લોકશાહી લોલેલોલ ન ચાલે

24 January, 2021 04:30 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

લોકશાહી લોલેલોલ ન ચાલે

‘લોકો માટેની, લોકોની અને લોકો વડે ચાલતી સરકાર એટલે લોકશાહી’ એવાં માનનારાં અબ્રાહમ લિંકનના શબ્દોની પવિત્રતાના હાલ-હવાલ અમેરિકનોએ તેમના પોતાના સંસદભવનમાં કેવા કર્યા એ તો સૌએ જોયું જ છે.

દુનિયાના નકશામાં આજે લગભગ ૨૦૦ જેટલા દેશો ‘પોતાને સ્વતંત્ર મૂકો’ એવું કહી રહ્યા છે. આ ૨૦૦માં કેટલાક સેંકડો વર્ષ જૂના હશે તો કેટલાક ૨૫-૫૦ વર્ષની બાલ્યાવસ્થામાં પણ હશે. આ બધા વચ્ચે અમેરિકા કિશોરાવસ્થામાં કહેવાય. માંડ ૨૦૦-૨૫૦ વર્ષની ઉંમરનું બાળક હોવા છતાં એણે કાઠું સારું કાઢ્યું કહેવાય. સમૃદ્ધિ અને શાસ્ત્રો આ બન્ને કારણે અમેરિકા દુનિયામાં જગત જમાદારની પદવી ધારણ કરી શક્યું છે.

 દુનિયામાં આ ૨૦૦ દેશો પોતપોતાને અનુકૂળ શાસનપદ્ધતિ પ્રમાણે વહીવટ કરે છે. આમ તો રાજાશાહી હવે ક્યાંય નથી એવી ભાષણબાજી દુનિયાના દરેક દેશોના નેતાઓ કરે છે ખરા, પણ બ્રિટનની રાણીથી માંડીને અરબસ્તાનના શેખો અને સુલતાનો એવા ને એવા અકબંધ છે. લોકશાહીની વાત બધા જ કરે છે, પણ લોકશાહી એટલે શું એ મુદ્દા પર દરેક દેશને પોતાની વ્યાખ્યા હોય એવું લાગે છે.

લોકશાહી એટલે શું?

અમેરિકા ઉંમરમાં નાનું છે, પણ લોકશાહીના પાયામાં એનો નંબર અગ્રસ્થાને છે એનો સ્વીકાર કર્યા વિના ચાલે એમ નથી. લગભગ ૨૦૦ વર્ષ પહેલાં અમેરિકામાં આંતરવિગ્રહ થયો અને આંતરવિગ્રહના અંતે શહીદ થયેલા સેંકડો સૈનિકોને સલામી આપવા આ યુદ્ધના વિજેતા અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકન ગેટિસબર્ગ ગયા હતા. ગેટિસબર્ગમાં તેમણે શહીદોને જે સલામી આપી એ વ્યાખ્યાન જગતના એક શ્રેષ્ઠ વ્યાખ્યાન તરીકે ઓળખાય છે. અબ્રાહમ લિંકને દુનિયાને સંદેશો આપ્યો કે શહીદોની આ સહાદત વ્યર્થ નથી. દુનિયામાં હવે પછી ક્યાંય સરમુખત્યારશાહી, ટોળાશાહી, રાજાશાહી જેવું નહીં રહે અને એવી સરકારો શાસન કરશે જે લોકશાહી કહેવાય. આ લોકશાહી સરકાર એટલે ‘government of the people, government for the people અને government by the people.’ ટૂંકમાં લોકો માટેની, લોકોની અને લોકો વડે ચાલતી સરકાર એટલે લોકશાહી અને દુનિયામાં હવે પછીની સરકારો લોકશાહી હશે અને અમેરિકા એમાં અગ્રસ્થાને હશે.

લોકશાહી એટલે સગવડિયો ધર્મ

લોકશાહી શબ્દ સૌને ગમે છે. જેને જનતા કહીએ એ પ્રજા એમ માને છે કે લોકશાહી એટલે અમારું રાજ્ય. અમે સરકારને  ચૂંટીએ અને અમારા વડે ચૂંટાયેલી સરકાર અમે કહીએ એમ રાજ્ય કરે. વાસ્તવમાં આ ખરેખર બને છે ખરું? અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકને જે ઉદ્ગારો કાઢ્યા એ ઉદ્ગારોની પવિત્રતાના હાલ-હવાલ આ જ અમેરિકનોએ તેમના પોતાના સંસદભવનમાં કેવા કર્યા એ આપણે થોડા દિવસ પહેલાં જ જોયું. ચૂંટણી કરી, લોકોએ મત પણ આપ્યા, લઘુમતી-બહુમતીનું નાટક થયું, પણ જે બહુમતી અમને અનુકૂળ ન હોય એ બહુમતી લોકશાહી ન કહેવાય એવી નરદમ નાગાઈ લોકશાહીનું પરમ સૂત્ર આપનાર ખુદ અમેરિકાએ જ કરી.

તો બીજે બધે શું છે?

સંખ્યાની દૃષ્ટિએ ગણીએ તો ભારતની લોકશાહી દુનિયાની સૌથી મોટી લોકશાહી કહેવાય. ચીનની વસ્તી સૌથી વધારે છે, પણ ચીની મતદારો પોતે પોતાની રીતે મતદાન કરીને સરકાર નથી રચતા. સરકાર કહે એ પ્રમાણે મતદાન કરીને સરકારને ગમે એવી સરકાર ચીની ઘોડાને લગામમાં રાખે છે. ચીન અને રશિયામાં પ્રમુખ કાયમી ધોરણે સત્તા પોતાના હાથમાં જ રાખે એવો ખરાબ માહોલ થઈ શકે છે. જે લોકશાહીમાં સત્તા કાયમી ધોરણે પોતાના હાથમાં રાખી શકાય એને નામ તો રૂપકડું લોકશાહીનું જ અપાય છે. જે લોકો ખરેખર સત્તા માટે મતદાન કરે છે એ લોકો વ્યવહારમાં ક્યાંય પાછળ ધકેલાઈ જાય છે અને થોડા બહુબળિયાઓ અને ધનપતિઓ કપડાં ખંખેરીને ઉપર ચડી જાય છે.

રાજ્ય એટલે શું?

રાજા રાજ્ય કરે છે. રાજા એટલે બીજું કશું જ નહીં, પણ બાહુબળ અને બુદ્ધિબળને કારણે બનીબેઠેલા માલિક. આ માલિક એક વાર ગાદીનશીન થાય એટલે તેને ગાદીની સુંવાળપ છોડવી ગમે નહીં. આ સુંવાળપ વધુ ને વધુ માણવા એ વખતોવખત અન્યો પર ભાઈગીરી કરે છે. જે લોકો આ ભાઈગીરીનો ભોગ બને છે એ લોકો પણ આગળ જતાં આ ભાઈગીરીમાં ભાગ માગતા થઈ જાય છે. એક વાર આવો ભાગ શામ, દામ, દંડ અને ભેદથી હાથમાં આવી જાય પછી બીજાને એ ન મળે એવો પ્રયત્ન કરવામાં પણ આ લોકો સાથે રહે છે. ઇંગ્લૅન્ડ આનું ઉત્તમ ઉદાહરણ છે. ઇંગ્લૅન્ડના રાજા પાસેથી ૧૩મી સદીમાં પહેલી વાર ઉમરાવોએ ભાગ માગ્યો. રાજા નબળો પડ્યો એટલે આ ભાગ માગનારા ઉમરાવો સબળા થયા. આ ભાગ માગવાની પ્રક્રિયા દિવસે-દિવસે વધતી ગઈ. પહેલાં શ્રીમંતોને ભાગ મળ્યો, પછી બાહુબળિયાઓને મળ્યો, પછી જેઓ રાજાને ડરાવી શક્યા, ઉમરાવોને હરાવી શક્યા તેમને પણ ભાગ મળ્યો. લોકશાહી કહેવાય એવી પ્રજામાં સ્ત્રીઓ પણ હોય એ કોઈને યાદ ન આવ્યું. લોકશાહીના નામે મતદાન કરીને સત્તાસ્થાને બેસી જનારા આ મતદારોમાં ૧૯૨૮ના વર્ષ સુધી સ્ત્રીઓ ક્યાંય નહોતી. સ્ત્રી એટલે જાણે પ્રજા જ નહીં અને છતાં આ લોકશાહી!

લોકશાહી એટલે માત્ર સંખ્યા જ?

દુનિયાના કોઈ પણ દેશમાં જ્યારે લોકશાહીની વાત થાય છે ત્યારે સંખ્યાને પ્રાધાન્ય આપવામાં આવે છે. ૧૦૦ની સંખ્યામાં ૫૧ મત લેનાર બહુમતી ગણાય એ સમજી શકાય, પણ આ ૧૦૦ની સંખ્યા ૧૦-૧૦ કે ૧૨-૧૨માં વહેંચાઈ જાય અને જેની પાસે ૧૫નો આંકડો હોય તે વિજેતા ગણાય એ ભારે હાસ્યાસ્પદ છે. આ ૧૫ વિજેતા છે પણ બાકીના ૮૫એ તેને નકાર્યો છે એ વાત ભૂલાઈ જવાય છે. વ્યવહારજગતમાં આમ આંકડા ગણ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એ વાત સાચી, પણ આ આંકડા ભારે છેતરામણા છે. જ્યાં સુધી બીજો કોઈ વિકલ્પ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આ છેતરામણા આંકડા વચ્ચે આપણે છેતરાયેલા જ રહેવું પડશે એમાં કોઈ શક નથી.

આપણે ત્યાં શું છે?

લોકશાહી એટલે લોકોની સરકાર એ વાત સાવ સાચી, પણ ત્યાં પણ લોકોની સરકાર છે. લોકમતને કચડીને કોઈક તાકાતવર સિંહાસન પર ચડી બેસે તો તેને વખત આવ્યે હાંકી કાઢવાની ગોઠવણ માત્ર લોકશાહીમાં શક્ય થાય. ફ્રાન્સના રાજાને કે રાણીને હાંકી કાઢવા માટે પ્રજાએ લોહી રેડવું પડે, પણ આપણે ત્યાં સરમુખત્યાર થઈ બેઠેલાં ઇન્દિરાજીને સત્તાસ્થાનેથી ખસેડવા માટે લોહી નથી રેડવું પડ્યું અને છતાં આપણી લોકશાહીને ઝીણવટથી જોઈએ ત્યારે થાય છે કે અરે, આ શું? આ લોકશાહી છે? ૧૫ વર્ષ સુધી વાયા રાબડીદેવી લાલુપ્રસાદ રાજ ભોગવે અને એ પણ ચૂંટણી મારફત, એ લોકશાહી છે? આપણે પ્રસ્થાપિત કરેલો લોકશાહીનો સિદ્ધાંત ‘દરેક માણસ એકસરખો જ છે’ શું ખરેખર સાચો છે? દરેક માણસ ક્યારેય એકસરખો હોઈ શકે જ નહીં. લોકશાહી આવકાર્ય છે. રૂડીરૂપાળી છે, પણ એટલીબધી નબળી છે કે બાહુબળિયાઓ એને વીંખી નાખે એનું ધ્યાન રાખવું પડે. આમાં લોલેલોલ ન ચાલે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

columnists dinkar joshi