આજે અરીસામાં જોયું કે નહીં?

27 May, 2020 10:01 PM IST  |  Mumbai | Sejal Ponda

આજે અરીસામાં જોયું કે નહીં?

અરીસામાં જોઈને આજે પોતાની જાતને જજ નથી કરવાની.

ઘરની સ્ત્રી લૉકડાઉન પહેલાં પરિવારના સદસ્યોનાં રૂટીન સાચવવામાં બિઝી હતી. લૉકડાઉન પછી રૂટીન બદલાયું છે. પરિવારના બધા જ સભ્યો ઘરે છે. ત્યારે એવી ઘણી સ્ત્રીઓ છે જે ફરિયાદ કરે છે કે બધા જ ઘરે છે એટલે મારી જાત માટે સમય જ નથી મળતો. પહેલાં પણ એવું જ હતું અને લૉકડાઉન પછી તો કામ વધી ગયું છે. ઘરમાં બધાના ટેસ્ટ અલગ-અલગ હોય એટલે એ પ્રમાણે નાસ્તો બને. એમાંથી માંડ પરવારો એટલે રસોઈની તૈયારી. રસોઈમાંથી પરવારી એકાદ કલાક મળે કે સાંજના ચા-નાસ્તાની તૈયારી. એ પતે એટલે રાતની રસોઈની તૈયારી. હવે આખા દિવસમાં વાસણો પણ ઢગલા નીકળે. એમાં બધાને રોજ નવું-નવું ખાવા જોઈએ. મેઇડ આવતી ન હોય એટલે ઝાડુ-પોતાંની સાથે બીજાં એક્સ્ટ્રા કામ તો માથે હોય જ. હું પોતે જ બાઈ જેવી બની ગઈ છું. 

સતત આ જ રૂટીન હોય તો કોઈને પણ કંટાળો આવે એ સ્વાભાવિક છે. એમાં ઘરમાં કંકાસ વધે. જાત માટે સમય ન મળી શકવાનો વસવસો સ્ત્રીઓને હંમેશાં રહેતો હોય છે. અત્યારે લૉકડાઉનમાં ઘરના સભ્યો કામમાં મદદ પણ કરતા હશે એ છતાં પોતાના માટે સમય નથી મળતો. એમાંય જે સ્ત્રીઓને વર્ક ફ્રૉમ હોમ કરવાનું છે તેમને તો વળી બેવડી જવાબદારી. અકળામણ થાય એ હકીકત છે.
જવાબદારીનો બોજ લાગે એટલે ફરિયાદ થવા લાગે. એમાંય મારા જેવું કોઈ પૂછી લે કે અરીસામાં જોયું કે નહીં? તો-તો કેવો ગુસ્સો આવે, નહીં?
જો આ અકળામણમાંથી બહાર નીકળવું હોય તો અરીસામાં જોવું જ જોઈએ. જરા યાદ તો કરો કેટલા દિવસ કે મહિનાઓથી પોતાની જાતને સરખી રીતે અરીસામાં જોઈ નથી તમે. ઘરનાં કામ કરતાં કરતાં પોતાના ચહેરાની, પોતાના વજનની કાળજી નથી લીધી! કેટલા દિવસથી સરખી રીતે તૈયાર નથી થયાં? ઘરમાં તો છીએ, તૈયાર થઈને ક્યાં જવું છે એવો પ્રશ્ન મનમાં થતો હશે, નહીં? આઇબ્રો વધી ગઈ હશે, વૅક્સિંગ કરાવવાનું હશે. ચહેરા અને વાળની ટ્રીટમેન્ટ કરાવવી હશે. હેરકલર કરાવવાનો હશે. આ બધું જ હમણાં શક્ય નથી. તો શું ઘરમાં રહીને પોતાની જાત પર ધ્યાન નહીં આપો?
આલબમમાંથી જૂના ફોટો કાઢીને સહેલીઓ સાથે ફિર મુસ્કુરાએગા ઇન્ડિયાની ચૅલેન્જ તો તમે સ્વીકારી લીધી, પણ તમારી હમણાંની મુસ્કુરાહટનું શું? સવારે ઊઠીને સૌથી પહેલાં મોબાઇલમાં જોવાને બદલે અરીસામાં જોઈ પોતાની જાતને એક સ્માઇલ તો આપો. તમે ઘણું સારું કામ કરી રહ્યા છો એ માટે પહેલાં પોતાની જાતને બિરદાવો તો ખરા. ઘરમાં હોઈએ એટલે લઘરવઘર ફરવાનું એવું કોણે કહ્યું? કામમાંથી પરવાર્યા બાદ પોતાની જાતને વ્યવસ્થિત કરવામાં ક્યાં કલાકો જતા રહેવાના છે? અરે! ઘરમાં નૉર્મલ ક્રીમ પડયું હોય તો એ ચહેરા પર લગાડી માત્ર સ્ટીમ લઈ લેશો તો પણ ફ્રેશ લાગશે. આપણા કિચનમાં રહેલી સામગ્રી જ આપણી ત્વચાને ફ્રેશ કરી શકે છે.
અત્યારે બધા જ દિવસ રવિવાર જેવા લાગે છે ત્યારે જ્યારે ખરેખર રવિવારનો દિવસ આવે છે ત્યારે એ દિવસનો એકાદ કલાક
તો જાત માટે ફાળવી શકાય કે નહીં? આમ તો રોજ અડધો એક કલાક તો જાત માટે નીકળી જ શકે છે, પણ કામ પત્યા બાદ  થાકને લીધે આળસ આવી જતી હોય છે. સમય મળે તો પણ જાતને સુંદર બનાવવાની ઇચ્છા નથી થતી. સવારે ઊઠતાં વેંત પંદર મિનિટ કસરત કરવાનો સમય તો જાત માટે નીકળી જ શકે છે. જો તમે ઇચ્છો તો. યેસ, ઇચ્છાશક્તિ બહુ અગત્યની છે. ઘરમાં તો છીએ, કોને બતાવવું છે આ વિચાર પહેલાં તો પોતાના મગજમાંથી દૂર કરી નાખો. બીજાને બતાડવા માટે નહીં, જાતને ગુડીગુડી ફીલ કરાવવા માટે વ્યવસ્થિત રહેવાનું છે. ઘરેણાં પહેરીને ફરવાનું નથી કહેતી, પણ જરા પોતાની જાતને જોઈ ચહેરા પર સ્માઇલ આવી જાય એટલા તો વ્યવસ્થિત રહી જ શકાય.
લૉકડાઉન પહેલાં પણ સમય નથી મળતો એવી ફરિયાદ હતી. હજીયે એ ફરિયાદ કન્ટિન્યુ છે. જાત માટે કોઈ સામેથી સમય આપવા નહીં આવે. એ આપણે જ ગોતી લેવો પડશે. જાતને સુંદર બનાવવી એ આપણો હક છે. મનની સુંદરતા તો જરૂરી છે જ એ સાથે
આપણી જાત માટેની કાળજી પણ એટલી જ અગત્યની છે. અરીસામાં જોઈને આજે પોતાની જાતને જજ નથી કરવાની. આત્મમંથન, મનોમંથન ઘણું કરી લીધું આપણે, આજે માત્ર અને માત્ર ફીલગુડ કરવાનું છે. સો લેડીઝ... પોતાની જાતને અરીસામાં જોવા તૈયાર થઈ જાઓ.

columnists Sejal Ponda