Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તેરે બિના ઝિંદગી સે કોઈ: સાથી વિનાનું જીવન અને જીવન વિનાનો સાથી

તેરે બિના ઝિંદગી સે કોઈ: સાથી વિનાનું જીવન અને જીવન વિનાનો સાથી

09 October, 2019 02:48 PM IST | મુંબઈ
મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

તેરે બિના ઝિંદગી સે કોઈ: સાથી વિનાનું જીવન અને જીવન વિનાનો સાથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફિલ્મ ‘આંધી’નું આ ગીત અને ખાસ તો ગીતનું આ મુખડું દરેકેદરેક જીવનસાથીને લાગુ પડે છે. ‘તેરે બિના ઝિંદગી સે કોઈ, શિકવા તો નહીં; તેરે બિના ઝિંદગી ભી લેકિન, ઝિંદગી તો નહીં.

કોઈની હાજરીનો તમને જરા પણ અનુભવ ન થાય અને એ અનુભવ ન થતો હોય એટલે હાજરીથી કોઈ ફરક પણ ન પડે એવું પણ બને, પરંતુ એ જ વ્યક્તિની ગેરહાજરીને તમે એક જ ક્ષણમાં અનુભવી શકો એ વ્યક્તિ જીવનની અત્યંત મહત્ત્વની વ્યક્તિ છે એવું માની લેવું, ધારી લેવું. આવો અનુભવ સામાન્ય રીતે અને સામાન્ય સ્તરે જેની સાથે થાય એ જીવનસાથી જ હોય. તમને જગાડવાથી કે તમારા જાગવાની સાથે જ જેનો દિવસ શરૂ થાય અને એ પછી નિયમિત કામ વચ્ચે પણ એકસરખા ઉત્સાહ અને ઉન્માદ વચ્ચે પણ એ દિવસ આગળ વધતો રહે એનું નામ જીવનસાથી. જીવનનું કોઈ ધ્યેય ન હોય અને છતાં જીવનને ધ્યેય આપવાનો સતત પ્રયાસ કરાતો રહે અને જીવનને ખુશનુમા બનાવવાનો પ્રયાસ એકધારો કરવામાં આવતો રહે એ વ્યક્તિ એટલે જીવનસાથી. તમે જરા જોશો તો તમને દેખાઈ આવશે કે તમારા જીવનમાં પણ આવી વ્યક્તિ હોય જ છે અને તમે એને જોયું પણ હોય જ છે.



કાં તો તમારા જીવનસાથીના સ્વરૂપમાં અને કાં તો તમારા પપ્પાના જીવનસાથીના સ્વરૂપમાં, પણ હું તમારા જીવનસાથી કરતાં તમારા પપ્પાના જીવનસાથી વિશે વધારે વાત કરવાનું પસંદ કરીશ, કારણ કે આજની પેઢીના જીવનસાથીઓ ક્યાંક ને ક્યાંક સ્વકેન્દ્રીય હોય એવું મને લાગ્યું છે અને મારી આ માન્યતામાં ક્યાંય રાગદ્વેષ નથી અને એમાં ક્યાંય હું જૂના જમાનાની માનસિકતાને પણ કામે નથી લગાડતો, પણ આ બધા વચ્ચે હું એટલું ચોક્કસ કહીશ કે મારા દીકરાની વાઇફ એક ચોક્કસ ગોલ સાથે આગળ વધશે, પણ મારી વાઇફ અને મારી જેમ જ અનેક પરિવારોમાં એક એવી વ્યક્તિ હોય છે જેનો ગોલ માત્ર ને માત્ર પતિ, બાળકો અને પારિવારિક સંબંધો હોય છે.


આવું કદાચ આજની પેઢીની છોકરીઓમાં ન હોય એવું બની શકે અને આપણને એમાં કોઈ તકલીફ પણ નથી. તકલીફ તો તેના પરિવારને અને તેના હસબન્ડને હોવી જોઈએ, કારણ કે એ તેની અંગત જિંદગી છે અને આવી અંગત જિંદગીનું ખાસ મૂલ્ય રહેતું નથી, પણ વાત જ્યારે ગેરહાજરીને તરત અનુભવ કરાવી દે એવી વ્યક્તિની આવે ત્યારે ખરેખર કહેવાનું મન થઈ આવે કે આખેઆખું આયખું તમારા નામે કરી દેનારી એ સન્નારીઓ પણ આ દેશની સરસ્વતી અને મા લક્ષ્મીથી જરા પણ ઊતરતી નથી. હંમેશાં તેમનો આદર કરો અને એ આદરની સાથોસાથ તેનું સન્માન કરવાની તક પણ ક્યારેય જતી ન કરો. જો એ જતી કરી દીધી તો યાદ રાખજો કે રડવાનો વારો આવશે, જ્યારે તેની ગેરહાજરી તમારી જિંદગીમાં ભરાઈ ચૂકી હશે અને ભરાયેલો એ ખાલીપો તમને કનડતો હશે.

આ પણ વાંચો : રિજેક્શનની રાક્ષસી અસરોથી તમારી જાતને બચાવવી છે? તો રમો આ રમત!


માણસ જાય એ પછી તેની હાજરીનું મૂલ્ય થાય એમાં ગયેલી વ્યક્તિની નહીં, પણ પાછળ રહી ગયેલી વ્યક્તિની નાલોશી છે, એ સંબંધોની શરમ છે. સંબંધોમાં જ્યારે શરમની અવસ્થા વધારે આકરી બનતી હોય છે ત્યારે અફસોસનું પોત મોટું થઈ જાય છે. ભૂલતા નહીં કે સમય આવ્યે સાથીને પણ એનું અદકેરું સ્થાન યાદ કરાવતા રહેજો.

Whatsapp-channel Whatsapp-channel

09 October, 2019 02:48 PM IST | મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK