી પરિવાર. આવા સમયે માણસને બીજું શું જોઈએ પણ બનવાકાળ, એક વખત તેમણે અચાનક એક હોટેલમાં ‘ચિઠ્ઠી આઇ હૈ...’ સાંભળ્યું.

આ ગીત આજે પણ અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં આવેલી ઇન્ડિયન હોટેલમાં નિયમિત વાગે છે. હમણાંની જ વાત કહું તો ન્યુ ઝીલૅન્ડના મારા એક શો દરમ્યાન એક હોટેલમાલિકે કહ્યું કે તહેવારોમાં તો અમે આ ગીત એકધારું વગાડતા હોઈએ. બધા હોટેલમાં જમવા આવે ત્યારે તેમને વતનની યાદ અપાવીએ અને એ યાદ અપાવ્યા પછી તેઓ બધું ભૂલીને ફોન કરીને પોતાની ફૅમિલી સાથે વાતો કરે.

‘ચિઠ્ઠી આઇ હૈ...’ ગીત એ મહાશયે પણ સાંભળ્યું અને એ ગીતે તેમની લાઇફમાં જબરદસ્ત પરિવર્તન લાવવાનું કામ કર્યું. ખબર નહીં પણ કેમ, આ ગીતને લીધે તેઓ એવા તે ઇમોશનલી મોટિવેટ થયા કે તેમણે જૉબ છોડવાનું નક્કી કરી લીધું. પહેલાં તેમણે જૉબ છોડી અને એ પછી તેમણે પોતાનું અમેરિકાનું આખું સેટઅપ પણ ધીમે-ધીમે છોડી દીધું. ઘર, એક મોટેલ લીધી હતી એ અને બે ગાડીઓ તથા બધું ફર્નિચર અને બીજું રાચરચીલું. બધું વેચી નાખ્યું અને તેઓ પાછા ઇન્ડિયા આવી ગયા. ઇન્ડિયા આવ્યા પછી તેમણે નવેસરથી શરૂઆત કરી. નવી શરૂઆત ક્યાંય પણ હોય એમાં સંઘર્ષ હોય જ, શરૂઆતમાં તેમણે પણ સંઘર્ષ કર્યો અને પછી તેમને ખૂબ જ સરસ સફળતા મળી અને આજે તેઓ અબજોપતિ છે. તેઓ કોઈ જાતના શબ્દો ચોર્યા વિના એ જ કહે છે કે જો મેં ‘ચિઠ્ઠી આઇ હૈ...’ ન સાંભળ્યું હોત તો મેં ક્યારેય ઇન્ડિયા પાછા આવવા વિશે વિચાર્યું પણ ન હોત.

એક ગીતની આવી અસર હોય. આ સ્તરે એ ગીત લોકોનાં મન પર, દિલ પર પ્રસરી જાય એ કલ્પી પણ ન શકાય, પણ આ કામ આ ગીતે કર્યું હતું અને એનું શ્રેય આ ગીતના સર્જન સાથે જોડાયેલા સૌકોઈને જાય છે. આજે પણ આ ગીત જ્યારે માઇકમાં આવવાનું શરૂ થાય છે ત્યારે લોકોની આંખમાં પાણી આવી જાય છે. હમણાં હું ફૉરેનની એક ટૂર પૂરી કરીને આવ્યો. એ ટૂરમાં પણ આ જ માહોલ હતો. જેવું ગીત શરૂ થાય, જેવું ગીત આગળ વધે કે તરત જ લોકો ભાવુક બની જાય, તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવાનું શરૂ થઈ જાય. આ ગીતના એકેક શબ્દોમાં ભાવના છે, લાગણી છે, પ્રેમ છે અને એવું ભાગ્યે જ બને કે એકસમાન ભાવના અને લાગણી તમામ સ્તરે અકબંધ રહે. ગીત ખૂબ જ સરસ રીતે આનંદ બક્ષીએ લખ્યું, જેના પર મ્યુઝિકની કમાલ લક્ષ્મીકાંત-પ્યારેલાલજીએ કરી અને તેમણે એ ગીતના શબ્દોમાં સંગીત એવી રીતે મૂક્યું જાણે સોનામાં સુગંધ ભેળવતા હોય.

જયપુરના એ સજ્જન તો માત્ર એક ઉદાહરણ છે. આ ગીત સાંભળીને વિદેશમાં સેટ થઈ ગયેલા અનેક લોકો સ્વદેશ પાછા આવ્યા અને અહીં આવીને તેમણે પોતાની ફૅમિલી સાથે કરીઅર નવેસરથી શરૂ કરી અને એમાં પણ ખૂબ સરસ સફળતા મેળવી. દરેક કૉન્સર્ટ વખતે આવા નવા-નવા કિસ્સા સાંભળવા મળે અને એ સાંભળવા મળે ત્યારે એક નવી જ ઊર્જા આવી જાય. વતનનો પ્રેમ એવો જ પ્રેમ છે જેને માત્ર એક નાનકડી ચિનગારીની જરૂર હોય છે.

લતા મંગેશકરનું એક અમર ગીત છે...

‘અય મેરે વતન કે લોગોં,

ઝરા આંખ મેં ભર લો પાની,

જો શહીદ હુએ હૈં ઉનકી,

જરા યાદ કરો કુરબાની.’

બન્ને ગીતના ભાવ જુદા છે, પણ આ બન્ને ગીતમાં ક્યાંક વાત દેશની છે. એક ગીતમાં વાત દેશપ્રેમની છે અને બીજા ગીતમાં વાત કુટુંબ કે પછી પરિવારપ્રેમની છે. ‘ચિઠ્ઠી આઇ હૈ...’ ગીતનું રેકૉર્ડિંગ પૂરું કરીને મારે તરત જ જયપુર જવાનું થયું હતું. જયપુરથી પાછો આવતો હતો ત્યારે મેં જોયું કે એ જ ફ્લાઇટમાં રાજ કપૂરજી હતા. હું તેમની પાસે ગયો, પગે લાગ્યો અને પછી મેં તેમને મારી ઓળખાણ આપીને કહ્યું, ‘હું પંકજ ઉધાસ.’

તેમણે તરત જ મને કહ્યું, ‘અરે હા, તને તો હું ઓળખું છું. ‘ચિઠ્ઠી આઇ હૈ...’ સે તુમ અમર હો ગયે હો.’

મને નવાઈ લાગી હતી કે આ ગીત તો હજી સુધી રિલીઝ પણ નથી થયું ત્યાં આમને કેવી રીતે ખબર પડી. તેમણે કઈ રીતે એ ગીત સાંભળી પણ લીધું. જોકે આવી વાત તો તેમને પુછાય પણ નહીં એટલે મેં કંઈ પૂછ્યું નહીં. એ પછી મુંબઈ આવ્યા બાદ રાજેન્દ્રકુમારજી સાથે વાત થઈ ત્યારે બધી ખબર પડી હતી.

બન્યું હતું એવું કે રાજેન્દ્રકુમાર અને રાજ કપૂર બહુ જ સારા ભાઈબંધ હતા. તેમણે ‘સંગમ’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. રાજેન્દ્રજીએ પોતાના જ ઘરમાં એક સ્ટુડિયો બનાવ્યો હતો, જ્યાં આ ગીતનું એડિટિંગ થયું હતું. ગીત એડિટ થઈને રેડી થયું એટલે એક દિવસ રાજેન્દ્રજીએ રાજ કપૂરને ઘરે જમવા બોલાવ્યા. જમવાનું પત્યા પછી રાજેન્દ્રકુમારે આ ગીત ચાલુ કરી દીધું. રાજ કપૂરની આંખમાં આંસુ આવી ગયાં અને તેમણે ત્યારે જ રાજેન્દ્રકુમારને કહ્યું કે ‘આ ગીત કોઈ ક્યારેય ભૂલી નહીં શકે. આ ગીત ભલભલાની આંખમાં આંસુ લાવી દેશે.’

આ વાત આજે પણ સાચી પુરવાર થઈ રહી છે.

columnists pankaj udhas