કિચનમાં કંપની હોય તો રસોઈનું વતેસર ન થાય

03 June, 2020 09:08 PM IST  |  Mumbai | Rashmin Shah

કિચનમાં કંપની હોય તો રસોઈનું વતેસર ન થાય

સ્વાદની સાથે સજાવટ પર જરૂરીઃ કંઈ પણ બનાવ્યા પછી એનું પ્રેઝન્ટેશન સરસ કરતાં હું મારી બહેન શ્રદ્ધા પાસેથી શીખી છું

‘બસ એક ચાન્સ’થી ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થનારી ભક્તિ કુબાવતનો જન્મ ટાન્ઝાનિયામાં થયો છે એટલે ભારતીય પરંપરા અને ગુજરાતીપણું આપોઆપ તેનામાં અકબંધ રહી ગયું છે. ‘હુતુતુતુ’, ‘પેલા અઢી અક્ષર’, ‘વિટામિન શી’, ’૨૪ કૅરેટ પિત્તળ’ કરનારી ભક્તિની આ વર્ષે ‘મને લઈ જા’ રિલીઝ થશે તો સાથોસાથ ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ ‘રિગાર્ડ્સ ઍન્ડ પીસ’ પણ આ જ વર્ષે રિલીઝ થશે. ફિલ્મસ્ટાર હોવા છતાં ભક્તિ માને છે કે કિચનમાં જવું એમાં કોઈ ઊતરતી વાત નથી. આ કામ દરેકેદરેક વ્યક્તિએ કરવું  જોઈએ. ભક્તિ અહીં પોતાના ફૂડ એક્સ્પીરિયન્સ રશ્મિન શાહ સાથે શૅર કરે છે...

મને આવડે બધું બનાવતાં પણ જેન્યુઇન વાત કહું તમને, હું કુકિંગ ભાગ્યે જ કરું છું. પણ હા, એ ફૅક્ટ છે કે મને આવડે બધું. મારી આ કુકિંગ સ્કિલ માટે મારે જો કોઈને જશ આપવાનો હોય તો હું એનો જશ ત્રણ  વ્યક્તિને આપીશ. મારાં નાની વિજયાગૌરી કુબાવત, મમ્મી રેખાબહેન અને મોટી બહેન શ્રદ્ધા. આ ત્રણ મેમ્બરોના કારણે મારું ફૂડ સારું બને છે. હું જ્યાં પણ જઈશ ત્યાં મારી આ સ્કિલ માટે તો હું તેમને જ જશ આપીશ. એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, આ ત્રણેય વ્યક્તિઓએ મને કુકિંગના અલગ-અલગ ડિવિઝનમાં માસ્ટર બનાવવાનું કામ કર્યું છે. નાની પાસેથી હું ટ્રેડિશનલ વાનગીઓ શીખી તો મમ્મીએ મને આપણી રોજબરોજની વરાઇટીનું નૉલેજ આપ્યું અને બહેન પાસેથી મને ગાર્નિશિંગ અને ફૂડ પ્રેઝન્ટેશન કરવાની રીતો શીખવા મળી.

નાની હતી ત્યારથી જ મમ્મીએ મને કુકિંગ શીખવ્યું છે. ઘરે હાઉસ હેલ્પ હતી અને તે જ બધાં કામો કરતી પણ કુકિંગની વાત આવે ત્યારે મમ્મી ટિપિકલ બની જાય. મને અને મારી મોટી બહેન શ્રદ્ધાને મમ્મીએ બધું એટલે બધું શીખવ્યું છે. મમ્મીના કારણે જ અમને બહેનોને ગુજરાતી અને પંજાબીથી માંડીને મેક્સિકન અને ઇટાલિયન ફૂડ પણ બનાવતા આવડે છે.

મારી પર્સનલ વાત કહું તો હું ખટાશ પ્રમાણમાં ઓછી ખાઉં. કહી શકો કે માત્ર નામ પૂરતી જ એટલે મને કઢીની આદત પડી નથી અને આદત પડી નથી એટલે મને કઢી બનાવતાં આવડતું પણ નથી અને એ બનાવવાની ટ્રાય પણ હું ક્યારેય કરવાની નથી. એવું જ કારેલાના શાકનું છે. મને કારેલા ભાવે નહીં એટલે મેં એ કેવી રીતે બને એની પંચાત પણ કરી નથી અને અગેઇન, કરવાની પણ નથી. આ બે વરાઇટી સિવાય બધાં શાક અને કઠોળ એ બધું હું બનાવી શકું. ઢોકળા, સેવખમણી અને ખાંડવી મારાં ફેવરિટ અને એમાં પણ ખાંડવી તો મને હદ વહાલી. ખાંડવી હેલ્થ માટે સારી પણ છે અને એની બીજી ખાસિયત એ પણ છે કે એ બની પણ ઝડપથી જાય એટલે હું ક્યારેક એકલી હોઉં તો ખાંડવી બનાવીને ખાઈ લઉં. આ ત્રણ વરાઇટી સિવાય પણ મને બે વરાઇટી બહુ ભાવે. એક તો છે હાંડવો અને બીજી છે દાલમખ્ખની. આ બન્ને વરાઇટી હું લાઇફમાં ક્યારેય બનાવતાં શીખવાની નથી, કારણ કે હાંડવો મને મમ્મીના જ હાથનો ભાવે અને દાલ મખ્ખની મને બહેનના હાથની જ ભાવે. આ બન્ને વરાઇટી બન્ને જણે મને શીખવવાની બહુ કોશિશ કરી, પણ મેં એ શીખવાનું ટાળી જ દીધું છે. એની પાછળનું એક કારણ એ છે કે એ બન્ને આઇટમ તેમની સિગ્નેચર ડિશ છે અને મને એ સિગ્નેચર ડિશ તેમના જ હાથની જોઈએ છે.

નવ-દસ વર્ષની હોઈશ ત્યારથી મમ્મી સાથે હું અને મારી બહેન કિચનમાં જઈએ. મોટા ભાગે મારા હિસ્સામાં બહુ ઓછું કામ આવતું, પણ કામ આપવામાં આવતું એ સાચું. કહો કે હું એ સમયે હેલ્પરના રોલમાં હતી. શાક સુધારવાનું કે પછી રોટલી વણવાની કામગીરી મારી હોય. મમ્મીએ બધા માટે રોટલી બનાવવાની અને મારે મારા ભાગની રોટલી બનાવવાની. શરૂઆતમાં તો મેં બધા કન્ટ્રીના મૅપવાળી રોટલી બનાવી હશે પણ પછી ધીમે-ધીમે મારી રોટલી ગોળ થવા માંડી. મારી રોટલી મારે બનાવવાનો જે નિયમ હતો એ નિયમ પણ શું કામ હતો એ કહું તમને. રોટલી સારી ન બની હોય તો એમાં કઈ કચાશ રહી ગઈ અને એ કચાશને જલદી દૂર કરવાનું આવડી જાય એવા હેતુથી મમ્મી આ કામ કરાવતી. શ્રદ્ધા, મારી સિસ્ટર પાસેથી હું દાળ-શાકનો વઘાર કરવાનું શીખી તો સાથોસાથ મેં કહ્યું એમ ફૂડ ગાર્નિશ કરવાનું પણ હું તેની પાસેથી શીખી. નાનીએ મને દેશી વરાઇટી તો શીખવી જ પણ સાથોસાથ મને નાની પાસેથી ફૅન્સી કે ફૉરેનની આઇટમો પણ શીખવા મળી. મારાં નાની આફ્રિકા રહે છે એટલે ત્યાં વર્લ્ડ ક્વિઝીન ઈઝિલી મળી જાય. તેમણે એ ટેસ્ટ કર્યો હોય એટલે તે મારી પાસે પણ અપેક્ષા રાખે કે હું એ બનાવું. કુકીઝ, પીત્ઝા જેવી જે કોઈ વરાઇટી છે એ મારી નાનીની આ ઇચ્છાના કારણે હું શીખી છું.

હું માનું છું કે જે ફૂડી હોય તે જ નવું શીખવા અને બનાવવા તરફ પ્રેરાય. મારા માટે ઈટિંગ જેટલું જ મેકિંગ ઇમ્પોર્ટન્ટ છે. મને બપોરે જમવામાં ગુજરાતી ફૂડ જ વધારે ફાવે અને ભાવે પણ એ જ. શૂટિંગ હોય ત્યારે બધા આર્ટિસ્ટ સાથે જમતા હોઈએ પણ એમાં મારા માટે તો ગુજરાતી ટિફિન જ આવે અને એ પણ શક્ય હોય તો ઘરેથી જ આવે. રોટલી, દાળ-ભાત અને શાક. વચ્ચે ભૂખ લાગે તો બહારથી મિલ્ક શેક કે જૂસ પી લેવાનો કે પછી નારિયેળપાણી લેવાનું. મને રોટલી પણ બનાવતાં આવડે અને રોટલા પણ હું ટિપિકલ ગુજરાતી બૈરા જેવા બનાવી શકું. મારા હાથનું બટાટાનું શાક અને રીંગણનું શાક બધાને બહુ ભાવે. આ ઉપરાંત આપણા ગુજરાતીના ઘરનાં ફરસાણ જેવા કે ખાંડવી, ઢોકળા, સેવખમણી પણ મને બનાવતાં ફાવે અને મેં બનાવ્યાં પણ છે.

મારે એક વાત કહેવી છે. આજકાલ ડાયટિંગને બહુ સિરિયસલી લેવામાં આવે છે અને ડાયટિંગના નામે ફૂડમાં વધારે પડતી કસર કરતા થઈ ગયા છે, પણ એવું કરવાની જરૂર નથી. તમારું ફૂડ જેટલું પ્રૉપર હશે એટલું જ તમારું મેટાબોલિઝમ પ્રૉપર કામ કરશે અને જેટલું મેટાબોલિઝમ પ્રૉપર હશે એટલી જ ઇમ્યુનિટી તમારી પ્રૉપર હશે. તમે ઑઇલી ફૂડ અવૉઇડ કરો કે પછી વધારે પડતું મસાલાવાળું કે તીખું કે ફૅટી ફૂડ ન ખાઓ પણ એનો મતલબ એવો પણ નથી કે ડાયટિંગના નામે તમે ભૂખ્યા રહો. પ્રૉપર ફૂડ વગર પ્રૉપર મેટાબોલિઝમ ન આવે. ખરાબ મેટાબોલિઝમની સૌથી પહેલી અસર વાળ પર દેખાય છે. આ વાત તમારે યોગ્ય રીતે સમજવી જોઈએ.

ફૂડ બનાવતાં મારેલા બ્લન્ડરની વાત કરું તો કદાચ એ બ્લન્ડર નહીં કહેવાય પણ મારી આદત જવાબદાર ગણાશે. કિચનમાં હું કંઈક બનાવતી હોઉં ત્યારે રસોઈ  ઊભરાઈ બહુ જાય. દાખલા તરીકે હું ચા બનાવું એટલે દૂધ, ચા અને ખાંડ નાખ્યા પછી મેં સ્ટવ ચાલુ કર્યો અને વચ્ચે કોઈનો ફોન આવી ગયો કે કોઈએ બોલાવી તો હું વાતોએ વળગી જાઉં અને પછી અચાનક જ કિચનમાંથી ચા ઊભરાવાનો અવાજ આવે એટલે તરત ભાગું, પણ ત્યાં સુધીમાં વાતનું વતેસર થઈ જાય. મારી આ ભૂલી જવાની આદતને તમે મારું બ્લન્ડર કહી શકો. પુષ્કળ વખત બન્યું છે કે ચા ઊભરાઈ હોય, શાક બળી ગયું હોય, મિલ્ક શેક બનાવા મિક્સી ચાલુ કરું અને પછી એ ચાલુ ને ચાલુ જ રહી જાય. હું ભૂલી જાઉં કે મેં કિચનમાં ગૅસ પર કંઈક રાંધવા માટે મૂક્યું છે. હું મજાકમાં બધાને કહું પણ ખરી કે જો મને કંપની આપશો તો રસોઈમાં વતેસર નહીં થાય. આ સિવાય મારાથી કોઈ ગોટાળા નથી થતા. જો પ્રૉપર અટેન્શન સાથે બનાવું તો ફૂડ એકદમ પ્રૉપર અને ટેસ્ટી બને. મારે મન ફૂડમેકિંગ મલ્ટિટાસ્કિંગનું કામ છે. કુકિંગ વખતે તમારે બહુ ધ્યાન રાખવું પડે અને એકસાથે બધા પ્રોસ્પેક્ટ પર ધ્યાન આપવું પડે. મીઠું વધારે ન પડે, તીખું ન થાય, વઘાર પ્રૉપર થાય, ફૂડ બળે નહીં અને એવાં બીજાં કામો પણ. અત્યારે લૉકડાઉન દરમિયાન મેં મારી ફેવરિટ ખાંડવી બનાવી હતી અને એ એટલી ટેસ્ટી બની હતી કે ન પૂછો વાત. ખાંડવી બનાવવા ઉપરાંત મેં પાલક-પનીર પણ બનાવ્યું હતું, જે પણ અદ્ભુત બન્યું હતું. પાલક-પનીરમાં હું પનીર ઉપરથી ઍડ કરું છું અને એને ફ્રાય કરીને ઍડ કરું છું એટલે પનીરનો ટેસ્ટ સાવ જુદો આવે છે. તમે હવે પાલક-પનીર બનાવો ત્યારે એક વખત પનીર ફ્રાય કરીને એમાં ઍડ કરજો, સાવ જુદો જ ટેસ્ટ આવશે.

life and style indian food Gujarati food columnists Rashmin Shah