શેખાદમની મને એવી તે આદત પડી ગઈ કે તેમના વિના મને કામ કરવાનું ગમે નહીં

Published: Jul 17, 2019, 13:12 IST | પંકજ ઉધાસ - દિલ સે દિલ તક | મુંબઈ ડેસ્ક

ગુજરાતી સાહિત્ય માટે શેખાદમ આબુવાલા એવરેસ્ટ સમાન છે, તેમની માણસાઈની ઊંચાઈને કોઈ આંબી નહીં શકે

નાયાબ ઇન્સાન : શેખાદમ આબુવાલાએ મારાં શરૂઆતનાં આલબમોની પસંદગીમાં જ નહીં, પણ એ પછી કાયમ મારે કેવા પ્રકારની ગઝલોની પસંદગી કરવી જોઈએ એ બાબતમાં પણ મને પુષ્કળ શીખવ્યું અને સમજાવ્યું છે.
નાયાબ ઇન્સાન : શેખાદમ આબુવાલાએ મારાં શરૂઆતનાં આલબમોની પસંદગીમાં જ નહીં, પણ એ પછી કાયમ મારે કેવા પ્રકારની ગઝલોની પસંદગી કરવી જોઈએ એ બાબતમાં પણ મને પુષ્કળ શીખવ્યું અને સમજાવ્યું છે.

દિલ સે દિલ તક

દીવારોં સે મિલકર રોના અચ્છા લગતા હૈ,
હમ ભી પાગલ હો જાએંગે ઐસા લગતા હૈ

મેં શેખાદમ આબુવાલાની સામે આ ગઝલ કમ્પોઝ કરી હતી. એકેક શેર તૈયાર થતા જાય અને મને તેમની વાહવાહીથી ચાનક ચડે અને આમ અમારું કામ આગળ વધતું જાય. એક સમયે આખી ગઝલનું કમ્પોઝિશન તૈયાર થઈ ગયું એટલે મેં પહેલેથી આખી ગઝલ તેમની સામે રજૂ કરી. તેઓ એટલા મગ્ન થઈને એ સાંભળતા હતા કે આજે પણ મારી આંખ સામે શેખાદમનો એ નાના બાળકના ભાવવાળો ચહેરો પ્રસરી જાય છે. આંખો બંધ, કાન એકદમ સજાગ. બંધ આંખો વચ્ચે-વચ્ચે ત્યારે ખૂલે જ્યારે તેમની આંખોમાં અચરજ આવી ગયું હોય કે ખુશી આવી ગઈ હોય. ગઝલ આખી પૂરી થયા પછી તેમણે મને કહ્યું હતું કે પંકજ, તેં ગઝલને અમર કરી દીધી. તું જોજે, આ ગઝલ અને તું એકબીજાના પર્યાય બની જશો. જ્યારે ગઝલ વાગશે ત્યારે તું યાદ આવીશ અને જ્યારે તારી વાત નીકળશે ત્યારે લોકો તારી આ ગઝલને અચૂક યાદ કરશે.

પોતાની જ ગઝલનો ભોગ લેવાયો છે એ જાણ્યા પછી પણ આવું સ્ટેટમેન્ટ કોઈ કરી શકે તો એ માત્ર અને માત્ર શેખાદમ આબુવાલા જ કરી શકે. તેઓ એકદમ સાફદિલ હતા. એક વખત અમે બેઠા હતા ત્યારે તેમણે જ મને મારી એક વાત પર ધ્યાન દોરતાં કહ્યું હતું કે ‘પંકજ મેં તારા કામની એક નોંધ કરી છે કે ઉર્દૂ ગઝલોમાં જેકોઈ ક્લાસિક શાયરો હતા એ હિન્દી ઓછું અને અરેબિક-પર્શિયન ઉર્દૂ વધારે વાપરતા અને એ જ રચનાઓ ગઝલકારો હાથમાં લેતા, પણ તેં એ બધા વચ્ચે એક નવો ચીલો ચાતરીને સામાન્ય લોકોને સમજાય અને સહેલાઈથી હૈયામાં ઊતરી જાય એવી ગઝલો પસંદ કરી છે, પણ પંકજ, તારે કોશિશ કરવી જોઈએ કે સહેલાઈથી સમજાય એવી અને આજની જનરેશન કનેક્ટ થઈ શકે એવી ગઝલોને પ્રાધાન્ય આપવું જોઈએ.’
અમારી આ વાત ચાલતી હતી એ દરમ્યાન જ તેમણે મને એક સરળ એક્ઝામ્પલ પણ આપ્યું અને કહ્યું કે નૂહ નારવીને તમે વાંચો, તમને બધું સમજાઈ જશે. નૂહ નારવીનું નામ તો સ્વાભાવિક રીતે મેં સાંભળ્યું હતું પણ તેમની અજાણી વાતો એ સમયે મને શેખાદમે કરી. કહેવાય છે કે નૂહ નારવીને ૪૦૦થી વધારે શાગિર્દ હતા. શેખાદમે મને નૂહ નરવીએ લખેલો એક મસલા સંભળાવ્યો. મને આજે પણ એ મસલા યાદ છે...
આપ જીન કે કરીબ હોતે હૈં, વો બડે ખુશનસીબ હોતે હૈં...
શેખાદમ કહે કે ‘જો પંકજ, આમાં ક્યાંય કોઈ ભારે શબ્દો વાપરવામાં નથી આવ્યા કે એક પણ એવો શબ્દ પણ વાપરવામાં નથી આવ્યો કે તમારે શબ્દકોશ જોવા જવું પડે અને છતાં કેટલી સરસ રીતે તેમણે આ આખી વાતને ભાવનાઓ સાથે વ્યક્ત કરી છે. ક્યારેય પણ વાત સિલેક્શનની હોય ત્યારે બહુ જરૂરી છે કે એ સિલેક્શન ક્લાસ પૂરતું સીમિત ન રહે અને એ માસને, સમૂહમાં સૌકોઈને અપીલ કરે. તેમણે મને સલાહ આપતાં કહ્યું કે ‘તમે જ્યારે પણ ગઝલનું સિલેક્શન કરો ત્યારે શબ્દો ભલે સિમ્પલ હોય, પણ એનો મીનિંગ ડાઇલ્યુટ ન થતો હોય અને મીનિંગ ઇન્ટેન્સ હોય તો એ સરળ કે સિમ્પલ શબ્દની ચિંતા નહીં કરતા. જો સરળ શબ્દો સાથેની રચના પસંદ કરવામાં આવી હશે તો એ વાત ખરેખર લોકો સુધી પહોંચશે અને એ રચના પૉપ્યુલર પણ થશે. બસ, બે જ વાતનું ધ્યાન રાખવાનું કે ભાવના કે લાગણીઓ જરા પણ હળવી ન હોવી જોઈએ અને ભાવ એકદમ ધારદાર હોય.’
આ વાત થયા પછી તો મનોમન નક્કી પણ કર્યું કે મારે ગઝલોની પસંદગી બાબતમાં શેખાદમની મદદ લેવી જ જોઈએ. હું તેમની સાથે બેસીને ગઝલોનું સિલેક્શન કરતો. મને અહીં એક એ ગઝલની વાત કરવી છે જે ગઝલ તેમને લીધે મારા જીવનમાં અને મારી કરીઅરમાં આવી. એ ગઝલ મારા દિલની પણ બહુ નજીક છે. મુમતાઝ રાશિદની એ ગઝલ શેખાદમે જ મને ચોપડીમાંથી કાઢીને આપી હતી. આ ગઝલને મેં ‘આહટ’માં સમાવી છે.
કોઈ આહટ ન સદા હૈ મુઝ મેં, જાને ક્યા તૂટ ગયા હૈ મુઝ મેં.
શેખાદમ મુમતાઝ રાશિદને પહેલેથી જ ઓળખે અને એ પણ એક કવિ તરીકે. તેમની પાસે મુમતાઝ રાશિદની એક બુક હતી અને એ બુકમાંથી તેમણે આ ગઝલ કાઢીને મને કહ્યું કે આ ગઝલ જો, કેટલી અનયુઝ્‍વલ છે.
ગઝલ દેખાડ્યા પછી તેમણે મને કહ્યું કે ઊભો રહે, હું જ તને સંભળાવું...
ઝીલ મેં ચાંદ નઝર આયી થી હસરત ઉનકી
કબ સે આંખો મેં લિયે બૈઠા હૂં સૂરત ઉસકી
મુમતાઝ રાશિદની આ ગઝલ માટે હું સહેજ કચવાતો હતો, પણ શેખાદમે જ કહ્યું કે ‘તું મારું માન પંકજ, આ ગઝલ તહલકો મચાવી દેશે.’ આ ગઝલનું કમ્પોઝિશન પણ મેં તેમની સાથે, તેમની સામે બેસીને તૈયાર કર્યું હતું. એટલુંબધું સરસ કમ્પોઝિન, એટલું અનયુઝ્વલ કમ્પોઝિશન બન્યું હતું કે આજે પણ લોકો મને એનો જશ આપે છે. કૉન્સર્ટ હોય ત્યારે અમુક ગઝલો અચૂક મારે લેવાની હોય છે. જો એ ન લીધી હોય તો ફરમાઈશ પર ફરમાઈશ આવવા માંડે અને એ ફરમાઈશને ગણકારું નહીં તો ચાહકો ત્યાં સુધી કૉન્સર્ટ પૂરી ન થવા દે એવું પણ અનેક વખત બન્યું છે, પરંતુ હું શરૂઆતની એ બધી મારી ગઝલોની પૉપ્યુલરિટીનો જશ શેખાદમ આબુવાલાને આપવા માગીશ. ખાસ કરીને, હમણાં આપણે જે બેચાર ગઝલોની વાતો કરી એનો જશ. એ ગઝલો માટે શેખાદમની હાજરીને ઇન્સ્પિરેશન માનીને હું કહીશ કે તેમનામાં ઍન્કરેજ કરવાની જે ક્ષમતા હતી, ઍન્કરેજ કરવાની તેમની જે સ્ટાઇલ હતી એ કાબિલ-એ-તારીફ હતી. એ મનાવી પણ લે, સમજાવી પણ દે અને કામ પણ સરસ રીતે પાર પાડી દે અને એ પછી જરાસરખાય જશની અપેક્ષા ન રાખે. તેમના જેવું અગાઉ મેં કોઈ જોયું નહોતું અને શેખાદમ પછી, હા, તેમના ગયા પછી પણ તેમનું સ્થાન લઈ શકે એવી વ્યક્તિ મને કોઈ મળી નથી. તેમની સાથે બેસીને જે ક્રીએટિવ કામ કર્યું છે એવું ક્રીએટિવ કામ અન્ય કોઈ સાથે થયું નથી એવું કહેવામાં મને જરા પણ સંકોચ નહીં થાય. એક સમય તો એવો પણ આવી ગયો કે મને શેખાદમ વગર કોઈ ક્રીએટિવ કામ સૂઝે નહીં. એવો સમય આવી ગયો કે મને શેખાદમ વિના ચાલે નહીં અને શેખાદમને પણ મારી સાથે વાતો કર્યા વિના મજા ન આવે. અમે સાથે બેસીએ, કંઈકેટલીયે વાતો કરીએ, ચર્ચા કરીએ, ગઝલોની વાતો થાય, એના આરોહ-અવરોહની વાતો પણ થાય, ગઝલો વાંચીએ-ગઝલો સંભળાવીએ. ક્રીએશન થયા કરે અને એમાંથી આલબમ પણ નવાં બનતાં જાય. ‘મહેફિલ’ આલબમ આવ્યું એમાં પણ શેખાદમે ખૂબ મદદ કરી. એ પછી ‘પંકજ ઉધાસ લાઇવ ઍટ આલ્બર્ટ હૉલ’ આવ્યું. એ તો લાઇવ કાર્યક્રમ હતો અને એ પછી પણ તેમણે એમાં ખૂબ અગત્યનાં કહેવાય એવાં સૂચનો કર્યાં, જેને લીધે લાઇવ કાર્યક્રમ સાંભળવો જેમને ગમતો હતો એવા ચાહકોને મજા પડી ગઈ.
અને એ પછી આવ્યું ‘નાયાબ.’

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

‘નાયાબ’નું રેકૉર્ડિંગ પણ ચાલે અને સાથોસાથ ગઝલનું સિલેક્શન પણ ચાલે. શેખાદમને મેં બેત્રણ વખત જણાવ્યું કે તમે આવી જાઓ એટલે સાથે બેસીને બધું કામ પૂરું કરી નાખીએ, પણ સંજોગોવશાત્ શેખાદમ ન આવ્યા. મેં તેમને ફોન પર કહ્યું કે ‘તમે પ્લીઝ મને નવી તાજી ગઝલો મોકલી આપો અને બને તો એક વખત પર્સનલી આવી જાઓ તો તમને અને મને બન્નેને રાહત થઈ જાય.’ પણ શેખાદમે માત્ર વાત સાંભળીને ચર્ચા અટકાવી દીધી. એ સમયે મને ખબર નહોતી પણ તેઓ મારાથી એક વાત છુપાવતા હતા.
(શેખાદમ આબુવાલાના અંતિમ સમયની વાતો કરીશું આવતા અઠવાડિયે)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK