આ ડૅડીઝ માટે ડાયમન્ડ સમાન છે એમની ડૉટર્સ

24 January, 2022 11:56 AM IST  |  Mumbai | Jigisha Jain

ભારતમાં એક સમય હતો જ્યારે દીકરાની ચાહમાં દીકરીને દૂધપીતી કરતા અને આજનો દિવસ છે જ્યારે પપ્પાઓ ફક્ત દીકરીની ચાહ કરતા થઈ ગયા છે. આજે મળીએ એવા ડૅડીઓને જેમને સંતાન રૂપે ફક્ત દીકરી જ જોઈતી હતી. આજે એ દીકરીઓ એમના જીવનનો સૌથી મોટો ગર્વ બની ગઈ છે

દીકરીઓ ત્રિશા અને આધ્યા સાથે જિજ્ઞેશ શાહ.

દીકરીને દૂધપીતી કરવી કે દીકરી જન્મે તો અફસોસ કરવા જેટલો વાહિયાત અને બેશરમ આજનો સમાજ નથી પરંતુ હજી પણ જો તમારે દીકરી જ હોય તો કહેવાવાળા લોકોની કમી નથી કે એકાદ દીકરો તો હોવો જોઈએ, એક વાર પ્રયત્ન કરી જુઓ. આવડા મોટા બિઝનેસને કોણ સંભાળશે? દીકરો હોય તો ઘડપણનો સહારો રહે, વંશ આગળ વધે, એ તો કુળદીપક કહેવાય, માતાજીની માનતા કરો, એ તમને ખોળાનો ખૂંદનાર ચોક્કસ આપશે. આ તો થયું સમાજનું વલણ. પણ સમાજ શું આપણાથી અલગ છે? ઘણાં માતા-પિતા પણ આવું જ વિચારતાં હોય છે. મૉડર્ન સમયમાં પણ જે લોકો દીકરી-દીકરાનો ભેદ નથી કરતા એવા અમુક ડૅડીઝ પણ કહેતા હોય છે કે મને દીકરો જોઈએ છે, કારણ કે હું એના થકી મારી જિંદગી ફરી જીવી શકું. મારે એને ખૂબ બગાડવો છે, જલસા કરાવવા છે જે હું નથી કરી શક્યો. દીકરી હોય તો એ બધું ન થાય. પણ આ બધાથી પરે એક એવી પપ્પાઓની ફોજ તૈયાર થઈ રહી છે જેમને ફક્ત દીકરીઓની જ ઇચ્છા રહે છે. જેમના માટે એમની દીકરીઓ એમનું સર્વસ્વ છે. પૂરી આઝાદી સાથે એ એમને મોટી કરી રહ્યા છે અને ચાર માણસો સામે છપ્પનની છાતી કરીને તેઓ કહી શકે કે અમને અમારી દીકરીઓ પર ખૂબ ગર્વ છે. આજે મળીએ એવા પપ્પાઓને. 
સેલ્ફલેસ પ્રેમ 
કોલાબામાં રહેતા ૪૫ વર્ષના પ્રીતેશભાઈ ઠક્કરની બે દીકરીઓ છે, એક ૧૭ વર્ષની કશિશ અને બીજી ૬ વર્ષની કાઇરા. જ્યારે કશિશ જન્મી ત્યારની યાદ તાજી કરતાં પ્રીતેશભાઈ કહે છે, ‘જ્યારે મારી પત્ની પહેલી વાર પ્રેગ્નન્ટ હતી ત્યારે મારી ખૂબ ઇચ્છા હતી કે દીકરી જ જન્મે, કારણ કે મારા જીવનમાં સ્ત્રીઓનું એટલે કે મારી મા, મારી બહેન અને મારી પત્નીનું અત્યંત મહત્ત્વ રહ્યું છે. મેં જોયું છે કે તેઓ એકદમ નિ:સ્વાર્થ પ્રેમ આપી શકે છે. છોકરીઓ સેલ્ફલેસ હોય છે. એટલે મારી ઇચ્છા હતી કે મને દીકરી જ આવે. કશિશ અમારા માટે અઢળક ખુશીઓ લઈને આવી અને એના પછી અમને દીકરાની તો શું પણ બીજા બાળકની ઇચ્છા જ થઈ નહોતી. એટલે અમે એ પ્રયાસ પણ નહોતા કર્યા પરંતુ જ્યારે મારી પત્ની બીજી વાર પ્રેગ્નન્ટ થઈ ત્યારે કાઇરા અમારા માટે બોનસ હૅપીનેસ લઈને આવી હતી. હું ખૂબ ખુશ છું કે મારી બે દીકરીઓ છે અને બન્ને જીવનમાં ક્યાંય પાછી પડે એવી નથી.’ 
દીકરીની સમજદારી 
ભાંડુપમાં રહેતા બિઝનેસમૅન જિજ્ઞેશ શાહને હાલમાં બે દીકરીઓ છે, એક ૨૧ વર્ષની ત્રિશા અને ૨૦ વર્ષની આદ્યા. જિજ્ઞેશભાઈ તેમનાં માતા-પિતા કરતાં પણ તેમની બહેનથી વધુ નજીક છે. એ એક મોટું કારણ છે જેને લીધે તેમને દીકરી જ જોઈતી હતી. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારી બહેન યુએસમાં રહે છે છતાં મારા પેરન્ટ્સનું મારાથી વધુ ધ્યાન એ રાખે છે. જે પ્રકારનો પ્રેમ છોકરીઓ માતા-પિતાને કરતી હોય છે એવો છોકરાઓ નથી કરી શકતા. મારી પત્ની પ્રેગ્નન્ટ હતી ત્યારે મેં દિલથી ઇચ્છ્યું હતું કે મને દીકરી જ આવે અને ત્રિશા અમારા જીવનમાં આવી. મારી પત્ની ગંભીર રીતે બીમાર થઈ ત્યારે નાનકડી ૭-૮ વર્ષની ત્રિશાને હું કહીને જતો કે હું હૉસ્પિટલ જાઉં છું. એ ઉંમરમાં પણ હું જ્યારે હૉસ્પિટલથી આવતો ત્યારે એ મને જમવાનું ગરમ કરીને જમાડતી. તેનામાં આવી સમજણ કઈ રીતે આવતી હશે મને એનો કોઈ અંદાજ નથી. એ યુએસ ભણવા ગઈ છે. ત્યાં પોતાની મજા માટે એ પૈસા નહીં ખર્ચીને પોતે મહા મહેનતે કમાયેલા પૈસાથી મોંઘી કહી શકાય એવી ગિફ્ટ્સ એ મારા માટે મોકલે છે ત્યારે હું ગદગદ્દિત થઈ જાઉં છું.’ 
પિતાનું ધ્યાન 
પત્નીના દેહાંત પછી જિજ્ઞેશભાઈ અને ત્રિશા એકાદ વર્ષ એકલા રહ્યા ત્યારે ૬ મહિનાની અંદર ૧૫ વર્ષની ત્રિશાએ તેમને ફરી લગ્ન કરવા માટે મનાવ્યા. ખુદ તેમના માટે સારું પાત્ર પસંદ કરવામાં મદદ કરી અને તેમનાં લગ્ન કરાવ્યાં. તેમની બીજી દીકરી આદ્યા એ રીતે તેમના જીવનમાં આવી. આદ્યાના જીવનમાં તેમણે પિતાની જગ્યા લીધી અને તેને ભરપૂર પ્રેમ, સિક્યૉરિટી અને પિતાનું છત્ર આપ્યું. એ વિશે વાત કરતાં જિજ્ઞેશભાઈ કહે છે, ‘ત્રિશા આવી અને મારી તરક્કી થઈ એમ આદ્યા પણ મારા માટે નસીબ લઈને આવી. એ પણ ખૂબ લકી છે મારા માટે. મારી અને તેની આદતો ખૂબ મળે છે. એ એકદમ મારા જેવી છે. મારું અઢળક ધ્યાન રાખે છે. ત્રિશા અને આદ્યાએ લૉકડાઉનમાં એક બિઝનેસ આઇડિયા વિશે વિચાર્યું હતું અને મેં તેમના આઇડિયા પર ત્રિઆ નામે કંપની ખોલી છે જે બન્ને દીકરીઓ ભણી લે પછી તેમને સુપ્રત કરી દેવાની તેમની ઇચ્છા છે. આદ્યા એમબીબીએસ અને ત્રિશા બિઝનેસ મૅનેજમેન્ટ ભણે છે.’ 
દીકરીની ચાહ 
ઘાટકોપરમાં રહેતા ૫૩ વર્ષના સપન દોશીને પણ બે દીકરીઓ છે, ૨૬ વર્ષની મિલોની જે ન્યુ યૉર્કમાં પબ્લિક પૉલિસી પ્લાનિંગ ભણી રહી છે અને નાની દીકરી ૨૨ વર્ષની સાંચી એક ડચ કંપની સાથે જોડાઈને કામ કરી રહી છે. દીકરીઓની ચાહ વિશે વાત કરતાં સપનભાઈ કહે છે, ‘અમે બે ભાઈઓ છીએ. એટલે મને તો છોડો, મારાં માતા-પિતાને પણ એવી જ ઇચ્છા હતી કે મને દીકરી આવે. મારા પપ્પાને દીકરીઓ એટલી ગમતી કે અમે નાના હતા ત્યારે આડોશપાડોશની દીકરીઓને ઘરે રમવા તેડી આવતા. અમુક જુનવાણી વિચારધારાવાળા લોકોએ ક્યારેક મને કહ્યું પણ હશે કે બે દીકરીઓ છે, દીકરા માટે એક વખત કોશિશ કરો. પરંતુ મારા ઘરમાં એક પણ વ્યક્તિ એવી નહોતી જેનો ઘણો ફરક પડે. વળી મને બે બાળકો જ જોઈતાં હતાં. બન્ને દીકરીઓ છે એ મારા માટે હર્ષની બાબત હતી. દીકરાની કોઈ ખોટ મને ક્યારેય સાલી નથી.’ 
જવાબદાર દીકરીઓ 

આજના સમયમાં એવા ઘર-પરિવાર ઘણા ઓછા છે જ્યાં દીકરા માટે લોકો મરતા હોય, કારણ કે આજની તારીખે કયો દીકરો એવો છે જે માતા-પિતાની સાથે રહીને એની સંભાળ રાખતો હોય અને એની સામે કઈ દીકરી એવી છે જે લગ્ન પછી એનાં માતા-પિતાનું ધ્યાન ન રાખતી હોય? દીકરીઓ પહેલેથી જ જવાબદાર હોય છે અને એટલે જ માતા-પિતાની અને સાસરી પક્ષની બન્ને જવાબદારીઓ એ સારી રીતે નિભાવી જાણે છે એમ કહેતાં સપનભાઈ ઉમેરીને કહે છે, ‘મારી બન્ને દીકરીઓ ખૂબ સારું કામ કરી રહી છે. બન્ને ખૂબ હોશિયાર અને સફળ છે. મારા બિઝનેસમાં પણ તેઓ મને મદદ કરે છે. એમના આઇડિયાઝ અને એમની સમજણ અનોખી છે. મને બન્ને પર ખૂબ ગર્વ છે.’

દીકરા જેવી દીકરી? 

સમાજની એક પ્રકારની માનસિકતાને સામે લાવતાં પ્રીતેશભાઈ ઠક્કર કહે છે, ‘આપણે મૉડર્ન બનતા જઈએ છીએ પરંતુ હજી પૂરી રીતે નથી બન્યા. મેં જોયું છે કે બે દીકરીઓ હોય એવાં પેરન્ટ્સ એક દીકરીને ટૉમ બૉયની જેમ ઉછેરે છે અને કહે છે કે આ મારો દીકરો છે. એ જવાબદાર બનશે, અમને સાચવશે. એ માટે એને છોકરાઓ જેવાં જ કપડાં પહેરાવશે. એનો ઉછેર પણ એવો જ કરશે. આવાં માતા-પિતાના મનમાં છોકરાની ઊણપ છે એ દેખાઈ આવે છે. બે છોકરાઓનાં માતા-પિતાને ક્યારેય જોયાં છે કે એક છોકરાને ફ્રૉક પહેરાવીને રાખે કે બધાની સામે કહે કે આ દીકરો તો અમારી દીકરી છે. અમને ખૂબ પ્રેમ આપે છે અને સમજદાર છે. આવું નથી થતું. થવું પણ ન જોઈએ. મેં એવું ક્યારેય નથી કર્યું, કારણ કે મને એ પસંદ નથી. બાળક જે છે એને એ રહેવા દેવું જરૂરી છે પછી એ દીકરી હોય કે દીકરો.’

 મારી પત્ની ગંભીર રીતે બીમાર થઈ ત્યારે ૭-૮ વર્ષની ત્રિશાને હું કહીને જતો કે હું હૉસ્પિટલ જાઉં છું. જ્યારે હૉસ્પિટલથી આવતો ત્યારે એ મને જમવાનું ગરમ કરીને જમાડતી. દીકરીઓમાં આવી સમજણ કઈ રીતે આવતી હશે? - જિજ્ઞેશ શાહ

columnists Jigisha Jain