ઔર ભલા ક્યા માંગું મૈં રબ સે, મુઝે તેરા પ્યાર મિલા

09 October, 2019 03:24 PM IST  |  મુંબઈ | દિલ સે દિલ તક - પંકજ ઉધાસ

ઔર ભલા ક્યા માંગું મૈં રબ સે, મુઝે તેરા પ્યાર મિલા

ઓમ શ્રી સરસ્વતી માતાયે નમઃ લતાજી અને સહ‌પરિવાર હું.

લતાજીનું ‘અય મેરે વતન કે લોગોં...’ ગીત મેં નવરાત્રિના દિવસોમાં રાજકોટની જાગનાથ પ્લૉટની નવરાત્રિમાં ગાયું અને એક મહાશયે ઊભા થઈને મને જાહેરમાં ૫૧ રૂપિયાનું ઇનામ આપ્યું. એ સમયે ૫૧ રૂપિયા બહુ મોટા હતા. જોકે ઇનામની રકમ કરતાં પણ મહત્વ છે એ સમયે મળેલા ઍપ્રીશિયેશનની. લતાજીનું એ ગીત મારા જીવનની દિશા બદલનારું બનશે એવું મેં ધાર્યું નહોતું. મેં એ જ ઘડીએ લતાજીને મનોમન ગુરુ માન્યાં અને તેમને મારાં આદર્શ બનાવ્યાં. આજે પણ તેઓ મારાં ગુરુ જ છે, મારાં આદર્શ જ છે. હું તેમને ક્યારેક રૂબરૂ મળી શકીશ એવી મેં કલ્પના પણ નહોતી કરી, પરંતુ મને એ તક પણ મળી. પહેલી વાર તેમને રૂબરૂ મળવાનો અવસર મને મળ્યો, ફિલ્મ ‘અભિમાન’ના ગીતના રેકૉર્ડિંગ સમયે. મોટા ભાઈ મનહર ઉધાસ સાથે તેમણે ‘લૂટે કોઈ મન કા નગર, બન કે મેરા સાથી...’ ગીત ગાયું હતું. એ સમયે પહેલી વાર મને લતાજીનાં સાક્ષાત્ દર્શન થયાં અને હું તેમને પગે લાગ્યો.

એ પછી તો મારી પણ ગાયકીની સફર આગળ વધી અને મેં મારી એ સફર ગઝલ તરફ વાળી. ગઝલો ગાતો રહ્યો, નવાં-નવાં આલબમ આવતાં રહ્યાં અને પછી ૧૯૮૩માં ફિલ્મ ‘નામ’ અને ‘ચ‌િઠ્ઠી આઇ હૈ...’ આવ્યું.

‘ચિઠ્ઠી આઇ હૈ...’થી મેં ફિલ્મોમાં ગાવાનું શરૂ કર્યું. એ પછી તો મેં અનેક ફિલ્મોમાં ગીતો ગાયાં અને મારાં એ ફિલ્મી ગીતો પણ ખૂબ વખણાયાં. મને યાદ છે કે મને એક દિવસ બપ્પી લાહિરીનો ફોન આવ્યો હતો. વર્ષ હતું ૧૯૮૮નું. બપ્પીજીએ મને કહ્યું કે એક ફિલ્મ માટે મારે તમારી પાસે ગીત ગવડાવવું છે. તમને અનૂકુળ હોય એ સમય આપો મને. બપ્પીજી જેવા સંગીતકારને સમય ન આપવાનો હોય, તેમને માટે તો સમય કાઢી લેવાનો હોય. મેં તેમને આ જ વાત ફોન પર કહી અને કહ્યું કે આપ કહો એ સમયે હું આવી જઈશ.

એ સમયે મને ગીત વિશે કશી ખબર નહોતી. તેમણે મને નિર્ધારિત દિવસે આવવાનું કહ્યું. હું તેમના સ્ટુડિયો પહોંચ્યો. જઈને મેં ગીતનું રિહર્સલ કર્યું. ગીતનો ટ્રૅક ઑલરેડી તૈયાર હતો અને રેકૉર્ડ થઈ ગયો હતો. મારે માત્ર વૉઇસ ડબ કરવાનો હતો. મેં મારી તૈયારી કરી એટલે મને બપ્પીજીએ કહ્યું કે આ ગીત ડ્યુએટ છે અને ફીમેલ વૉઇસમાં આ ગીત તમારી સાથે લતાજી ગાવાનાં છે. મારી આંખ સામે તો દિવાળી જેવી ઝળહળતી રોશની થઈ ગઈ.

લતાજીએ ઑલરેડી ગીત રેકૉર્ડ કરી લીધું હતું અને તેમનો ટ્રૅક તૈયાર હતો. હવે મારે જ માત્ર રેકૉર્ડ‌િંગ કરવાનું હતું અને એ પછી પણ મને માનવામાં નહોતું આવતું. મને થયું કે આ બની જ કેમ શકે, રાજકોટનો એક છોકરો જે લતાજીને સાંભળીને શીખ્યો હોય, જે લતાજીનાં ગીતો, તેમની ગાયકીની અને લતાજીની ભક્તિ કરતો હોય તેને લતાજી સાથે ગાવાની તક કેવી રીતે મળી શકે, આવું બને જ કઈ રીતે? અશક્ય છે આ, અસંભવ છે આ. મને બધું સપના જેવું લાગતું હતું. મેં કોઈ જાતનો સંકોચ રાખ્યા વિના મારી લાગણી બપ્પીજી સામે વ્યક્ત કરી દીધી એટલે બપ્પીજીએ પણ હસતાં-હસતાં કહ્યું કે એવું માનવાની જરૂર નથી. તમારે જો સાંભળવું હોય તો તેમણે ગાયેલો ભાગ તમને સંભળાવું.

બપ્પીજીએ મને ગીત સંભળાવ્યું અને મારાં તો રૂંવાડાં ઊભાં થઈ ગયાં. આખું ગીત મેં સાંભળ્યું અને મારી આંખમાં આંસુ આવી ગયાં. મારા માટે એ અદ્ભુત અને અકલ્પનીય અનુભવ હતો. એ ફિલ્મ હતી ‘ઘાયલ’. કલાકારો સન્ની દેઓલ, મીનાક્ષી શેષાદ્રિ અને અન્ય. ગીતના શબ્દો હતા...

‘માહિયા તેરી કસમ, જીના નહીં જીના, મુઝે તેરે બીના

તેરે બીના જીના ભી હૈ ક્યા જીના...’

ગીત સાંભળીને મેં બપ્પીજીને કહ્યું કે મને પાંચેક મિનિટ આપો. મને જરા નૉર્મલ થવા દો. બપ્પીજી પણ વાત સમજી ગયા. તેમણે ચા મગાવી અને તેઓ રૂમમાંથી નીકળી ગયા, જેથી હું એકલો બેસીને જાતને સંભાળી લઉં. થોડી વાર પછી ચા આવી અને ચા આવ્યા પછી બપ્પીજી આવ્યા. અમે સાથે ચા પીધી અને પછી હું ધીમે-ધીમે વાસ્તવિકતામાં આવ્યો. વાત સાચી હતી, હું લતાજી સાથે ગીત ગાવાનો હતો.

મેં રેકૉર્ડિંગ શરૂ કર્યું અને મારો ભાગ રેકૉર્ડ કર્યો. રેકૉર્ડિંગ પૂરું થયા પછી બપ્પીજીએ કહ્યું, તેં જે ભાવ ગીતમાં ઉમેર્યા છે એ બહુ સરસ આવ્યા છે. અદ્ભુત ગીત ગાયું તેં, આ ગીત બીજું કોઈ ગાઈ શક્યું ન હોત. આવી અદાથી ગીત બીજું કોઈ સિંગર તૈયાર કરી શક્યું ન હોત. મેં નમ્રતા સાથે કહ્યું કે એ કામ પણ અત્યારે લતાજીવાળા ટ્રૅકમાંથી હું શીખ્યો છું. લતાજી સાથે ગીત ગાવું એ જરા પણ નાની વાત નથી, સંગીત કે કલા સાથે જેકોઈ જોડાયેલા છે એ સૌને આ વાત ખબર છે.

‘ઘાયલ’ના એ ગીત પછી તો બપ્પીજી સાથે જ મેં બીજાં બે ડ્યુએટ લતાજી સાથે ગાયાં અને એ સિલસિલો ચાલુ થયો. એ દરેક ગીત વખતે મારા મનમાં એક જ વાત ચાલતી કે ક્યાંથી ક્યાં પહોંચી જવાતું હોય છે. ક્યાં રાજકોટથી હું અને ક્યાં સરસ્વતીદેવીનો સાક્ષાત્ અવતાર સમાન લતાજી. હું તેમની સાથે ગીતો ગાઉં એ વાત જ અકલ્પનીય છે, સપના સમાન છે.

એ પછી લતાજી સાથે બીજો એક સિ‌લસિલો શરૂ થયો, જેનો આછોસરખો ઉલ્લેખ મેં લતાજીની વાતો કરતાં પહેલાં એપિસોડમાં કર્યો હતો.

દર વર્ષે ગણેશ મહોત્સવમાં લતાજીને ત્યાં ગણેશ ભગવાનની સ્થાપના થાય, જેમાં ખૂબ ભક્તિથી હું સહપરિવાર તેમને ત્યાં જાઉં અને ગણેશજી સાથે સરસ્વતીમાનાં દર્શન કરું. લતાજીના ભાણેજ આદિનાથ મંગેશકર અને તેમનાં વાઇફ ક્રિષ્ના સૌ સાથે અમને બધાને સારું બને. તેઓ ખૂબ પ્રેમ કરે અને લાગણીશીલ પણ એટલાં જ. અમે જઈએ એટલે આદિનાથ અને ‌ક્રિષ્ના બધી વ્યવસ્થા કરે. અમે બધા સાથે બેસીએ અને એ પછી જો લતાજીની તબિયત સારી હોય તો તેઓ તેમની રૂમમાંથી બહાર આવે અને અમારી સાથે વાતો કરવા બેસે. સંગીતની, સંગીતની દુનિયાની અને એવી બધી વાતો થાય.

એક વાર અમે બેઠાં હતાં ત્યારે લતાજીએ વાતવાતમાં જ મને કહ્યું કે પંકજ તારી સાથેનાં મારાં બધાં ડ્યુએટ ખૂબ જ પૉપ્યુલર થયાં છે.

તેમના આ શબ્દો માત્ર શબ્દો નહોતા, પણ વિશ્વનો સૌથી મોટો અવૉર્ડ હતો. ઑસ્કરથી પણ મોટો જો કોઈ અવૉર્ડ હોય તો એ બધા અવૉર્ડનો આ ખજાનો હતો. ભારત રત્ન કરતાં પણ મારે મન એ શબ્દોનું વધારે મહત્વ છે.

એ પછી તો અમારે અલકમલકની ઘણી વાતો થઈ. લતાજીએ મને વાત કરી એ મુજબ ગણપતિની સ્થાપનાની આ જે પરંપરા હતી એ તેમના પિતાજી શ્રી પંડિત દીનાનાથજીએ શરૂ કરી હતી અને આ વર્ષે એને ૮૦ વર્ષ પૂરાં થયાં. ૮૦ વર્ષથી સતત લતાજીના ઘરે ગણપતિની સ્થાપના થાય છે અને એ આમ જ ચાલુ રહે એવી તેમની ઇચ્છા છે.

આ પણ વાંચો : તેરે બિના ઝિંદગી સે કોઈ, શિકવા તો નહીંઃ સાથી વિનાનું જીવન અને જીવન વિનાનો સાથી

૮૦ વર્ષથી ગણપતિ અને ૨૮ સપ્ટેમ્બરે લતાજીનો ૯૦મો જન્મદિવસ. અનોખો સંયોગ હતો આ. હું મારી સરસ્વતીમાતાને માત્ર એટલું જ કહીશ કે તેમના આ જીવતાજાગતા અવતારને ક્ષેમકુશળ રાખે, તેમને ખૂબ સારું સ્વાસ્થ્ય આપે અને દીર્ઘાયુ બક્ષે. લતાજીના આશીર્વાદ હંમેશાં આપણી સાથે રહે અને એ પૂરી તંદુરસ્તી સાથે શતાબ્દી પૂરી કરે એવી મારી અંતરની લાગણી છે. લતાજીને કારણે સંગીત આજે અમર છે અને લતાજીને લીધે જ આજે સંગીતની અનેક પેઢીઓને પુષ્કળ શીખવા મળ્યું છે. હું પણ એ પૈકીનો એક છું.

pankaj udhas columnists