તમને ખબર છે કે તમારું દૂરંદેશીપણું પણ તમારા ચક્રને આધીન હોઈ શકે?

25 February, 2021 11:42 AM IST  |  Mumbai | Ruchita Shah

તમને ખબર છે કે તમારું દૂરંદેશીપણું પણ તમારા ચક્રને આધીન હોઈ શકે?

તમને ખબર છે કે તમારું દૂરંદેશીપણું પણ તમારા ચક્રને આધીન હોઈ શકે?

ફિઝિકલ આધારને સ્ટ્રૉન્ગ કર્યો, બેઝિક નીડ પછીની રચનાત્મકતાને સુદૃઢ કરી અને પછી સેલ્ફ-એસ્ટીમ મજબૂત થાય પછી જ શરૂ થાય ઉપરની યાત્રા. પહેલાં ત્રણ ચક્રો પાયાનાં ચક્રો હતાં જેના વિશે આપણે ગયા ગુરુવારે વાત કરી. આ ચક્રોની વિશેષતાઓ સમજ્યા પછી ઉપરની યાત્રા, અધ્યાત્મની દિશામાં ઊર્ધ્વતા તરફ ગતિ કરવી હોય તો એમાં તમારો ગ્રોથ કરી શકવાની ક્ષમતા ઉપરનાં ચક્રોમાં હોય છે. આપણે જેને સુપર પાવર કહીએ છીએ કે વિશેષ આત્મિક શક્તિનો વિકાસ કેટલાક લોકોમાં થયેલો હોય છે એમાં પણ મસ્તિષ્કથી નજીક હોય એવાં ચક્રો ભૂમિકા ભજવી શકતાં હોય છે. અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્રાર ચક્રનું મહત્ત્વ શું છે? એના પર કામ કરીએ તો કેવાં પરિણામ મળી શકે? આ ચક્ર અન્ડરઍક્ટિવ છે કે ઓવરઍક્ટિવ એનાં લક્ષણો શું હોઈ શકે? એને બૅલૅન્સ કરવાના રસ્તા શું હોઈ શકે? આ પ્રશ્નોના જવાબ સાથે આપણી ગયા અઠવાડિયાની અધૂરી વાતને આગળ વધારીએ.

સહસ્રાર

સહસ્રાર ચક્ર અધ્યાત્મની દુનિયામાં ફાઇનલ ડેસ્ટિનેશન જેવી બાબત છે. મસ્તિષ્કના સૌથી ઉપલા ભાગમાં સહસ્રાર ચક્રનું સ્થાન છે. સો પાંખડીવાળા કમળના સિમ્બૉલને કારણે એનું નામ સહસ્રાર પડ્યું હોવું જોઈએ. સહસ્રાર ચક્ર ડેસ્ટિનેશન છે એટલે એને પાવરફુલ બનાવી ન શકાય અથવા એના નબળા થવાની વાત અસ્થાને છે. અહીં તંત્રના કુંડલિનીની ચર્ચા કરવી પડે જેના વિશે વિગતવાર ફરી ક્યારેક આપણે વાત કરીશું. ટૂંકમાં કહેવું હોય તો એવું કહી શકાય કે જ્યારે પ્રાણ ઊર્જાનો ફ્લો નીચલા ચક્રમાંથી સુષુમ્ણા ગ્રંથિમાંથી થઈને ઉપરની તરફ પ્રવાહિત થાય અને છેલ્લે સહસ્રાર ચક્રને ભેદે ત્યારે કુંડલિની જાગ્રત થઈ ગણાય, જેને કારણે ઘણી વાર વ્યક્તિમાં કેટલીક સિદ્ધિઓ જન્મતી હોય છે જેને આપણે સુપરનૅચરલ પાવર કહીએ છીએ. બાયોલૉજિકલી પણ જોઈએ તો આજ્ઞા ચક્ર સાથે પિટ્યુટરી ગ્રંથિ સંકળાયેલી છે. આપણા શરીરમાં પિટ્યુટરી ગ્રંથિ માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખાય છે, કારણ કે ઘણીબધી અન્ય ગ્રંથિઓએ કેમ કામ કરવું એનું ડિરેક્શન પિટ્યુટરી ગ્લૅન્ડ પાસેથી મળે છે. પિટ્યુટરી ગ્રંથિની અન્ય અનેક કાર્યપ્રણાલીઓ હોઈ શકે છે અને એનું સંપૂર્ણ કામ કરવું કયા સ્તર પર વ્યક્તિમાં બદલાવ લાવી શકે એ વિશે હજીયે ઘણાં સંશોધનોને અવકાશ છે. જોકે અધ્યાત્મમાં હાયર પાવર સાથેનું કનેક્શન એ સહસ્રાર ચક્ર, શિવ અને શક્તિનું મિલન અે સહસ્રારની ખૂબી છે.

અનાહત ચક્ર

અનાહત એટલે આલંબન વિના જનરેટ થયેલો અવાજ. ઇનર સાઉન્ડ. નીચેનાં ત્રણ અને ઉપરનાં ત્રણ ચક્ર વચ્ચેનું જંક્શન એટલે આ ચક્ર. હૃદયના મધ્ય ભાગમાં તમારી કરોડરજ્જુ પર આવેલા આ ચક્રનું ડાયરેક્ટ કનેક્શન તમારી ઇમોશનલ હેલ્થ સાથે છે. થાયમસ ગ્લૅન્ડ આ ચક્ર સાથે સંકળાયેલી છે જે તમારી ઇમ્યુનિટીમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એ રીતે હાર્ટ ચક્ર જો બરાબર કામ કરતું હોય તો મજાલ નથી કે તમારી રોગપ્રતિકારક શક્તિને કોઈ હરાવી શકે. જ્યારે નકારાત્મક લાગણીઓ વધે, પ્રેમભંગ જેવો પ્રસંગ બને અથવા હૃદયને ઠેસ પહોંચે એવી કોઈ ઘટના ઘટે ત્યારે આ ચક્રનો ઊર્જા પ્રવાહ ખોરવાઈ શકે છે. માણસ જ્યારે ઇમોશનલી ડાઉન હોય છે ત્યારે તેને કોઈ પણ રોગ ઝડપથી આવે છે, એવું કેમ? કારણ કે હાર્ટ ચક્ર સાથે ડીપ કનેક્શન ધરાવતી થાયમસ ગ્રંથિના કાર્યમાં પણ વિક્ષેપ ઊભો થાય, જેનાથી તમારી ઇમ્યુનિટી ખોરવાય અને શરીરમાં રોગ આવે. તમારાં ફેફસાં, હૃદય, બન્ને ખભા, હાથ વગેરે અવયવો પર પણ અનાહત ચક્રનો પ્રભાવ પડતો હોય છે. પ્રેમ, સંબંધો, આનંદ, શાંતિ, માફ કરવાની ભાવના, વિશ્વાસ મૂકવાનો ગુણ વગેરે હાર્ટ ચક્ર સાથે સંકળાયેલા ગુણો છે. જ્યારે આ ચક્ર સપ્રમાણ સક્રિય હોય ત્યારે આ ગુણોમાં બૅલૅન્સ હોય. આ ચક્ર ઓવરઍક્ટિવ હોય ત્યારે આ ગુણોમાં અતિપણું આવે, જે સામાન્ય જીવનને અનુરૂપ બાબત નથી. જેમ કે અતિલાગણીશીલ હોવાથી હંમેશાં વ્યક્તિ પરાવલંબી હોય. બીજું, ઇન્ટેલેક્ટનો ઉપયોગ નહીં કરતી હોવાથી ઘણી વાર લાગણીના પ્રવાહમાં ખોટી દિશામાં પણ ફંટાઈ જતી હોય છે. હાર્ટ ચક્ર નબળું હોય એ લોકો આ ગુણોના વિરોધી ગુણનો અનુભવ કરતા હોય છે. જેમ કે પ્રેમને બદલે નફરત, અવિશ્વાસ, સતત દુખી રહેવું, અશાંત મન હોય, વેરભાવને પકડી રાખવા, એકલતા, શરમાળપણું અને કોઈનો જલદી સ્વીકાર નહીં કરવો જેવી બાબતોનું સ્વભાવમાં આધિપત્ય હોઈ શકે છે.

સંતુલન લાવવા શું કરી શકાય?

અનાહત ચક્રનો કલર છે લીલો. કરોડરજ્જુ પર છાતીના મધ્ય ભાગમાં લીલા રંગનું ધ્યાન કરતાં-કરતાં મનમાં ‘યં’ બીજ મંત્રનુ ચૅન્ટિંગ કરી શકાય. લીલા રંગનો ઉપયોગ વધારવાથી હાર્ટ ચક્રની સક્રિયતા વધી શકે. ભ્રામરી પ્રાણાયામ અને સોહમ મેડિટેશન કરવાથી પણ હાર્ટ ચક્ર બૅલૅન્સ થતું હોય છે. ભક્તિયોગ હાર્ટચક્રને અનુકૂળ કરવામાં ઉપયોગી છે. વ્યક્તિનું અનાહત ચક્ર સંપૂર્ણ ઓપન હોય ત્યારે નિઃસ્વાર્થ પ્રેમ તેના માટે સહજ બની જાય છે. પ્રભુભક્તિનાં ગીતો અને ભજનો પણ હાર્ટચક્રને ઓપન અપ કરવામાં સહાયભૂત થઈ શકે છે. આ ઉપરાંત મત્સ્યાસન, ઉષ્ટ્રાસન, ધનુરાસન, ચક્રાસન જેવાં ચેસ્ટ ઓપનિંગ આસનો કરવાથી હાર્ટચક્રને સક્રિય કરી શકાય. પંચ પ્રાણમાંથી પ્રાણ નામના પ્રાણનો પ્રભાવ અનાહત ચક્ર પર હોય છે એટલે પ્રાણ મુદ્રા કરી શકાય.

વિશુદ્ધિ ચક્ર

તમારા સર્વાઇકલ રીજનમાં ગળાની વચ્ચેના ભાગમાં કરોડરજ્જુ પર આવેલું આ ચક્ર તમારામાં રહેલી સેલ્ફ-એક્સપ્રેશનની ક્વૉલિટી સાથે સંકળાયેલું છે. વિશુદ્ધિ એટલે કે વિશેષ શુદ્ધિ. આ ચક્રનું કામ ફિલ્ટરેશનનું છે. તમારા અસ્તિત્વમાં તમને અશુદ્ધ કરતી કોઈ પણ બાબતને શુદ્ધિ તરફ વાળવાનું કામ આ ચક્ર દ્વારા થાય છે. વિશુદ્ધિ ચક્ર તમારી સ્પીચ સાથે સંકળાયેલું છે. તમે સેલ્ફ-એક્સપ્રેશનમાં એક્સપર્ટ બની જાઓ, તમને વાતની રજૂઆત કરતાં સારી પેઠે ફાવી જાય, તમારી વાણી લોકપ્રિય અને લોકભોગ્ય બને એ તમામ બાબતો વિશુદ્ધિ ચક્રની ટેરિટરીમાં આવે. થાઇરૉઇડ ગ્લૅન્ડ વિશુદ્ધિ ચક્ર સાથે સંકળાયેલી છે. એટલે કે તમારો ગ્રોથ, મેટાબોલિઝમ, હાર્ટ અને સ્નાયુઓની કાર્યપ્રણાલી, મસ્તિષ્કના અમુક કોષોનો વિકાસ, તમારા શરીરનાં હાડકાંઓનું મેઇન્ટેનન્સ, તમારા શરીરનું ટેમ્પરેચર મૅનેજ કરવું જેવાં અઢળક કામ આ ગ્રંથિ દ્વારા પાર પાડવામાં આવે છે. વિશુદ્ધિ ચક્ર સ્ટ્રૉન્ગ કરો તો એની અસર થાઇરૉઇડના ફંક્શનિંગ પર પણ પડતી હોય છે. જે લોકોનું વિશુદ્ધિ ચક્ર નબળું હોય એ લોકો બોલવામાં શરમાળ હોય, પોતાના વિચારોને અભિવ્યક્ત કરવામાં એ લોકો પાછા પડતા હોય છે. વધુપડતું ઍક્ટિવ હોય ત્યારે લોકો ખૂબ વધારે બોલતા હોય, સાંભળવાની ક્ષમતા આ લોકોમાં ન હોય અને સહેજ ઊંચા અવાજે બોલનારા હોય છે.

સંતુલન લાવવા શું કરશો?

વિપરીત કરણી, સર્વાંગાસન જેવાં આસનો, હં બીજમંત્રનું ચૅન્ટિંગ કરવાથી ફાયદો થઈ શકે. જાલંદર બંધ, ઉજ્જયી પ્રાણાયામ પણ વિશુદ્ધિ ચક્રને સંતુલિત કરવા માટે ઇફેક્ટિવ પ્રૅક્ટિસ મનાય છે. વિશુદ્ધિ ચક્રનો રંગ વાદળી છે. કંઠના ભાગમાં લાઇટ બ્લુ રંગને વિઝ્યુઅલાઇઝ કરીને એના બીજમંત્રનું ધ્યાન કરી શકાય. 

આજ્ઞા ચક્ર

તમારી ભ્રમરના મધ્ય ભાગમાં મસ્તિષ્ક તરફ પણ આપણા અસ્તિત્વનું એક મહત્ત્વપૂર્ણ ચક્ર આવેલું છે. ઊર્જાનો આ સ્રોત એટલે આજ્ઞા ચક્ર. થર્ડ આઇ ચક્ર. ત્રીજી આંખની વાત આવે ત્યારે આપણને શિવજી જ યાદ આવી જતા હોય છે. આજ્ઞા ચક્ર તમારી વિવેકબુદ્ધિ સાથે સંકળાયેલું છે. તમારામાં સ્પષ્ટતા વધારવાનું કામ, તમારી નિર્ણયશક્તિ, તમારું દૂરંદેશીપણું વગેરે માટે પ્રાણ ઊર્જાનો આ સ્રોત બહુ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. આજ્ઞા ચક્ર સાથે ફિઝિયોલૉજિકલી પિનિઅલ ગ્રંથિ સંકળાયેલી છે. આ ગ્રંથિનું મુખ્ય કામ મેલાટોનિન નામના હૉર્મોનનું સપ્રમાણ સિક્રેશન કરવાનું છે, જે તમારી બૉડી ક્લૉકને જાળવે છે. તમારા શરીરનો રિધમ જાળવી રાખવામાં, હાડકાંનું મેટાબોલિઝમ બહેતર રાખવામાં, ઉંમર સાથે આવતી સમસ્યાઓને કન્ટ્રોલમાં રાખવામાં આ ગ્રંથિ મહત્ત્વપૂર્ણ છે. એટલે જ્યારે આજ્ઞા ચક્ર પર તમે ધ્યાન ધરો અને તમારું એ ચક્ર મોડરેટલી સક્રિય હોય ત્યારે ફિઝિયોલૉજિકલી એ પિનિઅલ ગ્રંથિને મદદરૂપ થાય. આ ચક્ર બૅલૅન્સ્ડ હશે ત્યારે તમે વ્યવહારિક અને આધ્યાત્મિક જગત સાથે તાલમેલ સાધી શકો. તમારો ઇન્ટ્યુશન પાવર વધે. જોકે પાયો તૈયાર કર્યા વિના આ ચક્ર વધુપડતું ઍક્ટિવ થાય તો ગાંડપણ આવી શકે, ભ્રમની દુનિયા ખૂલી જાય. આ ચક્ર નબળું હોય ત્યારે વ્યક્તિની નિર્ણાયક ક્ષમતા ઘટી જાય. તેની યાદશક્તિ ઘટી જાય. તે જાતને દિશાહીન ગણે. 

સંતુલન લાવવા શું કરી શકાય?

આજ્ઞા ચક્રને બૅલૅન્સ કરવા માટે ત્રાટક અદ્ભૂત પ્રૅક્ટિસ છે. એ સિવાય એના બીજમંત્ર ૐ નું ઉચ્ચારણ કરી શકાય. આજ્ઞા ચક્રનો રંગ ઇન્ડિગો એટલે કે ભૂરો રંગ છે. આ રંગનું બન્ને આઇબ્રોના વચ્ચે ધ્યાન ધરીને બીજ મંત્રનું ચૅન્ટિંગ કરવાથી લાભ થશે. આજ્ઞા ચક્રના બ્લૉકેજિસને દૂર કરવા નાડીશુદ્ધિ પ્રાણાયામ શ્રેષ્ઠ પ્રૅક્ટિસ ગણાય છે. 

ruchita shah columnists