ડાયમન્ડ ગળામાં પહેરાય, પેપરવેઇટ ન બનાવાય

29 June, 2022 08:11 PM IST  |  Mumbai | Rashmin Shah

આ વાત સંજય બારુએ ‘ધી ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’માં પુરવાર કરી છે અને બહુ સચોટ રીતે સમજાવ્યું પણ છે કે આવી ભૂલ હકીકતમાં તો માલિકને જ ભારે પડે છે, જે અત્યારે કૉન્ગ્રેસ ભોગવે પણ છે

ડાયમન્ડ ગળામાં પહેરાય, પેપરવેઇટ ન બનાવાય

મનમોહન સિંહની સરકારમાં તેમના મીડિયા ઍડ્વાઇઝર રહી ચૂકેલા પત્રકાર સંજય બારુએ લખેલી ‘ધી ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરઃ ધ મેકિંગ ઍન્ડ અનમેકિંગ ઑફ મનમોહન સિંહ’ આઠ વર્ષ પહેલાં પબ્લિશ થઈ ત્યારે એવા આક્ષેપો થયા હતા કે બારુએ આ કામ બીજેપી અને ઍન્ટિ-કૉન્ગ્રેસીઓના કહેવાથી કર્યું છે. આક્ષેપો માટે તપાસ પણ શરૂ કરવામાં આવી, એ તપાસનું જે નિષ્કર્ષ આવ્યો એ સૌથી ઇન્ટરેસ્ટિંગ પુરવાર થયો. તપાસમાં કૉન્ગ્રેસને એવું જાણવા મળ્યું કે આ કામ જો કોઈએ કરાવ્યું હોય તો પણ બુકમાં જે વાતો લખવામાં આવી છે એ સહેજ પણ ઉપજાવી કાઢેલી કે ખોટી નથી. કહેવાનો અર્થ એટલો કે માહિતી સો ટચના સોના જેવી છે, પછી એનો ઉપયોગ કોઈ પણ કરે તો એનાથી વાચકને કોઈ ફરક નથી પડતો.
સંજય બારુ ઑલરેડી પત્રકાર હતા, તેમના અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના સંબંધો અંટસથી શરૂ થયા હતા પણ સાચી વાત કહેવી જ જોઈએ અને એના સમયે જ કહેવાવી જોઈએ એવું દૃઢપણે માનતા બારુ આ જ વાત પોતે પણ ફૉલો કરતા અને તેમની આ જ ક્વૉલિટી મનમોહન સિંહને ખૂબ ગમી, જેને લીધે તેમણે સંજય બારુને પોતાના કાર્યકાળ દરમ્યાન પ્રાઇમ મિનિસ્ટર ઑફિસમાં અપૉઇન્ટ કર્યા અને પોતાના મીડિયા ઍડ્વાઇઝરની પોઝિશન આપી. સંજય બારુ પોતે કહી ચૂક્યા છે કે હું એક એવા પ્રાઇમ મિનિસ્ટરનો ઍડ્વાઇઝર હતો જેને બોલવાની, કહેવાની કે પછી પૂછવાની કોઈ સત્તા નહોતી અને મેં એ વાત પ્રાઇમ મિનિસ્ટરને ચોથા જ મહિને કહી દીધી હતી કે જો આમાં સુધારો નહીં થાય તો-તો તમારા માટે જોખમી પુરવાર થશે.
નખ વિનાનો સિંહ | હા, સંજય બારુએ ‘ધી ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’માં આ જ વાત લખી પણ છે અને કોઈ પણ જાતના સંકોચ વિના તેમણે આક્ષેપ કરતાં કહ્યું છે કે પ્રાઇમ મિનિસ્ટર પદ પર જ્યારે મનમોહન સિંહ હતા ત્યારે તેમના કહ્યામાં કોઈ નહોતું. પોતાનું પ્રધાનમંડળ તો ઠીક, પોતાની ઑફિસનો એક પણ કર્મચારી તેમને રિપોર્ટિંગ આપતું નહીં. એ બધું રિપોર્ટિંગ કૉન્ગ્રેસ કાર્યાલય અને સોનિયા ગાંધીના બંગલે પહોંચતું. સંજય બારુ કહે છે, ‘મારા માટે આ વાત સાવ નવી હતી. મારી જર્નલિસ્ટિક કરીઅર દરમ્યાન મેં ક્યારેય કોઈ જગ્યાએ આવું જોયું નહોતું. સામાન્યમાં સામાન્ય ઑફિસમાં પણ બૉસનું વર્ચસ્વ હોય, જ્યારે આ તો પ્રાઇમ મિનિસ્ટર હતા અને એ પછી પણ તેમને એક પ્યુન પણ જવાબ આપે નહીં. બસ, મારે મારો ટાઇમ પૂરો કરવો હતો અને એ કર્યા પછી બે વર્ષનું વેકેશન લઈને મેં આ બુક લખી.’
જે ઍક્સિડેન્ટ્લી એવા જ સમયે રિલીઝ થઈ જે સમયે બીજેપીએ નરેન્દ્ર મોદીને પ્રાઇમ મિનિસ્ટર તરીકે પ્રોજેક્ટ કર્યા. બસ, બુકનો પૂરેપૂરો લાભ વિરોધીએ લીધો. અચરજની વાત એ છે કે સંજય બારુની ‘ધી ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ માટે આજ સુધી ક્યારેય મનમોહન સિંહે કોઈ રદિયો નથી આપ્યો.
બની ફિલ્મ પણ... | ‘ધી ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ બુક પરથી એ જ નામની ફિલ્મ બની, જેમાં મનમોહન સિંહનું કૅરૅક્ટર અનુપમ ખેરે કર્યું તો સંજય બારુનું કૅરૅક્ટર અક્ષય ખન્નાએ કર્યું હતું. અનુપમ ખેરની બીજેપીયન ઇમ્પ્રેશન અને વજનદાર ટાઇટલના કારણે ફિલ્મ બૉક્સ- ઑફિસ પર ખાસ ચાલી નહીં પણ જો તમને રાજકારણમાં જરા સરખો પણ ઇન્ટરેસ્ટ હોય અને જો તમે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં આવેલી દૃઢતાને સમજવા માગતા હો તો તમારે ચોક્કસપણે એ ફિલ્મ કે પછી આ બુક વાંચવી જ જોઈએ.
‘ધી ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પરથી બનેલી ફિલ્મમાં ઘણુંબધું કાપવું પડ્યું હતું અને એની પાછળનું કારણ ફિલ્મની ટાઇમ-લિમિટ હતી. હવે આ જ બુક પરથી વેબ-સિરીઝનું પ્લાનિંગ ચાલી રહ્યું છે, જેના માટે સંજય બારુ વધારે નવી કન્ટેન્ટ પણ લખવાના છે. બારુ કહે છે, ‘મનમોહન સિંહના કાર્યકાળની સૌથી મોટી લાક્ષણિકતા જ એ હતી કે નાનામાં નાની વાત સોનિયા ગાંધીને પહોંચાડવામાં આવતી અને આ વાતનું પાલન આર્મી-રૂલની જેમ કડક રીતે થતું. આવું કદાચ આ દેશે પહેલી અને આશા રાખીએ છેલ્લી વાર જોયું હોય.’
‘ધી ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પહેલાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થઈ પણ એ પછી આ બુક કુલ સાત ભાષામાં રૂપાંતરિત કરવામાં આવી.

સ્ટોરી શૉર્ટકટ

‘ધી ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ મનમોહન સિંહના કાર્યકાળ એટલે કે ૨૦૦૪થી ૨૦૦૮ના સમયગાળા પર લખાયેલી છે. અફકોર્સ, મનમોહન સિંહ ૨૦૧૪ સુધી પ્રાઇમ મિનિસ્ટર રહ્યા પણ સંજય બારુ ચાર વર્ષ સુધી તેમના મીડિયા ઍડ્વાઇઝર હતા એટલે તેમણે પોતાની વાત, પોતાના અનુભવ અને તેમણે જે જોયું એ કાર્યકાળ વિશે લખ્યું છે. મનમોહન સિંહ માટે બુકમાં સ્પષ્ટતા સાથે કહેવામાં આવ્યું છે કે તેમના જેવા પ્રખર રાજકારણી, ઇકૉનૉમિસ્ટ આ દેશને કોઈ મળ્યા નથી પણ કૉન્ગ્રેસે પોતાના સ્વાર્થ ખાતર આ હીરાનો ઉપયોગ પેપરવેઇટ જેટલો સામાન્ય કરી નાખ્યો હતો. મનમોહન સિંહને જો છૂટો દોર મળ્યો હોત તો તેમણે ભારતના વિકાસની વ્યાખ્યા બદલી નાખી હોત એવું પણ સંજય બારુ બુકમાં સ્પષ્ટ લખે છે. 
મનમોહન સિંહ માટે સંજય બારુ કહે છે કે આ એક એવો પિરિયડ હતો જે પિરિયડમાં મનમોહન સિંહને પોઝિશન આપીને તેમનું ઘડતર કૉન્ગ્રેસે કર્યું અને આ જ પિરિયડ દરમ્યાન કેટલીક ઘટનાઓ દ્વારા કૉન્ગ્રેસે જ મનમોહન સિંહની રાજકીય કારકિર્દી સાવ ખતમ કરી નાખી.

columnists