ધર્મસાધના શરૂ કરવી ન પડે, એ તો સહજ રીતે ચાલુ થઈ જાય

15 June, 2021 09:51 AM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

મને ખ્યાલ આવી ગયો કે ૨પ લાખની ગાડી એ સ્ટેટસ છે અને મને સાધનરૂપ ગાડી જોઈએ છે, સ્ટેટસરૂપ નહીં

પ્રતીકાત્મક તસવીર

‘કોઈ પણ ચીજ ખરીદતાં પહેલાં મનને પૂછી લેજો કે ચીજ જોઈએ છે માટે ખરીદવી છે કે એની જરૂરિયાત છે માટે ખરીદવી છે? જે ચીજો અત્યારે તમારી પાસે છે એ તમામને એક વાર જરૂરિયાતના આધારે તપાસી જુઓ. તમને ખાતરી થશે કે મોટા ભાગની ચીજો માત્ર જોઈતી હતી એટલે જ આવી છે, હકીકતમાં એની જરૂરિયાત તો હતી જ નહીં.’

પ્રવચનમાં મૂકેલી આ વાત સાંભળીને એક ભાઈ મળવા આવ્યા.

‘સાહેબ! એક વાત કરવી છે, જો આપને સમય હોય તો...’ હા પાડી એટલે ભાઈએ કહ્યું, ‘વર્ષોથી બિલ્ડિંગના ધંધામાં છું. મોજશોખ ચિક્કાર ર્ક્યા, પૈસા ચિક્કાર કમાયો, સ્ટેટસના હિસાબે ઘરમાં સામગ્રી વસાવવી પડે, વટ પાડવા ઑફિસ પણ આલીશાન બનાવી. જોકે અત્યારે અમારી લાઇનમાં સખત મંદી છે. તૈયાર માલ એમનેએમ પડ્યો છે. ડિપોઝિટ આપીને બુકિંગ કરાવ્યું તે ડિપોઝિટ જતી કરવા તૈયાર છે, પણ ઉપરના પૈસા આપીને ફ્લૅટ ખરીદવા તૈયાર નથી. ટૂંકમાં પૈસા ક્યાંય નથી, નવી આવક બંધ અને માલમાં રોકાયેલી રકમ છૂટતી નથી.’

‘પણ કહેવું શું છે તમારે?’

‘મહારાજસાહેબ, તેજીમાં એક ગાડી ખરીદી, કિંમત આજે પણ ૨પ લાખ ગણાય. ‘જોઈએ છે’ અને ‘જરૂરી છે’ના આધારે વિચારતાં લાગે છે કે મારી લાઇનમાં ગાડી જરૂરીમાં આવે, પણ આવી મોંઘીદાટ ગાડી જરૂરી નથી એ પણ હકીકત. એક નિર્ણય પર આવ્યો છું હું, મારે તાત્કાલિક ગાડી વેચી દેવી.’

 ‘પછી?’

‘પછી શું? બે-ત્રણ લાખની સાદી ગાડી લઈશ. મને ખ્યાલ આવી ગયો કે ૨પ લાખની ગાડી એ સ્ટેટસ છે અને મને સાધનરૂપ ગાડી જોઈએ છે, સ્ટેટસરૂપ નહીં. બે-ત્રણ લાખની ગાડી બરાબર છે. બ્રેક, સીટ, પૈડાં, એક્સિલરેટર, સ્ટિયરિંગ બધું સરખું જ છે. વરસાદ અને તડકામાં એ બચાવે છે. તો પછી ગાડી પાછળ ૨પ લાખ શું કામ રોકવાના.’

‘સાત્ત્વિક વિચાર છે.’

‘બસ, તો આપો આશીર્વાદ કે મારા વિચારોમાં કોઈ ફેરફાર ન થાય અને

એક બીજી વાત, એક નાનકડો નિયમ પણ લેવાની ઇચ્છા છે જો આપ આપો તો.’ એ ભાઈએ કહ્યું, ‘જ્યારે પણ ૨પ લાખની ગાડી વેચાઈ જાય ત્યારે એ રકમ આપના માર્ગદર્શન પ્રમાણે મારે સારા માર્ગે વાપરી દેવી.’

એ ભાઈના આ સાત્ત્વિક સંકલ્પ અને ઉદાત્ત ભાવના જોઈને હું સ્તબ્ધ થયો. હા, પ્રકાશનું કિરણ અંધકારને દૂર કરતું નથી. અંધકાર પ્રકાશના કિરણથી દૂર થઈ જ જાય છે. અગ્નિ, ઠંડી ઉડાડતી નથી, અગ્નિનું સામીપ્ય થતાવેંત ઠંડી ઊડવા માંડે છે.

columnists