દિવાળીમાં બધે મઠિયા અને ચોળાફળી ખવાય પણ ધોરાજીમાં છે પાપડ પૂરીનો દબદબો

09 November, 2020 03:48 PM IST  |  Mumbai | Pooja Sangani

દિવાળીમાં બધે મઠિયા અને ચોળાફળી ખવાય પણ ધોરાજીમાં છે પાપડ પૂરીનો દબદબો

પાપડ પૂરી

કપાસ, મગફળી, તલ, સોયાબીન, ધાણા, એરંડો, જીરું વગેરેનું વાવેતર એ રાજકોટ જિલ્લાના નાનકડા ગામ ધોરાજીની ઓળખ. ખાણીપીણીની બાબતમાં પણ ધોરાજીની ઘણી વાનગીઓ બહુ ફેમસ છે. ધોરાજી સ્વાદિષ્ટ અને લિજ્જતદાર ખાણીપીણી માટે જાણીતું ગામ છે એટલે રાજકોટ જિલ્લાના ભોજનપ્રિય લોકો અહીં અનેક પ્રકારની ખાણીપીણીની મોજ માણવા માટે આવતા હોય છે. ખાસ કરીને અહીં મળતા બટાટા અને ભૂંગળા ખાવા તો દૂર-દૂરથી લોકો આવે છે. ધોરાજી સિવાયના લોકો એને ખટ્ટા આલૂસ તરીકે ઓળખે છે. અહીંના ગાંઠિયા અને મોળાં મરચાંનો જોટો ન જડે. ભજિયાં પણ શહેરની એક બીજી વિશેષતા છે. રઘુવીર ભજિયાં ધોરાજીમાં સ્વાદરસિયા માટેનું પ્રિય સ્થાન છે. અહીંની ભેળ, દાબેલી જેવી વાનગીઓ પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ બધી વાતો તો કદાચ તમે ક્યાંક જોઈ-વાંચી હશે, પણ આજે હું વાત કરવાની છું દિવાળીની ખાસ વાનગીની.
નવરાત્રિથી દિવાળીના સમય દરમિયાન જ મળતી ‘પાપડ પૂરી’ નામની અત્યંત સ્વાદિષ્ટ વાનગી અહીંની વિશેષતા છે. દિવાળીનો સમય હોય એટલે ધોરાજીમાં પાપડ પૂરી ન બને એવું તો બને જ કઇ રીતે. માત્ર ધોરાજીમાં બનતી આ પ્રખ્યાત વાનગી આટલી પ્રખ્યાત વાનગી હોવા છતાં ગુજરાતનાં બીજાં શહેરોમાં ઉપલબ્ધ નથી. 
આ પાપડ પૂરી છે શું?
પાપડ પૂરી એટલે અડદ અને બેસનના લોટમાંથી બનતી બાર ઇંચની મોટી પૂરી. જેમ દિલ્હીમાં જમ્બો છોલે-ભટૂરે હોય છે એમ. અડદનો લોટ, બેસન, મીઠું, અજમો અને તેલનું મોણ નાખી બનાવાતી વાનગી. સાદા મસાલા હોવા છતાં પણ આ વાનગી ખૂબ જ ટેસ્ટી હોય છે. આ બાર ઇંચની પાપડ પૂરી જેની વણવાથી લઈને તળવાની રીત આખી ચોળાફળીથી અલગ હોય છે. આ ઉપરાંત આ એટલી બધી ક્રિસ્પી અને સૉફ્ટ હોય છે કે એક બાઇટ લો એટલે કાતરી જેવો અવાજ આવે અને બીજી જ ક્ષણે જીભ ઉપર આવે એટલે ઓગળી જાય, ચાવવાની જરૂર જ ન પડે એટલી સૉફ્ટ હોય છે. 
કેમ માત્ર નવરાત્રિથી દિવાળીમાં જ?
પાપડ પૂરી આ જ સીઝનમાં બને છે એનું કારણ છે આ સમયગાળાની મોસમ. નવરાત્રિથી દિવાળી દરમિયાન જે વાતાવરણ હોય છે એ પાપડ પૂરી માટે ઉત્તમ ગણાય છે. ઉનાળામાં બનાવવાથી ગરમીના લીધે ભેજ લાગી જાય છે અને જલદી ખોરી થઈ જાય છે અને ભારે શિયાળામાં એહવાઈ જાય. એટલે માત્ર નવરાત્રિથી દિવાળીના ગાળામાં જ આ બને અને વેચાય.
કેવી રીતે બને?
દેખાવમાં ચોળાફળી જેવી જ દેખાય છે, પણ એ અલગ કઈ રીતે છે એ જાણવા એની બનાવવાની પ્રક્રિયા જાણવી પડે. આમાં અડદની દાળનો લોટ, બેસન, મીઠું અને અજમો નાખી લોટ બાંધવામાં આવે છે. આને વણવાની અને તળવાની પ્રક્રિયા અલગ હોય છે. ચોળાફળીમાં મુખ્ય સામગ્રી બેસન હોય છે. એમાં માપથી ત્રીજો ભાગ અડદની દાળનો લોટ હોય છે જ્યારે પાપડ પૂરીમાં મુખ્ય અડદની દાળનો લોટ હોય છે અને ત્રીજો ભાગ બેસન હોય છે. એટલે આ પોચી અને સ્વાદમાં એકદમ અદ્ભુત હોય છે. બીજું કે આ ચોળાફળીની જેમ કાચી વેચાતી નથી, કારણ કે આ ઘણી મોટી હોય છે અને ઘરે લોકો લઈ જઈને તળી ન શકે. આની તળવાની પદ્ધતિ અલગ અને અનોખી હોય છે જે ઘૃહિણી ને ન ફાવે અને આને તળવાની કડાઈ પણ ઘરમાં સરળતાથી ઉપલબ્ધ નથી હોતી. 
કેવી રીતે ખાવાની?
ધોરાજીના લોકો આને જમવામાં જેમ પાપડ ખાતા હોય એમ એનો સ્વાદ માણે છે. જ્યારે યુવા પેઢી એને મસાલા પાપડ તરીકે ખાય છે. વડીલો આને સવારે ચા સાથે લીલી ચટણી સાથે માણે છે. બાકી આને જેમ મઠિયા-ચોળાફળી નાસ્તામાં ખાતા હોય એમ એના માથે મસાલો ભભરાવીને દિવસના કોઈ પણ સમયે નાસ્તા તરીકે માણી શકાય. 
સ્વાદ અને ભાવ શું?
આ સ્વાદમાં ચોળાફળીથી તદ્દન અલગ હોય છે. આ બહારથી દેખાવમાં કડક લાગે છે પણ હાથમાં પકડતાંની સાથે તૂટી જાય છે. મોઢામાં નાખતાં ઓગળી જાય છે. એનો ભાવ ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો છે. એક કિલોમાં પંદરેક જેટલા નંગ આવે. ગામમાં ૨૦૦ ગ્રામ જેમાં ત્રણ નંગ આવે એવા બૉક્સ પૅકિંગ રાખતાં હોય છે જેથી બહારગામ પાર્સલ થઈ શકે અને લઈ જનારને વાંધો ન આવે.
sanganipooja25679@gmail.com

કપાસ, મગફળીનો મબલક પાક લેતું રાજકોટ જિલ્લાનું આ નાનકડું
ગામ આમ તો ભૂંગળા-બટાટા માટે જાણીતું છે. જોકે દીપાવલીના પર્વમાં અહીં આખા ગુજરાત કરતાં સાવ જુદી જ વાનગી ખવાય છે. એ છે અડદ-બેસનમાંથી બનતી પાપડની સાઇઝની પૂરી. આવો જાણીએ ક્યારથી ધોરાજીમાં આ નવો શિરસ્તો
શરૂ થયો છે અને કેમ

ચોળાફળીમાંથી જ એનો આવિષ્કાર થયો છે
ધોરાજીમાં બમ્બા ગેટ પાસે આવેલી ફેમસ ફરસાણની કુદાનમાં છેલ્લાં પચીસ-ત્રીસ વર્ષથી પાપડ પૂરી બને છે અને વેચાય છે. આ દુકાનના સંચાલક કૌશિક પટેલ આ પૂરીના ઇતિહાસ વિશે વાત કરતાં કહે છે, ‘આ પાપડ પૂરીનો ઉદ્ભવ ૪૫થી ૫૦ વર્ષ પહેલાં થયો હતો. જેણે આની શોધ કરી હતી તે પહેલાં ચોળાફળી બનાવતા હતા. એ સમયે તેમનાથી ચોળાફળી સરખી બનતી નહોતી. ત્યારે તેમને વિચાર આવ્યો કે ચોળાફળીને સાઇડમાં મૂકી કંઈક અલગ રીતે એક નવી જ વાનગી બનાવું. અને તેમણે આ પાપડ પૂરીની શોધ કરી એનું વેચાણ શરૂ કર્યું. ધીમે-ધીમે આ એટલી બધી પ્રચલિત થઈ ગઈ કે નવરાત્રિથી લઈ દિવાળી દરમિયાન બધી ફરસાણની દુકાનવાળા એને રાખતા થઈ ગયા.’
બનાવવાની રીત વિશે તેઓ વધુમાં કહે છે, ‘આને બનાવવાની પદ્ધતિ ચોળાફળીથી અલગ છે. આના લોટ બાંધવાથી લઈને વણવા, તળવા અને પૅક કરવા સુધીની પ્રક્રિયા ખૂબ કાળજીપૂર્વક કરવામાં આવે છે. ધોરાજીમાં આના માટેના સ્પેશ્યલ કારીગરો હોય છે. અમારી દુકાનમાં વર્ષોથી અમે ઘરના સભ્યો મળીને જ બનાવીએ છીએ જેથી કાયમી એક જ સ્વાદ રહે છે. આમાં મજૂરી ઘણી હોય છે. મોટા ભાગે તો ધોરાજીમાં અમુક જ લોકો આ બનાવે છે અને બાકીના લોકો તેમની પાસેથી તૈયાર જ લઈ જઈ વેચે. બધા આ બનાવવાની મહેનત નથી કરતા. અમારી આ ત્રીજી પેઢી છે જે આ ફરસાણના કામમાં છે.’

પાપડ જેવી છે, પણ પાપડ નથી
ધોરાજીની શાળાનાં નિવૃત્ત શિક્ષિકા ઇન્દિરાબહેન ત્રિવેદી હાલ અમદાવાદ સ્થાયી થયેલાં છે. તેઓ કહે છે કે અમે આ પાપડ પૂરીનો સ્વાદ છેલ્લાં ઘણાં વર્ષો‍થી દર નવરાત્રિથી દિવાળી સુધી લેતા જ હોઈએ છીએ. આ પાપડ જેવી છે, પણ પાપડ નથી. આ પૂરી તળેલી જ મળે છે અને એક મહિના સુધી બગડતી નથી. મારું હાલમાં પણ ત્યાં ઘર છે. એટલે અવારનવાર આવવા-જવાનું હોય જ છે. અમદાવાદ સ્થાયી થયા પછી પણ નવરાત્રિથી દિવાળી દરમ્યાન આ પાપડ પૂરી મંગાવી માણવાનું
ભુલાતું નથી. એનો સ્વાદ અનેરો હોય છે. જો એક વાર આ પાપડ પૂરી ખાઈ લો તો તમારી જીભને એનો સ્વાદિષ્ટ ચટાકો લાગી જશે. એકદમ પોચી પૂરી હોય છે જે અમારા જેવા સિનિયર સિટિઝન પણ ખાઈ શકે. આ ધોરાજી સિવાય ક્યાંય જોવા પણ નથી મળતી. અમદાવાદમાં આવીને અહીંના પાડોશીને
ચખાડી તો દર વખતે અમારી જેમ તેઓ પણ હવે નવરાત્રિની રાહ જોતા થઈ ગયા છે. એનો સ્વાદ દાઢે રહી જાય એવો હોય છે. ધોરાજી અને આસપાસના તાલુકામાં દિવાળીમાં એકબીજાના ઘરે જઈએ ત્યારે મીઠાઈની સાથે પાપડ પૂરીનું બૉક્સ પણ સાથે લઈ જતા હોય છે.’

Gujarati food columnists