ડિજિટલ પ્લૅટફૉર્મ જો આ એક વાત સમજી લેશે તો એનો સ્વીકાર સહજ

30 June, 2020 07:24 PM IST  |  Mumbai | Manoj Joshi

ડિજિટલ પ્લૅટફૉર્મ જો આ એક વાત સમજી લેશે તો એનો સ્વીકાર સહજ

પ્રતીકાત્મક તસવીર

કોણે કહ્યું કે ડિજિટલ પ્લૅટફૉર્મ માત્ર યંગસ્ટર્સ માટે જ છે. ટીનેજરથી માંડીને પેરન્ટ્સ સુધીના સૌકોઈ એ જુએ છે અને રિટાયર વ્યક્તિઓને પણ સમય પસાર કરવા ડિજિટલ પ્લૅટફૉર્મ પર જવું છે, પણ મુદ્દો માત્ર એ જ કનેડે છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ યંગસ્ટર્સ માટે છે. ગાલીગલોચ અને સેક્સ સીનથી ભરાયેલી વેબ-સિરીઝને લીધે એ પારિવારિક પ્લૅટફૉર્મ બનવાને બદલે પર્સનલ પ્લૅટફૉર્મ બનીને રહી ગયું છે. જોકે આનું ભાન પણ તેમને પડી ગયું લૉકડાઉનમાં. લૉકડાઉનમાં જ્યારે લોકો ડિજિટલ તરફ વળ્યા ત્યારે આ પ્લૅટફૉર્મથી દૂર રહેનારો પણ એક વર્ગ ઊભો થઈ ગયો. બિઝનેસની એક નીતિ છે, એ ક્યારેય સીમિત વર્ગ સાથે થઈ ન શકે. બિઝનેસને ક્યારેય લગામ ન હોવી જોઈએ. ખાસ કરીને એન્ટરટેઇનમેન્ટના બિઝનેસમાં. રોહિત શેટ્ટી એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તેની પ્રોડક્ટ માટે પણ અને તેને મળેલી હ્યુજ સક્સેસ માટે પણ.

ડિજિટલ પ્લૅટફૉર્મ માટે હવે કોઈ એક જગ્યાએ ઊભા રહીને વિચારવાનો સમય આવી ગયો છે. વિચારના આ સમયમાં એ પણ જોવાનું છે કે જે ક્લાસ તેમના હાથમાં છે એ એન્ટરટેઇનમેન્ટ ઇચ્છતા યંગસ્ટર્સ પણ હાથમાંથી નીકળે નહીં અને ફૅમિલી પણ એ પ્લૅટફૉર્મ પર આવે. આ શક્ય છે. એવું ધારવાની બિલકુલ જરૂર નથી કે ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવનાર દરેક વ્યક્તિ ગાળ કે સેક્સ સીન માટે જ આવે છે. ના, જરાય નહીં. ૧૦ ટકા, હા, વધીને ૧૦ ટકા વર્ગ એવો હશે જે આવું જોવા-સાંભળવા ઇચ્છે છે, બાકીના ૯૦ ટકાને એ વાર્તામાં રસ છે અને વાર્તાને લીધે જ તે આ વેબ-સિરીઝ જુએ છે અને વચ્ચે આવતા આવા સીન અને સંવાદોને સહન કરી લે છે.

ઘણી વાર વિચાર આવે કે જે પોતાની ફૅમિલી કે પછી વાઇફ સાથે બેસીને આ પ્રકારની ગંદી ગાળવાળી વેબ-સિરીઝ જોતા હશે તેઓ ત્યાર પછી એકબીજાની આંખમાં કેવી રીતે જોઈ શકતા હશે. નવી જનરેશનનાં કપલ તો પાછાં એકબીજાને પૂછે પણ ખરાં કે તે ફલાણી વેબ-સિરીઝ જોઈ, જોઈ લેજે, બહુ સરસ છે. કેવી રીતે તમે સહન કરી શકો કે જે અપશબ્દ સાંભળીને કાનમાં કીડા પડે એ જ અપશબ્દો તમારી વાઇફ સહજ રીતે સાંભળી લેતી હોય અને એ પછી પણ એનો રસ એ વેબ-સિરીઝમાં અકબંધ રહેતો હોય? શરમ આવવી જોઈએ અને સંકોચ થવો જોઈએ એકબીજાને જીવનસાથી ગણાવતાં પણ. સારું શું અને સાચું શું એની સભાનતા જે પતિમાં નથી તે પતિનો પરિવાર જંગલમાં ઊગેલા બાવળ જેવો હોય છે. મા સમાણી અને બહેન સમાણી ગાળો સાથેની વેબ-સિરીઝ વિના પણ સારું સર્જન થઈ શકે અને એ સારું સર્જન અગાઉ પણ થયું જ છે. ડિજિટલ પ્લૅટફૉર્મના માલિકોએ સમજવું પડશે કે ભારતમાં જો પ્રસ્થાપિત થવું હોય તો ફૅમિલી-ઓરિયેન્ટેડ બનવું પડશે અને એ બનવા માટે ઘણા રસ્તા છે. ઍડલ્ટ કન્ટેન્ટને છૂટું પાડીને એનું અલગથી સબસ્ક્રિપ્શન લેવામાં આવે એવું પણ કરી શકાય અને ઍડલ્ટ કન્ટેન્ટ માટે પ્લૅટફૉર્મ જ અલગ કરી નાખવામાં આવે તો પણ ચાલે. સહજસ્વીકારનો આ બેસ્ટ રસ્તો છે અને આ રસ્તે જવું આજના સમયમાં અનિવાર્ય અને આવશ્યક પણ છે.

columnists manoj joshi