મૅરડોનાને ડર હતો કે લોકો છેક છેલ્લી ઘડી સુધી તેને પ્રેમ કરતા રહેશે?

29 November, 2020 06:52 PM IST  |  Mumbai | Sejal Patel

મૅરડોનાને ડર હતો કે લોકો છેક છેલ્લી ઘડી સુધી તેને પ્રેમ કરતા રહેશે?

ડિએગો અરમાન્ડો મૅરડોના

ખૂબ નાની વયે ફેમ અને નેમ મેળવી ચૂકેલો ડિએગો અરમાન્ડો મૅરડોના જ્યારે-જ્યારે પણ કોઈ વિવાદમાં સપડાતો કે ક્લબ-ફુટબૉલમાં સારું પર્ફોર્મ ન થતું ત્યારે તેને ચિંતા થતી કે હવે મારા ચાહકો મને પ્રેમ નહીં કરે તો શું? મૅરડોનાની લાઇફ ફુટબૉલના ગ્રાઉન્ડ પર જેટલી હૅપનિંગ હતી એટલું જ તેનું અંગત જીવન પણ ડ્રામૅટિક હતું. જોકે ગયા અઠવાડિયે તેના મૃત્યુ બાદ આર્જેન્ટિનાની ગલીઓ હૃદયદ્રાવક આક્રંદથી છલકાઈ ઊઠી હતી. માત્ર આર્જેન્ટિના જ શું કામ, વિશ્વભરમાં ઠેર-ઠેર તેના ચાહકોએ શોકાંજલિ આપી એ જોઈને કદાચ તેને શાતા વળી હશે

સેજલ પટેલ

ભારતના ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરની જેમ ૧૦ નંબરની જર્સીને અમર કરી દેનાર આર્જેન્ટિનાના ફુટબૉલના ભગવાન ગણાતા ડિએગો મૅરડોનાની વિદાય પછી આર્જેન્ટિનામાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર થયો. અંતિમવિધિમાં આર્જેન્ટિનામાં રોડ પર લાખો લોકોની મેદની ઊતરી આવી અને રીતસરના છાજિયા લીધા. ઇટલીના નેપલ્સ સહિત યુરોપના અનેક કસબાઓમાં પણ બે દિવસનો શોક પળાયો. ઈવન ભારતના કેરળમાં પણ સ્પોર્ટ્સ મિનિસ્ટર ઇ. પી. જયરાજને રાજ્યભરમાં બે દિવસનો શોક જાહેર કરેલો. મોટા ભાગના મીડિયામાં છપાયું છે કે મૅરડોનાની ઇચ્છા તેનાં માબાપની કબરની પાસે તેને દફનાવવામાં આવે એવી હતી. વાત ખોટી નથી, પરંતુ એ તેની લેટેસ્ટ ઇચ્છા નહોતી. ૨૦૦૪માં જ્યારે તેને બીજી વારનો સિરિયસ હાર્ટ-અટૅક આવ્યો ત્યારે તેની હાલત એટલી બધી વણસી ગયેલી કે હૉસ્પિટલમાં પાદરીએ આવીને તેના આત્માની સદ્ગતિ માટેના પાઠ ભણવાનું શરૂ કરી દીધેલું. એ વખતે તેણે પોતાના પાર્થિવને માબાપ સાથે દફનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એ વખતે ચમત્કારે જ તેનો જીવ બચાવ્યો હતો એવું તેણે એ પછીના ઇન્ટરવ્યુમાં કબૂલ્યું હતું. જોકે બુધવારે બ્યુનોસ એર્સના ઘરમાં છેલ્લા શ્વાસ લીધા એ પહેલાં મૅરડોનાએ તેના શરીરને એમ્બ્લેમ્ડ કરીને પ્રિઝર્વ કરી રાખવામાં આવે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે તેની અંતિમવિધિ ક્યાં અને કેવી રીતે થશે એ વિશે મીડિયામાં આવેલા અહેવાલોના આધારે ખૂબબધી પબ્લિક એકઠી થઈ ગયેલી ત્યારે સ્થાનિક અધિકારીઓએ મીડિયાને જણાવેલું કે મૅરડોનાએ અંતિમ સમયમાં લેખિતમાં એવી ઇચ્છા વ્યક્ત કરી છે કે તેની બૉડીને એમ્બ્લેમ્ડ કરી રાખવામાં આવે. આ પ્રક્રિયામાં શબને મસાલા ભરીને સંઘરી રાખવામાં આવે અને જ્યાં એ રાખવામાં આવ્યું હોય ત્યાં ચોક્કસ સ્થાનક જેવું બનાવવામાં આવે. જોકે તેના મૃત્યુના ૧૦ કલાક બાદ મૅરડોનાના પાર્થિવને સંઘરી રાખવાને બદલે ફૅમિલીએ તેને દફનાવવાનું નક્કી કર્યું હતું અને તેનાં માતાપિતાની કબરની બાજુમાં જ તેની અંતિમક્રિયા થઈ હતી. આમ પાર્થિવને જાળવીને લોકોના હૃદયમાં રહેવાની તેની આખરી ઇચ્છા અધૂરી જ રહી ગઈ. હા, જીવનની છેલ્લી ઘડી સુધી લોકોનો પ્રેમ પામતા રહેવાની તેની ઇચ્છા જરૂર પૂરી થઈ હતી.

આટલીબધી સફળતાની અપેક્ષા નહોતી

એક ઇન્ટરવ્યુમાં  મૅરડોનાએ પોતાના જીવનની અંતરંગ વાતો શૅર કરતી વખતે કહેલું કે બાળપણથી જ મને ખબર હતી કે હું જરૂર સફળ થઈશ અને કંઈક નોખું કરીને ખાસ જગ્યા બનાવીશ, પણ તેને એ જસ્ટ ૧૦-૧૨ વર્ષની ઉંમરે જ લોકોમાં ચાહના મેળવવાનો મોકો મળશે એવું ક્યારેય વિચાર્યું નહોતું.

સૌ જાણે છે કે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એર્સ પાસેના વિલા ફિઓરિટો નામના એક નાનકડા ગામમાં અત્યંત ગરીબ પરિવારમાં તેનો જન્મ થયેલો. ૮ ભાઈ-બહેનોમાંથી તેનો નંબર પાંચમો હતો. ત્રણ વર્ષનો હતો ત્યારે તેના કાકાએ એક જૂનો ફુટબૉલ તેને ભેટ આપેલો. એ વખતે ફુટબૉલ શું હોય અને એ કેવી રીતે રમાય એની કોઈ ગતાગમ ન હોવા છતાં તે આખો દિવસ ફુટબૉલ ગળે વળગાડીને ફરતો. રાતે સૂતી વખતે કોઈ એ લઈ ન લે એટલે એ ફુટબૉલને ટી-શર્ટની અંદર ભરાવીને એને ચીટકીને સૂતો. તે જાતે જ ફુટબૉલને જાતજાતની રીતે ઉછાળવાની અને સ્થિર રાખવાની પ્રૅક્ટિસ કરતો રહેતો. ૮ વર્ષનો થયો ત્યારે તે ઍસ્ટ્રેલા રોઝા રેડ સ્ટારની જુનિયર ક્લબમાં ફુટબૉલ રમતો અને ત્યાં એ જ તેની કુશળતા જોઈને લોકો તેને ધ ગોલ્ડન બૉય કહેવા માંડ્યા હતા. આર્જેન્ટિના જુનિયર સ્કાઉટના કોચ ફ્રાન્સિસ્કો કોર્નેજોને તેનામાં રહેલી છૂપી પ્રતિભાનો અંદાજ આવી ગયેલો અને તેઓ એ વખતે કહેતા કે ‘મૅરડોના ફૂટબૉલ સાથે જે કરવું હોય એ કરી શકે એમ છે. આવી સ્કિલ્સ તેમણે કોઈનામાં જોઈ નથી.’

ફૂટબૉલ-ટ્રિક્સથી ફેમ મળી

૯ વર્ષની વયે ડિએગોએ તેના કેટલાક મિત્રો સાથે મળીને લિટલ અન્યન નામની ટીમ બનાવી. આ ટીમનું પ્રદર્શન જોઈને આર્જેન્ટિના જુનિયરે એ ટીમને ટેકઓવર કરી  લીધી. મૅચના હાફ-ટાઇમ દરમ્યાન ભાઈસાહેબ જે રીતે બૉલની સામે રમ્યા કરતા એ મીડિયાના ધ્યાનમાં આવી ગયું અને ૧૦ વર્ષની ઉંમરે જ મૅરડોનાની પાછળ મીડિયા ગાંડું થઈ ગયું. માથા પર ફુટબૉલને સ્થિર રાખતાં અને ડાબા પગેથી ફુટબૉલને અહીંતહીં સતત ઊછળતો રાખવાની ટ્રિક જબરદસ્ત હિટ થઈ અને દરેક મૅચોના હાઇ-ટાઇમનું અટ્રૅક્શન મૅરડોના રહેતો.

…તો પાંચ વર્લ્ડ કપ રમી શક્યો હોત

મૅરડોના ચાર ફિફા વર્લ્ડ-કપ રમ્યો અને ૯૧ ઇન્ટરનૅશનલ ફુટબૉલ મૅચમાં ૩૪ ગોલ કર્યા હતા. ૧૯૭૭માં જસ્ટ ૧૭ વર્ષની ઉંમરે તો તેને ફુટબૉલની આર્જેન્ટિનાની નૅશનલ ટીમમાં સ્થાન મળી ગયેલું. એમ છતાં ૧૯૭૮માં રમાયેલા વર્લ્ડ કપમાં તેને સ્થાન નહોતું મળ્યું. કારણ એટલું જ અપાયું હતું કે ભલે તે ફુટબૉલ સાથે બહુ સારો હોય પણ વર્લ્ડ કપ રમવા માટે તે હજી બાળક છે. ૧૯૭૮નો વર્લ્ડ કપ આર્જેન્ટિના જીત્યું અને એ પછી ૧૯૮૨માં ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે ટીમ ઊતરી ત્યારે મૅરડોનાનો સમાવેશ થયો. પહેલા રાઉન્ડમાં તેણે બે ગોલ પણ કર્યા, પરંતુ બીજા રાઉન્ડમાં જ બ્રાઝિલે આર્જેન્ટિનાને હરાવીને ટુર્નામેન્ટની બહાર ફેંકી દીધું. ૧૭ વર્ષે તેને વર્લ્ડ કપ રમવા ન મળ્યો એનો વસવસો તેને ઘણાં વર્ષો સુધી રહ્યો હતો.

બાવીસ વર્ષે ૭.૨ મિલ્યન પાઉન્ડની વર્થ

આજથી ૩૮ વર્ષ પહેલાં એટલે કે બાવીસ વર્ષની ઉંમરે મૅરડોનાને વિશ્વની સૌથી પૈસાદાર ગણાતી બાર્સેલોના ફુટબૉલ ક્લબમાં રમવા મળ્યું અને એ વખતે તેની કિંમત ૭.૨ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૫૪ કરોડ રૂપિયા જેટલી વર્થ હતી. ખૂબ નાની વયે તેને અઢળક પૈસો મળી ગયો હતો, પરંતુ જ્યારે સફળતા બહુ જલદી મળી જાય ત્યારે એને જાળવી રાખવાનું અઘરું થઈ જાય છે. ગ્રૅન્ડ સ્ટાઇલમાં તેની કરીઅરનો પ્રારંભ થયેલો, પરંતુ કરીઅરનાં છેલ્લાં વર્ષોમાં તેનું નામ કોકેન અને ડ્રગ્સના કેસમાં વારંવાર ઊછળ્યું. કરીઅર જ્યારે પિક પર હતી ત્યારે જ તેણે કોકેનનો નશો શરૂ કરેલો. ૧૯૮૪માં નેપોલી ક્લબ માટે રમવા ગયેલો ત્યારે ઇટાલિયન માફિયા કોમોરાના સંપર્કમાં આવ્યા પછી તો ડ્રગ્સ અને દારૂ બન્નેનું વ્યસન લાગી ગયું. તેના પર ૧૫ મહિનાનો પ્રતિબંધ પણ લદાયો. ૧૯૯૧માં તેના ઘરેથી ૫૦૦ ગ્રામ કોકેનનું પડીકું મળી આવતાં દોઢ વર્ષની જેલ થઈ. જેલમાંથી બહાર આવ્યો ત્યાં સુધીમાં તો તેની કરીઅર ઑલમોસ્ટ ખતમ થઈ ચૂકી હતી.

નિવૃત્તિ પછી નાદુરસ્તી

૧૯૯૭માં તેણે ફુટબૉલમાંથી નિવૃત્તિ લીધી અને એ પછી તેની હેલ્થમાં ઉતાર-ચડાવ આવતા જ રહ્યા. ૨૦૦૦ની સાલમાં પહેલી વાર હાર્ટ-અટૅક આવ્યો. ૨૦૦૪માં સિવિયર હાર્ટ-અટૅકે તેને મોતના દ્વારે ખડો કરી દીધો. એ પછી પણ અવારનવાર મગજની બીમારીને કારણે વારંવાર હૉસ્પિટલાઇઝેશન રહ્યું. છેલ્લે મૃત્યુના થોડા દિવસ પહેલાં જ તેની બ્રેઇન સર્જરી થયેલી. એ વખતે તેને બચાવી લેવા માટે ચાહકોએ અનેક પ્રાર્થનાઓ કરેલી. જ્યારે હૉસ્પિટલમાંથી છુટ્ટી મળવાની હતી ત્યારે રોડ પર લાખો લોકો એકઠા થઈ જશે એવું જણાવતાં તેમને સમય કરતાં વહેલો જ ઘરે શિફ્ટ કરી દેવામાં આવેલો. મગજની બીમારી તો સાજી થઈ ગઈ, પરંતુ આ વખતનો હાર્ટ-અટૅક જીવલેણ નીવડ્યો.

ફરી એક વાર ઇંગ્લૅન્ડ સામે જ ‘હૅન્ડ ઑફ ગૉડ ગોલ’ કરવાની ઇચ્છા હતી

૧૯૮૬માં મેક્સિકોમાં રમાઈ રહેલા ફુટબૉલ વર્લ્ડ કપમાં ડિએગો મૅરડોનાએ કરેલા ગોલ ઑફ ધ સેન્ચુરી માટે આજેય લોકો તેને યાદ કરે છે. ઇંગ્લૅન્ડની ટીમનું કહેવું હતું કે બૉલ મેરાડોનાના હાથને અડીને ગયો હતો. જો એ વખતે આજની આધુનિક વિડિયો મૉનિટરિંગ સિસ્ટમ હોત તો કદાચ ફુટબૉલને હાથ લગાડવા બદલ યલો કાર્ડ પણ મળ્યું હોત, પરંતુ આવી કોઈ સુવિધાઓના અભાવે રેફરીએ એને ગોલ ગણ્યો હતો. એ મૅચ ઇંગ્લૅન્ડ હારી ગયું અને એ જ વર્ષે આર્જેન્ટિના ચૅમ્પિયન પણ બન્યું. આ મૅચ પછી ડિએગોએ કહેલું કે ‘બૉલ થોડો મારા માથાથી અને થોડો ભગવાનના હાથથી ગયેલો.’ આ સ્ટેટમેન્ટ પછી તો આ ગોલને ‘હૅન્ડ ઑફ ગોડ’ તરીકે ખ્યાતિ મળી. હવે તો આ ગોલને ગોલ ઑફ ધ સેન્ચુરી પણ કહેવામાં આવે છે.

તાજેતરમાં ૩૦ ઑક્ટોબરે મૅરડોનાનો ૬૦મો જન્મદિવસ હતો એ વખતે એક ન્યુઝપેપરને આપેલા ઇન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવ્યું કે હવે કોઈ એવું કામ છે જે કરવાનું બાકી રહી ગયું હોય? ત્યારે મૅરડોનાએ કહેલું, ‘મારે ફરીથી એક વાર ઇંગ્લૅન્ડ સામે હૅન્ડ ઑફ ગૉડવાળો ગોલ કરવો છે, પણ આ વખતે જમણા હાથે કરીશ.’

પત્ની અને દીકરીઓ પર જ કેસ કરેલો

મૅરડોનાના જીવનમાં અતિવિવાદાસ્પદ બાબત જો કોઈ હોય તો એ તેણે પોતાની જ પત્ની અને દીકરીઓ સામે કરેલો કેસ છે. ૧૩ વર્ષના લગ્નજીવન બાદ છૂટાં પડ્યા પછી શરૂઆતનાં વર્ષોમાં તો પતિ-પત્ની વચ્ચે ઘણો સારો સંબંધ રહ્યો, પરંતુ થોડાં વર્ષો પહેલાં તેણે પત્ની ક્લોડિયા અને બન્ને દીકરીઓ સામે પૈસા ચોરવાનો આરોપ મૂક્યો હતો.

લગભગ છ વર્ષ સુધી  જેની સાથે સંબંધો રહ્યા એ ગર્લફ્રેન્હ રોસિયોઓલિવા સાથે ૨૦૧૮માં જ બ્રેક-અપ થયેલું અને રોસિયો જ્યારે તેના અંતિમ દર્શન કરવા પહોંચી ત્યારે તેને પ્રેસિડેન્શ્યલ પૅલેસમાં એન્ટ્રી નહોતી આપવામાં આવી.

ક્રિસ્ટિના નામની મહિલા સાથેના સંબંધથી જન્મેલા ફુટબૉલર પુત્ર ડિએગો મેરાડોના સંગારાના પિતા હોવાનો સ્વીકાર મેરાડોનાએ બહુ મોડેથી કર્યો હતો.

વિવાદાસ્પદ જીવન

આમ તો મૅરડોનાએ ક્લોડિયા સાથે પ્રેમલગ્ન કરેલાં અને શરૂઆતનાં વર્ષો બહુ પ્રેમમય વીત્યાં, પરંતુ ૨૦૦૩માં તેણે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટૅન્ડિંગથી ડિવૉર્સ લીધા. આ લગ્ન થકી તેને બે દીકરીઓ દલ્મા અને ગિઆનિયા થઈ. જોકે લગ્નબાહ્ય સંબંધો થકી તેને બીજાં ત્રણ સંતાનો હોવાનું કહેવાય છે.

ઇટલીના નેપલ્સમાં રહેતો ડિએગો સિંગારા એ મૅરડોનાનું અનૌરસ સંતાન હોવાની ૧૯૯૩માં ખબર પડેલી. એક તબક્કે ઇટલીના પ્રિસ્ટે પણ આ દીકરાનું પિતૃત્વ સ્વીકારી લેવાની સલાહ આપેલી, પણ મૅરડોના માન્યો નહીં. ડિએગો સિંગારામાં તો મૅરડોનાનો ફુટબૉલ-પ્રેમ પણ ઊતર્યો છે અને તે ઇટલીની નેપલ્સની ટીમમાં ખૂબ સારું સ્થાન ધરાવે છે. ક્રિસ્ટિના સિંગારા સાથેના અફેરથી જન્મેલા આ દીકરાને મૅરડોનાએ ૨૦૧૫માં પોતાનો દીકરો હોવાનું સ્વીકાર્યું હતું.

૨૦૧૯માં એક અખબારી અહેવાલ મુજબ મૅરડોના જ્યારે ક્યુબામાં રહેતો હતો ત્યારે તેને બીજાં બે અનૌરસ સંતાનો હોવાનું પણ કહેવાય છે.

કહેવાય છે કે મૅરડોના જેટલી ઝડપથી પૈસા કમાતો એટલી જ ઝડપે ઉડાડી પણ દેતો. પૈસાનું હૅન્ડલિંગ બહુ ખરાબ હતું. ૨૦૦૯ના માર્ચ મહિનામાં તેના પર ૩૭ મિલ્યન યુરોનો ટૅક્સ ભરવાનો બાકી હોવાની નોટિસ નીકળી હતી.

columnists sejal patel