ધનતેરસ: ધનનું મૂલ્ય નહીં સમજો તો ધન ક્યારેય તમારું મહત્વ નહીં સમજે

25 October, 2019 03:54 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

ધનતેરસ: ધનનું મૂલ્ય નહીં સમજો તો ધન ક્યારેય તમારું મહત્વ નહીં સમજે

ધનતેરસ

આજે ધનતેરસ છે. આમ તો એવું છે કે આ વખતે એક તિથિનો ક્ષય થયો છે એટલે તેરસ અને ચૌદશ બન્ને એક થયાં છે, પણ એમ છતાં અરપણે વાતને સરળ રાખીએ અને આજે ધનતેરસ મનાવીએ અને વાત જ્યારે ધનની હોય ત્યારે એમાં વહેલું કે મોડું ગણ્યા વિના જાગૃતિને અવસર આપવો જોઈએ. આ જ આજની ધનતેરસની શીખ છે. જો ધનનું મૂલ્ય નહીં સમજો, જો ધનનું મહત્વ નહીં સમજો તો ધન ક્યારેય તમારું મહત્વ નહીં સમજે. એક સમય હતો જ્યારે સુખ, સુવિધા અને સગવડને નાનાં ગણવામાં આવતાં હતાં, પણ આજે એ બધું મહત્વનું બન્યું છે. આજે પૈસો અગ્રીમ સ્થાને મુકાઈ ગયો છે અને એને લીધે સુખ, સુવિધા અને સગવડ અગ્રીમ સ્થાન પર આવી ગયાં છે.

જ્યારે પણ સુખ પ્રથમ સ્થાન પર આવ્યું છે ત્યારે પૈસો પાછળ પડ્યો છે. ધનની સૌથી મોટી મજબૂરી એ છે કે એ પોતાના ખર્ચે સુખ આપે છે અને મહેનતની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે એ શ્રમ સાથે પ્રસ્વેદ આપે છે. હવે શ્રમ કરવાની માનસિકતા રહી નથી, પ્રસ્વેદમાં સ્નાન કોઈને કરવું નથી અને એને જ લીધે સુવિધા અને સગવડ પ્રથમ હરોળમાં મુકાયાં છે. મારું માનજો, જીવનમાં ક્યારેય શ્રમને પાછળ નહીં ધકેલતા, ક્યારેય નહીં. લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું બને તો એને તમારું સૌભાગ્ય ગણજો. બસમાં જવાનું બને તો એને એક અવસર માનીને વધાવજો. ખાસ તો મારે પેરન્ટ્સને કહેવું છે કે સંતાનપ્રેમમાં ભૂલથી પણ ધૃતરાષ્ટ્ર નહીં બનતા. કબૂલ કે પરિવારો નાના થયા છે એટલે સંતાનો પ્રત્યેનો પ્રેમ અને લાગણી આંધળી બની છે, પણ આંધળી બનેલી એ લાગણીમાં લાડ અને સ્નેહે ભૂલથી સુવિધાઓ અને સગવડની લાલ જાજમ પાથરવાનું કામ કર્યું, જે ગેરવાજબી છે. ત્વચાનો રંગ કાળો કરવા માટે તડકો પડવો જોઈએ, માબાપે આ તડકા આડે છાંયડો બનીને ઊભાં રહેવાનું કામ કર્યું છે.

એટલી સરસ અને આહ્‍લાદક સુવિધા ઊભી કરી દીધી છે જે જોઈને પહેલો વિચાર આવે કે આ બાળકો ભવિષ્યમાં કેવી રીતે દુનિયા સામે લડી શકશે, દુનિયાને કેવી રીતે માત આપશે, સંસારની તકલીફોને કેવી રીતે પછડાટ આપશે? ધનનું મૂલ્ય સમજો અને સમજાવો. જો સંતાનોને ધનનું મૂલ્ય સમજાવી નહીં શકો તો એ ક્યારેય ધનનું મહત્વ સમજી નહીં શકે. ટેકનોસૅવી બની ગયેલાં સંતાનો પાસે હવે પુસ્તક જેવો સાથી રહ્યો નથી. મોબાઇલ, ટીવી અને લૅપટૉપ વચ્ચે અથડાતા રહેતા સંતાન સામે લાખ રૂપિયાનું લૅપટૉપ આપી દેવાથી કે દોઢ લાખ રૂપિયાનો મોબાઇલ આપી દેવાથી એને માટે એ લાખ રૂપિયા બહુ નાના થઈ જશે. નહીં કરો આવી ભૂલ. કબૂલ, તમારે માટે લાખ રૂપિયા નાના છે, પણ એ કેવા તબક્કે નાના થયા છે એ પણ આંખ સામે રાખો. યાદ કરો એ દિવસોને, જે સમયે બીજાને ફટાકડા ફોડતા જોઈને જીવ બળતો હતો. યાદ કરો એ દિવસ, જે સમયે પાડોશીની રંગોળી જોઈને રંગોની ઈર્ષ્યા આવતી હતી. એ ઈર્ષ્યાએ ક્યાંક ને ક્યાંક તમને જીવનનો જંગ જીતવાની તાકાત આપી છે અને એ તાકાત તમારી નવી પેઢીમાં રોપવાનું કામ તમે અજાણતાં વીસરી ચૂક્યા છો. નહીં કરો આ ભૂલ. સિંહ તૈયાર કરો, સિંહણ તૈયાર કરો. ખુશી આપવાની ભાવના સારી છે, પણ તાસકમાં અપાયેલી ખુશી ક્યાંક ને ક્યાંક લડતની ભાવના છીનવી લેશે. સંતાનોમાં ધનની તરસ અકબંધ રહેવા દેશો તો જ તેમને ધનતેરસનું મહત્વ સાચા અર્થમાં અને સાચાં મૂલ્યો સાથે સમજાશે.

manoj joshi columnists