મેરે દુશ્મન ભી જાનતે હૈં યે, કિતના તરસા હૂં દોસ્તી કે લિએ

24 July, 2019 12:47 PM IST  |  મુંબઈ | દિલ સે દિલ તક: પંકજ ઉધાસ

મેરે દુશ્મન ભી જાનતે હૈં યે, કિતના તરસા હૂં દોસ્તી કે લિએ

નાયાબ શેખાદમઃ ‘નાયાબ’ આલબમ સમયે મને શેખાદમની તકલીફની ખબર પડી અને મારી આંખનાં આંસુ થીજી ગયાં.

(‘નાયાબ’નું રેકૉર્ડિંગ અને ગઝલ સિલેક્શનનું કામ સાથે ચાલતું હતું. શેખાદમ આબુવાલા વિના કામ કરવાની મજા આવે નહીં, પણ દોસ્તીયારીમાં તમે કોઈને વધુ હેરાન પણ ન કરી શકો એટલે મેં શરૂઆત તો એમ જ પસાર કરી, પણ પછી એક દિવસ મેં તેમને કહ્યું કે તમે આવી જાઓ એટલે સાથે બેસીને બધું કામ પૂરું કરી નાખીએ, પણ સંજોગોવશાત્ શેખાદમ ન આવ્યા. મેં તેમને ફોન પર કહ્યું, ‘તમે પ્લીઝ મને નવી તાજી ગઝલ મોકલી આપો અને બને તો એક વખત પર્સનલી આવી જાઓ તો તમને અને મને બન્નેને રાહત થઈ જાય.’ પણ શેખાદમે માત્ર વાત સાંભળીને ચર્ચા અટકાવી દીધી. એ સમયે મને ખબર નહોતી, પણ તેઓ મારાથી એક વાત છુપાવતા હતા. ગયા વીકમાં આપણે આ વાત કરી. હવે અહીંથી વાત આગળ વધારીએ...)

એ જ ફોનમાં શેખાદમે મને કહ્યું હતું કે તબિયત હમણાં સહેજ નરમગરમ ચાલે છે એટલે પછી આવું છું. તબિયત વિશે વધારે કશી ખબર નહોતી એટલે મેં ધારણા બાંધી કે સામાન્ય એવું કશુંક હશે. હું તો એ પછી ‘નાયાબ’ના કામમાં લાગી ગયો અને શેખાદમ પણ એકાદ વીક પછી આવી ગયા. તેઓ આવ્યા અને અમે ‘નાયાબ’ માટે જેકંઈ એકઠું કર્યું હતું એ બધા પર ઘણી ચર્ચા કરી અને એકબીજાના વિચાર જાણ્યા. એ આખો દિવસ અમે સાથે રહ્યા અને મોડી સાંજે તેમણે મને કહ્યું કે પંકજ, મારી તબિયત ઠીક નથી લાગતી એટલે આજે પૂરું કરીએ. મેં તેમને મારે ત્યાં જ રોકાઈ જવાનું કહ્યું, પણ તેમણે કહ્યું કે બહેનના ઘરે જાઉં છું, કાલે મળીએ પાછા. શેખાદમ આબુવાલાનાં એક બહેન મુંબઈમાં રહે છે અને તેમનાં બીજાં બહેન બતુલબહેન અમદાવાદમાં રહે છે.

બીજા દિવસે તેમનો ફોન સામેથી જ આવ્યો અને મને કહ્યું કે તબિયતમાં સારું નથી લાગતું એટલે હું અમદાવાદ આવી ગયો છું, મારે થોડાં ચેકઅપ કરાવવાનાં છે. એ કરાવીને હું પછી મુંબઈ આવું છું. મેં તેમને મુંબઈ આવી જવાનું કહ્યું એટલે મને કહે કે કંઈ ચિંતા જેવું નથી. રિપોર્ટ શું આવે છે એના પર જોઈએ, રિપોર્ટ આવે પછી કહું તમને કે કેવા રિપોર્ટ છે. વાત અમારી પૂરી થઈ ગઈ.

એ પછી તો મારું કામ ચાલતું રહ્યું અને વચ્ચે-વચ્ચે અમે બન્ને વાત પણ કરી લઈએ. તબિયત વિશે પણ પૂછતો રહું તેમને. તબિયતની બાબતમાં તેઓ ખાસ ફોડ પાડીને વધારે વાત કરે નહીં અને તેમના એ પ્રકારના સ્વભાવની મને પણ વધારે ખબર નહીં. હું તો માનું કે તબિયત બધી રીતે બરાબર હશે, જરાતરા કોઈ પ્રૉબ્લેમ હશે, પણ વધારે કંઈ નહીં. એવામાં એક દિવસ મારો કાર્યક્રમ અમદાવાદમાં જ આવ્યો.

હું તો ખુશ થઈ ગયો. અમદાવાદ કાર્યક્રમ હોય એટલે મારી ખુશી એ જ વાતની હોય કે મને શેખાદમ સાથે વાત કરવા મળશે, અમને સાથે સમય પસાર કરવા મળશે. એ કાર્યક્રમ સમયે મેં બીજા દિવસની સાંજની ટિકિટ કરાવી. હેતુ એવો કે વધારેમાં વધારે વખત હું શેખાદમ સાથે રહી શકું. તેઓ ક્યાંય બહાર નહીં ગયા હોય એવી ધારણા પણ હતી અને અમારી વચ્ચે થયેલી વાતોને કારણે પણ મને ખબર હતી કે તેઓ ક્યાંય જવાના નહોતા.

હું તો અમદાવાદ પહોંચ્યો. રાતે કાર્યક્રમ પૂરો કરીને બીજા દિવસે જ્યારે હું શેખાદમને મળવા ગયો ત્યારે ખબર પડી કે હૉસ્પિટલમાં તેમની સર્જરી ચાલુ છે. મારે માટે આ બહુ મોટા શૉકની વાત હતી. હું સીધો હૉસ્પિટલ ગયો. ત્યાં મને તેમના બનેવી એટલે કે શેખાદમનાં બહેન બતુલબહેનના હસબન્ડ મળ્યા. શેખાદમને પણ મળ્યો. મને તેમના પર ગુસ્સો કરવો હતો, પણ ગુસ્સો મારો સ્વભાવ નથી અને એ જગ્યા પણ ગુસ્સા માટે બરાબર નહોતી એટલે હું ત્યાંથી નીકળી ગયો.

શેખાદમની સર્જરી ડૉક્ટર મોદીએ કરી હતી. હું ડૉક્ટર મોદીના ટચમાં રહેતો અને તેમને શેખાદમની તબિયત વિશે પૂછતો રહેતો. તેઓ પણ મને વિગતવાર અપડેટ આપતા રહેતા. મને ત્યાં સુધી ખ્યાલ નહોતો કે શેખાદમને ખરેખર શું થયું છે. એ પછી અમારા આલબમના ‘નાયાબ’નો ફાઇનલ રેકૉર્ડિંગનો સમય આવ્યો અને રેકૉર્ડિંગમાં શેખાદમ વિના મને ચાલે નહીં એટલે મેં અમદાવાદ તપાસ કરી તો ખબર પડી કે શેખાદમની તબિયત જરાય સારી નથી. એ સમયે મને ખબર નહોતી, પણ તેમણે મને કહ્યું કે હું આવીશ.

એ પછી શેખાદમ મને ખાસ મળવા મુંબઈ આવ્યા. મને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે તેઓ આવ્યા ત્યારે સાંજનો સમય હતો. એક બેડરૂમનો અમારો ફ્લૅટ અને તેઓ સીટિંગ-રૂમમાં બેઠા હતા. હું તેમને મળવા બહાર ગયો ત્યારે સાંજના આછા અંધારામાં હું તેમને ઓળખી નહોતો શક્યો. તેમનો ચહેરો સાવ કૃષ થઈ ગયો હતો. વજન અત્યંત ઘટી ગયું હતું અને ગાલ હડપચીનાં હાડકાં સાથે ચોંટી ગયા હતા. મને જોઈને તેઓ મને ભેટી પડ્યા. એ દિવસે મને પહેલી વાર ખબર પડી કે શેખાદમને કૅન્સર છે.

મારે માટે એ વાત બહુ દુખદ અને શૉક આપનારી હતી. હું જેમને નજીકથી ઓળખતો હતો એ માણસ આ રીતે કૅન્સર જેવી બીમારી સામે ઝઝૂમતો હતો અને છતાં તેમણે મને એના વિશે એક શબ્દ પણ કહ્યો નહોતો. મેં તેમને કહ્યું કે પ્લીઝ, તમારું ધ્યાન રાખો અને આપી શકાય એ રીતે ઠપકો પણ આપ્યો કે આવું હોય તો મને કહી દેવું જોઈએ આવવાનું, હું અમદાવાદ આવી જાત. શેખાદમની ખાસિયત કહું તમને, એવી અવસ્થા વચ્ચે પણ હું જ્યારે થોડો ગળગળો થયો હતો ત્યારે તેમણે મને કહ્યું હતું કે તું શું આટલી ચિંતા કરે છે, હું સારો થવાનો છું એટલે તો બીમાર પડ્યો છું. મારી ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે તું ‘નાયાબ’ની ચિંતા કર, આપણે એ આલબમને સુપરહિટ અને સક્સેસફુલ બનાવવાનું છે.

શેખાદમ એ રાતે જ પાછા નીકળી ગયા અને એ પછી અમારી કોઈ મુલાકાત ક્યારેય થઈ નહીં. વાત ૧૯૮પની છે. એ રાતે હું મારા એક એવા મિત્રને અંતિમ વખત જોઈ રહ્યો હતો જેમણે મારી કરીઅર પર ખૂબ મહત્ત્વનું કામ કર્યું હતું અને મારી કરીઅરને સાચી રીતે એક દિશા આપી હતી. શેખાદમ આબુવાલા રવાના થયા એ પછી મેં ‘નાયાબ’માં તેમની એક ગઝલ સિલેક્ટ કરી અને બીજા દિવસે સૌથી પહેલાં એ ગઝલ રેકૉર્ડ કરી. એ ગઝલના શબ્દો હતા...

ઝિંદગીને મૌત સે પરદા કિયા, અય કફન તુને તો શરમિંદા કિયા.

ઉનકો આના થા ઔર ના આયે યહાં, મરનેવાલા રાસ્તા દેખા કિયા.

ગઝલનું રેકૉર્ડિંગ ચાલતું હતું અને એ દરમ્યાન મને સમાચાર મળ્યા કે શેખાદમ આબુવાલા હવે આપણી વચ્ચે નથી રહ્યા.

તારીખ હતી ૨૦મી મે અને વર્ષ હતું ૧૯૮પનું.

મેં તરત જ નીકળવાની તૈયારી કરી. બીજી કોઈ વાત નહીં, મને તેમની પાસે જવું છે. થયું કે તેમના બનેવી શિરાઝ રંગવાલાને ફોન કરી દઉં જેથી તેઓ રાહ જોઈ શકતા હોય તો રાહ જુએ, પણ શિરાઝભાઈએ મને કહ્યું કે તમે ન નીકળતા. હતું એવું કે એ દિવસોમાં અમદાવાદમાં ભયંકર તોફાન ચાલે. આખા શહેરમાં કર્ફ્યુ હતો. બે કોમ વચ્ચે કોઈ બાબતમાં મતભેદ થયા હતા, જેને લઈને જ્યાં જુઓ ત્યાં આગજની અને પથ્થરમારો ચાલે. હિન્દુ-મુસ્લિમ આમ ઝઘડે અને બીજી તરફ, એક મુસ્લિમ મિત્રના જનાજામાં સામેલ થવા એક હિન્દુ મિત્ર ઉતાવળો થતો હતો. શિરાઝભાઈએ કહ્યું કે આવી પરિસ્થિતિમાં તમે આવશો તો બહુબધી તકલીફ થશે અને બધા હેરાન થઈશું એટલે મહેરબાની કરીને આપ ન આવો એ જ સારું છે. તેમણે જ મને કહ્યું કે શેખાદમ તો તમને મળી નથી શકવાના તો પછી શું કામ આ રીતે તકલીફ ઉઠાવો છો, શાંતિથી આવજો. હું તમારી સાથે શેખાદમની મઝાર પર આવીશ. એ સમયે બન્ને મિત્રો શાંતિથી વાતો કરજો.

આ પણ વાંચો : શેખાદમની મને એવી તે આદત પડી ગઈ કે તેમના વિના મને કામ કરવાનું ગમે નહીં

મેં ફોન મૂકી દીધો. એ સમયે મારા ટેલિફોનની પાછળ શેખાદમની જ એક બુક પડી હતી. શેખાદમની એક આદત હતી. તેઓ કોઈને પણ પોતાની બુક આપે ત્યારે એના પર એક શેર લખીને આપે. એ બુકનો શેર મને જિંદગીભર યાદ રહેવાનો છે. તેમણે લખ્યું હતું,

કિસકે આંસુ ગીરે કફન પે મેરે,

કૌન રોયા હૈ અજનબી કે લિએ,

મેરે દુશ્મન ભી જાનતે હૈં યે,

કિતના તરસા હૂં દોસ્તી કે લિએ.

pankaj udhas columnists